Wednesday, May 29, 2013

Cine Sandesh: રણદીપ કી તો નિકલ પડી!


Sandesh - Cine Sandesh Purti - 23 May 2013
Column: બોલિવૂડ એક્સપ્રેસ
સૈફને 'લવ આજકલ'માં અને રણબીર કપૂરને 'રોકસ્ટાર' ડિરેક્ટ કરનાર ઇમ્તિયાઝ અલીના મિડાસ ટચનો લાભ હવે રણદીપ હૂડાને મળવાનો છે

બો-બો ઉર્ફ બોલિવૂડ બોય આજે સૌથી પહેલાં જે સિતારાની વાત કરવાનો છે એ છે સૈફ અલી ખાન. સૈફ એટલે ઓફિશિયલી નવાબી માણસ. મોટેભાગે અદબથી વર્તનારો, પણ ક્યારેક કમાન છટકે ત્યારે ન કરવાનું કરી બેસે ને ન બોલવાનું બોલી નાખે. હુઆ યૂં કિ એક દિવસ તે 'બુલેટ રાજા'ના સેટ પર ડિરેક્ટર તિગમાંશુ ધુલિયા અને કો-એક્ટર જિમી શેરગિલ સાથે કોઈ શોટની ચર્ચા કરી રહ્યો હતો. એટલામાં એક આસિસ્ટન્ટ ડિરેક્ટરે આવીને તિગમાંશુને કહ્યું, 'સર, સોનાક્ષી મેમ રેડ ડ્રેસ પહેરવાની ના પાડે છે. કહે છે કે આ ડ્રેસમાં એ જાડી દેખાય છે. એ રેડને બદલે પર્પલ ડ્રેસ પહેરવા માગે છે, ચાલશે?' તિગમાંશુને બહુ ખીજ ચડી. શું બોલવું એને સમજાયું નહીં, પણ છોટે નવાબથી ન રહેવાયું. એણે તરત સંભળાવ્યું, 'સોનાક્ષીની ફિગર સાઇઝ ઝીરો તો છે નહીં, એ પર્પલ ડ્રેસમાંય જાડી જ લાગવાની. જો રહેગા વો દિખેગા હી ના. એને કહો કે ડિરેક્ટરે જે નક્કી કર્યો છે એ જ ડ્રેસ પહેરવો પડશે, આમાં ઓપ્શન છે જ નહીં.'
બિચારી સોનાક્ષી! એ ચૂપચાપ લાલ ડ્રેસ પહેરીને શોટ આપવા હાજર થઈ ગઈ. આ કયો સીન હતો તે કહેવાની જરૂર નથી, કેમ કે 'બુલેટ રાજા'માં સોનાક્ષીને ગેસના લાલચટ્ટાક સિલિન્ડર જેવા અવતારમાં જોશો એટલે તમે આપોઆપ સમજી જવાના.
                                                     0 0 0
ણાને અતિ હૃષ્ટપુષ્ટ સોનાક્ષીને જોઈને ગેસનો નળાકાર બાટલો યાદ આવે છે તો ઘણાને અરબી ઘોડી. એક જમાનામાં લોકોને સૈફની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહનું મુખારવિંદ જોતાં ઘોડો યાદ આવતો. બો-બોને જોકે હણહણતા અશ્વ જોઈને રણદીપ હૂડા યાદ આવે છે, કેમ કે એને ઘોડા અતિ વહાલા છે. એણે એક-બે નહીં, પણ પાંચ-પાંચ જાતવાન ઘોડા પાળ્યા છે. રણદીપ ટેલેન્ટેડ એક્ટર છે, સરસ પર્સનાલિટી છે, પ્રભાવશાળી અવાજ છે. બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવતા તોય એને વર્ષો લાગ્યાં છે. ઇન્ડસ્ટ્રીમાં એણે સજ્જડ પોઝિશન બનાવી લીધી છે એવું તો હજુ પણ કહી શકાય એમ નથી. કદાચ ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ રિલીઝ થાય પછી એ સ્થિતિ આવે ખરી.
'યુ નો વોટ, ઇમ્તિયાઝે હજુ એની કરિયરની સૌથી પહેલી ફિલ્મ 'સોચા ન થા' પણ બનાવી નહોતી છેક ત્યારે આ ફિલ્મની વાર્તા મને સંભળાવી હતી.' રણદીપ કહે છે, 'મને આનંદ છે કે આટલાં વર્ષો પછી હવે ખરેખર તે ફિલ્મ બની રહી છે ત્યારે ઇમ્તિયાઝે મને જ સિલેક્ટ કર્યો' સારું કહેવાય, કારણ કે ઇમ્તિયાઝ આજે બોલિવૂડના સુપર હોટ એન્ડ હેપનિંગ ફિલ્મમેકર છે. એની ફિલ્મમાં કામ કરવા તો બોલિવૂડના મોટામાં મોટા હીરોલોગ પણ તૈયાર બેઠા છે. રણદીપ માત્ર ફિલ્મોનો નહીં, રંગભૂમિનો માણસ પણ છે. નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રૂપ 'મોટલી' સાથે તે વર્ષોથી સંકળાયલો છે. તાજેતરમાં એણે હાથમાં કલમ યા તો કી-બોર્ડ પકડીને 'અ વોક ઇન ધ વૂડ્સ' નામના નાટકનું રૂપાંતર કર્યું. રત્ના પાઠક શાહે તે ડિરેક્ટ કર્યું છે અને નસીર તેમાં અભિનય કરે છે. વાહ! 
                                                 0 0 0
ણદીપ હૂડા અને કંગનામાં એક વાત કોમન છે, બન્ને એકસરખાં જડભરત છે! (બો-બો અહીં અકળાઈને અને ચીસ પાડીને એક ઘોષણા કરવા માગે છેઃ કંગનાની અટક 'રનૌત' છે, 'રાણાવત' નહીં, પ્લીઝ.) કંગના પણ પોતાનું ધાર્યું કરશે. પછી ભલે દુઃખી દુઃખી થઈ જવું પડે, પણ એ કદી પોતાની ભૂલ ધરાર નહીં કબૂલે. જરૂર નહોતી તોય એણે હોઠને પ્લાસ્ટિક સર્જરી દ્વારા ભરાવદાર કરાવ્યા. સર્જરી પછી ઊલટાની એ વિચિત્ર દેખાવા માંડી, પણ એ આ વાત નહીં સ્વીકારે એટલે નહીં જ સ્વીકારે.
મૂડી અને તરંગી માણસે પછી માનસિક શાંતિ માટે ચારે બાજુ હવાતિયાં મારવાં પડે. કંગનાનું પણ એવું જ છે. ટેન્શનમાં આવે એટલે એને હિમાલય ભાગી જવાનું મન થાય. કંગનાનું એક સપનું છે-હિલસ્ટેશન. મનાલીમાં આશ્રમ બનાવવાનું કે જ્યાં એયને લોકો શાંતિથી યોગસાધનામાં મગ્ન રહી શકે, મેડિટેશન કરી શકે. એણે બૌદ્ધ ધર્મને લગતાં કંઈકેટલાંય પુસ્તકો વાંચી કાઢયાં છે. સ્વામી વિવેકાનંદની ફિલોસોફી પણ કંગનાને ખૂબ સ્પર્શે છે. સારી વાત છે. બોલિવૂડ જેવા હાડોહાડ ભૌતિકવાદી ક્ષેત્રમાં રહીને એ જો થોડી ઘણી સ્પિરિચ્યુઅલ વસ્તુઓ વાંચી-વિચારી શકતી હશે તો એનું સંતુલન જળવાઈ રહેશે. 
ચાલો ત્યારે, જય બોલિવૂડ! જય ફ્રાઇડે!                                                0 0 0

No comments:

Post a Comment