Saturday, July 27, 2013

મલ્ટિપ્લેક્સ : 'શિપ ઓફ થિસિયસ' : યે હુઈ ન બાત!


Sandesh - Sanskaar Purti - 28 July 2013, Sunday

મલ્ટિપ્લેક્સ 

એક તરફ આર્ટ સિનેમાના નામે ઘટિયા ફિલ્મો બને છે અને બીજા છેડે તેજસ્વી ગુજરાતી યુવાન આનંદ ગાંધીએ બનાવેલી 'શિપ ઓફ થિસિયસજેવી ઉત્તમ ફિલ્મ ઊભી છે,જેને જોઈને સંવેદનશીલ દર્શકને જાણે ભીતર શાંત વિસ્ફોટ થયો હોય એવી અનુભૂતિ થાય છે.

જકાલ આપણે ત્યાં જીવને ઠંડક થાય એવી ફિલ્મી ઘટનાઓ બની રહી છે. કંઈકેટલાય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તરખાટ મચાવનાર 'શિપ ઓફ થિસિયસ' ફેસ્ટિવલ સર્કિટમાં જ ચૂપચાપ ઘૂમરાયા કરીને પછી ચૂપચાપ ઢબુરાઈ ગઈ હોત, જો એને આમિર ખાનના સ્ટાર-પાવરનો સ્પર્શ થયો ન હોત. આમિર કરતાં ખાસ તો એની પત્ની કિરણ રાવનો. એક ફિલ્મ ફેસ્ટિવલમાં 'શિપ ઓફ થિસિયસ' જોઈને કિરણ એટલી પ્રભાવિત થઈ કે આ ફિલ્મને કમર્શિયલ ફિલ્મોની જેમ વ્યવસ્થિતપણે થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો. આમિરે આખા બોલિવૂડ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ ગોઠવ્યું. એક સુંદર ફિલ્મને પ્રોત્સાહન આપવાનો ઇરાદો હોય કે પછી આમિરની ગૂડ બુક્સમાં રહેવાની ઝંખના હોય, પણ આખી ઇન્ડસ્ટ્રી આ ફિલ્મ જોવા ઊમટી પડી હતી. એક 'આર્ટ ફિલ્મ'નો આવો ગ્લેમરસ દબદબો આપણે અગાઉ ક્યારેય ભાળ્યો નથી. ૧૯ જુલાઈએ મોટાં શહેરોનાં ચુનંદા થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ. શોઝ મર્યાદિત હતા, પણ આમ દર્શકો મલ્ટિપ્લેક્સમાં જઈને બીજી કોઈ પણ મેઇનસ્ટ્રીમ ફિલ્મની માફક પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ઝાપટતાં ઝાપટતાં 'શિપ ઓફ થિસિયસ' માણી શક્યા તે બહુ મહત્ત્વની વાત છે.
Anand Gandhi
આપણને આનંદિત કરે એવી બીજી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ આનંદ ગાંધી નામના તેજસ્વી મુંબઈવાસી ગુજરાતી યુવાને લખી છે અને ડિરેક્ટ કરી છે. હિન્દી અને અંગ્રેજી મિશ્ર ભાષામાં બનેલી 'શિપ ઓફ થિસિયસ'ની આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે પ્રશંસા થઈ છે તે ચકિત થઈ જવાય એવી છે. ઇંગ્લેન્ડના ક્રિટિક્સ સર્કલે આ ફિલ્મને 'ફિફ્ટીન લાઇફ-ચેન્જિંગ ફિલ્મ્સ ઓફ ઓલ-ટાઇમ'એટલે કે આપણી જિંદગીને જોવાની-સમજવાની દૃષ્ટિ સમૂળગી પલટી નાખે એવી સર્વકાલીન શ્રેષ્ઠતમ પંદર ફિલ્મોના લિસ્ટમાં મૂકી છે. કોઈએ એને 'ભારતીય સિનેમાનું છુપાયેલું રત્ન' તરીકે ઓળખાવી છે. કોઈએ લખ્યું છે કે ચાલો, ઇન્ટરનેશનલ સર્કિટમાં છાતી કાઢીને શાનથી ઊભી રહી શકે એવી ભારતીય ફિલ્મ મોડી તો મોડી પણ આવી ખરી! ફિલ્મમેકર શેખર કપૂરે 'શિપ ઓફ થિસિયસ' જોઈને આનંદપૂર્વક કહ્યું, હાશ ચાલો હવે હું નિશ્ચિંત થઈને સંન્યાસ લઈ શકીશ!
'શિપ ઓફ થિસિયસ' ટાઇટલનો અર્થ શો છે? પ્લુટાર્ક નામના એક ગ્રીક ફિલોસોફર હતા. એમણે એક પાવરફુલ થિયરી રજૂ કરી હતી. ધારો કે જૂના થઈ ગયેલા કોઈ જહાજને રિપેરિંગની જરૂર છે. માનો કે જહાજનું કાલ્પનિક નામ 'દરિયાદેવ' છે. એની બનાવટમાં વપરાયેલા એક-એક લાકડાના પાટિયાને કાઢતા જઈને એની જગ્યાએ નવાં પાટિયાં ફિટ કરતા જઈએ તો એક સ્થિતિ એવી આવે કે જહાજમાં એક પણ જૂનું પાટિયું ન બચે. એનાં બધેબધાં પાટિયાં રિપ્લેસ થઈ ગયાં હોય. તો શું હજુય આ વહાણને'દરિયાદેવ' જ ગણવું? કલ્પના થોડી આગળ વધારો અને માની લો કે ફેંકી દેવામાં આવેલાં પેલાં જૂનાં પાટિયાંને ભેગાં કરીને એમાંથી ફરી એક વહાણ બનાવવામાં આવે છે. આ નવા બનાવેલા જહાજની ઓળખ શી? બન્ને વહાણમાંથી કયા જહાજને ઓરિજિનલ 'દરિયાદેવ' ગણવું? આ ફિલોસોફિકલ પેરાડોક્સ અથવા તો વિરોધિતા 'શિપ ઓફ થિસિયસ' તરીકે જાણીતી થઈ છે.


જો ડિફાઇન કરવી જ હોય તો કહી શકાય કે આ ફિલ્મ એક 'ફિલોસોફિકલ ડ્રામા'   છે. તેમાં જહાજની જગ્યાએ માનવશરીર છે અને પાટિયાંની જગ્યાએ શરીરનાં જુદાં જુદાં અંગો છે. ફિલ્મમાં ત્રણ જુદી જુદી વાર્તાઓ છે. પહેલી વાર્તા એક અંધ ફોટોગ્રાફર યુવતીની છે. એકલી એકલી સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે એ મુંબઈમાં ફર્યા કરે ને કેવળ ધ્વનિ તેમજ આંતરિક સમજના આધારે ફોટોગ્રાફી કરતી રહે. એણે ખેંચેલી અફલાતૂન તસવીરોનું એક્ઝિબિશન પણ ગોઠવાય છે. એક દિવસ એની નિર્જીવ આંખમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ દેખતી તો થાય છે, પણ હવે એ ફોટોગ્રાફી કરી શકતી નથી. એ તો કાળા અંધકાર વચ્ચે ફક્ત અવાજોના જોરે તસવીરો ખેંચવા ટેવાયેલી હતી. આંખો મળતાં જ એની તસવીરો ખેંચવાની આંતરસૂઝ નષ્ટ થઈ ગઈ! બીજી વાર્તા એક મધ્ય વયસ્ક સાધુની છે. સાધુ એક્ઝેક્ટલી જૈન નથી. ડિરેક્ટરે અહીં નામ દઈને ધર્મને ડિફાઇન કર્યો નથી, તે જરૂરી પણ નથી. સાધુ વિચક્ષણ છે, ધારદાર તાર્કિક દલીલો કરી શકે છે. ગંભીર બીમારીમાં એ ધરાર દવા લેતા નથી, કેમ કે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા બજારમાં મૂકતા પહેલાં નિર્દોષ પ્રાણીઓ પર જે રીતે અત્યંત ક્રૂર પદ્ધતિથી અખતરા કરતી હોય છે તેની સામે એમનો તીવ્ર વિરોધ છે. આત્યંતિક અહિંસાવાદી કહી શકાય એવા આ સાધુ લગભગ મૃત્યુની ધાર સુધી ફેંકાઈ જાય છે. તો હવે શું કરવાનું? દવા લીધા વગર મરી જવાનું? કે જિંદગીભર જે મૂલ્યોને નજર સામે રાખ્યાં છે એની સાથે સમાધાન કરી લેવાનું? 

ત્રીજી વાર્તા આખો દિવસ શેરબજારમાં રમમાણ રહેતા યુવાનની છે. એણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડી છે. એને ખબર પડે છે કે મુંબઈમાં ગરીબ દર્દીઓની જાણબહાર એનાં શરીરમાંથી કિડની કાઢી લઈને વેચી મારવાનું કૌભાંડ ચાલે છે. આવા એક કેસનું પગેરુ શોધવા એ છેક સ્વિડન પહોંચે છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં જે રીતે પરોવાય છે તે ખરેખર અદ્ભુત છે. ખરેખર તો ફિલ્મમાં એક ચોથી વાર્તા પણ પ્લાન થઈ હતી, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરવાના હતા, પણ લંબાઈ વધી જવાના ડરે આ ટુકડો પડતો મૂકવામાં આવ્યો.
'શિપ ઓફ થિસિયસ' જોઈને સંવેદનશીલ દર્શકની ભીતર જાણે શાંત વિસ્ફોટ થાય છે. આ ફિલ્મ વિચારતા કરી મૂકે છે. આપણે જેને 'પોતાપણું' કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું છે? આ પરિવર્તનશીલ સૃષ્ટિમાં સ્વ-ઓળખને કેવી રીતે વ્યાખ્યામાં બાંધવી? ફિલ્મ ઇન્ટરનેશનલ સર્કિટમાં બોમ્બની જેમ ફૂટી પછી કિરણ રાવે ફિલ્મમેકર આનંદ ગાંધીનો હાથ પકડયો. તે પછી આ બત્રીસેક વર્ષના યુવાનના ઇન્ટરવ્યૂઝનો વરસાદ વરસી ગયો. એક જગ્યાએ આનંદ કહે છે, 'આ કંઈ આર્ટ ફિલ્મ નથી. અમુક ફોર્મ્યુલામાં બંધાઈને બનતી એક્સપેરિમેન્ટલ ફિલ્મ પણ નથી. આમાં ક્લિયર-કટ સ્ટોરીલાઇન છે. પાત્રો અને પરિસ્થિતિઓ વચ્ચે પેદા થતો ટકરાવ છે અને એમાંથી જન્મતા પ્રશ્નો તેમજ મૂંઝવણો છે. સાહિત્યકૃતિ કે સિનેમા પાસે જવાનો હેતુ શો હોય છે? રાધર, શો હોવો જોઈએ?આપણી દૃષ્ટિ ખૂલે, મનની ક્ષિતિજો વિસ્તરે એવું કશુંક માણવા મળે એ. કમનસીબે આ વસ્તુ ભુલાઈ જતી હોય છે. મેં કોશિશ કરી છે કે 'શિપ ઓફ થિસિયસ' જોઈને દર્શકને કશુંક એવું મળે જે સત્ત્વશીલ હોય, નવું હોય, વિચાર કરવા પ્રેરે તેવું હોય.'
Anand Gandhi with his cinematographer, Pankaj Kumar

હું ખરેખર કોણ છું, મારા હોવા ન હોવાથી શું ફરક પડે છે, મારું વજૂદ શું છે, શું સાચું ને શું ખોટું, શું સત્ય સનાતન છે, સમય અને સંજોગો પ્રમાણે જે બદલાઈ શકે છે એને સત્ય કહેવાય? આ પ્રશ્નો ભલે ફિલોસોફિકલ ગણાય, પણ આપણા સૌના મનમાં તે ક્યારેક ને ક્યારેક નથી ઊઠતા શું? 'શિપ ઓફ થિસિયસ'ની મજા એ છે કે જરાય ભાષણબાજીમાં પડયા વિના કે ઉપદેશાત્મક થયા વિના આ કશમકશને સુંદર રીતે પેશ કરે છે. અહીં બાળસહજ વિસ્મય પણ છે અને એક પ્રકારની ફીલ-ગુડ ક્વોલિટી પણ છે. તમામ અદાકારોના અભિનય બેનમૂન છે. સિનેમેટોગ્રાફી પણ કમાલ છે. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે 'શિપ ઓફ થિસિયસ' બોર કરતી નથી. એ આગવી રીતે એન્ટરટેઇનિંગ છે અને તમને વચ્ચે વચ્ચે હસાવી પણ નાખે છે. આનંદ ગાંધીની હવે પછીની ફિલ્મનું નામ ન સમજાય એવું છે, 'તુમબડ'. એક ઔર ફિલ્મની પ્રોસેસ શરૂ થઈ છે, જે ઘણું કરીને કિરણ રાવ પ્રોડયુસ કરશે. આનંદ ગાંધીની કરિયર હવે જે રીતે આગળ વધશે તે જોવાની બહુ મજા આવશે.


હા-હા-હી-હી બ્રાન્ડ માઈન્ડલેસ અને સેન્સલેસ ફિલ્મો સિવાયનું બીજું કશું જ જોઈ ન શકનારા કે કદર ન કરી શકનારા લોકોએ આ ફિલ્મથી દૂર જ રહેવું. શુક્રવારે ફિલ્મો બદલાતાં જ ‘શિપ ઓફ થિસિયસ'  મુંબઈના થિયેટરોમાંથી એક ઝાટકે અદશ્ય થઈ જશે એવો ડર હતો, પણ ગુડ ન્યુઝ એ છે કે અહીં એનું બીજું વીક ચાલી રહ્યું છે. લોકો ફિલ્મને માણી રહ્યા છે. ઓર મજાની વાત એ છે કે અમદાવાદ અને વડોદરામાં પણ આ શુક્રવારે રિલીઝ થઈ છે. સંભવત: એ ધીમે ધીમે અન્ય મોટાં શહેરોમાં પણ જશે.  જેમને ખરેખર કશુંક નવું જોવું છે, ઉત્કૃષ્ટ જોવું છે તેમણે આ ફિલ્મ છોડવા જેવી નથી. એમાંય ડીવીડીને બદલે મોટી સ્ક્રીન પર તે જોવા મળે તો એનાથી ઉત્તમ બીજું કશું નહીં. 


શો-સ્ટોપર

અત્યાર સુધી હું મારા ડિરેક્ટરોનો ગુલામ હતો. એક રીતે એ સારું જ હતું. સૌ પોતપોતાની મુનસફી પ્રમાણે વર્તવા માંડે તો સરવાળે કશું જ સિદ્ધ થતું હોતું નથી.
- એ. આર. રહેમાન

5 comments:

  1. શીપ ઓફ થીસીયસ'નાં વિશેના એક કેમ્પેઈનમાં આપણે વોટ આપવાનો હતો કે જેનાથી તે ફિલ્મ જો થોડા ઘણા વોટ્સ મેળવી શકે તો ફિલ્મ આપણા શહેરમાં રીલીઝ થાય . . . તે રીતે અમદાવાદ અને વડોદરામાં ફિલ્મ રીલીઝ થાય તેટલા વોટ્સ મળી ચુક્યા હતા . . . જયારે રાજકોટ'ની સ્થાન એકદમ નીચલા ક્રમે હતું ! . . . મતલબ કે અહી કોઈ શકયતા દેખાઈ રહી નથી :( જયારે હોમ રીલીઝ થશે ત્યારે ઘરે વહાણ લાંગરીશુ :)

    ReplyDelete
  2. Nice artcle. Watched this movie yesterday and found it beautiful and thought-provoking. One correction: this paradox was first discussed by Greek historian Plutarch, not Theseus.

    ReplyDelete
  3. thanks for GOOD explanation of a GREAT thought provoking film...

    ReplyDelete
  4. @Prakash Khanchandani, you are right. Corrected. Thanks.

    ReplyDelete
  5. perfectly understandable.
    i enjoy your every article & read it 'shodhi-shodhine'
    thnxx....

    ReplyDelete