Sunday, September 22, 2013

મલ્ટિપ્લેક્સ : બિગ બોસ-સીઝન આઠ.... એક વિશ લિસ્ટ

Sandesh - Sanskar Purti - 22 Sept 2013
મલ્ટિપ્લેક્સ
 ધારો કે તમારા હાથમાં આઠમી સીઝન માટેના હાઉસમેટ્સ પસંદ કરવાનો પાવર આપવામાં આવે તો તમે કોને કોને પસંદ કરો?

બિગ બોસ સીઝન સેવન ધમાકાભેર શરૃ થઈ ચૂકી છે. ધારો કે તમારા હાથમાં આઠમી સીઝન માટેના હાઉસમેટ્સ પસંદ કરવાનો પાવર આપવામાં આવે તો તમે કોને કોને પસંદ કરો? નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર, હિલેરી ક્લિન્ટન, દાઉદ ઈબ્રાહિમ જેવાંં અશક્ય નામો નહીં લેવાનાં, પ્લીઝ. આ બધાં પોતપોતાની રીતે ઓલરેડી બિગ બોસ છે. અમે અમારી રીતે એક'વાજબી' વિશ-લિસ્ટ તૈયાર કર્યું છે. આ બધા જો ભેગા થાય તો ખરેખર ડેડલી કોમ્બિનેશન સર્જાય!
સોમી અલી : સલમાનની સિનિયર પ્રેમિકા ને બોલિવૂડની ફ્લોપ હિરોઈન. કહે છે કે સલમાનને ખરેખર કોઈએ સાચો પ્રેમ કર્યો હોય તો એ સોમી અલીએ. એ હજુ અમેરિકામાં બેઠી બેઠી સલમાનની પ્રતીક્ષા કરી રહી છે. તેડાવો એને બિગ બોસમાં. સલમાન આમેય હવે અફેર્સ કરી કરીને થાક્યો છે. માથે ટાલ પડવાની શરૃઆત થાય તે પહેલાં એણે થાળે પડવું છે. કોને ખબર, બિગ બોસમાં સોમી અલીને લાગલગાટ ત્રણ મહિના સુધી ઈન્ટરેક્ટ કરીને સલમાનનો જૂનો પ્રેમ પાછો જાગી ઊઠે. એને સમજાય જાય કે બોસ, સોમી હૈ મેરી સહી સોલમેટ! કલ્પના કરો કે સીઝનના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ભરીસભામાં ઘૂંટણિયે પડીને સોમીને લગ્ન માટે પ્રપોઝ કરે ને પેલી હા પાડે... કેવો જલસો પડે.
વિવેક ઓબેરોય : પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સલમાનને બદનામ કરી નાખવાની 'ગ્રાન્ડ મસ્તી' વિવેક ઓબેરોયને એવી ભારે પડી ગઈ છે કે વાત ન પૂછો. સલમાન તો ક્રમશઃ સુપરસ્ટાર પદે પહોંચી ગયો, જેના પ્રેમમાં જોશમાં મોટા ઉપાડે આ પ્રેસ કોન્ફરન્સ કાંડ કરેલો એ ઐશ્વર્યા રાય બચ્ચનપરિવારની વહુ બની ઠરીઠામ થઈ ગઈ, પણ વિકીબોય ક્યાંયનો ન રહ્યો. એણે પછી જાહેરમાં ને ખાનગીમાં સલમાનની બહુ માફામાફી કરી હતી, પણ પરિણામ શૂન્ય. વિવેકને બિગ બોસ હાઉસમાં બંધ કરી દો. ઐશ્વર્યાના બન્ને પુરાણા પ્રેમીઓનો ત્રણ મહિના માટે આમનોસામનો કરાવો. જુઓ ગોસિપપ્રેમી ઓડિયન્સને કેવું જોરદાર એન્ટરટેનમેન્ટ મળે છે.
સંગીતા બિજલાની : સલમાનની એક્સ-ફાઈલ્સ ખોલવા બેઠા જ છીએ તો સંગીતા બિજલાનીને પણ બિગ બોસમાં બોલાવો. એક જમાનાની આ લંબૂસ સુપરમોડલને આ બહાને જે થોડીઘણી પબ્લિસિટી ને એક્સપોઝર મળ્યાં એ.
મોહમ્મદ અઝહરુદ્દીન : બિગ બોસે ગયા વર્ષે ભૂતપૂર્વ પતિ-પત્ની ડેલનાઝ ઈરાની અને રાજીવ પોલ બન્નેને હાઉસમેટ્સ બનાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. પતિ-પત્નીની જોડી આ વખતે પણ આવી છે - અપૂર્વ અગ્નિહોત્રી (ડીસન્ટ) અને શિલ્પા સકલાની (બનાવટી, નાટકબાજ). આ ટ્રેન્ડ ઔર આગળ વધારો. સંગીતા બિજલાનીને ઘર કી સદસ્ય બનાવી છે તો એના એક્સ-હસબન્ડ મોહમ્મદ અઝહરુદ્દીનને પણ તેડાવો. ક્રિકેટર અઝ્ઝુરાણા પર મેચ-ફિક્સિંગની બદનામીનું કાળું ટીલું પણ છે, જે બિગ બોસમાં ભાગ લેવા માટેનું ઔર એક ક્વોલિફિકેશન ગણાય. જસ્ટ ઇમેજિન. સલમાન ખાન, એની ભૂતપૂર્વ પ્રેમિકા નંબર વન (સંગીતા), એનો ભૂતપૂર્વ પતિ (અઝહરુદ્દીન), ભૂતપૂર્વ પ્રેમિકા નંબર ટુ (ઐશ્વર્યા)નો ભૂતપૂર્વ પ્રેમી (વિવેક) અને સૌથી સિન્સિયર ભૂતપૂર્વ પ્રેમિકા (સોમી અલી) - આ બધાંને એકસાથે બિગ બોસમાં બથ્થંબથ્થા કરતા જોવાની કેવી મજા પડે.
નારાયણ સાંઈ : આસારામના પનોતા પુત્ર. જુઓ, આસારામ તો બિગ બોસની આગલી દસ સીઝન સુધી જેલમાં બિઝી હશે (ટચવૂડ) એટલે આપણે એમને ડિસ્ટર્બ નહીં કરીએ, પણ નારાયણભાઈ પપ્પાની પ્રોક્સીમાં આવી જ શકેને. નારાયણભાઈના મસ્તિષ્ક પર પણ કોન્ટ્રોવર્સીનાં તિલક થયેલાં છે. આમ, બિગ બોસમાં આવવા માટે તેઓશ્રી પણ ક્વોલિફાઇડ છે જ.
રાબિયા ખાન અને ઝરીના વહાબ : એક સ્વર્ગસ્થ એક્ટ્રેસ જિયા ખાનની મમ્મી અને બીજી, જિયાના કમોતના એક કારણ તરીકે જેનું નામ ઉછળ્યું હતું એ સૂરજ પંચોલીની મમ્મી. મીડિયામાં બન્ને મમ્મીઓ એકબીજા સામે ખૂબ બાખડી હતી. પૂરી દો બન્નેને એક સાથે બિગ બોસ હાઉસમાં. જરા જોઈએ તો ખરા કે મૃતકના મોતનો મલાજો જાળવતા એમને અત્યાર સુધીમાં આવડી ગયું છે કે નહીં.

અર્ણવ ગોસ્વામી : અર્ણવને બિગ બોસ હાઉસમાં રહેવું બહુ આસાન લાગશે, કારણ કે પોતાના ડેઈલી ડિબેટ શોમાં એ મચ્છીબજાર જેવી રાડારાડી રોજ કરાવે છેે. ઇનફેક્ટ, હો-હો ને દેકારો પરાકાષ્ઠાએ પહોંચે તે રીતે સૌને ઉશ્કેરવામાં એની માસ્ટરી છે. પોતાના શોમાં ડિસ્કસ કરી રહેલી પેનલના સભ્યોને ચૂપ કરી દેતાંય એને સારું આવડે છે, પણ શું બિગ બોસ હાઉસના સભ્યો પર એ દાદાગીરી કરી શકશે? નેશન વોન્ટ્સ ટુ નો.
દિગ્વિજયસિંહ : એકાદ કોમેડિયન વગર બિગ બોસમાં જમાવટ કેવી રીતે થાય. બોલાવો દિગ્વિજયને. આમેય લોકસભાની આગામી ચૂંટણી પછી એ ઘણું કરીને નવરાધૂપ જ હશે. (ટચવૂડ, અગેન!) બિગ બોસ હાઉસમાં ઇન્ટરનલ પોલિટિક્સની બોલબોલા હોય છે એટલે દિગ્વિજયસિંહ રાજાપાટમાં આવી જશે અને માથાંમેળ વગરનાં સ્ટેટમેન્ટ્સ ફટકારતા રહીને ઓડિયન્સને ખૂબ મજા કરાવશે.
નીરા રાડિયા : ઈન્ટરેસ્ટિંગ છે આ માનુની. દેશનાં મોટાં માથાં સાથે દોસ્તી કરવી, એ સૌનું એકબીજા સાથે સેટિંગ કરી આપવું અને સૌની સાથે પોતે પણ મલાઈ ખાવી. કળિયુગમાં આના કરતાં મોટી કળા કોઈ નથી. જરા વિચારો, નીરા રાડિયા જેવું કેરેક્ટર જો બિગ બોસમાં રોજેરોજ ક્લાસ લે તો નવી પેઢીને કેટલું બધું શીખવા મળે.
અનંત મૂકેશ અંબાણી અને અનમોલ અનિલ અંબાણી : અંબાણી પરિવારની નવી પેઢી કેવી છે તે જાણવાની તાલાવેલી સૌને છે. તેડાવો મૂકેશ અંબાણીના દીકરા અનંતને અને અનિલ અંબાણીના દીકરા અનમોલને. અનંતને મેદસ્વિતાની સમસ્યા છે,પણ અનમોલ ફિલ્મી હીરો જેવો ડેશિંગ યુવાન છે. આ બન્ને કઝિન્સને ત્રણ મહિના સતત એક ઘરમાં પુરાયેલા જોવાની જરૃર મજા આવે.
આલિયા ભટ્ટ : કહે છે કે અનમોલ અંબાણી અને બોલિવૂડની નેક્સ્ટ-બિગ-થિંગ ગણાતી આલિયા ભટ્ટ વચ્ચે ખાસમખાસ દોસ્તી છે. તેડી લાવો એનેય બિગ બોસમાં. શોમાં ગ્લેમર પણ જોઈએને.
પેરિસ હિલ્ટન : ગ્લેમરનો ક્વોટા એક ધડાકામાં પૂરો કરી નાખવો છે? તેડાવો અમેરિકાની પેજ-થ્રી સેલિબ્રિટી પેરિસ હિલ્ટનને. મલ્ટિ-મિલિયોનેર બાપની આ બિગડી હુઈ ઔલાદ છે. અમુક લોકો વિશે મીડિયા અકારણ લખ-લખ કરતું હોય છે. પેરિસ હિલ્ટન એમાંની એક છે. શી ઈઝ ફેમસ ફોર બીઈંગ ફેમસ! એમાંય પ્રેમી સાથેના એના સેક્સ વીડિયો લીક થઈ ગયા હતા પછી એ ઔર'ફેમસ' થઈ ગઈ હતી. ઓલરાઈટ. કેટલા હાઉસમેટ્સ થયા? ચૌદ. હવે અંતિમ નામ.
મનીષા કોઈરાલા : એક સમયની અત્યંત ખૂબસૂરત સ્ટાર, અભિનેત્રી તરીકે મજાની અને સ્વચ્છંદ લાઇફસ્ટાઇલ માટે જાણીતી,જેણે એક કે બાદ એક દેશી-વિદેશી પ્રેમીઓની કતાર ખડી કરી દીધી હતી. ડિવોર્સ પછી એ કેન્સરનો ભોગ બની, પણ આ ભયાનક બીમારીને એણે હિંમતભેર ટક્કર આપી. બિગ બોસમાં થોડુંક મોટિવેશનલ તત્ત્વ પણ હોવું જોઈએ, રાઈટ?
અમારા વિશલિસ્ટમાં હજુ બે વધારાનાં નામ છે, જેનો વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે ઉપયોગ કરીશું. આ જોડીમાં એક છે પૂનમ પાંડે અને બીજા છે બાબા રામદેવ! બોલો, બિગ બોસના તમારા વિશલિસ્ટમાં કયાં કયાં નામ છે?
શો-સ્ટોપર
મને રિહર્સલ- બિહર્સલ કરવાનું ફાવતું નથી. કેમેરા ચાલુ થાય એટલે હું ડિરેક્ટર કહે તેમ કરી બતાવું, પણ કેમેરા ઓફ હોય ત્યારે મારાથી એક્ટિંગ થતી જ નથી.
- સોનાક્ષી સિંહા

No comments:

Post a Comment