Saturday, September 27, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - ફિલ્મ ૯૦ - ‘ઈટ્’સ અ વંડરફુલ લાઈફ’

 Mumbai Samachar - Matinee - 26 Sept 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ ફિલ્મની સુપર સક્સેસનો સઘળો જશ ખાટી જવાને બદલે ફ્રેન્ક કાપ્રા વાતને સાવ જુદી રીતે જુએ છે, ‘મારી હાલત પેલાં મા-બાપ જેવી થઈ ગઈ છે કે જેનો દીકરો દેશનો પ્રેસિડન્ટ બની ગયો હોય ને ચકિત થઈને દીકરાની પ્રગતિ જોઈને હરખાયાં કરતાં હોય! જે કંઈ કર્યું છે તે દીકરાએ પોતાની ટેલેન્ટના જોરે કર્યું છે. એક તબક્કા પછી સંતાનની પ્રગતિમાં મા-બાપનો હાથ રહેતો નથી. મેં પણ ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ બનાવીને પબ્લિક સામે મૂકી દીધી હતી. પછી ફિલ્મ એની મેળે પ્રોગ્રેસ કરતી ગઈ!’ 
પ્રેરણાદાયી લખાણ હોય, નાટક હોય કે ફિલ્મ - જો તે બોદું નહીં પણ ખરેખર સત્ત્વશીલ હશે, તેમાં ઉપદેશનો ભાર નહીં પણ એન્ટરટેનિંગ વેલ્યુ હશે ને હસતાંરમતાં ગહન વાત કહેવાઈ હોય તો આવી કૃતિ પોપ્યુલર બન્યા વગર રહેતી નથી. ‘ઈટ્’સ અ વંડરફુલ લાઈફ’ આ જ પ્રકારની એક ફિલ્મ છે, જેણે દાયકાઓ પછી પણ લોકપ્રિયતા ટકાવી રાખી છે. 

ફિલ્મમાં શું છે?

બેડફોર્ડ ફોલ્સ નામનું એક નાનકડું અમેરિકન નગર છે. ફિલ્મનો નાયક જ્યોર્જ બેઈલી (જેમ્સ સ્ટુઅર્ટ) અહીં સપરિવાર રહે છે. ખૂબ ભલો અને પરગજુ માણસ છે એ. જ્યોર્જ આ જ ગામમાં જન્મ્યો છે ને ઉછર્યો છે. નાનો હતો ત્યારે એ દુનિયા ઘૂમવાના ને દૂરદૂરના દેશો ખૂંદવાના સપનાં જોતો, પણ એનું સપનું, સપનું જ રહ્યું. એના પિતાજી એક લોન કંપની ચલાવતા હતા, જે એમના મૃત્યુ પછી જ્યોર્જને વારસામાં મળી. જ્યાર્જને આ કામ જરાય ગમતું નહોતું, પણ એને છોડી શકાય તેમ નથી. દેશ અને દુનિયામાં રખડપટ્ટી એક બાજુ રહી, આગળ ભણવા માટે પણ એ બહારગામ જઈ શકે તેમ નથી.

જ્યોર્જનાં લગ્ન એની ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ મરી (ડોના રીડ) સાથે થાય છે. ચાર સરસ મજાનાં સંતાનો જન્મે છે. જવાબદારીઓ વધતી જાય છે. જ્યોર્જે ગામના અસંખ્ય ગરીબ લોકોને ઘર ખરીદવા માટે લોન અપાવી છે. ગામમાં મિસ્ટર પોટર (લિઓનેલ બેરીમોર) નામનો લુચ્ચો બેન્કર વસે છે. એના ઈરાદા મલિન છે. જ્યોર્જ બરાબર જાણે છે કે જો હું ચાંપતી નજર નહીં રાખું તો આ બેન્કર કંઈક એવું ચક્કર ઘુમાવશે કે એને ત્યાંથી લોન લઈ ચૂકેલા ગામલોકો બરબાદ થઈ જશે. ગામ છોડીને ન જવાનું એક મોટું કારણ આ પણ છે. જ્યોર્જે સ્વીકારી લીધું છે કે ગામના ભલા માટે મારે મારી જુવાનીનો ને મહત્ત્વાકાંક્ષાઓનો ભોગ આપવો જ પડશે. સારા માણસો સાથે ઉપરવાળો ક્યાં હંમેશાં સારું જ કરે છે. જ્યોર્જ પર એક અણધાર્યું સંકટ આવી પડે છે. એક વાર લુચ્ચા બેન્કરના હાથમાં આકસ્મિક રીતે જ્યોર્જના કાકા અંકલ બિલીના આઠ હજાર ડોલર જેટલી મોટી રકમ આવી જાય છે (આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના જમાનામાં આઠ હજાર ડોલર મોટી રકમ ગણાતી). આ નાણું બેન્કમાં જમા કરાવવાનું હતું. બેન્કર આવો મોકો કેવી રીતે છોડે. એ બરાબર જાણે છે કે બેન્કમાં પૈસા જમા ન થવાથી જ્યોર્જની કંપની પર મોટું આર્થિક સંકટ આવી પડશે ને આખરે એણે દેવાળું ફૂંકવુું પડશે. અંકલ બિલી પૈસાની શોધાશોધ કરી મૂકે છે. એને સમજાતું નથી કે આટલી મોટી રકમ એણે ક્યાં ખોઈ નાખી. જ્યોર્જના ટેન્શનનો પાર નથી. એ લેવાદેવા વગર આ મામલામાં ફસાઈ ગયો છે. એ બરાબર જાણે છે કે એનું નામ હવે કૌભાંડકારી તરીકે ઉછળવાનું. એણે જેલમાં જવું પડશે ને એ બદનામ થઈ જશે. બધા રસ્તા બંધ થઈ ગયા છે. ક્રિસમસના દિવસે ફ્રસ્ટ્રેશનમાં આવીને એ એક બારમાં ખૂબ દારૂ ઢીંચીને આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે. એ વિચારે છે કે હું જીવીશ તો જેલમાં જઈશ, મારો પરિવાર રખડી પડશે. પણ જો હું મરીશ તો ઈન્શોરન્સ કંપની તરફથી મળનારા પૈસાથી મારાં બીવી-બચ્ચાંનો ગુજારો થશે. એ પુલ પરથી કૂદે એ પહેલાં જ એ કોઈ અજાણ્યો આદમી પાણીમાં ઝંપલાવી દે છે. એ ડૂબવા માંડે છે. જ્યોર્જ બધું ભૂલીને એને બચાવી લે છે. એ આદમીનું નામ ક્લેરન્સ ઓડબોડી (હેનરી ટ્રાવર્સ) છે. એ સ્મિતપૂર્વક કહે છે કે ભાઈ જ્યોર્જ, મેં તો મરવાનું ફક્ત નાટક કર્યું હતું. હું ખરેખર એક દેવદૂત છું અને તને બચાવવા માટે સ્વર્ગમાંથી આવ્યો છું! વાસ્તવમાં ફિલ્મની શરૂઆત આ જ બિંદુથી થાય છે. અગાઉ કરેલી વાતો ફ્લેશબેકમાં આવે છે. બન્યું હતું એવું કે જ્યોર્જ અત્યંત ટેન્શનમાં હતો એટલે એના પરિવારે અને ગામના લોકોએ દિલથી ભગવાનને પ્રાર્થના કરેલી કે હે જિસસ, જ્યોર્જની મદદ કરજે, નહીં તો એ ન કરવાનું કરી બેસશે. આ પ્રાર્થના ઉપર સ્વર્ગમાં પહોંચી. ભગવાને ક્લેરન્સને આદેશ આપ્યો કે તું પૃથ્વી પર જા ને જ્યોર્જને આત્મહત્યા કરતો અટકાવ. ક્લેરન્સ જુનિયર દેવદૂત છે. એને બિચારાને હજુ પાંખો મળી નથી. જો એ જ્યોર્જને બચાવવાના મિશનમાં કામિયાબ થશે તો જ એને પાંખો મળી શકે તેમ છે!

જ્યોર્જને કેવી રીતે વિશ્ર્વાસ બેસે કે આ માણસ ખરેખર ડાયરેક્ટ સ્વર્ગમાંથી આવ્યો છે! વાતવાતમાં એ બોલે છે કે આના કરતાં હું પેદા જ ન થયો હોત તો સારું થાત. મેં મારાં સપનાંનો ભોગ આપ્યો, આખી જિંદગી લોકોની ભલાઈ માટે મહેનત કરી, પણ બદલામાં મને શું મળ્યું? બદનામી? દેવદૂત કહે છે કે જ્યોર્જ, તને ખબર છે, તું જન્મ્યો ન હોત તો ગામની શી હાલત થાત? એ પોતાની શક્તિથી ગામનું એક વૈકલ્પિક ચિત્ર ઊભું કરે છે. જ્યોર્જ જુએ છે કે ગામમાં હાલાકીનો પાર નથી. જ્યાં ત્યાં વેશ્યાવાડા પ્રકારની નાઈટક્લબો ઊભી થઈ ગઈ છે. ગરીબ લોકો બેઘર ઘૂમી રહ્યા છે ને અપરાધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જ્યોર્જના સઘળા મિત્રો-પરિચિતો અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. એની વિધવા માનો સ્વભાવ સાવ ખરાબ થઈ ગયો છે. મરીનાં લગ્ન થયાં નથી. એ સાવ નિસ્તેજ થઈ ગઈ છે ને લાઈબ્રેરિયન તરીકે કામ કરે છે. જ્યોર્જ આભો બની જાય છે. ક્લેરેન્સ એને સમજાવે છે કે, જોયું? તારા ગામની હાલત આવી થઈ નથી એનું એક માત્ર કારણ તું છે. જો તું ન હોત તો પેલા કુટિલ બેન્કરે ગામલોકોનું શોષણ કરીને તેમનું ધનોતપનોત કાઢી નાખ્યું હોત. ગામલોકો કુટેવોનો ભોગ બન્યા હોત, દારૂમાં ડૂબી ગયા હોત. જ્યોર્જની આંખો ખૂલી જાય છે. એ ક્લેરેન્સનો આભાર માને છે. જો અણીની ઘડીએ કલેરેન્સ આવ્યો ન હોત તો એણે ચોક્કસ આત્મહત્યા કરી હોત. એ આનંદપૂર્વક ઘરે પાછો ફરે છે. એની ધરપકડ માટે અધિકારીઓ તૈયાર ઊભા છે, પણ તેઓ કશું કરી શકે તેમ નથી. અંકલ બિલી અને ગામલોકો પ્યારા જ્યોર્જ માટે સ્વેચ્છાએ ફાળો એકઠો કર્યો છે. કુલ પચ્ચીસ હજાર ડોલર જેટલી રકમ જમા થઈ છે, એમાંથી આઠ હજાર ડોલર બેન્કમાં ભરી દઈને દેવું ચૂકતે કરી દેવામાં આવે છે. છતાંય એટલા બધા પૈસા વધે છે કે જ્યોર્જ રાતોરાત ગામનો સૌથી ધનિક માણસ બની જાય છે! જ્યોર્જ ધન્યતા અનુભવે છે. એને થાય છે કે મારાં સપનાં પૂરાં ન થયાં તો શું થયું, મારી જિંદગી એળે નથી ગઈ. ઈટ્’સ અ વંડરફુલ લાઈફ! આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

પુસ્તક પરથી ફિલ્મો બની છે, નાટક પરથી ફિલ્મો બની છે, છાપામાં છપાયેલા સમાચારના કટિંગના આધારે ફિલ્મો બની છે, પણ તમે કલ્પી શકો છો કે કોઈ ગ્રિટિંગ કાર્ડના આધારે આખેઆખી ફિલ્મ બની હોય? ‘ઈટ્’સ અ વંડરફુલ લાઈફ’ના કેસમાં એવું બન્યું છે. ફિલીપ વેન ડોરન સ્ટર્ન નામના લેખકે નવેમ્બર ૧૯૩૯માં ‘ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ’ નામની ટૂંકી વાર્તા લખી હતી. કોઈ લેવાલ મળ્યું નહીં આ વાર્તાનું. ક્ેટલાંય છાપાં-મેગેઝિનમાંથી તે પાછી આવી. લેખકને થયું કે સાવ રદ્દીમાં ફેંકી દેવાને બદલે લાવને આ વાર્તાનું ગ્રીટિંગ કાર્ડ બનાવું. એણે નાનકડી પુસ્તિકા જેવું બનાવ્યું, તેની ૨૦૦ કોપી છાપી અને પછી ક્રિસમસ કાર્ડની સાથે બીડીને મિત્રો-પરિચિતને મોકલી આપી. ડિસેમ્બર ૧૯૪૩ની આ વાત. બન્યું એવું કે પુસ્તિકા સાથેનું ગ્રીટિંગ કાર્ડ હોલીવૂડના આરકેઓ સ્ટુડિયોના એક પ્રોડ્યુસરના હાથમાં આવ્યું. એ વાર્તા વાંચી ગયા. એમને ભારે રસ પડ્યો. માત્ર દસ હજારમાં વાર્તાના રાઈટ્સ ખરીદી લેવામાં આવ્યા. મૂળ આયોજન પ્રમાણે વીતેલા જમાનાના સુપરસ્ટાર કેરી ગ્રાન્ટ આમાં મેઈન હીરોનો રોલ કરવાના હતા. ત્રણ સ્ક્રિપ્ટ લખાઈ, પણ એકેયમાં જમાવટ ન થઈ. આખરે કેરી ગ્રાન્ટ કંટાળીને બીજી કોઈ ફિલ્મમાં બિઝી થઈ ગયા. દરમિયાન ફ્રેન્ક કાપ્રાના હાથમાં પેલી ટૂંકી વાર્તા આવી. તેમને તરત લાગ્યું કે આ વાતમાં દમ છે. એમણે આરકેઓ સ્ટુડિયો પાસેથી અધિકારો ખરીદી લીધા. મજાની વાત એ છે કે એમણે રાઈટ્સ પોતાની પાસે ન રાખ્યા, બલકે વાર્તાને કોઈ પણ પ્રકારના અધિકારોથી મુક્ત કરી દીધા. ત્રણ લેખકો સાથે ફ્રેન્ક કાપ્રા નવેસરથી સ્ક્રિપ્ટ લખવા બેઠા. અગાઉ લખાયેલા ડ્રાફ્ટ્સમાંથી સારી વસ્તુઓ લેવામાં આવી. ફાયનલ વર્ઝન બન્યું. કાસ્ટિંગ થયું, આખેઆખા બેડફોર્ડ ફોલ્સ ગામનો સેટ ઊભા કરવામાં આવ્યો ને ૯૦ દિવસમાં શૂટિંગ આટોપી લેવામાં આવ્યું. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એને મિક્સ્ડ રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસ પર તે ધમાલ ન મચાવી શકી. ઈન ફેક્ટ, તે પ્રોડક્શન કોસ્ટ પણ કાઢી ન શકી. એને ટેક્નિકલ અચીવમેન્ટનો એક ઓસ્કર અવોર્ડ ને પાંચ કેટેગરીમાં ઓસ્કર નોમિનેશન મળ્યાં. તે વર્ષે ‘ધ બેસ્ટ યર્સ ઓફ અવર લાઈવ્ઝ’ ફિલ્મે ઓસ્કરમાં સપાટો બોલાવ્યો હતો. અલબત્ત, ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ના નસીબમાં મોડી તો મોડી, પણ કીર્તિ જરૂર લખાયેલી હતી. આ ફિલ્મની મૂળ વાર્તા જ નહીં, બલ્કે ફિલ્મ પર કોઈનો કોપીરાઈટ નથી. જેણે એનું જે કરવું હોય તે કરી શકે. આથી ટીવી ચેનલોને જલસો પડી ગયો. ચેનલોવાળા કોઈને એક ફદિયુંય ચુક્વ્યા વગર ધારે એટલી વાર ફિલ્મ ટેલિકાસ્ટ કરી શકે છે. આને લીધે ફિલ્મ કેટલીય વાર ટીવી પર દેખાડાઈ. તે એકાએક ‘રિ-ડિસ્કવર’ થઈ. ક્રિસમસની સિઝનમાં ચેનલો પર ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ ફિલ્મ ટેલિકાસ્ટ થાય, થાય ને થાય જ. ક્રિસમસ પર આ ફિલ્મ જોવાનો જાણે કે રિવાજ થઈ ગયો. અગાઉ ફિલ્મને વખોડનારા વિચારમાં પડી ગયા કે એવું તે શું છે આ ફિલ્મમાં કે લોકો એનાથી ધરાતા નથી. જોતજોતામાં ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ને ક્લાસિકનો દરજ્જો મળી ગયો. ફ્રેન્ક કાપ્રા અને જેમ્સ સ્ટુઅર્ટ બન્ને આને ખુદની મોસ્ટ ફેવરિટ ફિલ્મ ગણે છે. ઓડિયન્સની પેઢીઓ બદલાતી ગઈ, પણ ફિલ્મની પોપ્યુલારિટી યથાવત રહી એટલે ફ્રેન્ક કાપ્રા ખુદ આભા થઈ ગયા. ફિલ્મની સુપર સક્સેસનો સઘળો જશ ખાટી જવાને બદલે તેઓ આખી વાતને સાવ જુદી રીતે જુએ છે. કાપ્રા કહે છે, ‘મારી હાલત પેલાં મા-બાપ જેવી થઈ ગઈ છે કે જેનો દીકરો દેશનો પ્રેસિડન્ટ બની ગયો હોય ને ચકિત થઈને દીકરાની પ્રગતિ જોઈને હરખાયાં કરતાં હોય! જે કંઈ કર્યું છે તે દીકરાએ પોતાની ટેલેન્ટના જોરે કર્યું છે. એક તબક્કા પછી સંતાનની પ્રગતિમાં મા-બાપનો હાથ રહેતો નથી. મેં પણ ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ બનાવીને પબ્લિક સામે મૂકી દીધી હતી. પછી ફિલ્મ એની મેળે પ્રોગ્રેસ કરતી ગઈ!’ કોઈએ આ શ્ર્વેત-શ્યામ ફિલ્મનું બહુ જ નબળું કલર વર્ઝન તૈયાર કર્યું છે. વળી, એના પર પોતાના કોપીરાઈટ પણ લગાડ્યા છે. વક્રતા જુઓ. અત્યાર સુધી જે ફિલ્મ ફ્રીમાં અવેલેબલ હતી તેનું કલર વર્ઝન હવે ચેનલોવાળા ટેલિકાસ્ટ કરે છે ને પેલી એજન્સીને એના પૈસા પણ ચૂકવે છે! ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ પરથી પછી તો બે મ્યુઝિકલ નાટક બન્યાં, ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્લેરન્સ ઓડબોડી’ નામની નવલકથા લખાઈ (જેને ખરેખર તો ફેન-ફિક્શન કહેવી જોઈએ), બે ટેલિફિલ્મો બની. પછીનાં વર્ષોેમાં બનેલી કેટલીય ફિલ્મોમાં ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ની અસર જોવા મળે છે, જેમ કે જિમ કેરીની ‘બ્રુસ ઓલમાઈટી’ (જેના પરથી સલમાન ખાનને ચમકાવતી ‘ગોડ તુસી ગ્રેટ હો’ નામની નબળી હિન્દી ફિલ્મ બની છે).

આ મોટિવેશનલ પણ મજાની ફિલ્મ જોજો. ક્રિસમસની રાહ જોયા વગર જોજો. ઈટ્’સ વંડરફુલ!

ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : ફ્રેન્ક કાપ્રા 

સ્ક્રીનપ્લ : ફ્રાન્સીસ ગુડરીચ, આલ્બર્ટ હેકેટ, જો સ્વર્લિંગ, ફ્રેન્ક કાપ્રા

મૂળ વાર્તાકાર : ફિલીપ વેન ડોરેન સ્ટર્ન

કલાકાર : જેમ્સ સ્ટુઅર્ટ, ડોના રીડ, લિઓનેલ બેરીમોર, હેનરી ટ્રાવર્સ

રિલીઝ ડેટ : ૨૦ ડિસેમ્બર ૧૯૪૬

મહત્ત્વના અવોર્ડ્ઝ : ટેક્નિકલ અચીવમેન્ટ અવોર્ડ માટેનો ઓસ્કર અવોર્ડ. બેસ્ટ પિક્ચર, એક્ટર ઈન લીડીંગ રોલ, ડિરક્ટર, સાઉન્ડ અને એડિટિંગ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

0 0 0 

1 comment: