Monday, September 2, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : ઓલ અબાઉટ માય મધર : પ્યાર દો... પ્યાર લો...

Mumbai Samachar - Matinee - 30 August 2013


હૉલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

અનેક પુરુષ સાથે સંબંધ બાંધી ચૂકેલી સ્ત્રી, પ્લાસ્ટિક સર્જરીઓ કરાવીને લગભગ સ્ત્રી બની ગયેલો પુરુષ-વેશ્યા, ગર્ભવતી સાધ્વી, લેસ્બિયન એક્ટ્રેસ... માણસ ભલે ગમે તેટલું અનક્ધવેન્શનલ જીવન કેમ ન જીવતો હોય, પણ પ્રેમ અને કરુણા પામવાનો એનો અધિકાર બીજા કોઈ પણ ‘નોર્મલ’ માણસ જેટલો જ છે. ‘ઓલ અબાઉટ માય મધર’માં આ વાત બહુ જ અસરકારક રીતે વ્યક્ત થઈ છે.ફિલ્મ ૩૭ - ઓલ અબાઉટ માય મધર

આપણે ગયા અઠવાડિયે એક પિતાની હૃદયસ્પર્શી વાત કરતી ફિલ્મ ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ વિશે ચર્ચા કરી હતી. આજે એક માતાની વેદનાને આકાર આપતી ફિલ્મની વિગતે વાત કરીએ. હકીકતમાં, અહીં કેવળ એક નહીં પણ એક કરતાં વધારે માતાઓની વાત છે. હિન્દી યા તો ભારતીય ફિલ્મો મેલોડ્રામેટિક કે મેનિપ્યુલેટિવ હોવાની એક છાપ છે. છાપ સાચી પણ છે, કેમ કે સામાન્ય રીતે આપણે ત્યાં મા-બાપ-સંતાન-પતિપત્નીના સંબંધોને એવી વળ ચઢાવીને લાઉડ રીતે પેશ કરવામાં આવે છે કે દર્શક બિચારો ધરાર ગળગળો થઈ જાય. સાંભળી લો કે કેવળ માતાના સંવેદનોની તીવ્રતા અને સંબંધોના આટાપાટાના મામલામાં ‘ઓલ અબાઉટ માય મધર’ આપણી ફિલ્મો કરતાં ચાર ચાસણી ચડે એવી છે... અને આ એક સ્પેનિશ ફિલ્મ છે જે વર્લ્ડ ક્લાસિક ગણાય છે! અફકોર્સ, ફિલ્મનાં પાત્રો અને પરિસ્થિતિઓ એેવાં છે જેની હિન્દી ફિલ્મોમાં કલ્પના પણ ન થઈ શકે. અહીં એક મધ્યવયસ્ક માતા છે, જે ભૂતકાળમાં કેટલાય પુરુષો સાથે સંબંધ બાંધી ચુકી છે. કંઈકેટલીય સર્જરી કરાવીને પુરુષમાંથી લગભગ સ્ત્રી બની ચુકેલી વ્યક્તિ છે, જે વેશ્યા છે. એક ટ્રાન્સવેસ્ટાઈટ એટલે કે સ્ત્રીનો વેશ કાઢીને ફર્યા કરતો પુરુષ છે. એ પણ વેશ્યા છે. આ બન્ને મનથી ભલે સ્ત્રી હોય પણ એમના પુરુષ તરીકેના જનનાંગ યથાવત છે. આ ઉપરાંત બે અભિનેત્રીઓ છે, બન્ને લેસ્બિયન છે. એક દીનદુખિયારાઓની સેવા કરતી લગભગ સાધ્વી જેવી સ્ત્રી છે જે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે! 

ફિલ્મમાં શું છે?

‘ઓલ અબાઉટ માય મધર’માં એક સીધીસટ વાર્તા નથી. અહીં તો જેટલાં પાત્રો એટલી વાર્તાઓ છે. અહીં એટલો બધો મસાલો છે કે દરેક ટ્રેક પરથી અલાયદી ફિલ્મ બની શકે. જોકે મેડ્રિડમાં રહેતી મેન્યુએલા (સેસિલીઆ રોથ) નામની સ્ત્રીનું કેન્દ્રવર્તી પાત્ર બાકીના સૌ કિરદારોને અને કથાપ્રવાહોને એકબીજા સાથે જોડી રાખે છે. મેન્યુએલા એક હોસ્પિટલમાં કામ કરે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે મૃતકોના પરિવારજનોને કન્વિન્સ કરીને જરુરી કો-ઓર્ડિનેશન કરવાનું એનું કામ. એને સત્તર વર્ષનો દીકરો છે - એસ્ટાબન. વિધિની વક્રતા જુઓ. એના બર્થડેના દિવસે જ એક નાટક જોઈને પાછળ ફરતી વખતે મેન્યુએલાની આંખ સામે એક્સિડન્ટમાં એનું મોત થાય છે. મેન્યુએલાએ હવે સગા સંતાનના શરીરના અંગોનું દાન કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. નોકરી છોડીમાં એ બાર્સેલોના આવે છે. હવે એનું એક જ મિશન છે- દીકરાના બાપને શોધવાનું. મેન્યુએલાએ અત્યાર સુધી દીકરાને બાપ વિશે અને બાપને દીકરા વિશે કશી વાત કરી નહોતી. બાપનું નામ છે લોલા (ફર્નાન્ડો ગોમેઝ). એ સ્ત્રી વેશમાં વેશ્યાવૃત્તિ કરતો પુરુષ છે. બાર્સેલોનામાં મેન્યુએલાનો ભેટો અગ્રેડો (એન્ટોનિયા સેન જુઆન)નામની ટ્રાન્સસેક્સ્યુઅલ સેક્સવર્કર સાથે થાય છે. અગ્રેડો મેન્યુએલાની જુની સહેલી યા તો સખો છે. રોસા (પેનેલોપી ક્રુઝ) નામની એક રુપાળી સાધ્વી સાથે પણ મુલાકાત થાય છે. રોસા પીડિત વેશ્યાઓની સેવા કરવાનું કામ કરે છે. રોસાને એની ચિત્રકાર મા સાથે ખાસ બનતું નથી. એના માનસિક રીતે બીમાર પિતાને તો પોતાના ઘરનું સરનામુંય યાદ રહેતું નથી. હુમા (મારિસા પેરેડીસ) નામની અભિનેત્રી, જે એસ્ટાબનને બહુ પસંદ હતી, એની સાથે પણ મેન્યુએલા સંપર્કમાં આવે છે. હુમાને એક લેસ્બિયન લવર છે. એ ડ્રગ એડિક્ટ છે. પછી ખૂબ બઘું બને છે. લોલા દ્વારા ગર્ભવતી તેમજ એઈડ્સગ્રસ્ત થઈ ગયેલી સાધ્વી રોસાનું પ્રસૂતિમાં મૃત્યુ પામવું, મેન્યુએલાનું હુમાના પર્સનલ આસિસ્ટન્ટ તેમજ સહકલાકાર તરીકે કામ કરવું, વગેરે. મેન્યુએલા જે કામ માટે બાર્સેલોના આવી હતી તે થાય છે ખરું? હા. એ સ્ત્રીવેશધારી લોલાને મળે છે, મૃત્યુ પામેલા દીકરાની તસવીર બતાવે છે, રોસાના બચ્ચાને એના હાથમાં મૂકે છે. આ બન્ને છોકરાઓનો બાપ એક જ છે. વાર્તા હજુય આગળ વધે છે. રોસાનું બચ્ચું મેન્યુએલા જ મોટું કરી રહી છે. એક દીકરાનું કમોત થઈ ગયું એટલે બદલામાં કુદરતે જાણે એને બીજો દીકરો આપ્યો છે. મેન્યુએલા પાસે હવે જીવવાનું ખૂબસૂરત કારણ છે. મેન્યુએલાએ એને મૃત્યુ પામેલા દીકરાનું જ નામ આપ્યું છે - એસ્ટાબન. એ હવે બે વર્ષનો થઈ ગયો છે. ચમત્કારિક રીતે એઈડ્ઝથી મુક્ત છે. એ પુન: બાર્સેલોના જઈને નાનકડા એસ્ટાબનનાં નાનાનાની મળે છે, હુમાને મળે છે. જિંદગી નવા લયમાં, નવાં સત્યો વચ્ચે વહેતી રહે છે...


કથા પહેલાંની અને પછીની

‘ઓલ અબાઉટ માય મધર’ બનાવનાર પેડ્રો આલ્મોડોવાર વિશ્ર્વવિખ્યાત સ્પેનિશ ફિલ્મમેકર છે. એમની ફિલ્મોમાં અતરંગી પાત્રો હોય, અટપટી વાર્તાઓ હોય, ભરપૂર મેલોડ્રામા હોય અને આ બધાંની વચ્ચે તેઓ સંબંધો, પરિવારિક મૂલ્યો, સ્વ-ઓળખ અને લાગણીના ચઢાવઉતારની વાત કરતા હોય. ‘ઓલ અબાઉટ માય મધર’ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મના અંતે સ્ક્રીન પર ઊપસતા શબ્દો ખાસ ધ્યાન ખેંચે છે: ‘આ ફિલ્મ અર્પણ એ તમામ અભિનેત્રીઓને જેણે અભિનેત્રીની ભુમિકા અદા કરી છે, એ તમામ સ્ત્રીઓને જે અભિનય કરે છે, એ પુરુષોને જેણે સ્ત્રીનો અભિનય કર્યો છે, એ તમામ વ્યક્તિઓને જે માતા બનવા માગે છે અને એ સ્ત્રીને જે મારી માતા છે...’ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બાર્સેલોનામાં થયું છે. અમુક સંવાદો બહુ સરસ છે. જેમ કે, એક જગ્યાએ મેન્યુએલા કહે છે: ‘એકલતાથી બચવા સ્ત્રીઓ કંઈ પણ સહન કરી લેતી હોય છે.’ એક વાર નાટકમાં એક કલાકાર ઓછી પડે છે ત્યારે અર્જન્સીમાં હુમા મેન્યુએલાને પૂછે છે: તને એક્ટિંગ કરતા આવડે છે? હુમા જવાબ આપે છે: ‘મને જુઠું બોલતા બહુ સારું આવડે છે અને એક જમાનામાં હું ઈમ્પ્રોવાઈઝ પણ સારું કરી લેતી હતી!’ હુમાનો હવે પછીનો જે સંવાદ છે તે ખરેખર તો એના નાટકનો ડાયલોગ છે. પહેલી નજરે ‘લાઉડ’ લાગતો સંવાદ છે ભારે ઈફેક્ટિવ. સાંભળો: ‘સંતાન કંઈ રાતોરાત પેદા થતું નથી. બહુ સમય લાગી જાય છે છોકરું જણવામાં. રસ્તા પર દીકરાનું નિર્જીવ શરીર પડ્યું હોય ને એમાંથી ધડધડ લોહી વહેતું હોેય... કેવી રીતે કોઈ માતા આવું દશ્ય જોઈ શકે? દીકરાના શરીરમાંથી તમારું જ લોહી વહી રહ્યું છે જેને બનાવવામાં વર્ષો નીકળી ગયાં છે... પ્રાણીઓ જીભથી લોહી ચાટતા હોય છે. ના, હું મારા દીકરાને આ રીતે પડેલો જોઈને વિચલિત ન થઈ. તમને અંદાજ જ નથી કે આવું દશ્ય જોઈને માના હૃદયમાં કેવી લાગણી થાય. હું તો મારા દીકરાના લોહીથી ભીની થઈ ગયેલી ધૂળને કાચના કિમતી ગ્લાસમાં ભરી લઈશ...’

ફિલ્મમાં હ્યુમર પણ છે. ખાસ કરીને ટ્રાન્સવેસ્ટાઈટ અગ્રેડોના પાત્રમાં. ફિલ્મમાં મેન્યુએલા, અગ્રેડો, હુમા અને રોસાનો એક કમ્બાઈન્ડ સીન છે. ચારેયની સેક્સ્યુઆલિટી જુદી છે ને સૌ તાળીઓ દઈ દઈને મોટેથી મજાક કરતાં કરતાં સેક્સના અનુભવોની ઊઘાડી વાતો કરી રહી છે! ફિલ્મની સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં પાત્રો ગમે તેટલાં વિચિત્ર કેમ ન હોય પણ એ ક્યારેય કૃત્રિમ કે કેરિકેચરિશ લાગતાં નથી. એ સતત જેન્યુઈન લાગે છે. તેથી જ એમના જીવનનું કારુણ્ય દર્શકને સ્પર્શી જાય છે. અનક્ધવેન્શનલ જીવન જીવતો માણસ કંઈ પથ્થર નથી હોતો. બીજા કોઈ પણ ‘નોર્મલ’ માણસ જેવી જ સંવેદના એ અનુભવતો હોય છે. એને પણ પ્રેમ અને કરુણા પામવાનો એટલો જ અધિકાર છે. ‘ઓલ અબાઉટ માય મધર’માં આ વાત બહુ જ અસરકારક રીતે વ્યક્ત થઈ છે.

‘ઓલ અબાઉટ માય મધર’ પુષ્કળ વખણાઈ છે. દુનિયાભરના અવોર્ડ્ઝ એણે જીત્યા છે. એેને વર્લ્ડ-ક્લાસિકનો દરજ્જો મળ્યો છે. વિશ્ર્વસિનેમાના દર્શક તરીકેની સેન્સિબિલિટી વિસ્તારવા માગતા હો તો આ ફિલ્મ ખાસ જોવા જેવી છે.                                           0 0 0


‘ઓલ અબાઉટ માય મધર’ ફેક્ટ ફાઈલ ડિરેક્ટર-રાઈટર : પેડ્રો આલ્મોડોવર

 કલાકાર:  સેસિલીઆ રોથ, એન્ટોનિઆ સેન જુઆન, પેનેલોપી ક્રુઝ, મારિસા પેરેડીસ, ફર્નાન્ડો ગોમેઝ

 રિલીઝ ડેટ : ૧૬ એપ્રિલ ૧૯૯૯

 મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર અવોર્ડ

No comments:

Post a Comment