Wednesday, May 29, 2013

મલ્ટિપ્લેક્સ: દિલ, દોસ્તી, પ્યાર, મહોબ્બત


Sandesh - Sanskaar Purti - 26 May 2013

Column : મલ્ટિપ્લેક્સ 

કોઈ પણ તેજસ્વી ડિરેક્ટરની બીજી ફિલ્મ હંમેશાં ખૂબ મહત્ત્વની હોય છે.  'વેક અપ સિડ' ફ્લ્યુક નહોતી એટલે કે તે અઠ્ઠેગઠ્ઠે સફળ થઈ ગયેલી ફિલ્મ નહોતી તે અયાન મુખરજીએ 'યે જવાની હૈ દીવાની'થી સાબિત  કરવું પડશે.
'વેક અપ સિડ'ની ઓપનિંગ સિકવન્સ યાદ કરો. કોલેજની પરીક્ષા સાવ માથા પર છે એટલે મસ્તમૌલા રણબીર કપૂર નાછૂટકે પોતાના કમરામાં રાતે ભણવા બેઠો છે. રાઉન્ડ-નેક ટીશર્ટ અને શોટ્ર્સની નીચે એણે કારણ વગર સ્કવેર-સ્કવેર ડિઝાઈનવાળાં રંગીન મોજાં પહેરી રાખ્યાં છે. ચોપડીમાં જીવ ચોંટતો નથી એટલે એના ઠાગાઠૈયા શરૂ થઈ જાય છે. વાંચવા સિવાયની તમામ એક્ટિવિટી એ કર્યા કરે છે. કાગળમાં લીટા કરે, ખુરસીમાં લાંબો-ટૂંકો થાય, કમ્પ્યુટર પર લેટેસ્ટ કારના ફોટા જોયા કરે, કિચનમાં ફ્રીજ ખુલ્લું રાખી ત્યાં જ બેઠા બેઠા હાથમાં જે આવે તે ઝાપટયા કરે. પાછો કમરામાં આવી પલંગ પર પડતું મૂકે છે, ઊંધો-ચત્તો આળોટે છે, પોતાનો કેમેરા હાથમાં લે છે. કેમેરા એક એવી વસ્તુ છે જેની સાથે એનો દિલનો નાતો છે. પછી સૂતાં સૂતાં ટાંટિયા ઊંચા કરી પોતાનાં રંગીન મોજાંના ફોટા પાડે છે. એમ જ.
આ રંગીન મોજાંવાળા પગનો ક્લોઝ-અપ 'વેક અપ સિડ'ની સિગ્નેચર ઇમેજ બની ગઈ. બે મિનિટની આ ક્રેડિટ સિકવન્સ ડિરેક્ટર અયાન મુખર્જીએ સિનેમાની દુનિયામાં પાડેલી પહેલી પા-પા પગલી હતી. કોન્ફિડન્ટ, કલ્પનાશીલ, હોઠ પર મુસ્કાન લાવી દે એવી. ૨૦૦૯માં રિલીઝ થયેલી 'વેક અપ સિડ' ખૂબ વખણાઈ. બોક્સઓફિસ પર પણ ચાલી ગઈ. આ સીધીસાદી ફિલ્મ આપણને એટલા માટે ગમી ગઈ હતી કે એની સ્ટોરીમાં, પાત્રાલેખનમાં ઈમાનદારી હતી, સાચુકલાપણું હતું. અયાન ખુદ એ વખતે છવ્વીસ વર્ષનો હતો અને આ યૂથફુલ ફિલ્મમાં એની ખુદની પર્સનાલિટી ઝળકતી હતી.


આવતા શુક્રવારે અયાન મુખરજીની બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે - 'યે જવાની હૈ દીવાની'. એક રીતે આ 'વેક અપ સિડ'નું જ એક્સટેન્શન છે. 'વેક અપ સિડ'માં રણબીરના પાત્રની છોકરમત ગઈ નથી. એ હજુય સાંઢની જેમ વધી ગયેલા ટીનેજરની જેમ જ વર્તે છે. પણ 'યે જવાની હૈ દીવાની'માં રણબીરનું કેરેક્ટર પરિપક્વ થયંુ છે. એ હવે કન્ફ્યુઝ્ડ નથી, એ પોતાની જાતને થોડો ઘણો સમજવા લાગ્યો છે. આવું અયાન મુખરજીનું કહેવું છે.
રણબીરની જેમ અયાન પણ ફિલ્મી પરિવારનું ફરજંદ છે. એના દાદા શશધર મખર્જી એટલે મુંબઈના ફિલ્માલય સ્ટુડિયોના માલિક. શશધરબાબુના પાંચેય દીકરા ફિલ્મ લાઈનમાં આવ્યા. જોય મુખર્જી અને દેવ મુખર્જી હીરો બન્યા. શોમુ મુખર્જી, રોનો મુખર્જી અને શુબીર મુખર્જીએ ફિલ્મો ડિરેક્ટ કરી, પ્રોડયુસ કરી. શોમુ મુખર્જી એટલે એક્ટ્રેસ કાજોલ અને તનિશાના પપ્પા. અયાન, દેવ મુખર્જીનો દીકરો થાય. મતલબ કે કાજોલ અને અયાન પિતરાઈ ભાઈબહેન થાય. શશધર મુખર્જીના મોટા ભાઈનું નામ રામ મુખર્જી અને રામબાબુની દીકરીનું નામ રાની મુખર્જી. આમ, રાની મુખર્જી સગપણમાં કાજોલ અને અયાનની ફોઈ થાય.
અયાને કરિયર ચોઈસના મામલામાં ઝાઝું વિચારવાનું હતું જ નહીં. એણે શરૂઆત આશુતોષ ગોવારીકરને આસિસ્ટ કરવાથી કરી. તે વખત આશુતોષ 'સ્વદેશ' બનાવી રહ્યા હતા. પછી અયાને કરણ જોહરને 'કભી અલવિદા ના કહના'માં આસિસ્ટ કર્યા. ફિલ્મ પૂરી થઈ એટલે અયાન ત્રણ મહિનાનું વેકેશન પાડી ન્યૂયોર્ક ચાલ્યો ગયો. પછી ઘરે પાછા આવીને ચૂપચાપ 'વેક અપ સિડ' લખવા માંડી. આખી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ એટલે ડરતાં ડરતાં કરણ જોહરને બતાવી. કરણે કહ્યું: ફાઈન, હું આ ફિલ્મ પ્રોડયુસ કરીશ. કરણના ધર્મા પ્રોડક્શન બેનરે અગાઉ આ ફ્લેવરની એક પણ ફિલ્મ પ્રોડયુસ કરી નહોતી.

પહેલી ફિલ્મ હિટ થઈ હોવા છતાં બીજી ફિલ્મ બનાવવામાં અયાને ચાર વર્ષ લઈ લીધાં. 'જુઓ, ક્રિએટિવિટીને સમયગાળા સાથે કોઈ લેવાદેવા નથી,' એક મુલાકાતમાં અયાન કહે છે, 'મારું કંઈ એવું નથી કે બોસ, વર્ષમાં એક ફિલ્મ તો બનાવી જ નાખવાની. શક્ય છે કે મારી હવે પછીની ત્રીજી ફિલ્મ છેક છ વર્ષ પછી આવે. મને લાગે છે કે 'વેક અપ...'માં હું મારી જાતને પૂરેપૂરો વ્યક્ત કરી શક્યો નહોતો. એનું કારણ કદાચ એ છે કે તે વખતે હું સાવ નવો હતો, કાચો હતો. મને લાગે છે કે 'યે જવાની...'માં હું વધારે ખૂલીને વાત કરી શક્યો છું. 'વેક અપ...'માં બે જ પાત્રો હતાં અને એક ફ્લેટમાં જ આખી વાર્તા પૂરી થઈ જતી હતી. એની તુલનામાં 'યે જવાની...'નું વિઝ્યુઅલ કેન્વાસ ઘણું મોટું છે અને અહીં કેરેક્ટર્સ પણ વધારે છે.''વેક અપ સિડ'બની ગઈ તેના છ મહિના પછી અયાન એના કોઈ દોસ્તનાં લગ્નની સંગીતસંધ્યામાં ગયો હતો. બધા દોસ્તારોએ ભેગા થઈને ખૂબ ધમાલ કરી, ખૂબ ખાધું, ખૂબ પીધું. સવારના ચારેક વાગ્યે સૌ ગોવિંદા અને કરિશ્મા કપૂરના કોઈ ઢીન્ચાક ગીત પર મન મૂકીને ઝૂમી રહ્યા હતા અને અચાનક મારી ભીતર કશુંક બન્યું, અયાન કહે છે, "મેં જોયું કે હું અને મારા ફ્રેન્ડ્ઝ એકબીજાના સંગાથમાં એટલા બધા ખુશ હતા કે ન પૂછો વાત. મારા માટે એ એક ઈમોશનલ મોમેન્ટ હતી. મને થયું કે આ ફીલિંગ, આ બોન્ડિંગને પડદા પર કેપ્ચર કરવી જ પડે. બસ, 'યે જવાની હૈ દીવાની' નો આઈડિયા મારા મનમાં આ રીતે પેદા થયો."


આમ જોવા જાઓ તો 'યે જવાની...'માં નવું કશું નથી. તેમાં પ્રેમ, દોસ્તી અને લગ્ન જેવા સંબંધોને સમજવાની મથામણ કરી રહેલાં યંગસ્ટર્સની વાત છે, જે આપણે અગાઉ 'દિલ ચાહતા હૈ' પ્રકારની કેટલીય ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. જોવાનું ફક્ત એ છે કે અયાન કેટલી તાજગી સાથે આ વાત પડદા પર રજૂ કરી શકે છે. વચ્ચેનાં ચાર વર્ષમાં રણબીર એક એકટર તરીકે ખૂબ વિકસ્યો છે. 'રોકસ્ટાર' અને 'બરફી!' જેવી બેનમૂન ફિલ્મો કરી ચૂક્યો છે. 'બચના અય હસીનોં' દરમિયાન એ અને દીપિકા પદુકોણ રિલેશનશિપમાં હતાં. પછી તેમનું બ્રેક-અપ થઈ ગયું ને ઘણું બધું બન્યું. આ જૂનાં પ્રેમીઓએ ભૂતકાળની કડવાશ ભૂલી જઈને પાક્કા પ્રોફેશનલ્સની જેમ 'યે જવાની હૈ દીવાની'માં કામ કર્યું છે. ફિલ્મનો બીજો હીરો આદિત્ય રોય કપૂર છે, જે વિદ્યા બાલનનો સગો દિયર થાય. એની 'આશિકી-ટુ' ની સફળતા હજુ હવામાં છે એટલે એ પણ ફુલ ફોર્મમાં છે.
કોઈ પણ તેજસ્વી ડિરેક્ટરની બીજી ફિલ્મ હંમેશાં ખૂબ મહત્ત્વની હોય છે. પહેલી ફિલ્મ બનાવતી વખતે પેશનની તીવ્રતા હોય, રો એનર્જીથી છલકાતી હોય, પોતાની જાતને પુરવાર કરવાની લાલચોળ ઝંખના હોય. એની ટેલેન્ટનું ખરું માપ બીજી ફિલ્મની ગુણવત્તાથી નીકળતું હોય છે. જોઈએ, 'વેક અપ સિડ' ફ્લ્યુક નહોતી એટલે કે તે અઠ્ઠેગટ્વે સફળ થઈ ગયેલી ફિલ્મ નહોતી તે અયાન મુખરજીએ 'યે જવાની હૈ દીવાની'થી સાબિત કરી શકે છે કે કેમ.
શો-સ્ટોપર

રણબીર જુવાન છે, સકસેસફુલ છે. વો રોમાન્સ-વોમાન્સ અભી નહીં કરેગા તો કબ કરેગા? મેરી ઉંમર મેં? કુંવારો છે ત્યાં સુધી એને ગમે એટલા સંબંધો બાંધવાની છૂટ છે. પણ એક વાર પરણી જાય પછી અફેર-બફેર નહીં જોઈએ.
- રિશી કપૂર  

1 comment: