Saturday, July 13, 2013

મલ્ટિપ્લેક્સ : ધ બેડ રોડ


Sandesh - Sanskaar Purti - 14 July 2013

Column: મલ્ટિપ્લેક્સ 

'ધ ગુડ રોડનામની ગુજરાતી ફિલ્મે નેશનલ એવોર્ડ જીતી લીધો તે એક વાત થઈ અને તે જોઈને બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે તે તદ્દન જુદી વાત થઈ. શું આવી કંગાળ અને કળાશૂન્ય ફિલ્મ ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠતાનું માપ નક્કી કરશે?



'સાંભળો, સાંભળો, સાંભળો. એક અદ્ભુત ઘટના ઘટી છે. છેલ્લાં વીસ વર્ષમાં ક્યારેય ઘટી ન હોય એવી. એક રત્ન સાંપડયું છે, અત્યંત કીમતી. જાણકારો આ રત્નને જોઈને દંગ થઈ ગયા છે. એમની આંખો ફાટી ગઈ છે. નિષ્ણાતોએ ઘોષિત કર્યું છે કે આપણી ધરતીમાંથી આવું મહામૂલું રત્ન પ્રાપ્ત થવું એ દુર્લભ ઘટના છે. તો ગીતડાં ગવડાવો, ઢોલ પર દાંડી પીટો, વાજાં વગડાવો અને આ રત્નના પ્રકાશમાં નહાઓ!'
આવી પ્રચંડ ઘોષણા સાંભળીને તમે સ્વાભાવિક રીતે જ ઉત્સુક થઈ જવાના, ખુશ પણ થવાના. તમને થાય કે ઓહોહો, શું વાત છે? ચાલો જરા જોઈએ તો ખરા કે કેવુંક રત્ન છે. તમે થનગન થનગન થતા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા રત્નને નિહાળવા પહોંચી જાઓ છો, પણ રત્નને જોતાં જ તમે ઘા ખાઈ જાઓ છો. આ? કાચના નિર્જીવ ટુકડાને આ લોકો રત્ન કહે છે? કીમતી, મહામૂલું, દુર્લભ આવાં બધાં વિશેષણો આ નકામી અને રદ્દી વસ્તુ માટે વપરાયાં હતાં? તમે ક્રોધિત થઈ ઊઠો છો. તમારા મનમાં છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે.
હવે આ 'રત્ન'ના સ્થાને 'ધ ગૂડ રોડ' નામની ગુજરાતી ફિલ્મને મૂકો. વાહવાહીના સ્થાને નેશનલ એવોર્ડનું લેબલ ચીપકાવી દો. નિષ્ણાતોની જગ્યાએ ભેદી મનુષ્ય-પ્રાણીઓથી બનેલી સિલેક્શન પેનલને ફિટ કરી દો. વાત એ જ રહે છે. ત્રીજી મે, ૨૦૧૩ના રોજ ૬૦મા નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ સેરિમનીમાં 'ધ ગૂડ રોડ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ને સિલ્વર લોટસ (રિજનલ કેટેગરી)નો નેશનલ એવોર્ડ એનાયત થયો. અગાઉ  1980માં કેતન મહેતાની ભવની ભવાઈને બે અને ત્યાર બાદ 1993માં ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈને એક નેશનલ અવોર્ડ મળી ચૂક્યા છે.  વચ્ચેનાં વર્ષો બિલકુલ ખાલી ગયાં હતાં. 'ધ ગુડ રોડ' નામની આ અજાણી તો અજાણી પણ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય સન્માન મળ્યાના સમાચાર આવ્યા ત્યારે એક સિનેમાપ્રેમી તરીકે હરખ થયો હતો. વળી, ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઓસ્કર વિનર રસુલ પુકુટ્ટી તેમજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે રજત ધોળકિયા જેવાં મહત્ત્વનાં નામ જોડાયેલાં હોવાથી આ એક સિન્સિયર ફિલ્મ હશે એવી ખાતરી બેસતી હતી,પણ થોડા દિવસો પહેલાં આ ફિલ્મ જોવાની તક મળી ને એમ સઘળો હરખ એક ઝાટકામાં ગાયબ થઈ ગયો. ઊલટાની બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની લાગણી જાગી. નેશનલ એવોર્ડનો નશો ઝાટકામાં ઊતરી ગયો. મદહોશ થઈને ઝૂમી રહેલા દારૂડિયાને કચકચાવીને લાફો મારવાથી એ એકાએક ભાનમાં આવી જાય તેમ.


લાંબા સમયથી ડબામાં પુરાઈ રહેલી આ ફિલ્મ હવે આવતા શુક્રવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં રિલીઝ થઈ રહી છે. શું છે આ ફિલ્મમાં? ફિલ્મ કચ્છની ભૂમિ પર આકાર લે છે. મુંબઈનું એક યુગલ કારમાં વતન જઈ રહ્યું છે. સાથે આઠ-દસ વર્ષનો દીકરો છે. રસ્તા પર ધાબા જેવી જગ્યાએ ચંચળ છોકરો ઊતરી જાય છે અને મા-બાપ ભૂલથી એને ત્યાં જ છોડીને આગળ નીકળી જાય છે. પછી દીકરો ગાયબ છે એવી ખબર પડતાં ઘાંઘાં થાય છે. ટેણિયો મમ્મી-પપ્પાની રાહ જોવાને બદલે કોઈ ટ્રક ડ્રાઇવર સાથે નીકળી પડે છે. ઔર એક ટ્રેક દસેક વર્ષની બાળકીનો છે. તે રસ્તા પર શરીર વેચતી વેશ્યાઓની ગેંગનો હિસ્સો બની જાય છે. છેલ્લે અફકોર્સ, સૌ સારા વાના થઈ જાય છે.
ફિલ્મ એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ફંડિંગથી બની છે. મુંબઈવાસી ડિરેક્ટર જ્ઞાન કોરિયા મૂળ એડવર્ટાઇઝિંગના માણસ છે. એ મૂળ ગોવાના. રસુલ પુકુટ્ટી અને રજત ધોળકિયા જેવાં વજનદાર નામ સંકળાયેલાં હોય એવા પ્રોજેક્ટના હાલહવાલ કરી નાખવા માટે ખરેખર જ્ઞાનભાઈ જેવી 'સુપર ટેલેન્ટ' જોઈએ! નથી ડિરેક્શનનાં ઠેકાણાં, નથી અભિનયમાં ભલીવાર. સોનાલી કુલકર્ણી અને પપ્પાનો રોલ કરતો અજય ગેહી (જે સીધાં ગુજરાતી વાક્યો પણ બોલી શકતો નથી)ને બાદ કરતાં ડિરેક્ટરસાહેબે નોન-એક્ટર્સને લેવાનો આગ્રહ રાખ્યો છે, ફિલ્મને 'રિયાલિસ્ટિક ફીલ' મળે તે માટે. મતલબ કે સ્થાનિક લોકોને પકડીને, તેમને ટ્રેનિંગ આપી, તેમને અલગ અલગ રોલમાં ફિટ કરીને અભિનય કરાવ્યો છે. સપાટ ભાવશૂન્ય ચહેરાવાળા, પથ્થરના ચેતનહીન ખડકલા જેવા આ 'એક્ટરો'નો અભિનય જોઈને કંપી ઉઠાય છે. ફિલ્મની વાર્તામાં આખેઆખા ટ્રક પસાર થઈ જાય એવડાં મોટાં ગાબડાં છે. આપણી સેન્સિબિલિટી પર સૌથી મોટો ઘા તો પેલી નાની બાળકીવાળો ટ્રેક કરે છે. આ ફિલ્મ આપણને માહિતી આપે છે કે કચ્છના કોઈક હાઈવે પાસે ખુલ્લા મેદાનમાં વેશ્યાઓનો મેળો ભરાય છે. રાત પડે એટલે શામિયાણા જેવું તૈયાર કરવામાં આવે, જેમાં દરવાજા હોય. હજુ કદાચ ઋતુકાળમાં પણ આવી ન હોય એવડી દસ-બાર વર્ષની માસૂમ બાળકીઓ ઉપરાંત તરુણીઓ બનીઠનીને, લાલી-લિપસ્ટિક કરીને કતારમાં ઊભી રહી જાય. આ બધી વેશ્યાઓ છે. સામે આડશની પેલી બાજુ પુરુષો ભીડમાં ઊભા હોય. જેને જે છોકરી પસંદ પડે એના તરફ ઇશારો કરે એટલે દલાલ છોકરીને ઘરાક સાથે તંબૂમાં મોકલી આપે. આ છોકરીઓ દિવસે રમતી હોય, કાનમાંથી કીડા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલતી ઝઘડતી હોય (ફિલ્મમાં આ બધી ગાળો યથાતથ મૂકવામાં આવી છે) અને રાત પડે એટલે ધંધો કરવા ઊભી રહી જાય. કચ્છમાં ફોર ધેટ મેટર, ગુજરાતના કયા હિસ્સામાં આ રીતે મુંબઈના કમાઠીપુરાની જેમ વેશ્યાનાં બજારો ભરાય છે?
આ કયા ઓડિયન્સ માટે બનાવેલી ફિલ્મ છે? તે આમ જનતા માટે તો નથી જ, તો શું આ ફિલ્મ બનાવનારા એવા ભ્રમમાં હશે કે અમે તો 'ક્લાસ' માટે આર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ? ખરેખર? આર્ટ ફિલ્મ ભૂલી જાઓ, 'ધ ગૂડ રોડ' સ્યુડો આર્ટ ફિલ્મ પણ નથી. હા, કળા અને ક્રિએટિવ એક્સપ્રેશન્સના નામે જે ભયાનક ખરાબ, ગંદાં, ગમાર અને નિકૃષ્ટ કક્ષાનાં જોણાં તૈયાર થાય છે એમાં તે જરૂર હકથી સ્થાન પામી શકે એમ છે. 'ધ ગૂડ રોડ'માં કચ્છનાં ગામોનો સતત નામોલ્લેખ થતો રહે છે. તે ભૂજ અને ધોરડો વચ્ચેના રોડ પર અને બન્નીના રણમાં ડોક્યુમેન્ટરી જેવી શૈલીથી શૂટ કરવામાં આવી છે. આ જ વિસ્તારમાં કચ્છનો રણોત્સવ ભરાય છે જે ધીમે ધીમે બિનગુજરાતીઓમાં પણ લોકપ્રિય બની રહ્યો છે. 'ધ ગૂડ રોડ' રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં દેખાડાય તે શક્ય છે. એક સવાલ એ પણ જાગે કે ફિલ્મમાં કચ્છનું જે કક્ષાનું વિકૃત નિરૂપણ થયું છે તે જોઈને બિનગુજરાતીઓ કે બિનભારતીયોમાં કેવી ઇમેજ બનશે?
આ કોઈ ન્યૂઝ રિપોર્ટ નહીં, પણ કાલ્પનિક કથા છે તે કબૂલ. આપણે એવા કંઈ સૂગાળવા પણ નથી કે વેશ્યાઓનાં સીન જોઈને કે ગાળો સાંભળીને આતંકિત થઈ જઈએ. પ્રશ્ન સિનેમેટિક ઓનેસ્ટિનો છે. તમે ફિલ્મને રિયાલિસ્ટિક બનાવવા જાતજાતના ઉધામા કરો છો, ઓથેન્ટિક લોકેશન પર જઈને શૂટ કરો છો અને પછી ફિલ્મને 'એક્ઝોટિક ફ્લેવર' મળે તે માટે આવો વેશ્યાઓનો માથામેળ વગરનો ટ્રેક ભભરાવી દો છો. ગાળો, સેક્સ આર્ટ ફિલ્મમાં આવું બધું હોવું જોઈએ, યુ સી. ખાટલે મોટી ખોડ એ છે કે વેશ્યાઓની વાર્તાને ફિલ્મના મુખ્ય નેરેટિવ સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો સંતાનને શોધી રહેલાં મા-બાપ, લાપતા છોકરાની રખેવાળી કરતો ટ્રક ડ્રાઇવર અને વેશ્યા બનતાં બનતાં રહી ગયેલી બાળકી- આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં આખરે પરોવાઈ જવી જોઈએ અને એક સુરેખ સંપૂર્ણ ચિત્ર ઊપસવું જોઈએ, પણ અહીં એવું અણઘડ એડિટિંગ-કટિંગ થયું છે કે વાર્તાઓના છેડા હવામાં અધ્ધર લટકતા રહી જાય છે. તેને લીધે વાત અધૂરી અને અધકચરી રહી જાય છે. અતિ ધીમી ગતિએ ચાલતી ફિલ્મ તમારી ધીરજની કસોટી કરતી રહે છે. 'ધ ગુડ રોડ'નું બજેટ અઢી કરોડનું કહેવાય છે. મતલબ કે રેગ્યુલર ગુજરાતી ફિલ્મો કરતાં લગભગ પાંચ ગણું. ફિલ્મની અતિ કંગાળ પ્રોડક્શન વેલ્યૂ જોઈને થાય કે અરેરે, આ ફિલ્મે અઢી કરોડ રૂપિયા ક્યાં ચાવી નાખ્યા હશે?

'ધ ગુડ રોડ'ની સાથે નેશનલ એવોર્ડની સ્પર્ધામાં 'કેવી રીતે જઈશ' અને 'સપ્તપદી' પણ હતી. આ બન્નેમાંથી કોઈ એક કેમ ક્વોલિફાઈ ન થઈ એ ઇશ્યૂ નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે 'ધ ગુડ રોડ' જેવી નબળી ફિલ્મ કયા જોરે નેશનલ એવોર્ડ માટે લાયક ઠરી? તે એનએફડીસીની ફિલ્મ છે અને એનએફડીસી ફિલ્મને એવોર્ડ-બેવોર્ડ મળતો રહેવો જોઈએ એવી કોઈ ગણતરી છે? જ્ઞાન કોરિયા અને રસુલ પુકુટ્ટી એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના ગ્રેજ્યુએટ્સ છે. નેશનલ એવોર્ડની સિલેક્શન પેનલના માનવંતા સભ્યોને એફટીઆઈઆઈવાળાઓ માટે બહુ પ્રેમ છલકાતો હોય છે તે એક પરિબળ છે?
'કેવી રીતે જઈશ' પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પોઝિટિવ વાતાવરણ બન્યું હતું. આવામાં 'ધ ગુડ રોડ' જેવું 'નામ બડે ઔર દર્શન ખોટે' છાપ સુરસુરિયું માહોલને ડહોળી નાખે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ નેશનલ એવોર્ડ એક કક્ષા નક્કી કરી નાખે છે, રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકેલી ફિલ્મ એક રેફરન્સ પોઇન્ટ બની રહે છે. જેમ કે, 'ભવની ભવાઈ' ગુજરાતી સિનેમામાં એક સીમાચિહ્ન છે અને તેણે જીતેલા નેશનલ એવોર્ડને હંમેશાં યાદ કરવામાં આવે છે. 'ધ ગુડ રોડ' જેવી કળાશૂન્ય ફિલ્મ, કે જેમાંથી બેઈમાનીની વાસ આવ્યા કરે છે, તે શ્રેષ્ઠતાનું માપ શી રીતે બની શકે? નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે-તે ભાષાની સિનેમાનું અને જે-તે રાજ્યના પોપ્યુલર કલ્ચરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. આ મોટું ભયસ્થાન છે. 'ધ ગુડ રોડ' જેવી ફિલ્મો ગુજરાતી સિનેમાનું ભલું કરવાને બદલે નુકસાન કરી નાખે છે. ગુજરાતી સિનેમાને નેશનલ એવોર્ડ જીતી લેવાના કોઈ ધખારા છે. ભલે બીજાં પાંચ વર્ષ રાહ જોવી પડે, પણ કોઈ નકામી ફિલ્મ ભવિષ્યમાં બનનારી ફિલ્મો માટે ધારાધોરણ સ્થાપિત કરવાની કુચેષ્ટા કરે તે બિલકુલ ન ચાલે.                  0 0 0

15 comments:

  1. Shishirbhai...

    Thank you very much for the nice review.

    aaje j advt joi hati.. ne ratre movie jova no plan hato... award winner film hoi harkh ma sathe frnds ne lai javano hato.. tame rupiya bachavya...

    ReplyDelete
    Replies
    1. http://deshgujarat.com/2012/03/11/gujarats-village-of-prostitutes-witnesses-mass-wedding-for-the-first-time/

      Delete
  2. Jitendrabhai, I guess the film is releasing on 19th July.

    ReplyDelete
  3. સામાન્ય છાપ એવી છે કે ફીલ્મોના રિવ્યુમાં ફીલ્મોને વખાણવામાં જ આવે છે, શું કામ તેનાથી આપણે બધા પરિચીત છીએ એવા સમય માં તટસ્થ રિવ્યું વાંચવા મલ્યાની લાગણી થઇ, આભાર તથા અભિનંદન શીશીરભાઈ.

    ReplyDelete
    Replies
    1. http://deshgujarat.com/2012/03/11/gujarats-village-of-prostitutes-witnesses-mass-wedding-for-the-first-time/

      Delete
  4. http://deshgujarat.com/2012/03/11/gujarats-village-of-prostitutes-witnesses-mass-wedding-for-the-first-time/

    ReplyDelete
  5. ભરતકુમાર ઝાલાJuly 18, 2013 at 6:44 AM

    આપણી રાષ્ટ્રીય ફલક પર નોંધ લેવાવા માત્રને જ સિદ્ધિ ગણી હરખાઈ જનાર ગુજરાતીઓએ આ રિવ્યુ ખાસ વાંચવો જોઈએ. એવોર્ડ એ ગુણવત્તાનો વિકલ્પ નથી, એ સરસ રીતે દર્શાવી આપ્યું.ભાષાનું સ્તર જાળવીને પણ આક્રોશ દર્શાવી શકાય, એ પણ સુંદર રીતે જોવા મળ્યું.

    ReplyDelete
  6. Thanks, Film Gujarat and Bharatkumar Zala.

    ReplyDelete
  7. શિશિરભાઈ, rediff.com પર 21 સપ્ટેબર 2013 પર 4 કલાકને 36 મિનિટે ન્યૂઝ ફ્લેશ થયા છે કે, ધ ગુડ રોડને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં પસંદ કરવામાં આવી છે. શું પ્રતિક્રિયા છે તમારી? ફિલ્મ બે કરોડ પચ્ચીસ લાખના ખર્ચે તૈયાર થઈ છે. આપે કદાચ બીજી વખત ફિલ્મ જોવી જોઈએ અને ફરીથી રિવ્યૂ લખવો જોઈએ.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
  8. Another reviewer also said this film smacks of 'dishonesty'. He's absolutely right. And so are you Shishir. Very often Indian art cinema is starkly realistic - meaning they show, rather focussed on poverty and grime. The NFDC guys love the script in a perverse way and the awards committee, like you said, is made up of creatures from unidentifiable backgrounds. It should be noted that a production house that spends over two crore in making such a trashy film can easily afford another crore to bribe the awards committee. This is also the dishonesty I mentioned earlier. Lastly, I notice, somebody has been copy-pasting a URL with the story titled 'Gujarat's Village of prostitutes witnesses mass wedding'. I guess this person is none other than Mr Gyan Correa in an incognito avatar, trying to educate us about the source material of this realistic and pseudo-artistic film. Gujarat's janata have very honestly trashed it. But it's a real pity that 'Lunchbox' was sidelined for this abominable work. You have nothing but corruption to blame for it.

    ReplyDelete
  9. ફિલ્મ તો મેં જોઈ નથી સર..પણ તેને 'નેશનલ એવોર્ડ' મળ્યો છે એટલે કઈંક તો વાત હશે જ ફિલ્મમાં, અને જ્યારે નેશનલ લેવલ પર ગુજરાતી ફિલ્મ ઈન્ટસ્ટ્રી અસ્ટિત્વમાં છે પણ કે નથી એવી દુકાળની સ્થિતિમાં જો 'ધ ગુડ રોડ'ને નેશનલ એવોર્ડ મળે તો એક ગુજરાતી તરીકે હું ફિલ્મને જોયા વગર તેનો ગૌરવ લઉ એ સામાન્ય વાત છે અને તેથી જ હું ફિલ્મ જોવા પણ જઈશ... પણ ખબર નહીં કેમ 'સ્લમ ડોગ મિલ્યેનર' ફિલ્મ વખતે જે બે પ્રકારના નારાજગીના સૂર સાંભળવા મળ્યા હતા તેવા જ 'ધ ગુડ રોડ વિશે પણ સાંભળવા મળી રહ્યા છે?'

    ReplyDelete
  10. aatli hade bhabgar film me kyarey nathi joi... pachho aa film ne nationa award ane oscar pan malyo .. chhi chhi....

    ReplyDelete
  11. Anonymous, my sympathies are with you! Lolz!! :)

    ReplyDelete
  12. Very very disappointing film if you compare it with global cinema standards. However, in my view for Gujarati film industry it's fresh air! It's recognition on global level will motivate (I hope so) Gujarati producers-directors to make some films with good substance.

    ReplyDelete