Wednesday, September 3, 2014

ટેક ઓફ : ગુજરાતી રાજયપાલો : ચંદુલાલથી વજુભાઈ સુધી

Sandesh -Ardh Saptahik Purti - 3 sept 2014

ટેક ઓફ 

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કનૈયાલાલ મુનશીને પ્રધાનમંડળમાં સામેલ નહોતા કર્યા. પોતાની નીતિઓ અથવા વિચારો સામે વિરોધ નોંધાવનારા કેટલાય બાહોશ નેતાઓને નહેરુએ રાજ્યપાલ પદે ગોઠવી લગભગ શક્તિહીન કરી દીધા હતા, પણ મુનશીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે કેવળ રબર સ્ટેમ્પ બની રહેવું મંજૂર નહોતું. તેમણે નવો શિરસ્તો દાખલ કર્યો. દર ત્રણ મહિને રાજ્યના મુખ્યમંત્રીએ ગવર્નરને કાયદેસર મળવું પડે અને પ્રશાસન સંબંધિત પરિસ્થિતિથી ગવર્નરને વાકેફ કરવા પડે!


Raj Bhavan, Kolkata

ગુજરાત સાથે સંકળાયેલાં બે રાજયપાલો તાજેતરમાં ન્યૂઝમાં છે. એક તો, કમલા બેનીવાલ, જેમનું નામ આર્થિક ગેરરીતિઓને કારણે ખરડાયું અને બીજા, તાજા તાજા કર્ણાટકના ગવર્નર બનેલા વજુભાઈ વાળા. આ ભાજપી નેતા એમની કાતિલ કાઠિયાવાડી હ્યુમર અને પુસ્તક-વિમોચનના શોખ માટે જાણીતા છે!
ભારતના કોઈ પણ રાજ્યના ગવર્નર તરીકે નિમાયેલા સૌપ્રથમ ગુજરાતી હતા, ચંદુલાલ માધવલાલ ત્રિવેદી. સૌથી પહેલા તેઓ ઓરિસાના રાજ્યપાલ બન્યા હતા (૧૯૪૬-૪૭). પંજાબના સર્વપ્રથમ રાજ્યપાલ બનવાનું બહુમાન તેમણે મેળવ્યું હતું (૧૯૪૭-૧૯૫૩). એ જ રીતે આંધ્રપ્રદેશના સૌથી પહેલા રાજ્યપાલ તરીકે પણ તેઓ જ નિયુક્ત થયેલા (૧ ઓક્ટોબર, ૧૯૫૩થી ૧ ઓગસ્ટ, ૧૯૫૭). જાતજાતની બ્રિટિશ પદવીઓ મેળવી ચૂકેલા આઈએએસ ઓફિસર ચંદુલાલને ૧૯૫૬માં પદ્મવિભૂષણનો ખિતાબ આપવામાં આવ્યો હતો. કપડવંજમાં જન્મેલા અને ઉછરેલા ચંદુલાલે નિવૃત્ત થયા પછીનું શેષ જીવન વતનમાં જ ગાળ્યું હતું.
ગવર્નર પદે નિમાયેલા સંભવતઃ સૌથી વિખ્યાત ગુજરાતી કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનેલા. મુનશી સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે જ, પણ તેમની બિનસાહિત્યિક સિદ્ધિઓ પણ ચક્કર આવી જાય એવી પ્રભાવશાળી છે. ભારતીય વિદ્યા ભવનની સ્થાપના એમણે કરી હતી. મુંબઈમાં આજે પણ શિક્ષણ અને કલા ક્ષેત્રે ભારતીય વિદ્યા ભવન મુઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. આઝાદી પહેલાં બોમ્બે સ્ટેટના ગૃહપ્રધાન બન્યા, આઝાદી પછી તરત હૈદરાબાદ સ્ટેટના એજન્ટ-જનરલ બન્યા, સાંસદ રહ્યા, કેન્દ્રીય અન્નમંત્રી તરીકે જવાબદારી સંભાળી અને છેલ્લે યુપીના રાજ્યપાલ તરીકે નિમાયા. કોણ કહે છે કે મન પર બીજો કોઈ ભાર ન હોય અને સંપૂર્ણ એકાગ્રતા હોય તો જ સાહિત્યનું સર્જન શક્ય છે?

Kanaiyalal Munshi

 ૧૯૫૨માં દેશમાં પહેલી વાર જનતા દ્વારા ચૂંટાયેલી સરકારની રચના થઈ હતી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જોકે મુનશીને પ્રધાનમંડળમાં સામેલ નહોતા કર્યા. પોતાની નીતિઓ અથવા વિચારો સામે વિરોધ નોંધાવનારા કેટલાય બાહોશ નેતાઓને નહેરુએ રાજ્યપાલ પદે ગોઠવી લગભગ શક્તિહીન કરી દીધા હતા, પણ મુનશીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે કેવળ રબર સ્ટેમ્પ બની રહેવું મંજૂર નહોતું. તેમણે નવો શિરસ્તો દાખલ કર્યો. દર ત્રણ મહિને રાજ્યના મુખ્યમંત્રીએ ગવર્નરને કાયદેસર મળવું પડે અને પ્રશાસન સંબંધિત પરિસ્થિતિથી ગવર્નરને વાકેફ કરવા પડે!
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકેનાં પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મુનશીએ 'ભગ્ન પાદુકા' સહિત પાંચેક નવલકથાઓ લખી. લખનૌના રાજભવનને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. તેઓ સાહિત્ય, ચિત્રકળા, સંગીત વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા કલાકારોને રાજભવનમાં આમંત્રણ આપતા અને પુરસ્કાર આપી સન્માનિત કરતા.
મંગલદાસ પકવાસા (જન્મઃ ૧૮૮૨, મૃત્યુઃ ૧૯૬૮) મધ્યપ્રદેશ, બોમ્બે અને મૈસૂરના ગવર્નર રહી ચૂક્યા છે. ગાંધીજી સાથે તેઓ નિકટતા ધરાવતા હતા. મંગલદાસનાં પુત્રવધૂ પૂર્ણિમાબહેન પકવાસા સામાજિક કાર્યકર્તા તરીકે જાણીતાં છે. તેમને પણ ગાંધી સંસ્કારો મળ્યાં છે. દાંડીકૂચ વખતે તેઓ ૧૮ વર્ષનાં હતાં. ધરપકડ બાદ જેલમાં પુરાયાં ત્યારે કસ્તૂરબાને તેઓ અંગ્રેજી વાંચતાં-લખતાં શીખવવાની કોશિશ કરતાં! 'ડાંગનાં દીદી'નું બિરુદ પામેલાં પૂર્ણિમાબહેનની દીકરી સોનલ માનસિંહ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે બહુ જાણીતું નામ છે.
ઔર એક ગાંધીવાદી પ્રભુદાસ પટવારી ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન તામિલનાડુના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ વકીલ અને એક્ટિવિસ્ટ હતા. તેઓ મૃત્યુપર્યંત ગુજરાતની દારૂબંધીને સક્રિય સમર્થન આપતા રહ્યા.

ઔર એક નામ - વીરેન શાહ. બંગાળના ગવર્નર રહી ચૂકેલા વીરેન શાહ અને ધીરુભાઈ અંબાણી વચ્ચે એક બાબત કોમન હતી. બન્નેનાં મૂળિયાં ચોરવાડમાં છે. વીરેન શાહનો જન્મ અને ઉછેર જોકે કોલકાત્તામાં થયો હતો. ધીરુભાઈથી થોડા સમય પહેલાં થઈ ગયેલા ઉદ્યોગપતિ જીવણલાલ શાહ પંદર વર્ષની ઉંમરે કોલકાત્તા આવીને એક પારસી વેપારીને ત્યાં નોકરીએ રહી ગયેલા. ગુજરાત કરતાં અહીં પગાર સારો મળતો હતો એટલે ધીરે ધીરે પોતાના ત્રણેય ભાઈઓને કોલકાત્તા બોલાવી લીધા. અહીં તેમણે એલ્યુમિનિયમનાં વાસણોનો વેપાર શરૂ કર્યો. પછી ૧૯૧૦માં વાસણ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. દેશમાં આ પ્રકારનું આ પહેલું કારખાનું હતું, જે સમય જતાં જીવણલાલ મોતીલાલ લિમિટેડ નામથી જાણીતું બન્યું.

Viren Shah

જીવણલાલ માત્ર વેપારી માણસ નહોતા. ૧૯૧૯માં ગાંધીજી અને જમનાલાલ બજાજના સંપર્કમાં આવ્યા બાદ જીવણલાલ અને તેમના નાના ભાઈ હરખચંદ દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા. ગાંધીજીની વિવિધ કામગીરીઓ માટે મોટી આર્થિક સહાય કરી. વીરેન શાહ એટલે આ જીવણલાલના પુત્ર. ૧૯૩૪ના અરસામાં જીવણલાલ ધીકતી કમાણી કરતી પેઢી કેનેડાની કોઈ કંપનીને સોંપીને કોલકાત્તાથી વતન ચોરવાડ આવી ગયા. તે વખતે વીરેન શાહ આઠેક વર્ષના હતા.
પ્રાથમિક શિક્ષણ કોલકાત્તામાં લીધા બાદ વીરેન શાહે ભાવનગરની દક્ષિણામૂર્તિ સહિત મુંબઈ અને નાસિકની સ્કૂલોમાં અભ્યાસ કર્યો. વર્ધાની જે કોમર્સ કોલેજમાં તેઓ ભણતા હતા તેના પ્રિન્સિપાલ શ્રીમન્નારાયણ પછીથી ગુજરાતના રાજ્યપાલ બનેલા. વીરેન શાહ પિતાની માફક ઉદ્યોગપતિ તરીકે સફળ થતા ગયા. દેશની મહત્ત્વની પોલાદ કંપની તરીકે જાણીતી બનેલી મુંબઈસ્થિત મુકુંદ આયર્ન કંપનીમાં તેઓ ૨૭ વર્ષ સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે સક્રિય રહ્યા. ધીમે ધીમે તેઓ રાજકીય સ્તરે પણ ગતિશીલ બનતા ગયા. ૧૯૬૭માં જૂનાગઢ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા. ૧૯૭૭માં દેશમાં કટોકટી લદાઈ ત્યારે અનેક નેતાઓની ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. મિસા (મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ) હેઠળ જેલમાં જનારા વીરેન શાહ એકમાત્ર ઉદ્યોગપતિ હતા. મુંબઈની આર્થર રોડ જેલ તેમજ દિલ્હીની તિહાર જેલમાં તેમણે ૧૯ મહિના ગાળ્યા. કટોકટી બાદ જનતા પક્ષની સરકાર રચાઈ. જનતા પક્ષે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા.
વીરેન શાહમાં પિતાની વેપારવૃત્તિ ઉપરાંત નીતિમૂલ્યો પણ ઊતરી આવ્યાં હતાં. સૌરાષ્ટ્રના દરિયાકિનારે આગળ વધી રહેલા ક્ષારને અટકાવવા વીરેન શાહે સરકારને કેટલાંક અગત્યનાં સૂચનો કર્યાં હતાં તેમજ આર્થિક સહાય કરવાની તૈયારી પણ દેખાડી હતી. ચોરવાડના દરિયાકિનારે પવનચક્કી નાખવાની પહેલ પણ તેમણે જ કરી હતી. ૧૯૯૯માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે એમની આર્થિક સંપત્તિ ૧૩૦૦ કરોડ રૂપિયા જેટલી હતી. ૨૦૦૫ પછી તેમણે મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળ્યું. ગયા વર્ષે તેમનું નિધન થયું ત્યારે ચોરવાડની જનતાએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. 
વીરેન શાહ પછી તરત બંગાળના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળનારા પણ ગુજરાતી આદમી હતા - ગોપાલકૃષ્ણ ગાંધી. એ ગાંધીજીના પૌત્ર અને દેવદાસ ગાંધીના પુત્ર.
જુદાં જુદાં રાજ્યોના ગવર્નર પદે રહી ચૂકેલાં હજુ કેટલાંક ગુજરાતી નામો. જયસુખભાઈ હાથી, જે ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં પંજાબમાં ગવર્નરપદે સક્રિય હતા. ખંડુભાઈ કરસનજી દેસાઈ, જે ૧૯૬૮થી ૧૯૭૫ દરમિયાન આંધ્રપ્રદેશના ગવર્નર હતા. કુમુદબહેન જોશી પણ આંધ્રપ્રદેશમાં ૧૯૮૫થી ૧૯૯૦ દરમિયાન ગવર્નર રહી ચૂક્યાં છે.


ચંદુલાલ ત્રિવેદીથી શરૂ થઈને વજુભાઈ વાળા સુધી પહોંચેલી ગુજરાતી રાજયપાલોની સૂચિમાં ભવિષ્યમાં અનેક નામો ઉમેરાશે પણ એ પહેલાં છેલ્લે એક નામ યાદ કરી લઈએ. ભારતના ગઠન વખતે સૌપ્રથમ પોતાના રાજ્યને ભેળવી દેવાની વાત કરનારા ભાવનગરના રાજા પણ આઝાદ ભારતમાં ગવર્નર રહી ચૂક્યા છે. એમનું નામ કૃષ્ણકુમારસિંહ ભાવસિંહજી. એ ત્યારના મદ્રાસ અને હાલના ચેન્નાઈમાં ૧૯૪૮થી ૧૯૫૨ દરમિયાન પ્રથમ ભારતીય અને ગુજરાતી ગવર્નર બન્યા હતા.  

0 0 0 

No comments:

Post a Comment