Tuesday, July 29, 2014

ટેક ઓફ : જિંદગી ગર કુછ રહી તો નૌજવાની ફિર કહાં?

Sandesh - Ardh Saptahik Purty - 16 July 2014

ટેક ઓફ 

 "મેં ભૂખ જોઈ છે, નિરક્ષરતા અને બેકારી જોઈ છે. મેં અપમાન, અન્યાય અને અધર્મ સહ્યાં છે, પણ હું મારી આસપાસની દુનિયામાંથી જ બધું શીખ્યો છું ને હજુય શીખી રહ્યો છું. મને સારા માણસો મળ્યા, ખરાબ માણસો પણ અથડાયા,પણ સૌએ મને કંઈક ને કંઈક મૂલ્યવાન શીખવ્યું છે. જીવનમાં બધું જ શીખી શકાય છે, જો કુતૂહલવૃત્તિ સતેજ હોય અને શીખવાનું પેશન હોય તો."

Rahul Sankrityayan


વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલ ચાર ચોપડી ભણ્યા હતા, તો ઉડિયા સાહિત્યના પિતામહ ગણાતા ફકીરમોહન સેનાપતિ ફક્ત બે ધોરણ ભણ્યા હતા, તે આપણે ગયા અઠવાડિયે જોયું. આજે હિન્દી સાહિત્યજગતમાં ચમત્કાર ગણાયેલા રાહુલ સાંકૃત્યાયનથી શરૂઆત કરીએ. કદી કોલેજનાં પગથિયાં ન ચડેલા રાહુલજીને હિન્દી પ્રવાસ સાહિત્યના પિતા પણ કહેવામાં આવે છે.
૧૮૯૩માં ઉત્તરપ્રદેશના આઝમગઢમાં જન્મેલો આ અલ્પશિક્ષિત માણસ કઈ રીતે દેશવિદેશની ત્રીસ કરતાંય વધારે ભાષા શીખી ગયો અને ૧૫૦ પુસ્તકોનો લેખક બન્યો? એમનું મૂળ નામ કેદારનાથ પાંડે. ઉર્દૂ માધ્યમની પ્રાથમિક શાળાના ભણતર દરમિયાન એક શેર તેમના વાંચવામાં આવ્યો હતોઃ
સૈર કર દુનિયા કી ગાફિલ જિંદગાની ફિર કહાં?
જિંદગી ગર કુછ રહી તો નૌજવાની ફિર કહાં?
મતલબ કે દેશ-દુનિયા ઘૂમી લે ગાફિલ, આવી જિંદગી કે આવો મનુષ્ય અવતાર પછી ક્યારે મળશે? ધારો કે જિંદગીમાં વર્ષો ઉમેરાયાં તોપણ આ જુવાની ને આ જોશ ક્યાંથી મળશે? નાનકડા કેદારના ચિત્તમાં આ વાત એટલી સજ્જડ ચોંટી ગઈ કે દસ વર્ષની કાચી ઉંમરે 'દુનિયાનો પ્રવાસ' કરવા એમણે ઘર છોડી દીધું! જોકે, બનારસમાં એ ઝડપાઈ ગયા. પિતાએ એક વર્ષમાં એમનાં લગ્ન કરાવી નાખ્યાં. માત્ર લગ્ન કરવાથી ગૃહસ્થ થોડું થવાય છે? તેમણે પાછું ઘર છોડયું. આ વખતે એ કલકત્તા પહોંચી ગયા. બીમાર પડયા, પાછા ઘરે આવ્યા ને ફરી પાછો ગૃહત્યાગ! કલકત્તા તેમને ગમી ગયું હતું. અહીં કોઈ વેપારીને ત્યાં મુનિમ તરીકે રહ્યા અને જાતે અંગ્રેજી શીખી લીધું.
દેખીતું છે કે દુનિયા ઘૂમવા માગતા ફરતારામ એક જગ્યાએ પગ વાળીને બેસી ન શકે. કલકત્તા છોડીને તેઓ અયોધ્યા,મુરાદાબાદ, હરિદ્વાર થઈને કાશી પહોંચ્યા. કાશીની કોઈ પાઠશાળામાં તેઓ સંસ્કૃત શીખ્યા. ત્યારબાદ છાપરાના પારસામઠના આચાર્યના શિષ્ય બની, મઠના માહોલથી નિર્ભ્રાન્ત થઈ દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. સાથે હતા ત્રણ રૂપિયા, સંસ્કૃતનાં થોડાં પુસ્તકો,બે લંગોટી અને એક ખેસ. બે વર્ષ સુધી તીર્થસ્થળોની યાત્રા કરી. તમિલ શીખ્યા. અમુક માણસોમાં જુદી જુદી ભાષાઓ શીખવાની કુદરતી ક્ષમતા હોય છે. રાહુલજીમાં આ ક્ષમતા ઉપરવાળાએ ઠાંસી ઠાંસીને ભરી હતી. એમની પાસે તર્કશુદ્ધ વિચારી શકે તેવું દિમાગ પણ હતું, તેથી જ ઉજ્જૈનના કુંભમેળામાં જંગલીની માફક ઝઘડતા મહંતોને જોઈને સાધુજીવન પરથી તેમનું મન ઊતરી ગયું. 'મુસાફિર' નામની પત્રિકામાં પાખંડી રૂઢિવાદીઓને ઉઘાડા પાડતાં લેખો લખ્યા. પ્રવાસ ચાલતો રહ્યો. આર્યસમાજનું કેન્દ્ર ગણાતા લાહોરમાં સમાજસુધારણાનાં કામ કરી ત્યાંથી લખનૌ આવ્યા. અહીં તેમણે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. બૌદ્ધ ધર્મસ્થળોની યાત્રા કરવાની ઇચ્છા તીવ્ર બનતાં લુમ્બિની, બોધગયા, સારનાથ, નાલંદા, કુશીનગર વગેરે સ્થળોનાં દર્શન કર્યાં.
ગાંધીજીના અસહકારના આંદોલનમાં ભાગ લઈ રાહુલજી જેલ ગયા, તો જેલવાસનો સદુપયોગ નવી ભાષાઓ શીખવામાં કર્યો. ત્રીસ વર્ષની ઉંમરે તેમને હિન્દી, સંસ્કૃત, તમિલ, કન્નડ, અરબી, ફારસી, પાલી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા વત્તાઓછા પ્રમાણમાં આવડતી હતી. ૧૯૨૭માં તેમની નિમણૂક શ્રીલંકામાં બૌદ્ધ દર્શનના પ્રાધ્યાપક તરીકે કરવામાં આવી. આ એમનું પહેલું વિદેશગમન. અહીં તેમણે પાલી ભાષામાં એક કઠિન ગ્રંથ લખ્યો. બૌદ્ધ ધર્મગ્રંથોના ગહન અભ્યાસ માટે તેઓ પછી તિબેટ ગયા. વિધર્મીઓથી બચાવવા ગ્રંથોને તિબેટમાં અત્યંત દુર્ગમ જગ્યાએ મઠોમાં સંતાડી રાખવામાં આવ્યા હતા. રાહુલજી ગમે તેમ કરીને ત્યાં પહોંચી ગયા. તિબેટી ભાષા પણ શીખ્યા. પ્રભાવિત થયેલા મઠના સંચાલકોએ તેમને બૌદ્ધ ધર્મગ્રંથોની દુર્લભ હસ્તપ્રતો લઈ જવાની છૂટ આપી. આ ઓરિજિનલ બૌદ્ધ મટીરિયલનું પછી પેરિસ અને લંડનમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
૧૯૩૦માં એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. સાંકૃત ઋષિના નામ પરથી તેમણે પોતાનું નામ રાહુલ સાંકૃત્યાયન રાખ્યું. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે હવે તેમને યુરોપમાં ઘૂમવાની તક મળી. કાર્લ માક્ર્્સનાં લખાણ વાંચીને તેઓ સામ્યવાદ તરફ આકર્ષાયા. ૧૯૩૫માં જાપાન થઈને સામ્યવાદની ભૂમિ રશિયા પહોંચ્યા. ત્યારબાદ કોરિયા, મોંગોલિયા, ચીન, ઈરાન વગેરે દેશો જોયા, ત્યાં સુધીમાં તેમને 'વિશ્વપ્રવાસી'નું બિરુદ મળી ચૂક્યું હતું. માણસના જીવનમાં આખરે એ જ બનતું હોય છે જેની તેણે એકધારી તીવ્રતમ ઝંખના કરી હોય. રાહુલજી નાનપણથી દુનિયા જોવા માગતા હતા. તેઓ વિશ્વપ્રવાસી બનીને રહ્યા.
પછી તો ઘણું બધું બન્યું રાહુલ સાંકૃત્યાયનના ઘટનાપ્રચુર જીવનમાં. ૧૯૪૭માં મુંબઈમાં યોજાયેલા સાહિત્ય સંમેલનમાં તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ ઇચ્છતા હતા કે હિન્દી જ દેશની રાષ્ટ્રભાષા બને. કેટલાંક લોકોએ તેમને ઉર્દૂ વિરોધી સુધ્ધાં ગણાવ્યા. ઉર્દૂ માધ્યમમાં આઠ ચોપડી ભણેલા રાહુલજીએ એકાધિક ભાષામાં ધર્મ, તત્ત્વજ્ઞાાન, યાત્રા, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, નાટકો, નવલકથા વગેરેને લગતાં કુલ ૧૫૦ પુસ્તકો લખ્યાં. 'વોલ્ગા સે ગંગા' પુસ્તક તેમનું મૂલ્યવાન સર્જન ગણાય છે. એમની આત્મકથામાં તેમણે કરેલા અનેક પ્રવાસોનું વર્ણન શબ્દસ્થ થયું છે. જીવનની વક્રતા જુઓ. અંતિમ વર્ષોમાં સ્મૃતિદોષનો ભોગ બનવાને લીધે લખવાનું તો એક બાજુ રહ્યું, તેઓ વાંચી પણ શકતા નહોતા. ૧૯૬૩માં આ જ અવસ્થામાં તેમનું નિધન થયું.

Dr Ravuri Bharadwaja

છેલ્લે ડો. રવુરી ભારદ્વાજ વિશે ટૂંકમાં વાત કરી લઈએ. પન્નાલાલ પટેલની માફક ડો. રવુરી પણ જ્ઞાાનપીઠ એવોર્ડથી સન્માનિત થયા છે. તેલુગુ સાહિત્યજગતના આ મૂઠી ઊંચેરા લેખક પણ માત્ર આઠ ચોપડી ભણ્યા છે! અતિ દરિદ્ર કુટુંબમાં એમનો જન્મ. નાની ઉંમરથી જ કાળી મજૂરી શરૂ કરી દેવી પડી હતી. દાયકાઓ સુધી કેટલીય રાતો એમણે ભૂખ્યાપેટે વિતાવી હતી. જો જીવ સર્જનશીલ હોય તો જીવનનો સંઘર્ષ લેખન માટેનો 'કાચો માલ' બની રહે છે. રવુરી ભારદ્વાજે સત્તર વર્ષની ઉંમરથી ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધંુ હતું. ૮૬ વર્ષના આયુષ્યમાં તેમણે ૧૭ નવલકથા, ૩૭ નવલિકાસંગ્રહ, નાટકો અને બાળસાહિત્ય સહિત ૧૩૦ પુસ્તકો લખ્યાં. આમાં વિજ્ઞાાનકથાઓ પણ આવી ગઈ. તેમનું સાહિત્ય એટલી ઊંચાઈ આંબી ચૂક્યું હતું કે ત્રણ-ત્રણ યુનિવર્સિટીઓએ આ આઠ ચોપડી પાસ આદમીને ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરી!
ડો. રવુરીએ કહ્યું છે, "મેં ભૂખ જોઈ છે, નિરક્ષરતા અને બેકારી જોઈ છે. મેં અપમાન, અન્યાય અને અધર્મ સહ્યાં છે, પણ હું મારી આસપાસની દુનિયામાંથી જ બધું શીખ્યો છું ને હજુય શીખી રહ્યો છું. મને સારા માણસો મળ્યા, ખરાબ માણસો પણ અથડાયા,પણ સૌએ મને કંઈક ને કંઈક મૂલ્યવાન શીખવ્યું છે. જીવનમાં બધું જ શીખી શકાય છે, જો કુતૂહલવૃત્તિ સતેજ હોય અને શીખવાનું પેશન હોય તો.".

                                               0 0 0 

No comments:

Post a Comment