Monday, July 22, 2013

વાંચવા જેવું : આંખ ખોવા કરતાં દષ્ટિ ખોવી વધારે નુક્સાનકર્તા છે...


ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૩ માટે 

કોલમ: વાંચવા જેવું 


                                                                                   

શૉન પેને ડિરેક્ટ કરેલી એક અદભુત અમેરિકન ફિલ્મ છે - ‘ઈનટુ ધ વાઈલ્ડ’. પોતાની મરજીનો માલિક બનીને જીવતો એનો યુવા નાયક એક જગ્યાએ કહે છે કે, ‘કરીઅર તો વીસમી સદીમાં શોધાયેલી ચીજ છે અને મને એની બિલકુલ જરુર નથી!’

ફિલ્મનો હીરો આમ કહી શકે, પણ સામાન્ય માણસ કારકિર્દીનો અસ્વીકાર કરીને હવામાં દિશાહીન ઉડ્યા કરતાં પીંછા જેવું જીવન જીવી શકતો નથી. જીવનને ડિફાઈન શી રીતે કરી શકાય? સંબંધો વડે, સ્વજનો વડે, કારકિર્દી વડે. આપણે કર્મ કરવામાં માનનારા લોકો છીએ.  આજનાં પુસ્તક ‘મારી કારકિર્દીનો સૂર્ય’માં જુદાં જુદાં ક્ષેત્રના કર્મનિષ્ઠ અને સફળ લોકોના આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે.

મોરારીબાપુ કહે છે કે, ‘મને કારકિર્દીના સૂર્ય કરતાં કારકિર્દીના ચંદ્રમામાં વધારે પ્રસન્નતા દેખાય છે. ક્ષીણતા અને વૃદ્ધિ પામવા છતાં, કલંકગ્રસિત ઘટનાઓ થતી રહે છતાં ચંદ્ર પોતાનાં શીતળ સત્ય, પ્રેમ અને કરુણાના પ્રકાશને છોડતો નથી. પૂર્ણ ચંદ્રની સ્થિતિ નિરંતર રહેતી નથી. તેથી માનવીએ સતત વિચારતા રહેવાનું છે કે હું મારી કારકિર્દીમાં પૂર્ણ નથી થઈ ગયો, મારે નિરંતર વૃદ્ધિ કરતાં રહેવાની છે.’

અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ અને પેશનને અનુસરીને થતી પ્રવૃત્તિ - આ બન્ને વચ્ચે ભેદ હોય, ન પણ હોય. ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વાર્તાકાર. ઉપરાંત સુરેશ દલાલ સાથે પુસ્તક પ્રકાશન તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન કહી શકાય એવી એકાધિક પ્રવૃત્તિઓ કરી. આમ છતાંય નાટકો જોવાની, માણવાની અને તેના વિશે સંપૂર્ણ નિષ્ઠા તેમજ તટસ્થતાથી લખવાની સાડાત્રણ દાયકાની સાતત્યપૂર્ણ પ્રલંબ કારકિર્દી એમને સૌથી વધુ અસામાન્ય લાગે છે. અહીં ‘સાતત્ય’ શબ્દ મહત્ત્વનો છે, જેનો સીધો સંબંધ શિસ્ત સાથે છે.

કરીઅર સમયની સાથે અલગ અલગ રંગછટા ધારણ કરતી જતી હોય છે.  જેમ કે અવિનાશ પારેખને ‘બિલ્ડિંગ લાઈનનો બાદશાહ એટલે બિલ્ડર, આર્કિટેક્ટ નહીં’ એ સૂત્ર મળ્યું અને તેમના મનને જાણે ચાબૂક લાગી ગઈ. પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ તરફથી તેઓ ક્ધસ્ટ્રક્શન તરફ વળ્યા. સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. અનુભવે એક વાત શીખ્યા કે ઈર્ષાજનક સફળતા મેળવ્યા પછી આત્મવિશ્વાસ કરેલી ભૂલનું મૂલ્ય ક્યારેય ઓછું હોતું નથી. દષ્ટિ ખોવી એ આંખ ખોવા કરતાં વધારે નુક્સાનકર્તા છે! એમણે ‘અભિયાન’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સામયિકે કંઈકેટલાય ‘હાઈ’ અને ‘લૉ’ જોયા, કેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થયું. ‘અભિયાન’ સરવાળે સફળતા પામ્યું? અવિનાશ પારેખનો ઉત્તર છે: ‘હા અને ના!’

આ ‘હા’ અને ‘ના’નું સહઅસ્તિત્ત્વ ‘અભિયાન’નું સત્ય છે. કવિ અને ડોક્ટર રઈશ મનીઆર પોતાનાં જીવનનાં કેટલાંક સત્ય આપણી સાથે શેર કરે છે. એ કહે છે કે કારકિર્દી કે કર્મનો એજન્ડા જેટલો અંગત એટલી પીડા વધુ. જીવનમાં આપણે તલ્લીન થઈને કરેલી પ્રવૃત્તિ ધન કે યશ અપાવે જ, પણ એ તો આડપેદાશ છે. જીવનનો ખરો આનંદ તો પેલી તલ્લીનતા જ છે. સતત સક્રિય રહેવું જરુરી નથી. આપણા કાર્યક્ષેત્ર સિવાયની રોજબરોજ જિવાતા જીવનની નાની નાની બાબતોમાં પણ વ્યસ્ત અને મસ્ત રહેતાં આવડવું જોઈએ. નવરાશનેય અજંપા વગર માણતાં આવડવું જોઈએ...‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફિલ્મના નાયકની માફક કાંતિ ભટ્ટને પણ ‘કારકિદી’ કે ‘કરીઅર’ શબ્દ બિલકુલ પસંદ નથી. આ શબ્દોમાંથી એમને ગુલામીની ગંધ આવે છે! ‘કરીઅર’ મૂળ ગ્રીક શબ્દ ‘કેરરિયા’માંથી ઉતરી આવ્યો છે. કેરરિયા એટલે પૈડાંવાળું વાહન. એ કહે છે કે આજનો યુવાન કે યુવતી ડિગ્રી મેળવીને સીઈઓ કે બિઝનેસ મેનેજર કે એવા કોઈ ફેન્સી નામવાળી પોસ્ટ પર ઊંચા પગારવાળી નોકરી કરે છે, પણ આખરે રહે છે તો ગ્લેમરસ નોકર જને? પછી વર્ષો સુધી એ પૈડાંવાળાં વાહનની જેમ કારકિર્દીનો અને જિંદગીનો બોજ ઘસડ્યા કરે છે. અલબત્ત, કાંતિ ભટ્ટ હર દિન લખવા પડતા લેખને પોતાના જીવનનું પ્રેરકબળ અને રોજે રોજના સૂર્ય સાથે સરખાવે છે.

કારકિર્દી અને નસીબ વચ્ચે શો સંબંધ છે? કાઠિયાવાડના સાવરકુંડલામાં જન્મેલા અને ઉછરેલા નટવર ગાંધી કાળક્રમે અમેરિકાની રાજધાનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જેવી પાવરફુલ પોઝિશન પર દોઢ દાયકા કરતાંય વધારે સમય માટે કાર્યરત રહ્યા. વોશિંગ્ટોનિઅન ઓફ ધ યર, (વન ઓફ) ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ વોશિંગ્ટન જેવા કેટલાય ખિતાબ મેળવ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી. નટવર ગાંધી કહે છે કે, ‘તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો નસીબની લોટરી ન લાગે તો એ હોશિયારી કામે લાગતી નથી. સફળતાના શિખરે બેઠેલા મૂછો મરડતા તિસમારખાંઓએ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એમની ઉન્નતિમાં કો’ક જાણ્યા-અજાણ્યાનો હાથ છે...’ અમદાવાદનાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવી અવોર્ડવિનિંગ રેસ્ટોરાંના માલિક મનીષ પટેલ લગભગ આ જ સૂરમાં કહે છે: ‘હું નસીબમાં માનું છું અને મેં જોયું છે કે જેમ જેમ હું વધુ કામ કરું છું, તેમ તેમ વધુ નસીબદાર બનતો જાઉં છું.’

પુસ્તકમાં કેટલીય સરસ રસપ્રદ વિગતો જાણવા મળે છે. જેમ કે, સાહિત્યકાર ભોળાભાઈ પટેલ શિક્ષક બન્યા ત્યારે રઘુવીર ચૌધરી આઠમા ધોરણમાં ભણતા અને ખાદીનાં કપડાં ને સફદ ટોપી પહેરીને પહેલી બેન્ચ પર બેસતા! ભોળાભાઈ કહે છે કે ચૌધરી અત્યારે ‘મુખી’ જેવા છે એવા ત્યારે પણ હતા! આ પુસ્તકમાં તારક મહેતા, વિનોદ ભટ્ટ, ઉત્કર્ષ મઝુમદાર, ઉદયન ઠક્કર, દીપક દોશી, રતિલાલ ‘અનિલ’, ધનજીભાઈ શાહ, સ્વામી માધવપ્રિયદાસથી લઈને વિવાદાસ્પદ પોલીસ ઓફિસર વસંત ઢોબળે સુધીની પંચાવન વ્યક્તિઓએ પોતપોતાની કારકિર્દી વિશે સુંદર રીતે લખ્યું છે. કાજલ ઓઝા વૈદ્યનું લખાણ હંમેશ મુજબ શ્ર્વાસ અધ્ધર કરીને વાંચી જવું પડે એવું રસાળ છે. અલબત્ત, પુસ્તકમાં લેખકોની સૂચિને વધારે ચુસ્ત અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાઈ હોત.

ઈમેજ પબ્લિકેશનનું પુસ્તક હોય એટલે પ્રોડક્શન વેલ્યુ ઉત્કૃષ્ટ હોવાની જ. ‘મારી કારકિર્દીનો સૂર્ય’ વાંચવું અને વંચાવવું ગમે એવું પુસ્તક છે. આમેય પ્રેરણાનો સીધો મારો ચલાવતાં બીબાંઢાળ પુસ્તકોને બદલે નિશ્ચિત ગરિમા સાથે પ્રેરક વાતોને વણી લેતાં પુસ્તકો હંમેશા વધારે આવકાર્ય હોવાનાં.


મારી કારકિર્દીનો સૂર્ય  

સંપાદક: સુરેશ દલાલ
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-૨, અમદાવાદ-૬
ફોન:  (૦૨૨) ૨૨૦૦ ૧૩૫૮, (૦૭૯) ૨૬૪૪ ૨૮૩૬
કિંમત:  ૫૦૦ /
પૃષ્ઠ: ૨૫૬

 ૦ ૦ ૦
‘’

1 comment:

  1. સુંદર અવલોકન વાંચવા કરતા માણવાની મજા આવી તેમ કહીશ તો વધારે યોગ્ય ગણાશે.

    ReplyDelete