Saturday, February 18, 2017

ઓળખ અને ઓસ્કરઃ ‘મૂનલાઈટ’ અપસેટ સર્જશે?

Sandesh - Sanskar purti - 19 Feb 2017


Multiplex 

માણસ બ્લેક હોવા ઉપરાંત ગરીબ હોય, બાપ વગરનો હોય, દિશાહીન હોય અને પાછો ગે હોય તો સમાજમાં એનું સ્થાન શું? સમાજનો પ્રશ્ન તો પછી આવે છે, સૌથી પહેલાં તો એની ખુદની નજરમાં પોતાની ઓળખ શી? 



સ્કર સિઝન પૂરબહારમાં ખીલી છે. ચૌદ-ચૌદ ઓસ્કર નોમિનેશન ઉસરડી જનાર ‘લા લા લેન્ડ’ આ વખતની મોસ્ટ હેપનિંગ ફ્લ્મિ છે, જેના વિશે આપણે વિસ્તારપૂર્વક વાત કરી ચૂકયા છીએ. છ કેટેગરીમાં નોમિનેટ થયેલી ‘લાયન’ વિશે ગયા રવિવારે વાત કરી. આજે ‘મૂનલાઈટ’નો વારો. ‘મૂનલાઈટ’ ઉપરાંત ‘અરાઈવલ’ નામની ફ્લ્મિને સેકન્ડ હાઈએસ્ટ એટલે કે આઠ-આઠ નોમિનેશન મળ્યા છે. (નોંધઃ આજના સંદેશમાં થપાયેલા આ લેખમાં એક હકીકતદોષ રહી ગયો છે. ઓસ્કર નાઈટ લાઈવ કવરેજ આપણને આવતા સોમવારે સવારે જોવા મળશે, આવતી કાલે નહીં. ક્ષમસ્વ.)  
ભલું થજો મુંબઈ એકેડેમી ઓફ્ મૂવિંગ ઔઇમેજિસ (મામી) ફ્લ્મિ કલ્બનું કે જેના લીધે થોડા દિવસો પહેલાં ‘મૂનલાઈટ’ જોવાની તક મળી. ગયા વર્ષે ઓસ્કરમાં યોગાનુયોગે એક પણ બ્લેક કલાકારને નોમિનેશન નહોતું મળ્યું. ઠીક ઠીક હોબાળો થયો હતો તેને કારણે. ‘મૂનલાઈટ’ ઓલ-બ્લેક ફ્લ્મિ છે અર્થાત્ ફ્લ્મિમાં બધ્ધેબધ્ધા બ્લેક યાને કે આફ્રિકન-અમેરિકન પાત્રો-અદાકારો છે. કોઈક સીનમાં બેકગ્રાઉન્ડમાં દૂર કશેક રડયાંખડયાં ગોરા ચહેરા સ્ક્રીન પર ડોકાઈ જાય એટલું જ. અમેરિકામાં આજની તારીખેય બ્લેક હોવું એટલે શું? એમાંય માણસ બ્લેક હોવા ઉપરાંત ગરીબ હોય, બાપ વગરનો હોય, દિશાહીન હોય અને પાછો ગે હોય તો સમાજમાં એનું સ્થાન શું? સમાજનો પ્રશ્ન તો પછી આવે છે, સૌથી પહેલાં તો એની ખુદની નજરમાં પોતાની ઓળખ શી? ઓળખ, આઈડેન્ટિટી – આ ‘મૂનલાઈટ’ની આ કેન્દ્રીય થીમ છે. ફ્લ્મિમાં સોશિયલ આઇડેન્ટિટી, સેકસ્યુઅલ આઇડેન્ટિટી અને ઇમોશનલ આઇડેન્ટિટીની વાત થઈ છે.
ફ્લ્મિ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પ્રત્યેક હિસ્સો શાઈરોન નામના પાત્રના જીવનનાં ત્રણ અલગ-અલગ તબક્કાઓની વાત કરે છે. પહેલા હિસ્સામાં શાઈરોન નવ-દસ વર્ષનો છોકરો છે. માયામી શહેરની ગરીબ આફ્રિકન-અમેરિકન વસાહતમાં પોતાની મા સાથે રહે છે. માને નશીલી ડ્રગ્ઝની લત લાગી ગઈ છે. સ્કૂલમાં તોફની છોકરાઓ એને ચીડવ્યા કરે છે, હેરાન કરતા રહે છે. આ બધાને કારણે શાઈરોન કરમાઈ ગયો છે, કુંઠિત થઈ ગયો છે. એ બહુ જ ઓછું બોલે, ઓછું હસે. મોટી મોટી ઉદાસ આંખોથી એ બધું જોયા કરતો હોય.
એક વાર જુઆન નામના માણસ સાથે એનો ભેટો થાય છે. જુઆન (મહેર્શલા અલી, જે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું નોમિનેશન મેળવીને દેવ ‘લાયન’ પટેલ સાથે સ્પર્ધામાં છે) સસ્તી નશીલી દવાઓ વેચવાનો ધંધો કરે છે. શાઈરોનની માને એ જ ડ્રગ્ઝ સપ્લાય કરે છે, પણ એ દુષ્ટ માણસ નથી. ઊલટાનો, એ એટલો માયાળુ છે કે શાઈરોન માટે લગભગ ફધરફ્ગિર જેવો બની જાય છે. એક વાર શિરોન એને પૂછે છે, ‘તમે ડ્રગ્ઝ વેચો છો?’ જુઆન માથું નીચું ઢાળીને હા પડે છે. શિરોન બીજો સવાલ કરે છે, ‘ફેગટ એટલે શું?’ ફેગટ બોલચાલમાં વપરાતો અમેરિકન શબ્દ છે, જે હોમોસેકસ્યુઅલ લોકો માટે ગાળ તરીકે વપરાય છે. ફેગટનો મતલબ સ્ત્રૈણ થાય. નાનકડા શાઈરોનના કાને આ શબ્દ કેટલીય વાર પડયો છે, કેમ કે સ્કૂલના છોકરાઓ એને કાયમ આ નામથી ચિડાવ્યા કરતા.

ફ્લ્મિના બીજા હિસ્સામાં શાઈરોન લાંબો-પાતળો ટીનેજર બની ગયો છે. બોલચાલમાં એ બિલકુલ નોર્મલ છે, ચાલઢાલમાં સ્ત્રૈણ તો એ કયારેય નહોતો ને અત્યારેય નથી, પણ હજુય એ પહેલાં જેવો ઓકવર્ડ જરૂર છે. એની માનું ડ્રગ્ઝનું બંધાણ હદ બહાર વધી ગયું છે. દીકરાનો વ્યવસ્થિત ઉછેર કરી શકે એવી એની હાલત જ રહી નથી. શાઈરોનને કેવિન નામનો એક હમઉમ્ર દોસ્તાર છે. બંને વચ્ચે દોસ્તી તો છે જ, પણ એ સિવાય પણ કશુંક છે જે શાઈરોનને બહુ સમજાતું નથી. એક રાતે દરિયાકિનારે શાઈરોનને સેકસનો પહેલો અનુભવ થાય છે, કેવિન સાથે. થોડા દિવસો પછી આ જ કેવિન સ્કૂલના ગુંડાઓના કહેવાથી શાઈરોનને ધીબેડે છે. શાઈરોન આ વખતે ચૂપ રહેતો નથી. સ્કૂલના એક ટપોરીને એટલો ધીબેડે છે કે શાઈરોનને પકડી જવા પોલીસે આવવું પડે છે. વૈચારિક સ્પષ્ટતા ન હોય, સમજ પડતી ન હોય, સહનશકિતની હદ આવી ગઈ હોય ત્યારે કદાચ હિંસા જ એકમાત્ર પ્રતિક્રિયા બચતી હોય છે.
હવે ત્રીજો તબક્કો. શાઈરોન જુવાન બની ગયો છે. કસરત કરી કરીને એણે ગેંડા જેવું શરીર બનાવ્યું છે. પૈસા કમાવવા માટે હવે એ ખુદ ડ્રગ સપ્લાયર તરીકે કામ કરે છે. ફ્કકડ ગિરધારી છે. એ પહેલાં કરતાં હવે વધારે રિલેકસ્ડ લાગે છે, એના ચહેરા પર હવે પહેલાં કરતાં વધારે સ્મિત આવે છે, પણ એની આંખોમાંથી હજુય પેલો વિષાદભાવ દૂર થયો નથી. એની મા રિહેબિલટેશન સેન્ટર – કમ – ઘરડાઘર પ્રકારની જગ્યામાં રહે છે. શાઈરોન એકવાર માને મળવા જાય છે. માને એ વાતની ભરપૂર પીડા છે કે પોતે દીકરાને સરખી રીતે ઉછેરી ન શકી. મા-દીકરો એકમેકને વળગીને ખૂબ રડે છે. શાઈરોનને મા પ્રત્યે ખૂબ ગસ્સો હતો, પણ એ એને માફ્ કરી દે છે.
એક રાતે શાઈરોનનો ફોન રણકે છે. સામે છેડે કેવિન છે, એનો બાળપણનો મિત્ર. વર્ષો પછી બંને મળે છે. કેવિન હવે એક રસ્ટોરાંમાં કામ કરે છે. એ પણ એકલરામ છે. રાત્રે રસ્ટોરાં બંધ કરીને કેવિન શાઈરોનને પોતાને ઘેર લઈ જાય છે. લગભગ આખી જિંદગી જાતજાતના કરણોસર અંદરઅંદર ઘૂંટાઈને જીવેલો શાઈરોન દોસ્તાર સમક્ષ પોતાની લાગણી વ્યકત કરે છેઃ તારા સિવાય આજ સુધી બીજા કોઈએ મારા શરીરને સ્પર્શ કર્યો નથી. બસ, આ સૂચક ડાયલોગ પર ફ્લ્મિ પૂરી થાય છે.
‘મૂનલાઈટ’ ફ્લ્મિમાં દુનિયાભરમાં અઢળક વખાણ થઈ રહૃાા છે. રિવ્યૂઅરો તો એના પર ઓળઘોળ થઈ ગયા છે. બહુ જ પર્સનલ અને છતાંય યુનિવર્સલ અપીલ ધરાવતી આ આર્ટહાઉસ ફ્લ્મિનું બજેટ કેટલું હતું, જાણો છો? માત્ર પાંચ મિલિયન ડોલર એટલે કે પૂરા ચોત્રીસ કરોડ રૂપિયા પણ નહીં. આપણા બોલિવૂડની બી-ગ્રેડ ફ્લ્મિોનું બજેટ આજકાલ આના કરતાં વધારે હોય છે. ફ્લ્મિના ડિરેકટર બેરી જેનકિન્સ ખુદ આફ્રિકન-અમેરિકન છે. તમામ એકટરો પાસેથી એમણે ગજબના નેચરલ પરફેર્મન્સીસ એમણે કઢાવ્યા છે. એક જ કિરદાર જ્યારે અલગ-અલગ ઉંમરના ત્રણ એકટરો ભજવતા હોય ત્યારે પાત્રાલેખનનું સાતત્ય જાળવી રાખવું ખૂબ પડકારજનક પુરવાર જાય. આ મામલામાં આ ફ્લ્મિને પૂરેપૂરા માર્ક્સ આપવા પડે. સ્થળકાળ અને એકટરો બદલાતા રહે છે, પણ પાત્રનો ગ્રાફ્ સતત સુરેખ રહે છે, બલકે, વધારે વેલ-ડિફઈન્ડ બનતો જાય છે. સ્કૂલની મારામારી, દીકરા પર ક્રોધે ભરાતી મા, ડાઈનિંગ ટેબલ પર ત્રુટક-ત્રુટક વાકયોમાં થતી વાતો, રેસ્ટોરાંમાં ખાણીપીણી કરતાં દોસ્તારો… ફ્લ્મિમાં જે ઘટનાઓ દેખાડી છે એમાંની આવી મોટા ભાગની પહેલી નજરે સાવ મામૂલી લાગે, પણ હકીકત એ છે કે આ તમામ દશ્યો ‘લોડેડ’ છે. રોજિંદા જીવનની ઘટનાઓ જ આખરે અનુભવોમાં પરિવર્તિત થતી હોય છેને.
‘મૂનલાઈટ’ કોઈ ચુકાદો તોળતી નથી, કોઈ તારણ પર આવતી નથી. ડિરેક્ટર પાત્રોના સુખ-દુખ-પીડા-વિષાદની ક્ષણોને યથાતથ આપણી સામે મૂકી દે છે. સાચું શું, ખોટું શું, નૈતિક કોને કહેવું, અનૈતિક કોને કહેવું એવી બધી ભાંગજડમાં ફ્લ્મિ પડતી નથી. કુદરતના દરબારમાં આમેય કયાં કોઈ ખુલાસા કરવા આવતું હોય છે? કયાં બધું ન્યાયપૂર્ણ હોય છે?
વેલ, આ બધું બરાબર છે, સુંદર છે, વખાણવાલાયક છે, પણ ફ્રેન્કલી, ખૂબ બધી અપેક્ષાઓ લઈને (‘ખૂબ બધી અપેક્ષાઓ’ નીચે અન્ડરલાઈન) ગયેલા આ લખનારાને ફ્લ્મિ જોઈએ એવી ‘અડી’ નહીં. એ તર-બ-તર થયો નહીં. ‘લા લા લેન્ડ’ જેવી ફ્લ્મિો એવી હોય છે જે પહેલી જ વારમાં તમને પુલકિત કરી નાખે, પણ ‘મૂનલાઈટ’ કદાચ એવી ફ્લ્મિ છે, જેના સૌંદર્યને પૂરેપૂરા અંદર ઉતારવા માટે બીજી વાર જોવી પડે. ભલે, જોઈશું. બાકી ઓસ્કરના સંદર્ભમાં વાત કરીએ તો ‘મૂનલાઈટ’ એક પોલિટિકલી કરેકટ ફ્લ્મિ છે. આ વખતના ઓસ્કર સમારોહમાં ‘મૂનલાઈટ’ અપસેટ સર્જે તો જરાય નવાઈ ન પામવી.
0 0 0 

No comments:

Post a Comment