Thursday, April 18, 2013

જીવન અંગે વિચારવા સિવાય જીવનમાં ઘણું બધું છે!


ચિત્રલેખા - અંક તા. 8 એપ્રિલ 2013

કોલમ: વાંચવા જેવું 


                                                                                         
મેરિકન લેખક હ્યુ પ્રેથરનું એક પુસ્તક છે - ‘નોટ્સ ટુ માયસેલ્ફ’. વિચારતા કરી મૂકે એવા, ચમકી જવાય એવા વિચારો અને નિરીક્ષણોનો તેમાં સંગ્રહ છે. આ નિરીક્ષણો ઘણું કરીને ખુદની અનુભૂતિઓ અને લાગણીઓનાં છે. આ પુસ્તક દસ ભાષાઓમાં અનૂદિત થયું અને દુનિયાભરમાં તેની પચાસ લાખ કરતાંય વધારે નકલો વેચાઈ. ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ને યાદ કરવાનું કારણ એ છે કે આજનું પુસ્તક ‘સમજણનું સુખ’ એના જ કુળનું છે. લેખક મૂકેશ મોદીએ તે ‘લખ્યું’ નથી. એમણે પ્રસ્તાવનામાં કહ્યું છે એમ, પુસ્તકમાં રજૂ થયેલી સમજણ લાંબા સમયગાળામાં, વિવિધ સમયે ક્લિક થયેલી તસવીરો છે.

તસવીરો ખરેખર રુપાળી છે. એમાં જીવન ધબકે છે. લેખક કહે છે:

‘અન્યોની અપેક્ષા પ્રમાણે જીવવું એ નકલી જીવન છે. મજાની વાત એ છે કે પેલો પેલાની અપેક્ષા પ્રમાણે અને પેલો પેલાની અપેક્ષા પ્રમાણે જીવવા મથે છે! આમાં જીવનની ઓથેન્ટિસિટી રહે ખરી?’

જીવનની ઓથેન્ટિસિટી એટલે કે જિંદગીનું સાચુકલાપણું.... કેટલો સુંદર શબ્દપ્રયોગ. આ જ પ્રયોગ લેખકે બીજી એક જગ્યાએ પણ કર્યો છે:

‘માનવ ઈતિહાસમાં આજ સુધી કોઈ કોઈને બદલી શક્યું નથી. હા, મહાપુરુષો અન્યોના જીવનને અસર કરી શકે છે. અને એ અસર તેઓ સ્વનું જીવન સુંદર રીતે જીવીને જ ઉપજાવી શક્યા છે. તમે પણ જો અન્યને બદલવા મથતા હો તો પહેલાં તમારે તમારું જીવન ઓથેન્ટિક રીતે જીવવું રહ્યું.’

જીવન ઓથેન્ટિક કેવી રીતે બને? જીવવામાં સચ્ચાઈ કેવી રીતે આવે? માણસ પોતાના આંતરિક લય પ્રમાણે જીવે ત્યારે. એટલે જ લેખક કહે છે કે, 

‘હું જ્યારે લયબદ્ધ અને લવબદ્ધ જીવ્યો છું ત્યારે મારી આસપાસ ફરિયાદનું કારણ રહ્યું નથી.’ 

લય અને લવ બન્ને મહત્ત્વના. માંહ્યલો કહે એમ જીવવા માટે જાતજાતના બંધનો નડતા હોય છે. જોકે લેખક કહે છે કે,

‘આપણી માની લીધેલી માન્યતાઓ સિવાય બીજું એકેય બંધન છે જ નહીં. લેટ્સ ફ્રી અવરસેલ્વ્સ ફ્રોમ સેલ્ફ!’ 

આ જરુરી છે કેમ કે - 

‘જો અને જ્યારે તમે તમારો સ્વીકાર કરો છો તો અને ત્યારે જ વિશ્વ તમને સ્વીકારશે.’ 
આત્મસ્વીકૃતિથી વધારે ગરિમાપૂર્ણ બીજું કશું ન હોઈ શકે. જીવન ક્રૂરતાપૂર્વક આપણી તરફ જે અણધાર્યાં સત્યો અને પરિસ્થિતિઓ ફેંકે છે તેનો પણ હિંમતભેર સ્વીકાર કરી લેવાનો. કારણ? 

‘જે સ્વીકારથી ડરે છે એણે જખ મારીને સ્વીકારવું પડે છે.’

આ બધી આમ તો ડાહી ડાહી અને પોઝિટિવ-પોઝિટિવ વાતો છે. એ કરવી સહેલી છે, પણ...

‘આપણે જેટલી પોઝિટિવિટીની વાતો કરીએ છીએ એટલા પોઝિટિવ હોઈએ છીએ ખરા? એટલી પોઝિટિવિટી શક્ય છે ખરી? ખાલી ખાલી પોઝિટિવ થવા કરતાં, જે છે તેનો સ્વીકાર કરી, દંભી થવાથી બચીએ તો સારું કે નહીં?’

માણસો મિત્રતાનો અને સ્નેહનો દંભ ખૂબ કરતા હોય છે. આવી સ્થિતિમાં સાચો મિત્ર કોને ગણવો?

‘મારા સુખે ખુશ થાય એ મિત્ર. નહીં કે મારા દુખમાં સાંત્વના આપવા આવે એ!’ અને સાચો સ્નેહી? ‘જે તમારા દુખના સમયે તમને હૂંફ તો આપે, પણ તમે દુખનું મૂલ્ય સમજો એ માટે સ્પેસ પણ આપે.’

જીવનમાં એક તબક્કા પછી માણસ અધ્યાત્મ તરફ આકર્ષાવા લાગે છે. લેખક અધ્યાત્મની સાદી પણ સચાટ વ્યાખ્યા બાંધતા કહે છે કે, 

‘અધ્યાત્મ અઘરી કે અટપટી વાત નથી. અધ્યાત્મ એટલે સુખની ખેવના નહીં, અધ્યાત્મ એટલે સુખ અને દુખની સાચી સમજણ.’ 

સાથે સાથે લેખક લાલ બત્તી પણ ધરે છે:

‘અધ્યાત્મ એ માનવજીવનમાં આવતું અંતિમ અને સૌથી ખતરનાક વિઘ્ન છે. માણસ એની જીવનયાત્રામાં જેટલો ક્યાંય ભ્રાન્ત નથી રહેતો, જેટલો લાંબો સમય ક્યાંય અટવાયેલો અને બંધાયેલો નથી રહેતો એટલો અધ્યાત્મના પ્રદેશમાં રહી પડે છે. અધ્યાત્મ પડાવ તરીકે ઠીક છે. અધ્યાત્મ મંઝિલ તો નથી જ.’ 
અધ્યાત્મિકતા કરતાં પ્રસન્નતા કદાચ વધારે મૂલ્યવાન છે. લેખક કહે છે કે, ‘મજા કરવા આ કે તે કરવું પડે છે, પ્રસન્ન રહેવા એટિટ્યુડ કેળવવો પડે.’ જીવનમાં આ પ્રકારની વૈચારિક સ્પષ્ટતા મહત્ત્વની છે, પણ... ‘આપણે સ્પષ્ટ હોઈએ એ જ પૂરતું નથી. આપણી સ્પષ્ટતા અંગે સામેવાળા પણ સ્પષ્ટ હોય તો મોજ પડે.’ 

લેખકે પુસ્તકમાં પાને પાને આવી વિચારકણિકાઓ વિખરી છે. નાના નાના વાક્યો અથવા તો વાક્યસમૂહો. કોઈ તમ્મર ચડાવી દે એવી ફિલોસોફી નહીં, ઉપદેશનો મારો કરીને વાચકનું જીવન સુધારી નાખવાના મરણિયા પ્રયત્નો નહીં. આ સભાનપણે વિચારાયેલા વિચારો નથી. હોઈ શકે પણ નહીં. વિચારોમાં સાદગી, સહજતા અને હળવાશ છે. પુસ્તકની માતબર પ્રોડક્શન વેલ્યુ એનાં સમૃદ્ધ content સાથે તાલ મિલાવે છે. પાનાં સજાવનાર ડિઝાઈનર રણમલ સિંધવનો વિશેષપણે ઉલ્લેખ કરવો જોઈએ. પુસ્તક આમ તો ‘ગિફ્ટ એડિશન’ છે. સૌથી પહેલાં તો પુસ્તક ગિફ્ટમાં કોઈને આપવાનું તમને મન નહીં થાય. ધારો કે આપ્યું તો સામેનો માણસ એ વાંચીને જીવન વિશે સારા સારા વિચારો કરવા પ્રેરાશે. સવાલ એ છે કે આવા વિચારો કરવાથી શું વળે? કેમ કે લેખક પોતે જ એક જગ્યાએ કહે છે કે:

‘જીવન અંગે વિચાર કરવા સિવાય જીવનમાં ઘણું બધું છે!’          0 0 0સમજણનું સુખ 

લેખક: મૂકેશ મોદી
પ્રકાશક: ડબલ્યુ.જી.બી. પબ્લિકેશન, અમદાવાદ

ફોન: ૯૧૭૩૪ ૦૪૧૪૨

કિંમત:  ‚. ૨૦૦ /
પૃષ્ઠ: ૧૧૪

                                       ૦ ૦ ૦

No comments:

Post a Comment