Friday, May 10, 2013

Cine Sandesh: રાનીનો રુતબો, જ્હોનની જમાવટ


Sandesh - Cine Sandesh Supplement - 10 May 2013

બોલિવૂડ એક્સપ્રેસ 

ઘણાં લોકોને લગ્નો ફળતાં હોય છે, ઘણાંને બ્રેકઅપ. બિપાશા બાસુથી છૂટા પડયા પછી જ્હોનનો સિતારો ચડતી કળાએ છે!

બો-બો ઇઝ બેક! બો-બો એટલે - યુ આર રાઇટ - બોલિવૂડ બોય! બો-બો આવે એટલે તમારે સુપરહોટ ફિલ્મસ્ટાર્સના ખટમીઠા આમરસ જેવી સ્વાદિષ્ટ વાતો સાંભળવા માટે રેડી થઈ જવાનું હોય રાઇટ?
સુપરહોટ ફિલ્મસ્ટાર્સનાં લિસ્ટમાં આમ તો કેટરીનાઓ, પ્રિયંકા ચોપરાઓ અને રણબીર કપૂરોનાં નામ આવે, પણ 'બોમ્બે ટોકીઝ'જોતી વખતે અમને તો ચોક્કસ લાગ્યું કે રાની મુખર્જી જેવી 'જૂની'હિરોઇન પણ કંઈ સાવ ચોકડી મૂકી દેવા જેવી નથી. લાલચટ્ટાક સાડી અને એવી જ મેચિંગ લિપસ્ટિકમાં રાની કેટલી મસ્ત લાગે છે નહીં! સુના હૈ કિ આજકાલ રાની અને ગુજરાતણ વૈભવી મર્ચન્ટ ભેગાં મળીને ભવ્ય પ્લાન કરી રહ્યાં છે. વૈભવી મર્ચન્ટ એટલે બોલિવૂડની સફળ કોરિયોગ્રાફર, જેણે 'ક્રિશ', 'ધૂમ-ટુ', 'એક થા ટાઇગર' જેવી કેટલીય હિટ ફિલ્મોમાં સુપરહિટ ડાન્સ બેસાડયા છે. રાની અને વૈભવી પાક્કી બહેનપણીઓ છે. વૈભવી હવે જાડુડી પાડુડી ફરાહ ખાનની જેમ કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ ડિરેક્ટર બનવા માગે છે. રાની તો લડી લેવાના મૂડમાં છે જ. એક ધમાકેદાર ફિલ્મમાં લીડ હિરોઇન તરીકે ત્રાટકીને એ ગર્જના કરવા માગે છે કે હલો હલો... આઈ એમ વેરી મચ હિઅર, ખબરદાર મને ફરજિયાત રિટાયર કરી નાખી છે તો! રાનીએ બાપડીએ 'ઐયા'માં પોતાની ચરબીદાર કાયા ધ્રુજાવી ધ્રુજાવીને બહુ થમ્પિંગમ પમ્પિંગમ કરી જોયું હતું,પણ ફિલ્મનું સુરસુરિયું થઈ ગયું હતું, એની વે.
પ્લાન એવો છે કે રાની યશરાજ બેનરમાં વૈભવી મર્ચન્ટને ડિરેક્ટર તરીકે ચાન્સ આપવાની જોરદાર સિફારિશ કરે... અને વૈભવી જે ફિલ્મ બનાવે એમાં રાની મુખ્ય ભૂમિકામાં ચમકીને અભિનયનાં એવાં જોરદાર અજવાળાં પાથરે કે ચારે બાજુ પાછં રાની... રાની થઈ જાય. યશરાજના બિગ બોસ આદિત્ય ચોપડા અને રાની મુખર્જી ક્યારનાં પૈણું પૈણું કરે છે તે હવે ઓપન સિક્રેટ છે. જાણભેદુઓ તો ત્યાં સુધી કહે છે કે બન્ને ક્યારનાં ગુપચુપ પરણી ચૂક્યાં છે. યશરાજના ટીખળી સ્ટાફવાળા રાનીને ખાનગીમાં'ભાભી' કહીને બોલાવે છે. પણ આદિત્ય ચોપડા કંઈ માત્ર રાની કહે એટલે આંખ બંધ કરીને પ્રોજેક્ટ પાસ ન કરી દે. એ તેલ જોશે, તેલની ધાર જોશે પછી નિર્ણય કરશે. જોઈએ, રાની - વૈભવીની પ્રપોઝલને ગ્રીન સિગ્નલ મળે છે કે નહીં.
                                              0 0 0 

દિત્ય ચોપડા કાબો બિઝનેસમેન છે એ તો જાણે બરાબર છે, પણ જ્હોન અબ્રાહમ જેવો જ્હોન અબ્રાહમ ખુદને બોલિવૂડમાં સ્માર્ટ પ્રોડયુસર તરીકે એસ્ટાબ્લિશ કરવામાં કામિયાબ બન્યો છે એ કંઈ જેવીતેવી વાત નથી. પોતે પ્રોડયુસ કરેલી 'વિકી ડોનર' આટલી બધી વીર્યવાન સાબિત થશે એની જ્હોને ખુદ કલ્પના નહોતી કરી. આ ઓફબીટ ફિલ્મ બોક્સઓફિસ પર પણ ચાલી અને નેશનલ એવોર્ડ સુધ્ધાં જીતી લાવી. એમાંય ગયા શુક્રવારે રિલીઝ થયેલી 'શૂટઆઉટ એટ વડાલા'માં જ્હોનના પરફોર્મન્સનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે એટલે એની ઓલરેડી ફૂલેલી છાતી ઔર પહોળી થઈ ગઈ છે. 'શૂટઆઉટ...'નાં વખાણના ગોળીબારમાં 'આઈ, મી ઔર મૈં' જેવી જોનની આગલી નિષ્ફળતા ભુલાઈ ગઈ છે. ગુડ ફોર હિમ.
"અરે, 'વિકી ડોનર' અને 'શૂટઆઉટ...' આ તો કંઈ નથી!" અર્ધ ખ્રિસ્તી - અર્ધ ગુજરાતી જ્હોન થનગન થનગન થતો કહે છે, "એક વાર મારી નેક્સ્ટ ફિલ્મ 'મદ્રાસ કાફે' આવવા દો. ધમાલ મચી જશે! ભારતમાં જ નહીં, વિદેશમાં પણ. વિદેશ એટલે હું ફક્ત એનઆરઆઈ ઓડિયન્સની વાત નથી કરતો, બલકે અસલી અમેરિકન-યુરોપિયન માર્કેટની વાત કરું છું. તમે લખી રાખો!"
તમારે લખવાની જરૂર નથી. બો-બોએ ઓલરેડી અહીં લખી નાખ્યું છે. 'મદ્રાસ કાફે' સારી બની શકે એવું માનવાનું મહત્ત્વનું કારણ એ છે કે 'વિકી ડોનર'વાળા ટેલેન્ટેડ ડિરેક્ટર સુજિત સરકાર તે બનાવવાના છે. આમેય છેલ્લા કેટલાક સમયથી, સાચું પૂછો તો બિપાશા બાસુથી અલગ થયા પછી જ્હોનનો સિતારો ચડતી કળાએ છે. ઘણાં લોકોને લગ્નો ફળતાં હોય છે, ઘણાંને બ્રેકઅપ, કેવં કહેવાય નહીં!
                                              0 0 0

'મદ્રાસ કાફે' માટે ચિંતા થવાનું એક કારણ છે. એ છે એની હિરોઇન નરગિસ ફખરી, જેનો ચહેરો ડો. મનમોહનસિંહ જેવો કોઈ પણ જાતના એક્સપ્રેશન વગરનો છે અને જેના હોઠ ઊંટ જેવા ઓવર-સાઇઝ્ડ છે. 'રોકસ્ટાર'માં એનું બેકાર પરફોર્મન્સ જોઈને આપણે કપાળ કૂટયું હતું.
જોકે, સુજિત સરકારને નરગિસ પર જબરો કોન્ફિડન્સ છે. તે કહે છે, "તમે એક વાર 'મદ્રાસ કાફે' આવવા તો દો. નરગિસને મેં એમાં સાવ નવા જ અવતારમાં પેશ કરી છે. તમને કદાચ ખબર નહીં હોય પણ તેને સૌથી પહેલાં મેં ડિરેક્ટ કરી હતી એક એડફિલ્મમાં. તે વખતથી હું એને કહેતો આવ્યો છું કે ફખરી, એક દિવસ હું તને મારી ફિલ્મની હિરોઇન જરૂર બનાવીશ!"
બો-બોએ હમણાં કોઈક જગ્યાએ નરગિસ ફખરીનું મહાન ક્વોટ વાંચ્યું, "પ્રેમ એક બંધાણ છે... સેક્સ જેવું!" કાશ, ભવિષ્યમાં ક્યારેક નરગિસને સારી એક્ટિંગનું પણ બંધાણ થાય. ટચવૂડ!
                                                                                                 0 0 0 0

1 comment:

  1. just wow shishirbhai........super, maja padi gai boss

    ReplyDelete