Friday, September 27, 2013

હૉલીવુડ હન્ડ્રેડ: વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ

Mumbai Samachar - Matinee - 27 Sept 2013

હૉલીવુડ હન્ડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો 


ખુદના અતીતમાં પ્રવેશીને ઘટનાક્રમને સાક્ષી ભાવે નિહાળીએ, વહી ગયેલાં જીવનનું પૃથક્કરણ 
કરીએ તો શું થાય? શક્ય છે કે જિંદગીનાં નવાં સત્યો સુધી પહોંચી શકાય! 
‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’માં આ વાત અસરકારકતાથી કહેવાઈ છે.

ફિલ્મ ૪૧ - વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ
                                                             


સ્વીડનના માસ્ટર ફિલ્મમેકર ઈન્ગમાર બર્ગમેન (૧૯૧૮-૨૦૦૭) આ શૃંખલામાં પહેલી વાર એન્ટ્રી લઈ રહ્યા છે. વિશ્ર્વના સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મમેકર્સમાં એમનું નામ છે. વિરાટ છે એમનું કાર્યક્ષેત્ર. તેમણે સિનેમા, ટલિવિઝન અને રંગભૂમિ ત્રણેય માધ્યમોમાં ચિક્કાર કામ કર્યું છે-રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે. તેમણે ૬૦ કરતાં વધારે ફિલ્મો અને ડોક્યુમેન્ટરી બનાવી છે. તેમણે ડિરેક્ટ કરેલાં નાટકોની સંખ્યા ૧૭૦ના આંકડાને પણ ઓળંગી જાય છે! આટલું વિપુલ સર્જન કરનાર ઈન્ગમાર બર્ગમેનની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’ વિશે આજે વાત કરવી છે. આ અંગ્રેજી ટાઈટલ છે. બ્લૅક-એન્ડ વ્હાઈટમાં બનેલી ફિલ્મનું સ્વિડિશ ટાઈટલ કંઈક જુદું છે.

ફિલ્મમાં શું છે?

‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’ ૫૬ વર્ષ પહેલાં બનેલી ફિલ્મ છે. એના નાયક પ્રોફેસર ઈસાકની ઉંમર છે ૭૮ વર્ષ. રિટાયર્ડ ફિઝિશિયન છે. વર્ષો પહેલાં સ્વીડનના ગ્રામ્ય વિસ્તારમાં જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરતા. વિધુર છે. ઉંમરને કારણે થોડા સનકી થઈ ગયા છે. યુકે યુનિવર્સિટીએ તેમને માનદ્ ડિગ્રી એનાયત કરવાની ઘોષણા કરી છે. બસ, આ ફંકશનના દિવસની સવારથી ફિલ્મનો પ્રારંભ થાય છે. ના, ફિલ્મની શરૂઆત ખરેખર તો ડીમ સિકવન્સથી થાય છે. પ્રોફેસર ઈસાક કોઈ નિર્જન શહેરની ગલીઓમાં ફરી રહ્યા છે. એમને ચિત્રવિચિત્ર વસ્તુઓ દેખાય છે. કાંટા વગરની ઘડિયાળ, કૉફિન લઈને દેમાર કરતી દોડી રહેલી સારથી વગરની ઘોડાગાડી, ફેકાઈ ગયેલાં કૉફિનમાંથી બહાર નીકળતો પ્રો. ઈસાકનો હમશકલ. આખું સપનું પ્રતિકારક છે. એનું અર્થઘટન એવું થઈ શકે કે પ્રોફેસર બહુ જ એકલવાયા માણસ છે. સમય હાથમાંથી સરકી રહ્યો છે અને મૃત્યુ સાવ સામે ઊભું છે. આખી ફિલ્મમાં પ્રતિકોની ભરમાર છે. પ્રો. ઈસાકની ટ્વેન્ટી ફોર-બાય-સેવન ચાકરી કરવા માટે ઘરમાં એક કરટેકર સ્ત્રી આગદા (જુલેન ક્ધિડાલ) છે. એક નંબરની ખડૂસ બાઈ છે એ પ્રોફેસર અને એની વચ્ચે કાયમ ચકમક ઝરતી રહે છે. પ્રોફેસરે એને ટપારવી પડે છે: આપણે પતિ-પત્ની નથી, યાદ રાખો. પ્રોફેસર નક્કી કરે છે કે લુન્ડ ગામે અગાઉ નક્કી કર્યા પ્રમાણે ટ્રેનમાં નહીં, બલકે રોડ રસ્તે કારમાં જવું છે. આગદા બગડે છે: તો મારે સાથે નથી આવવું! પ્રોફેસરની પુત્રવધૂ મેરીએન (ઈન્ગ્રિડ થુલીન) ઘરે રહેવા આવી છે. વર ઈવાલ્ડ સાથે એનો ઝઘડો થઈ ગયો છે. લગભગ અલગ થવાની ધાર પર પહોંચી ગયાં છે. મેરીએન પણ પ્રોફેસર સાથે કારમાં રવાના થાય છે. મેરીએનને સસરા માટે ખાસ કંઈ લાગણી નથી. એ માને છે કે બાપ-દીકરો બંને સરખા જ છે-જડ અને જક્કી.

સ્ટોકહોમથી લુન્ડ જતાં રસ્તામાં પ્રોફેસર ફંટાઈને પોતાના બાળપણના ઘર તરફ ગાડી લઈ લે છે. અહીં પહોંચતા જ યુવાવસ્થાની સ્મૃતિઓ એમને ઘેરી વળે છે. દસ-દસ પિતરાઈ ભાઈ બહેનોથી ઘર કાયમ ગાજતું રહેતું. પ્રોફેસર પહેલેથી જ બહુ સિન્સિયર અને સીધી લાઈનના. કઝિન સારા (બીબી એન્ડરસન) સાથે એનાં લગ્ન થવાનાં હતાં, પણ પ્રોફેસરનો સગો ભાઈ, જે  નઠારો અને ‘બૅડ બૉય’ હતો, એણે વચ્ચે ફાચર મારી. સારાનાં લગ્ન ભાઈ સાથે થાય છે. અને પછી તેઓ છ-છ સંતાનના મા-બાપ પણ બને છે. પ્રોફેસરના જીવનનું આ પહેલું રિજેકશન. 

ખેર, કારયાત્રા આગળ વધે છે. રસ્તામાં જાતજાતના પાત્રો મળતાં રહે છે. પ્રોફેસર સૌને લિફ્ટ આપે છે. એક યુવાન છોકરી અને બે છોકરાઓ છે. આ છોકરીનું નામ પણ સારા  છે અને એક્ટ્રેસ (બીબી એન્ડરસન) પણ એ જ છે. છોકરીને બંને યુવાન પસંદ છે. જાણે પ્રોફેસરનો ભૂતકાળ ફરી આંખો સામે ભજવાઈ રહ્યો છે. એક્સિડન્ટમાં મરતાં મરતાં માંડ બચેલું એક ઝઘડાખોર કપલ મળે છે. એકબીજાને સતત ઊતારી પાડવાની તેમની ફુલટાઈમ એક્ટિવિટી છે. મેરિએન એમની તૂ-તૂ-મૈં-મૈંથી એટલી ત્રાસી જાય છે કે બંનેને અધવચ્ચે ઊતારી દે છે. કદાચ આ પણ પ્રોફેસરના લગ્નજીવનનું જ નવું વર્ઝન છે. પ્રોફેસરે પોતાની પત્નીને કોઈકની સાથે છાનગપતિયાં કરતી પકડી પાડી હતી. આ ઘટના બની ત્યાં સુધીમાં કદાચ એ એટલા કઠોર બની ચૂક્યા હતા કે એમને કશું સ્પર્શતું જ નથી. પત્નીની બેવફાઈ પણ નહીં: આટલી જલદીથી માફી મળતાં પત્ની ગિન્નાય છે. આ તે કેવો મરદ, મારાં છિનાળાં આંખ સામે જોવા છતાંય પેટનું પાણી સુધ્ધાં હલતું નથી? 
રસ્તામાં ઘણું બધું બને છે. સસરા-વહુ વચ્ચે દિલ ખોલીને વાતો થાય છે. એ પોતાની પ્રેગ્નેન્સીની વાત પણ કરે છે. પ્રોફેસરની બુઢી મા હજુ જીવે છે. એની પણ ઉડતી મુલાકાત લેવામાં આવે છે. પ્રોફેસરને તંદ્રાવસ્થામાં જાતજાતનાં સપનાં આવે છે. લુન્ડમાં માનદ ડિગ્રી એનાયત કરવાની વિધિ તદ્ન ઔપચારિક રીતે પૂરી થાય છે. કેરટેકર આગદા સવારે બગડી હતી, પણ છતાંય એ ટ્રેનમાં પ્રોફેસરની પહેલાં પહોંચી ગઈ હતી. પેલા ત્રણેય યંગસ્ટર્સ વિદાય લે છે. ચંચળ સારા કહેતી જાય છે: પ્રોફેસર, તમને હજુય ખબર નથી પડી કે હું તમને ખૂબ પ્રેમ કરું છું! 

પ્રોફેસર રાજી થાય છે. કહે છે: હું તારી આ વાત યાદ રાખવાની કોશિશ કરીશ! દીકરા ઈવાલ્ડ અને વહુ વચ્ચે પેચ-અપ થઈ જાય છે. વહુ આવીને પ્રોફેસરને કહી જાય છે: તમારી સામે મારો કોઈ વિરોધ નથી. આઈ લાઈક યુ! પ્રોફેસરના ચહેરા પર 

સંતોષ છવાય છે. પોતે જીવનમાં સાવ એકલવાયા નથી એવો સુખદ અહેસાસ તેમને થાય છે. દિવસ પૂરો થાય છે. સાથે ફિલ્મ પણ. 

કથા પહેલાંની અને પછીની

બર્ગમેને આ ફ્લ્મિની સ્ક્રિપ્ટ હોસ્પિટલમાં બિછાના પરથી લખી હતી. એ અરસામાં બર્ગમેનની કરીયર શિખર પર હતી, પણ અંગત જીવન વેરવિખેર થઈ ચૂક્યું હતું. બબ્બે ડિવોર્સ પછી ત્રીજાં લગ્ન પણ તૂંટું તૂટું થઈ રહ્યાં   હતા. પોતાની હિરોઈન બીબી એન્ડરસન સાથેનું અફેર તૂટી ચૂક્યું હતું. મા-બાપ સાથેય બનતું નહોતું. આવી મેન્ટલ-ઈમોશનલ અવસ્થામાં બર્ગમેન એક ફિલ્મ બનાવે છે જે ક્લાસિક પૂરવાર થાય છે!

શૂટિંગમાં ઝપાટો બોલાવાવમાં આવ્યો હતો-માંડ દોઢ મહિનો! તમે ફિલ્મ જોશો તો સમજાશે કે એમાં કોઈ પ્રકારનો તામ-જામ નથી. સ્વીડનની સ્મૂધ સડકો પર કાર જેમ સડસડાટ વહેતી જાય છે, તેમ ફિલ્મ પણ ફ્લેશબેક-ફ્લેશફોર્વડમાં સરળતાથી ગતિ કરતી રહે છે. ફિલ્મ ફટાફટ પૂરી કરવાનું સૌથી મોટું કારણ તો એના હિરો હતા-વિક્ટર જોસ્ટ્રોમ, બર્ગમેન માત્ર અને માત્ર વિક્ટરને જ મુખ્ય પાત્રમાં લેવા માગતા હતા. મૂગી ફિલ્મોમાં કામ કરી ચુકેલા આ વયોવૃદ્ધ અદાકાર ખૂબ બધી આનાકાનીને અંતે માંડ તૈયાર થયા હતા. વિક્ટરને ડાયલોગ્ઝ યાદ ન રહેતા, મુવમેન્ટ્સ ભૂલી જતા. આવું થાય એટલે એ ચિડાઈ, ઘાંઘા થાય, તે પણ એટલી હદે કે દીવાલ સાથે માથું પછાડવા લાગે! સાંજે સાડાપાંચે એમનો વ્હિસ્કી પીવાનો ટાઈમ થઈ જાય. તેથી કોઈ પણ હિસાબે પાંચ વાગે પેક-અપ કરી દેવાનું એટલે કરી દેવાનું!બર્ગમેનને આ ફિલ્મ બનાવવાનો વિચાર ખુદના અનુભવ પરથી આવ્યો હતો. એક વાર તેઓ સ્ટોકહોમથી બીજા કોઈ શહેર તરફ કાર ખુદ ડ્રાઈવ કરીને જઈ રહ્યા હતાં ત્યારે પ્રોફેસર ઈસાક બાર્ગની માફક પોતાના વતનનાં ઘર તરફ લટાર મારી હતી. 

દાદીમાને મળ્યા હતા. બર્ગમેનને વિચાર આવી ગયો કે જૂના ઘરમાં પગ મુકતાં જ આપણને વીસ-વીસ-ચાલીસ વર્ષ પહેલાની ઘટનાઓ દેખાવા લાગે તો? અને દરવાજામાંથી બહાર નીકળો એટલે પાછા વર્તમાનમાં પ્રવેશી જાઓ તો? બર્ગમેનને થયું એ આના પરથી તો સરસ ફિલ્મ બની શકે. ખુદના અતીતને સાક્ષીભાવે નિહાળવો, વહી ગયેલાં જીવનનું પૃથક્કરણ કરવું... શક્ય છે કે આ રીતે કદાચ નવાં સત્યો સુધી પહોંચી શકાય? બર્ગમેન આ વિચારને ખૂબ અસરકારક રીતે પડદા પર ઉતારી શક્યા છે. હવે તો ફ્લેશબેક-ફ્લેશ ફોર્વડની આ ટેક્નિક તેમજ ફિલ્મમાં વપરાયેલાં પ્રતીકો કૉમન બની ગયા છે. પણ ‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’ રિલીઝ થઈ ત્યારે સિનેમાની આ ભાષા સંભવત: નવી હતી.

‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’ વૂડી એલન અને સ્ટેન્લી ક્યુબ્રિક સહિતના દુનિયાભરના ફિલ્મમેકર્સ પર પ્રભાવ પેદા કર્યો. અહીં એકલતા, નિભ્રાન્તિ સંબંધોની ક્રૂરતા અને સાથે સાથે આશાવાદની જે રીતે વાત થઈ છે તે યુનિવર્સલ છે. આપણે સૌ એની સાથે કોઈક રીતે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. ‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’ આજની તારીખે પણ સંવેદનશીલ દર્શકને અપિલ કરી શકે છે તેનું આ જ કારણ છે. 

આ ફિલ્મ અમુક રીતે વર્બોઝ એટલે કે અતિ વાચાળ છે. સંબંધોની ગૂંચ પ્રસંગો થકી બહાર આવવાને બદલે ફક્ત સંવાદો થકી બહાર આવે છે. છતાંય ફિલ્મની શબ્દાળુતા ખૂંચતી નથી. ફિલ્મ ધૈર્યપૂર્વક જોજો. યુટ્યુબ પર તે આખેઆખી અવેલેબલ છે. સબટાઈટલ્સ સાથે.                                                     0 

‘વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ’ ફેક્ટ ફાઈલ 


રાઈટર-ડિરેક્ટર: ઈન્ગમાર બર્ગમેન

અદાકાર: વિક્ટર જોસ્ટ્રોમ, બીબી એન્ડરસન, ઈન્ગ્રિ થુલીમ, ગનર જોમસ્ટ્રેન્ડ 


ભાષા: સ્વીડિશ


રીલીઝ ડેટ: ર૬ ડિસેમ્બર ૧૯૫૭


મહત્ત્વના અવૉર્ડ્સ: બેસ્ટ રાઈટિંગ માટે ઈન્ગમાર બર્ગમેનને ઑસ્કર નોમિનેશન

                                                                 0  0 0 0 

1 comment:

  1. Khub saras shishir bhai. Hu pahela matra jay vasavda saheb na lekhj vanchto hato pachi ek divas khabar nai kyak internet machedta machedta tmaru page mali gyu bs tyarthij vasavda saheb sathe tamney vanchva lagyo.. khubj saras lakho cho... tamara lekh atla game che k 1at thi vanchta vanchta aatle sudhi pahonchyo chu. ek pan lekh ni ek pan liti uttam ma uttam hati avu kaia to kadach atishoyakti naj kehvay.. thank u.. and again gr8 work. Plz come on facebook.

    ReplyDelete