Saturday, April 6, 2013

નોટ ડન, નસીર!


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 7 એપ્રિલ 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

સુખ-સુવિધાઓ અને સારી લાઈફસ્ટાઈલ માટે કમર્શિયલ ફિલ્મો કરવાની અને પછી તેને ગાળો આપવાની. ફિલ્મોમાં એક્ટિંગ કરી કરીને હું બોર થઈ ગયો છું એવું તેઓ કહ્યા કરવાનું, પણ કચરાછાપ ફિલ્મોમાં નબળા રોલ્સ કરવાનું બંધ નહીં કરવાનું. નસીરુદ્દીન શાહનું આ સગવડીયું સમીકરણ છે.



સીરુદ્દીન શાહ હિંદુસ્તાનના સૌથી ઉત્કૃષ્ટ અભિનેતાઓ પૈકીના એક છે. કબૂલ. નસીરુદ્દીન એક્ટિંગની હરતીફરતી ટેકસ્ટબુક છે. કબૂલ, સાડી સત્તરવાર કબૂલ. પણ પ્લીઝ કોઈ એ સમજાવશે કે આ મહાન અદાકાર ‘સોના સ્પા’ જેવી વાહિયાત, કઢંગી અને સી-ગ્ર્ોડનાં જોણાં જેવી અસર ઊભી કરતી ફિલ્મમાં કામ કરવાનું શી રીતે પસંદ કરી શકે?

નસીરુદ્દીન શાહ તરત સમજાય એવા માણસ નથી. એમની કડવાશ, એમના બખાળાં ઘડીકમાં સમજાતા નથી. વિશાલ ભારદ્વાજે તાજેતર એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે લોકો ‘મકબૂલ’ને મારી બેસ્ટ ફિલ્મ ગણે છે, પણ નસીરુદ્દીન શાહને આ ફિલ્મ જરાય નહોતી ગમી (નસીરે તેમાં નાનકડો રોલ કર્યો હતો). વિશાલની ‘સાત ખૂન માફ’ જેવી પ્રમાણમાં નબળી ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ટીવી ઈન્ટવ્યુમાં નસીરે લેશમાત્ર કંપ વગર કહેલું, ‘અમિતાભ બચ્ચને એમની કરીઅરમાં એકપણ ગ્ર્ોટ ફિલ્મ કરી નથી. ‘શોલે’ને હું ગ્ર્ોટ ફિલ્મ ગણતો જ નથી. હા, ‘શોલે’ મજેદાર જરુર છે, પણ ગ્ર્ોટ એક પણ એંગલથી નહીં. એમ તો દારા સિંહની ‘થીફ ઓફ બગદાદ’ પણ મજેદાર હતી. પણ તેથી શું?’

નસીરુદ્દીનને મીઠું મીઠું બોલતા જરાય આવડતું નથી. ‘પા’ રિલીઝ થઈ હતી તે ગાળામાં (આ ફિલ્મ જોયા પહેલાં) તેમણે બચ્ચન વિશે કહેલું, ‘અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બન્યા તે પહેલાંની ફિલ્મોમાં અસાધારણ હતા. મેં તેમની શરુઆતની બધી જ ફિલ્મો જોઈ છે- ‘સાત હિંદુસ્તાની’, ‘બંસી બિરજુ’, ‘બંધે હાથ’, ‘રેશમા ઔર શેરા’ અને ‘પરવાના’. એમાંય બચ્ચનને એમની કરીઅરની પહેલી જ ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’માં જોઈને હું તો છક્ક થઈ ગયો હતો. આવો કોઈ એક્ટર મેં હિંદુસ્તાની ફિલ્મોમાં જોયો નહોતો. એમના અભિનયમાં શું સચ્ચાઈ હતી! ‘આનંદ’ અને ‘નમકહરામ’માં પણ તેઓ સુપર્બ હતા... અને તે પછી તેઓ સુપરસ્ટાર બની ગયા. એમની એક્ટિંગમાં હવે મિટ્ટી કી ખૂશ્બૂ આવતી નથી. એમનો અભિનય મને હવે ઓથેન્ટિક (સાચુકલો) લાગતો નથી. તેમની ગ્લેમરસ ઈમેજ મને આંજી શકતી નથી. બચ્ચન ઓર્ડિનરી માણસ રહ્યા નથી એટલે મને શંકા છે કે તેઓ હવે ઓર્ડિનરી માણસનો રોલ ભજવી શકે કે કેમ. ’

નસીરુદ્દીન શાહ એક્ટિંગુરુને ટાંકતા તેઓ કહે છે કે અભિનેતા ટેલેન્ટનું માપ એ જે પ્રકારનું કામ પસંદ કરે છે તેના પરથી નીકળે છે. એની ખરી મહાનતા એની ચોઈસમાં છે. નસીર ઉમેરે છે, ‘દિલીપકુમારે એમની કરીઅરના ચોક્કસ સમયગાળામાં જ એક્સેલન્ટ કામ કર્યું, પણ પછી તેઓ ગુણવત્તા જાળવી ન શક્યા. દેવ આનંદનું પણ એવું જ થયું. આ હું તેમને ઉતારી પાડવા નથી કહેતો, પણ એક સિનેમાપ્રેમી તરીકે મારું ઓબ્ઝર્વેશન પેશ કરું છું. ભવિષ્યમાં દિલીપકુમાર યાદ રહેશે, પણ અમિતાભ બચ્ચન ઘણું કરીને ભુલાઈ જશે.’



અમિતાભ બચ્ચન જેવા મેગાસ્ટાર આવનારા સમયમાં ભુલાઈ જવાના? ભુંસાઈ જવાના?! બહુ ભારે વાત કરી નાખી નસીરસાહેબે. તેઓ કહેવાનો મતલબ એવો નીકળે છે કે અમિતાભની ફિલ્મોની ચોઈસ ટકોરાબંધ નથી તેથી તેમની ટેલેન્ટને પણ ટકોરાબંધ ન ગણી શકાય.

નસીરની ઓથેન્ટિક અભિનયવાળી કમેન્ટ વિશે અમિતાભે કેવી પ્રતિક્રિયા આપી? એમણે કહ્યું: ‘હું નસીરનો જબરદસ્ત પ્રશંસક છું. તેમણે મારા વિશે જે વાત કરી છે તેનો હું વિરોધ તો શું, નાની સરખી ટિપ્પણી પર કરી ન શકું. જ્યારે નસીરના લેવલનો કલાકાર કમેન્ટ કરે ત્યારે તમારે હાથ પાછળ ભીડીને માત્ર ઊભા રહેવાનું હોય અને એ જે કંઈ કહે તે ચુપચાપ સાંભળી લેવાનું હોય.’

અમિતાભના આ શબ્દોમાં કેટલો વ્યંગ છે અને કેટલી સચ્ચાઈ છે એ તો એ જ જાણે. બાકી નસીરુદ્દીન શાહે ‘ચોઈસ’ની વાત કરતી વખતે પોતાના બાયોડેટા પર નજર જરુર રાખવી જોઈએ. ‘સોના સ્પા’ કંઈ એમણે કરેલી પહેલી વાહિયાત ફિલ્મ નથી, ભૂતકાળમાં તેઓ એકાધિક ખરાબ ફિલ્મો કરી ચૂક્યા છે (ઉદાહરણ તરીકે, ‘બોમ્બે બોય્ઝ’, ‘મેરી બીવી સે મુઝે બચાઓ’ વગેરે). નસીરસાબ કરીઅરની શરુઆતમાં શ્યામ બેનેગલ પ્રકારના ડિરેક્ટરોની ફિલ્મો કરીને આર્ટ સિનેમાના અગ્ર્ોસર એક્ટર બન્યા. થોડાં વર્ષો પછી તેમને આર્ટ ફિલ્મોની આખી મુવમેન્ટ જ હંબગ અને દંભી લાગવા માંડી એટલે તેઓ પેરેલલ સિનેમાને ભાંડવા લાગ્યા. ધીમી ધીમે તેઓ બોલીવૂડની કમર્શિયલ ફિલ્મો કરવા લાગ્યા. પછી ‘હિન્દી ફિલ્મોમાં કામ કરવું એ તો આત્માનું ખૂન કરવા બરાબર છે’ એવું બોલીબોલીને ગાળો આપવા લાગ્યા.

‘બેન્ક બેલેન્સનું તળિયું દેખાવા લાગે એટલે હું એકાદ બિગ બજેટ મસાલા ફિલ્મ કરી નાખું. શું થાય. ઘર તો  ચલાવવું જ પડેને. કમર્શિયલ ફિલ્મોમાં કામ કરીને મેં ઘણા પૈસા બનાવ્યા છે. મેં ધાર્યા નહોતા એટલા બધા.’ આટલું કહીને બેશરમીથી તેઓ ઉમેરી દે છે, ‘આઈ એક્સપ્લોઈટ હિન્દી સિનેમા.’



સુખ-સુવિધાઓ અને સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે એટલે કમર્શિયલ ફિલ્મો કરવાની અને પછી તેને ગાળો આપવાની. ફિલ્મોમાં એક્ટિંગ કરી કરીને હું બોર થઈ ગયો છું એવું તેઓ કહ્યા કરવાનું, પણ કચરાછાપ ફિલ્મોમાં નબળા રોલ્સ કરવાનું બંધ નહીં કરવાનું. નસીરનું આ સગવડીયું સમીકરણ છે. જો મસાલા ફિલ્મો સામે વાંધો જ હોય તો પછી એના તરફ નજર ઉઠાવીને જોવું પણ ન જોઈએ. પોતાને શોભે એવા રોલ માટે ચાર વર્ષ રાહ જોવી પડે તો જોવાની. રંગભૂમિ પર જ મહાસંતોષ મળતો હોય તો પછી પૃથ્વી થિયેટરમાં ચુપચાપ નાટકો કરતાં રહેવાનાં. પણ ના. નસીરને બધું જ જોઈએ છે અને પછી ફ્રસ્ટ્રેટ થઈને બખાળા પણ કાઢવા છે.

આદર્શ સ્થિતિ જેવું ક્યારેય હોતું નથી. જે કામમાં આપણું પેશન હોય એ જ ક્ષેત્રમાં કાર્યરત હોઈએ તો એના પ્લસ-માઈનસ પોઈન્ટ સહિત, એ જેવું છે એવું સ્વીકારી લેવું જોઈએ. એનો અર્થ એવો નથી કે આંખ-કાન બંધ કરી દેવા કે સતત ગુલાબી ચશ્માં પહેરીને બધું સારું સારું છે તેવી મુગ્ધતામાં રમમાણ રહેવું. આસપાસ જે કંઈ બની રહ્યું છે તે વિશે સતર્ક તો રહેવું જ પડે, પણ જે ક્ષેત્ર બે ટંક ખાવાનું ઉપરાંત સરસ મજાની લાઈફસ્ટાઈલ પણ આપે છે તે ક્ષેત્ર વિશે આદરભાવ સાથે વાત થવી જોઈએ. સિસ્ટમને એક્સપ્લોઈટ કરતાં રહીને પોતે બીજા કરતાં બહુ અલગ અને ઊંચા છે એવી મુદ્રા ધારણ કરવી બરાબર નથી.

ખેર, નસીરમિયાંના એટિટ્યુડમાં કશો જ ફેરફાર થવાનો નથી. એ આવા જ એટલા માટે રહેશે કે આ જ તેમની તાસીર છે. કરપ્ટ થઈ રહેલા માંહ્યલા વિશે કેવળ કબૂલાત કરીને નહીં, પણ તે સ્થિતિમાંથી બહાર આવવાના મામલે જો તેઓ સક્રિય બનશે તો આપણને જરુર વધારે વહાલા લાગશે.

શો-સ્ટોપર 

આમિર ખાનને મારી જરુર જ શી છે? મારા કરતાં એ અનેકગણો બહેતર ફિલ્મ-ડિરેક્ટર છે.

- રામગોપાલ વર્મા



5 comments:

  1. 100 % સમંતી, પણ મોટા ભાગના લોકો આવા જ છે ! સગવડીયા ! જોકે નસીર નસીર છે, બૂરા હી સહી !

    ReplyDelete
  2. નસીરુદ્દીન શાહ, પોતાની વાત પોતાની રીતે કરવા મુક્ત છે, અમિતાભે જે કહ્યું એમાં મને કટાક્ષ નથી દેખાતો - સાચી લાગણી દેખાય છે

    કારણ કે નસીર જેવા જવલ્લેજ થાય છે હા, તેમની વાતો સાથે સહમત થવું કે નહિ, એ દરેક ની મુન્શફી ઉપર છે.
    લેખ સારો છે જ.

    ReplyDelete
  3. સરસ નિરીક્ષણ-

    ReplyDelete
  4. @Sparsh, Envy, Rajubhai... I absolutely love Naseer as an actor, possibly more than any other Indian actor. Probably that is the reason why some of his behavior traits pinches so much.

    ReplyDelete
  5. નસીરુદ્દીન શાહ: ભવિષ્યમાં દિલીપકુમાર યાદ રહેશે, પણ અમિતાભ બચ્ચન ઘણું કરીને ભુલાઈ જશે.’
    અસહમત! જો દિલીપકુમાર યાદ રહેશે તો અમિતાભ પણ યાદ રહેશે.
    તમારું એ નિરીક્ષણ યોગ્ય છે કે-આસપાસ જે કંઈ બની રહ્યું છે તે વિશે સતર્ક તો રહેવું જ પડે, પણ જે ક્ષેત્ર બે ટંક ખાવાનું ઉપરાંત સરસ મજાની લાઈફસ્ટાઈલ પણ આપે છે તે ક્ષેત્ર વિશે આદરભાવ સાથે વાત થવી જોઈએ. સિસ્ટમને એક્સપ્લોઈટ કરતાં રહીને પોતે બીજા કરતાં બહુ અલગ અને ઊંચા છે એવી મુદ્રા ધારણ કરવી બરાબર નથી.
    બાકી, કલાકાર મોટા ગજાના. એમાં ના નહિ.

    ReplyDelete