Friday, February 17, 2017

હું લખું છું ત્યારે જ સાચું જીવું છું, સવાયું જીવું છું

ચિત્રલેખા -  ડિસેમ્બર ૨૦૧૬

વાંચવા જેવું 

'મેડિકલ સાયન્સમાં ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે.'
                                                       


જુદા જુદા ક્ષેત્રમાં માનભર્યું સ્થાન પામેલા ગુજરાતી મહાનુભાવો સહેજ અટકીને, પાછું વળીને, જીવાયેલા જીવનનું સિંહાવલોકન કરે અને પોતાનાં સત્યોને પ્રવચનમાં પરોવીને લોકો સામે પેશ કરે.... આ આખી વાત જ કેવી રોમાંચક છે! કોફી મેટ્સ અને વિકલ્પ જેવી સંસ્થા તેમજ મુબંઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહિયારા પ્રયાસથી ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન આ પ્રવચનશ્રેણીને આકાર આપવામાં આવ્યો હતો. એ એટલી અદભુત પૂરવાર થઈ કે એનું લિખિત શબ્દોમાં અવતરવું અનિવાર્ય બની ગયું હતું. ચિક્કાર જહેમતને અંતે તૈયાર થયેલું આ રુપકડું પુસ્તક પ્રવચનશ્રેણી જેવું જ અફલાતૂન છે.

 કેટલી સરસ વ્યક્તિઓ ને કેવી મજાની વાતો. એક યા બીજા મુદ્દે અદાલતમાં થતી જાહેર હિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન) વિશે આજે સમાચારોમાં અવારનવાર સાંભળતા-વાંચતા રહીએ છીએ. ભારતીય ન્યાયતંત્રમાં આ વ્યવસ્થાને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર હસ્તી એટલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પ્રફુલ્લ એન. ભગવતી. ગરીબ યા સાધારણ માણસને વકીલની મોંઘીદાટ ફી પરવડે એટલે એ ન્યાયતંત્ર પાસે જઈ ન શકે એ કેવી રીતે ચાલે? આજે કોઈ વ્યક્તિ કે જૂથને એમ લાગતું હોય કે એમના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે તો એ પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે પગલાં ભરવાની માગણી કરવા જાહેર હિતની અરજી કરી શકે છે. આ કાર્યપ્રણાલીનું બાંગ્લાદેશ અને નેપાળમાં અનુસરણ કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકામાં તો બંધારણીય કાયદામાં એનો સમાવેશ કરવામાં આવ્યોે.

 ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનિત થઈ ચુકેલા પ્રફુલ્લ એન. ભગવતીની આધ્યાત્મિકતા તરફની ગતિ પણ ધ્યાન ખેંચે છે. ક્ેટલાય સંત-સ્વામીનો સત્સંગ કરી ચુકેલા આ ભૂતપૂર્વ કાયદાવિદ છે કે આધ્યાત્મિક જીવન માણસનો અંતિમ આત્મોદ્ધાર છે.

 જીવનના છેડો સામે દેખાતો હોય ત્યારે સામાન્યપણે લોકો પોતાની સિદ્ધિઓના લેખાજોખા કરતા હોય છે, પણ વિખ્યાત કથાકાર મોરારિબાપુને ‘સિદ્ધિ’ શબ્દ ગમતો નથી. એ કહે છે, આ દેશને સિદ્ધોની નહીં, શુદ્ધોની જરુર છે. એ જ પ્રમાણે બાપુને ‘સત્યનો જ જય થાય’ એ સૂત્ર પણ ગમતું નથી. સત્યને વળી જય અને પરાજય સાથે શું લેવાદેવા?


 હૃદયરોગ નિષ્ણાત ડો. તુષાર શાહનું વકતવ્ય જેટલુ હૃદયસ્પર્શી છે એટલું જ વિચરતા કરી મૂકે એવું છે. એ કહે છે:

 ‘હૃદયની શસ્ત્રક્રિયાને હું મહાભારત સાથે સરખાવું છું. જે અહીંયા છે તે જ જિંદગીમાં છે અને જે જિંદગીમાં નથી એ અહીંયા નથી. વિસ્મય, ચમત્કાર, પ્રેમ, લાગણી, આનંદ અને દુખ - બધાંની પરિસીમા, શક્તિનો અહેસાસ અને સાથે સાથે નિ:સહાયતાનો વારંવાર થતો અનુભવ... અહીં પેશન છે તો સંપૂર્ણ વ્યાપારીકરણ પણ છે... એક બાજુ સંપૂર્ણ વ્યવસ્થા અને બીજી બાજુ અંધાધૂંધી, કટોકટી અને સંપૂર્ણ અવ્યવસ્થા જેમાંથી સંપૂર્ણ વ્યવસ્થા શોધવાના પ્રયત્નો કરવાના. આ બધાએ મને ઘણું બધું શીખવ્યું. ૩૦ વર્ષની અંદર હજારો દર્દીઓની સારવાર કરી મેં એમનાં ભવિષ્ય બદલ્યાં અને એમણે મારું ભવિષ્ય બદલ્યું.’  


 માનવશરીર એટલે કુદરતના લાખા વર્ષોના પ્રયોગને અંતે તૈયાર થયેલું એક જીવંત યંત્ર. એની સામે માંડ ત્રણસો-ચારસો વર્ષની ઉંમર ધરાવતા આધુનિક તબીબીશાસ્ત્રની શી વિસાત? આમ છતાંય હું મેડિકલ સાયન્સને કંઈ ઊતરતું ગણતો નથી એમ કહીને ડો. તુષાર શાહ કહે છે કે હજુ ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે. ડોક્ટર કહે છે:

 ‘ ધીરે ધીરે હું સમજ્યો કે કોઈ પણ વસ્તુ નવી આવે તો તેને જલદી સ્વીકારવી નહીં અને છેક છેલ્લી છોડવી નહીં. ડહાપણ કરતાં વિજ્ઞાનને, આર્ટ કરતાં સાયન્સને અને કોમન સેન્સ કરતાં ચતુરાઈને વધારે મહત્ત્વ આપવું નહીં.’

 સાહિત્યકાર મધુ રાયનું વકતવ્ય એમના લખાણ જેટલું જ ચટાકેદાર છે. કહે છે:

 ‘અનેક ઇનસિક્યોરિટીઝ, ઘેલછાઓ ને વિરોધાભાસથી ખખડતી મારી ખોપરી, મારું ખોળિયું, જીવનના રસ્તે કદી રેવાલ ચાલે ચાલ્યું નથી...આ જૈફ વયે પણ હજુ સ્પષ્ટ નથી કે હું કયા પેશામાં પાવરધો છું... મેં જિદગીની અસહ્ય, અક્ષમ્ય ને કરપીણ ભૂલો કરી છે, અને અનેક વાર દગાનાં ખંજર ખાધાં છે, અને દુખના ગોવર્ધન વેંઢાર્યા છે... જીવનનો મોટો ધોખો છે કે, મને સંતાન નથી. મારા રક્તની રેખા મારા ખોળિયા પાસે આવીને અટકી જાય છે... લેખક તરીકે યથેચ્છ આદર પામ્યા બાદ હું શું શું નથી તેનો સતત અણસાર છે, પણ મને સહેજ પણ ખ્યાલ નથી કે મૈં કૌન હૂં, કે હજાર હાથવાળા દ્વારા આ પૃથ્વી ઉપર શાથી મોકલવામાં આવ્યો છું. એટલી જાણ છે કે હું લખું છું ત્યારે જ સાચેસાચ જીવું છું, સાચું જીવું છું, સવાયું જીવું છું.’

 નારાયણ દેસાઈ,  અશ્ર્વિની ભટ્ટ, ડો. મનુભાઈ કોઠારી, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, ગુણવંત શાહ સહિતના પચ્ચીસ ઉત્તમ વક્તાઓનો આખો અન્નકોટ સામે હોય ત્યારે એમાંથી કઈ વાનગી પેશ કરવી ને કઈ ન કરવી. બોલાયેલા પ્રવચનને જ્યારે છપાયેલા લેખનું સ્વરુપ  આપવાનું હોય ત્યારે એને ભાષાકીય શિસ્તની ગળણીમાંથી એકથી વધારે વખત ગાળવું પડે. અત્યંત કડાકૂટભર્યું કામ છે આ. અલકેશ પટેલના સહયોગથી કાન્તિ પટેલે આ કામ અત્યંત સુંદર રીતે કરી શક્યા છે. વર્ષો પહેલાં કાન્તિ પટેલ દ્વારા સંપાદિત ‘દીકરી વહાલનો દરિયો’ એક સીમાચિહ્નરુપ પુસ્તક સાબિત થયું છે. એમના આ સંપાદનમાં પણ એવરગ્રીન પૂરવાર થવાનું એવું જ કૌવત છે. અ મસ્ટ રીડ.

0 0 0  

 અલ્પવિરામ- જો આ હોય મારું અંતિમ પ્રવચન   
સંપાદક: કાન્તિ પટેલ
પ્રકાશન: અરુણોદય પ્રકાશન ગાંધીરોડ, અમદાવાદ-૧ 
 ફોન: (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  Rs. ૩૭૫ /
  પૃષ્ઠ: ૨૫૮
 ૦ ૦ ૦ 

No comments:

Post a Comment