Thursday, July 11, 2013

હોલીવૂડ હંડ્રેડ: ટ્વેલ્વ એન્ગ્રી મેન : માર દિયા જાય યા છોડ દિયા જાય...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ  -  તા. ૧૨ જુલાઈ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 કોણ કહે છે કે દર્શકોને રિઝવવા હોય તો ફેન્સી લોકેશનો પર શૂટિંગ કરવું પડે ને જાતજાતનાં નખરાં કરવાં પડે? ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ નામની બેનમૂન કોર્ટરુમ ફિલ્મ આ બીબાંઢાળ ખયાલને તોડીફોડી નાખે છે.ફિલ્મ નંબર ૩૧. ટ્વેલ્વ એન્ગ્રી મેન

કોર્ટરુમ ડ્રામામાં સાહજિક રીતે જ એક થ્રિલનું તત્ત્વ વણાઈ જતું હોય છે. એમાંય જો સ્ક્રીનપ્લે અને ડિરેક્શન જબરદસ્ત હોય તો ફિલ્મને બીજાં કોઈ નખરાંની જરુર પડતી નથી. અલગ અલગ લોકેશન્સની પણ નહી. ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’એ પૂરવાર કર્યું છે કે શરુઆતથી અંત સુધી કેમેરા એક જ ઓરડામાં ફર્યા કરતો હોય છતાંય ઓડિયન્સ લગભગ અધ્ધર શ્ર્વાસે જકડાઈને બેસી રહે એટલી રસપ્રદ ફિલ્મ બનાવી શકાય છે.

ફિલ્મમાં શું છે? 

વાત કાનૂની કેસની છે, પણ તે કોર્ટરુમમાં નહી, પણ એક ૧૬ બાય ૨૪ ફૂટના કમરામાં આકાર લે છે. ન્યુયોર્કની કોઈ ઝુંપડપટ્ટીમાં રહેતા અઢાર વર્ષના છોકરાએ પોતાના સગા બાપને છાતીમાં છરો ભોંકીને મારી નાખ્યો છે. છોકરો અમેરિકન નહીં પણ ‘બહારનો’ છે. તે હિસ્પેનિક છે, ઈટાલિયન છે, ઈન્ડિયન છે કે બીજો કોઈ દેશનો તેની સ્પષ્ટતા છેક સુધી થતી નથી. મામલો અદાલતમાં પહોંેચ્યો, કેસ ચાલ્યો. ફિલ્મની શરુઆતમાં જજ બાર માણસોની બનેલી જ્યુરીને સૂચના આપે છે કે તમે બધા અંદરોઅંદર ચર્ચા કરીને તારણ પર પહોંચો કે છોકરો અપરાધી છે કે નહીં. જો સૌ સર્વાનુમતે છોકરાને ગિલ્ટી જાહેર કરશે તો છોકરાને મૃત્યુદંડની સજા થશે.જ્યુરીના બારેબાર સભ્યો અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. બધા એકબીજા માટે અજાણ્યા છે. એક અલાયદા કમરામાં મોટા ટેબલ ફરતે બધા ધીમે ધીમે ગોઠવાય છે. વાતાવરણમાં સખત ઉકળાટ છે. ઓરડામાં એસી તો નથી જ, પણ ભીંત પર જે પંખો ટાંગ્યો છે તે પણ ચાલતો નથી. બધા વચ્ચે જે અલપઝલપ થતી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યુરી મેમ્બરોએ માની જ લીધું છે કે છોકરો ગિલ્ટી છે. જે રીતે સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી તે પરથી વાત એકને એક બે જેટલી સ્પષ્ટ છે. ઝાઝું પિષ્ટપેષણ કરવાની જરુર જ નથી. લગભગ બધાનું માનવું છે કે ફટાફટ વોટ લઈને વાત પૂરો કરો. આવી ગરમીમાં શા માટે નાહકના બફાતા રહીને સમય વેડફવો. બારમાંથી ફક્ત મેમ્બર નંબર આઠ (હેનરી ફોન્ડા)નો મત બધાથી જુદો પડે છે. એ કહે છે કે ભાઈઓ, એ છોકરાનું જીવન દાવ પર લાગેલું છે, આટલી ઉતાવળ શા માટે કરો છો? નિર્ણય પર કૂદી પડતા પહેલા જરા ચર્ચા તો કરો. મેમ્બર નંબર આઠ પાસે તર્કશુદ્ધ દલીલો છે. જેમ કે, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે છોકરાએ જે છરાથી ખૂન કર્યું હતું તે દુર્લભ છે. મેમ્બર નંબર આઠ પોતાના ખિસ્સામાંથી સેમ-ટુ-સેમ છરો કાઢીને સૌને ચોંકાવી દે છે. આ છરો એને કોઈ દુકાનમાંથી આસાનીથી મળી ગયો હતો. મતલબ કે છરો દુર્લભ છે તે મુદ્દાનો છેદ ત્યાં જ ઉડી ગયો. મેમ્બર નંબર આઠ કહે છે કે તમે સૌ સાંયોગિક પૂરાવાઓના આધારે છોકરાને અપરાધી માની રહ્યા છો, મને ખુદને લાગી રહ્યું છે કે છોકરો ગિલ્ટી છે, પણ સાથે સાથે મને એમ પણ લાગે છે કે છોકરો નિર્દોષ હોય તેવી સંભાવના પણ છે જ.ફરીથી વોટ લેવાય છે. આ વખતે ઓર એક મેમ્બર છોકરાને ‘નોટ ગિલ્ટી’ ગણાવે છે. મતલબ કે દસ વિરુદ્ધ બે વોટ. પ્રક્રિયા આગળ વધતી જાય છે. ત્રણ... ચાર... પાંચ... છોકરાને ‘નોટ ગિલ્ટી’ માનનારા સભ્યોની સંખ્યા ક્રમશ: વધતી જાય છે. સાંયોગિક પૂરાવાઓને એક પછી એક દલીલોની એરણ ચડાવવામાં આવે છે તેમ તેમ કેટલીય વાતો સ્પષ્ટ થતી જાય છે. ખૂન થયું ત્યારે બાજુમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી. ટ્રેનના જોરદાર ઘોંઘાટમાં સાક્ષી બનેલા પાડોશીને મૃતકના ધબ કરતા પડેલાં શરીરનો અવાજ કેવી રીતે સંભળાયો? તે  વૃદ્ધ પાડોશીને કદાચ પહેલીવાર એને આટલો ધ્યાનથી સાંભળવામાં આવ્યો હતો, કદાચ પહેલી વાર એને આટલું બધું અટેન્શન મળ્યું હતું. શક્ય છે કે પોતાની મહત્તા સિદ્ધ કરવા બિલકુલ અભાનપણે એણે ખૂનની ઘટના વખતે અવાજો સાંભળવાની વાતો કોર્ટમાં ઊપજાવી કાઢી હોય! વળી, મૃતક બાપ કરતાં આરોપી દીકરાની હાઈટ ઓછી હતી. જે એંગલથી બાપની છાતીમાં છરો હૂલાવવામાં આવ્યો હતો તે ઓછી ઊંચાઈવાળા માણસ માટે શક્ય નહોતું. સાક્ષી બનેલી ઓર એક મધ્યવયસ્ક સ્ત્રીએ દૂર બારીમાંથી છોકરાને ‘રીતસર’ ખૂન કરતો જોયો હતો. આ ઘટના બની ત્યારે સ્ત્રીએ ચશ્માં પહેર્યાં નહોતાં. વગર ચશ્માએ એને કેવી રીતે ખબર પડી ગઈ કે ખૂન કરનારો માણસ આરોપી દીકરો જ હતો?જેમ જેમ આરોપી ગિલ્ટી ન પણ હોય તેમ માનનારાઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ જ્યુરી મેમ્બરોના ખુદનાં વ્યક્તિત્ત્વના કેટલાક પાસાં અને માનસિકતા સામે આવતાં જાય છે. જેમ કે, એક મેમ્બર ખુદ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો હતો. એના પર આક્ષેપ થાય છે કે તું ખુદ સ્લમમાં મોટો થયો છે એટલે આરોપી છોકરા પ્રત્યે હમદર્દી દેખાડી રહ્યો છે! છેલ્લે બાજી તદ્દન પલટાઈ જાય છે. બારમાંથી અગિયાર જ્યુરી મેમ્બર છોકરા પરનો ખૂનનો આરોપ ખોટો હોઈ શકે છે તેમ માને છે, ફક્ત એક મેમ્બર (લી કોબ) એને ગિલ્ટી પૂરવાર કરવા મથી રહ્યો છે. એના ખુદના પુત્રએ એકવાર તેના પર અટેક કર્યો હતો એટલે અભાનપણે ‘દીકરાઓે સાલા આવા જ હોય’ પ્રકારની માનસિકતા અને ક્રોધ એની હઠાગ્રહ પાછળ કામ કરતાં હતાં. ખેર, આખરે તે પણ બાકીના જ્યુરી મેમ્બરો સાથે સહમત થાય છે. આરોપીએ ખૂન કર્યું હોય તેવી શંકા જરુર છે, પણ તે સોએ સો ટકા અપરાધી છે જ તે પૂરવાર થતું નથી - આ પ્રકારનો એકમત સધાતા સૌ વિખરાય છે. આખી ફિલ્મમાં એક પણ જ્યુરી મેમ્બરનાં નામનો ઉલ્લેખ થતો નથી, પણ છેલ્લાં દશ્યમાં કોર્ટના મકાનની બહાર બે મેમ્બર જતાં જતાં ઊભા રહીને એકબીજાનાં નામ પૂછે છે. પછી ‘ભલે ત્યારે’ કહીને છૂટા પડે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.  

કથા પહેલાંની અને પછીની

કમાલની ફિલ્મ છે આ. આના પરથી બાસુ ચેટર્જી એક સરસ હિન્દી ફિલ્મ બનાવી ચુક્યા છે - ‘એક રુકા હુઆ ફૈસલા’, જે ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. ગુજરાતી રંગભૂમિના નાટ્યસમ્રાટ પ્રવીણ જોશી આ થીમ પરથી ‘માણસ નામે કારાગાર’ નામનું નાટક પણ બનાવી ચુક્યા છે, જેમાં તેઓ સ્વયં અભિનય પણ કરતા. જયંત પરીખે એડપ્ટ કરેલાં આ નાટકમાં અરવિંદ જોશી અને કે.કે. જેવા અભિનેતાઓ પણ હતા. વેલ, બ્લેક-એન્ડ-વ્હાઈટમાં બનેલી ફિલ્મ ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ મૂળ તો ટીવી માટે લખાયેલું આ જ નામનું નાટક જ હતુંને. તે અમેરિકામાં ૧૯૫૪માં ટેલીકાસ્ટ થયું હતું. પછી તે સ્ટેજ પર પણ ભજવાયું. નાટક સફળ રહ્યું એટલે લેખક રેગિનેલ્ડ રોઝે સ્વયં પ્રોડ્યુસર બનીને એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સિડની લ્યુમેટ નામના તદ્દન નવા નિશાળિયા ડિરેક્ટરને કેપ્ટન-ઓફ-ધ-શિપ બનાવવામાં આવ્યા.

શૂટિંગ શરુ કરતાં પહેલાં સિડનીએ કલાકારો પાસે બે અઠવાડિયાં સુધી રિહર્સલ કરાવ્યા હતા. શૂટિંગ ત્રણ વીક ચાલ્યું. ફિલ્મની લંબાઈ ૯૬ મિનિટ છે. શરુઆતમાં કોર્ટમાં ન્યાયાધીશ જ્યુરીને સૂચના આપે છે તે ત્રણ મિનિટને બાદ કરતાં બાકીની ૯૩ મિનિટની ફિલ્મ એક જ સાંકડા ઓરડામાં શૂટ થઈ છે. આપણે જાણે રીઅલ ટાઈમમાં ફિલ્મ જોતા હોઈએ એવી ફીલિંગ આવે છે. ફિલ્મમાં એક પણ વાર ખૂનની ઘટના દેખાડવામાં આવતી નથી. આરોપી છોકરાના ડરેલા અને આતંકિત ચહેરાનો સાયલન્ટ ક્લોઝઅપ એકવાર આવે છે, બસ. ખૂનકેસ વિશે ઓડિયન્સ માત્ર એટલું જ જાણે છે જેટલું જ્યુરીના ડિસ્કશનમાંથી બહાર આવતું જાય છે.એક જ ઓરડામાં શૂટ થયેલી ફિલ્મમાં ઓડિયન્સ કંટાળી ન જાય? ઓડિયન્સને ચેન્જ ન જોઈએ? આ કંઈ સ્ટેજ પર ભજવાતું નાટક થોડું છે? ઈવન સ્ટેજ પર દશ્ય પ્રમાણે બેકગ્રાઉન્ડ અને સેટ બદલાતા હોય છે. આ જ તો ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની સૌથી મોટી ખૂબી છે. એક જ લોકેશન હોવા છતાં આ ફિલ્મ એટલી ગતિશીલ છે કે તમે એક પળ માટે પણ બોર થતા નથી. ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની વિઝ્યુઅલ પેટર્ન અને કેમેરા એન્ગલ્સ વિશે ખૂબ ચર્ચા થઈ છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ડિરેક્ટર એ પ્રકારે કેમેરાના લેન્સ વાપરતા ગયા કે જેથી ઓરડો વધુને વધુ સાંકડો દેખાય. સિનેમેટોગ્રાફીનું શાસ્ત્ર કહે છે કે ઊંચાઈ પર કેમેરા ગોઠવેલો હોય તો પાત્રો અન્ય કેરેક્ટર્સથી કે પરિસ્થિતિથી ડોમિનેટ થઈ ગયા હોય એવું લાગે, જ્યારે લૉ-એંગલ પર ગોઠવેલો કેમેરા નીચેથી ઉપર જોતો હોય ત્યારે કેરેક્ટર આધિપત્ય જમાવી રહ્યું હોય એવું લાગે. સિડની લ્યુમેટે શરુઆતની ત્રીસેક ટકા ફિલ્મ અબાઉ-આઈ-લેવલ શૂટ કરી છે, વચ્ચેનો ભાગ આઈ-લેવલથી અને છેલ્લો હિસ્સો આઈ-લેવલ કરતાં નીચેના એંગલથી શૂટ કરી છે. તેથી ક્લાઈમેક્સ નજીક આવતાં આવતાં ઓરડાની છત સ્ક્રીન પર દેખાવા લાગે છે. દીવાલો પણ પાત્રોથી નજીક ધસી આવી હોય એવું લાગે. આ બધાને લીધે આગળ વધતી વાર્તાના મૂડ પ્રમાણે બંધિયારપણું અને ટેન્શનની તીવ્રતા જાણે ઉત્તરોત્તર વધી રહી હોય એવી સૂક્ષ્મ અસર ઊભી થાય છે.  બારેય જ્યુરી મેમ્બરો સહમતી સાધીને છૂટા પડે ત્યારે છેલ્લા શોટમાં વાઈડ એંગલનો ઉપયોગ થયો છે. ‘હાશ... ગરમીમાંથી માંડ છૂટ્યા, હવે જરા ખુલ્લામાં શ્ર્વાસ લઈએ’ પ્રકારની અનાયાસ લાગણી વિઝ્યુઅલમાંથી પણ ઊભી થાય છે.

‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ રિલીઝ થતાં જ ખૂબ વખણાઈ. એને ક્લાસિકનો દરજ્જો મળ્યો. સર્વશ્રેષ્ઠ દસ અમેરિકન કોર્ટરુમ ડ્રામામાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. આ એવી ફિલ્મ છે, જે ઓડિયન્સને ઈન્ટેલિજન્ટ સમજે છે, એની બુદ્ધિમત્તાનું અપમાન નથી કરતી. ફિલ્મને ત્રણ ઓસ્કાર નોમિનેશન મળ્યાં હતાં, પણ આ ત્રણેય કેટેગરીમાં ‘ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ’ નામની ફિલ્મ વિજેતા બની. વેલ, ‘ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ’ પણ અફલાતૂન ફિલ્મ છે. તેના વિશે પણ આ કોલમમાં વાત કરીશું.      0

 ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : સિડની લ્યુમેટ
મૂળ નાટ્યલેખક અને સ્ક્રીનપ્લે   : રેગિનેલ્ડ રોઝ
કલાકાર           : હેન્રી ફોન્ડા, લી કોબ  
રિલીઝ ડેટ        : ૧૩ એપ્રિલ ૧૯૫૭
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફિલ્મ, ડિરેક્શન અને સ્ક્રીનપ્લે માટેનાં ઓસ્કર નોમિનેશન્સ                               0 0 0

2 comments:

  1. જો એક બ્લેક એંડ વ્હાઇટ ઇંગ્લિશ મૂવી જોવી હોય તો આ મૂવી જોવા જેવી છે. સુપર્બ મૂવી, સુપર્બ ડાઇરેક્શન અને સુપર્બ ઍક્ટિંગ.....

    ReplyDelete
  2. આ મૂવી ની નકલ જોવી હોય તો bollyvood ની એક રુકા હુઆ ફેસલા કાર્બન કોપી
    જયેન્દ્રસિંહ રાણા

    ReplyDelete