Thursday, September 4, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૮૬ : ‘કાસ્ટ અવે’

Mumbai Samachar - Matinee - Aug 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો 

ફિલ્મ ૮૬  : ‘કાસ્ટ અવે’

અકેલે હૈ... ચલે આઓ... જહાં હો


આજે એક મોડર્ન ક્લાસિકની વાત કરવી છે. પૂરેપૂરી શક્યતા છે કે ટોમ હેન્કસની આ અપ્રતિમ ફિલ્મ તમે ઓલરેડી એક કરતાં વધારે વખત જોઈ ચુક્યા હો. 

ફિલ્મમાં શું છે?

ચક નોલેન્ડ (ટોમ હેન્ક્સ) એક મધ્યવયસ્ક અમેરિકન આદમી છે. જાણીતી ઈન્ટરનેશનલ કુરિયર કંપની ફેડએક્સમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. કામના ભાગ રૂપે એણે સતત દુનિયાભરના દેશોમાં ઊડાઊડ કરતાં રહેવું પડે છે. ચક એટલો સિન્સિયર અને બિઝી માણસ છે કે પોતાની લિવ-ઈન ગર્લફ્રેન્ડ કલી (હેલન હન્ટ) પ્રત્યે ભરપૂર પ્રેમ હોવા છતાં તેની સાથે વિધિસર લગ્ન કરવાનો સમય ફાળવી શકતો નથી. જોકે આખરે એક વાર એક બિઝનેસ ટ્રિપ પર જતાં પહેલાં એ કલીને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી દે છે. બસ, પાછા આવ્યા બાદ તરત લગ્ન કરી લેવાંની ગણતરી છે.

ફેડએક્સના કાર્ગો પ્લેનમાં ચક ઉપરાંત ફક્ત ક્રૂના સભ્યો જ છે. રાત્રે અચાનક પ્લેન ભયાનક તોફાનમાં સપડાઈ જતાં દરિયામાં ખાબકે છે. માંડ માંડ પાણીની સપાટી પર આવેલા ચકના હાથમાં રબરનો તરાપો યા તો લાઈફ-રાફ્ટ આવી જાય છે. ઊંચા ઉછળતાં મોજાં વચ્ચે એનો તરાપો હાલકડોલક થતો રહે છે. બેહોશ થઈ ગયેલા ચકની આંખો ખૂલે છે ત્યારે એ જુએ છે કે એ કોઈ અજાણ્યા ટાપુના કિનારા પર ફેંકાયેલો પડ્યો છે. ચકનો ચમત્કારિક બચાવ થઈ ગયો, પણ કાર્ગો પ્લેનના ક્રૂ મેમ્બર્સનો કોઈ પત્તો નથી. હા, કુરિયરનાં કેટલાંક પાર્સલો એની સાથે ટાપુ પર જરૂર તણાઈ આવ્યો છે.કમ્યુનિકેશનનું કોઈ જ સાધન ચક પાસે નથી. હવે શરુ થાય છે અસ્તિત્વ ટકાવી રાખવાનો જીવલેણ સંઘર્ષ. ચકે કુરિયરનાં પાર્સલો ખોલવા પડે છે. કોઈકમાં આઈસ સ્કેટ્સ છે. કોઈકમાં કપડાં છે. એકાદમાંથી વોલીબોલ નીકળે છે. એક ડેકોરેટડ પાર્સલને એ કોણ જાણે કેમ ખોલતો નથી. આગ પેટાવવાની કોશિશ કરતાં એના હાથમાં લોહી નીકળી આવ્યું હતું. પોતાના જખ્મી હાથના લોહીથી એ વોલીબોલ પર માણસના ચહેરા જેવી આકૃતિ બનાવે છે. એને નામ આપે છે, વિલ્સન. હવે આગામી ચાર વર્ષ દરમિયાન આ નિર્જીવ વિલ્સન જ ચકનો જોડીદાર બની રહેવાનો છે.

ચક સમજે છે કે લાપત્તા થઈ ગયેલાં પ્લેનની તલાશ કરવાની કોશિશ થઈ હશે તો પણ પાંચ લાખ ચોરસ માઈલના વિરાટ ઈલાકાને ફંફોસીને આ ટાપુ પરથી પોતાને શોધી કાઢવાનું લગભગ અશક્ય છે. દે-ઠોક કરીને એ ટાપુ પર જીવન ઊભું કરી લે છે. આગ પેટાવવી, દરિયામાંથી કરચલાં પકડીને પકવવા, નાળિયેરનું પાણીપીવું, નાની ગુફામાં ઘર બનાવીને રહેવું આ બધું ચક શીખી લે છે. સમય વીતતો જાય છે. અઠવાડિયા, મહિના, એક વરસ, બે વરસ, ચાર વરસ... દુનિયાથી કપાઈ ગયેલો ચક જેમતેમ કરીને ટકી રહ્યો છે. શરીર સૂકાઈને કાંટા જેવું થઈ ગયું છે. દાઢી વધી ગઈ છે. વાતો કરવા માટે કેવળ વિલ્સન વોલીબોલ છે. યાદ કરવા માટે પ્રેમિકા છે. કદાચ આ બન્નેને લીધે જ ચકની માનસિક સમતુલા જેમતેમ સચવાઈ રહી છે. મોજાં ક્યારે કઈ દિશામાં વહેશે તેની કાચી ગણતરી કરીને એ એકવાર તરાપા જેવું બનાવી દરિયામાં કૂદી પડે છે. ટાપુ પર આ રીતે મરવા કરવા કરતાં જીવવાની કોશિશ કરતાં કરતાં કેમ ન મરવું. પહેલો પ્રયત્ન નિષ્ફળ જાય છે, પણ બીજા પ્રયત્ને એ ટાપુના ઊછળતાં મોજાં પાર કરીને આગળ નીકળી જાય છે. એણે તરાપા પર પેલા વિલ્સનને બાંધ્યો છે. પેલું ખોલ્યા વગરનું ફેડએક્સનું પાર્સલ પણ સાથે લીધું છે.

અનંત મહાસાગરમાં એનો ટચુકડો તરાપો અથડાઈ-કૂટાઈ રહ્યો છે. દરમિયાન પેલો વિલ્સન વોલીબોલ પાણીમાં ઉછળીને દૂર સરકી જાય છે. ચકનું ધ્યાન જાય છે ત્યાં સુધીમાં તે ખાસ્સો એવો દૂર જતો રહે છે. જાણે કોઈ સ્વજનને ગુમાવી

દીધું હોય એમ ચક મોંફાટ રડે છે. કોણ જાણે કેટલાય દિવસ ચકે તરાપા પર પસાર કરે છે. આખરે એક કાર્ગો શિપ બાજુમાંથી પસાર થાય છે. એ ચકને બચાવી લેવામાં આવે છે.

ચક પાછો અમેરિકા આવે છે. કંપની એનાં અણધાર્યા આગમનના માનમાં પાર્ટી રાખે છે. ચકને ખબર પડે છે કે આ ચાર વર્ષમાં કલીએ લગ્ન કરી લીધાં છે અને એને એક દીકરી પણ છે. કલીનો હસબન્ડ એક સમયે ચકનો ડેન્ટિસ્ટ હતો. ચક કલીના ઘરે જાય છે. બધું જ બદલાઈ ગયું છે. કલીએ નછૂટકે માની લેવું પડ્યું હતું કે પ્લેન ક્રેશમાં ચક મૃત્યુ પામ્યો હશે. એણે બીજાઓના કહેવાથી લગ્ન કરી લેવા પડ્યાં હતાં. ઉદાસ ચક વિદાય લે છે ત્યાં અચાનક કલી દોડતી આવીને એને વળગી પડે છે. કહે છે, તું દુનિયામાં નથી રહ્યો એવું મેં ક્યારેય માન્યું નહોતું, મારો વન-એન્ડ-ઓન્લી-લવ તું જ હતો ને તું જ રહેવાનો છે. ચક કહે છે કે મારા પ્રેમમાં તો ક્યારેય ઓટ આવી જ નહોતી... ચકે કલીને બીજી વાર ગુમાવી દીધી છે. એ ફરી પાછો એકલતાના ટાપુ પર ફેંકાઈ ગયો છે. એનો દોસ્ત સમજાવે છે કે વાસ્તવિકતાને સ્વીકાર્યે જ છૂટકો. જિંદગીમાં લાંબા પ્લાન કર્યા કરવાનો મતલબ નથી. લાઈફમાં ક્યારે શું બનવાનું છે એની ક્યાં કોઈને ખબર હોય છે.

એક દિવસ પેલું ફેડએક્સનું પેલું ખોલ્યા વગરનું પાર્સલ લઈને ચક મોકલનારનાં સરનામા પર પાછું આપવા માટે નીકળે છે. ઘરે તાળું છે. પાછાં ફરતાં સિગ્નલ પાસે ચક અટકે છે. જીપમાં પસાર થઈ રહેલી એક સુંદર યુવતીને એ રસ્તો પૂછે છે. યુવતી દિશા ચીંધીને હસીને નીકળી જાય છે. ચકને સમજાય છે કે આ એ જ યુવતી છે જેેનું પાર્સલ લઈને એ આવ્યો હતો. ચક ચાર રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો છે. પેલી યુવતી જે માર્ગ પર ગઈ તે દિશા તરફ વળીને મુસ્કુરાય છે. જિંદગીને કદાચ નવી દિશા મળી ગઈ છે. આ પોઝિટિવ નોટ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

કમાલ છે ડિરેક્ટર રોબર્ટ ઝેમેરિક્સ અને એક્ટર ટોમ હેન્ક્સની જોડી. ૧૯૯૪માં તેઓ ‘ફોરેસ્ટ ગમ્પ’ નામની અદ્ભુત ફિલ્મ લઈને આવ્યા હતા. છ વર્ષ પછી તેઓ એટલી જ અદ્ભુત ‘કાસ્ટ અવે’ લઈને આવ્યા. ટોમ હેન્કસ આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે.

ચક નોલેન્ડ જેવા ચેલેન્જિંગ રોલ મેળવવા માટે નસીબ જોઈએ અને આવા રોલને જીવી જવા માટે જબરદસ્ત ટેલેન્ટ જોઈએ. સૌથી પહેલાં તો, એક એવરેજ ચરબીદાર અમેરિકન આદમી દેખાવા માટે ટોમ હેન્કસે ‘કાસ્ટ અવે’નું શૂટિંગ શરૂ થાય એના મહિનાઓ પહેલાં એક્સરસાઈઝ કરવાનું બંધ કરી દીધું હતું. આંકરાતિયાની માફક ખાવાનું શરૂ કરી ખાસ્સું વજન વધાર્યું. નિર્જન ટાપુ પર પહોંચીને ચક ટકી રહેવા માટેનો સંઘર્ષ શરૂ કરે છે ત્યાં સુધીનો ભાગ શૂટ થઈ ગયા પછી શૂટિંગ પૂરા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યું. હવે ટોમ હેન્ક્સે શરીરનાં હાડકાં દેખાઈ આવે એટલી હદે પાતળાં થવાનું હતું અને દાઢી વધારવાની હતી. ધાર્યો લૂક અચીવ થયો પછી શૂટિંગ પુન: શરૂ કરવામાં આવ્યું. પોતાની ફિલ્મ અને રોલ પ્રત્યે કેવી નિષ્ઠા, કેવી વફાદારી! ટોમ હેન્ક્સ અમસ્તો જ દુનિયાનો મોસ્ટ લવ્ડ એક્ટર નથી ગણાતો! અચ્છા, વચ્ચેના એક વર્ષ દરમિયાન શું રોબર્ટ ઝેમેરિક્સ અને એમની ટીમ નવરી બેસી રહી? ના. આ ગાળામાં આ જ ટેક્નિશિયનોની ટીમ સાથે રોબર્ટે ‘વોટ લાઈઝ બિનીધ’ ફિલ્મ બનાવી નાખી!

લોકો માને છે કે ‘કાસ્ટ અવે’માં ફેડએક્સ કુરિયર કંપનીનું ફાંકડું પ્રોડક્ટ પ્લેસમેન્ટ થયું છે. સચ્ચાઈ એ છે કે ફેડએક્સે ફિલ્મના પ્રોડ્યુસરોને એક ફદિયું પણ પરખાવ્યું નથી. કંપનીના સાહેબોએ શૂટિંગ શરૂ થાય તે પહેલાં સ્ક્રિપ્ટનો અભ્યાસ કર્યો હતો. એમને કશું વાંધાજનક ન લાગ્યું. ઊલટાનું, ફિલ્મમાં ફેડએક્સને ઉત્તમ કુરિયર કંપની તરીકે ઊપસાવવામાં આવી હોવાથી તેમણે પોતાનાથી બને એટલો સહયોગ આપ્યો. એક દશ્યમાં કંપનીના માલિક ફ્રેડ સ્મિથ સ્ક્રીન પર દેખા સુધ્ધાં દે છે. ફિલ્મ રિલીઝ થઈ પછી ફેડએક્સની બ્રાન્ડ વેલ્યુ ઑર ઊંચકાઈ. એશિયા અને યુરોપિયન માર્કેેટમાં બિઝનેસ વધ્યો.

ટાપુ પર ટોમ હેન્ક્સને પેલો વિલ્સન નામનો વોલીબોલ સાથ આપે છે. વિલ્સનનું પાત્ર એક સ્માર્ટ સિનેમેટિક ડિવાઈસ યા તો યુક્તિ છે. ટોમને સ્ક્રીન પર બોલતો, વાતો કરતો બતાવવો હોય તો સામે બીજું કોઈ પાત્ર ઊભું કરવું જ પડે. વિલ્સન વૉલીબોલનું નામ પણ અસલી સ્પોર્ટસ કંપની વિલ્સન સ્પોર્ટિંગ ગૂડ્સ પરથી રાખવામાં આવ્યું છે. શૂટિંગ દરમિયાન ત્રણ વોલીબોલનો ઉપયોગ થયો હતો. આ ત્રણેય વોલીબોલ પછી હરાજીમાં ખૂબ ઊંચી કિંમતે વેચાયા હતા. ‘કાસ્ટ અવે’નું શૂટિંગ ફિજીના જે મોનુરિકી નામના ટાપુ પર કરવામાં આવ્યું હતું તે ટુરિસ્ટ સ્પોટ તરીકે હોટ-એન્ડ-હેપનિંગ બની ગયો છે.

ફિલ્મ જબરદસ્ત હિટ થઈ, ખૂબ વખણાઈ. ‘કાસ્ટ અવે’એ ફિલ્મમેકિંગની કેટલીક પ્રચલિત માન્યતાઓનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો. નિર્જન ટાપુવાળો ભાગ ફિલ્મનો સૌથી પાવરફુલ હિસ્સો છે. લગભગ ચાલીસ મિનિટ જેટલી આ સિકવન્સમાં ઓછામાં ઓછા ડાયલોગ્ઝ છે. ક્યાંય સુધી સ્ક્રીન પર એક પણ શબ્દ બોલાતો નથી. ફક્ત પવન ફૂંકાતો રહે છે, દરિયો ઘૂઘવતો રહે છે. સાયલન્સનો આટલો અસરકારક ઉપયોગ ફિલ્મોમાં ભાગ્યે જ થતો હોય છે. ઓછામાં ઓછી ઘટનાઓ બનતી હોવા છતાં, પડદા પર એકનો એક માણસ દેખાતો હોવા છતાં દર્શકો બોર થતા નથી, બલકે અધ્ધર જીવે એની સ્ટ્રગલ જોયા કરે છે, એના સુખ-દુખ-નિરાશા-ઉત્તેજના સ્વયં અનુભવતા રહે છે. ઓડિયન્સને આટલો લાંબો સમય સુધી જકડી રાખવા બહુ કઠિન છે, પણ ટોમ હેન્ક્સનો અદભુત અભિનય અને રોબર્ટ ઝેમેરિક્સનું મેચ્યોર ડિરેક્શન આ જોખમી કામ અસરકારક રીતે કરી શક્યા છે. ફિલ્મના ઉત્તરાર્ધમાં ટોમ હેન્ક્સ પરિણીત પ્રેમિકાને મળીને પાછો આવે છે પછી ઉદાસ થઈને દોસ્ત સાથે વાતચીત કરે છે. આ ત્રણ મિનિટ ૪૬ સેક્ધડનો સીન વાસ્તવમાં એક પણ કટ વગરનો સળંગ શોટ છે.

‘કાસ્ટ અવે’માં હળવો ફિલોસોફિકલ રંગ છે. જીવનની અનિશ્ર્ચિતતા, મોતની અનિશ્ર્ચિતતા, સંબંધોમાં અનિશ્ર્ચિતતા... માણસે આખરે તો વિરાટ સમુદ્રના કોઈ નાનકડા ટાપુની માફક એકલા જ જીવવાનું હોય છે. હોલિવૂડની આ પહેલી ‘એક્ઝિસ્ટેન્શિયલ બ્લોકબસ્ટર’ છે. ક્યારેય ન ભુલી શકાય એવી આ માતબર ફિલ્મ વારેવારે જોવી ગમે તેવી છે.

ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : રોબર્ટ ઝેમેરિક્સ

સ્ક્રિપ્ટ : વિલિયમ બોયેલ્સ જુનિયર

કલાકાર : ટોમ હેન્ક્સ, હેલન હન્ટ

રિલીઝ ડેટ : ૨૨ ડિસેમ્બર, ૨૦૦૦

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ એક્ટર અને સાઉન્ડ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ 


0 0 0

No comments:

Post a Comment