Saturday, April 20, 2013

મલ્ટિપ્લેક્સ: યારી હૈ ઈમાન મેરા


Sandesh - Sunday Sanskar purti - 21 April 2013

મલ્ટિપ્લેક્સ 

મોડા તો મોડા પણ ભારત સરકારે પ્રાણસાહેબને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કર્યા ખરા. હિન્દી સિનેમાના આ ખૂંખાર વિલનની ધાક એટલી જબ્બર હતી કે મા-બાપોએ પોતાના દીકરાનું નામ 'પ્રાણ' રાખવાનું બંધ કરી દીધું હતું૧૯૬૦ની આ વાત છે. મુંબઈના આર.કે. સ્ટુડિયોમાં 'છલિયા' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ડિરેક્ટર મનમોહન દેસાઈની આ સૌથી પહેલી ફિલ્મ. પતરાંના શેડ નીચે ખુરસી પર એ જમાનાના એક વિખ્યાત વિલન શાંતિથી બેઠા છે. એક જુવાનિયો પોતાના દોસ્તારો સાથે સેટ પર શૂટિંગ જોવા આવ્યો છે. તેને ખલનાયકનો ઓટોગ્રાફ જોઈએ છે પણ મૂંઝાઈ રહ્યો છે કે એમની પાસે જવું કઈ રીતે. આખરે હિંમત કરીને સૌ ખલનાયકની નજીક પહોંચે છે. "સર, ઓટોગ્રાફ પ્લીઝ..." કહીને ડરતો ડરતો પેલો યુવાન તેમની સામે ડાયરી અને પેન ધરી દે છે. ખલનાયક બહુ જ પ્રેમથી સૌને મળે છે. ફોટા પડાવે છે. આટલો પંકાયેલો અદાકાર, પણ સહેજ પણ અભિમાન નથી. તેમની સાલસતા અને સ્વભાવથી પ્રભાવિત થયેલો પેલો યુવાન ખુશખુશાલ થઈને વિદાય લે છે.
આ વિલન એટલે પ્રાણ... અને એમનો ઓટોગ્રાફ માગવા ગયેલો યુવાન એટલે અમિતાભ બચ્ચન! પ્રાણસાહેબ વિશે બન્ની રૂબેન નામના લેખકે '...એન્ડ પ્રાણ' નામનું જે પુસ્તક લખ્યું છે તેમાં ખુદ અમિતાભે ઉપરનો કિસ્સો વર્ણવ્યો છે.


ચાલો, મોડા તો મોડા પણ ભારત સરકારે પ્રાણસાહેબને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કર્યા ખરા.આટલાં વર્ષ સુધી એવોર્ડ્ઝના મામલામાં અવગણના થઈ તેનો પ્રાણસાહેબને ખાસ હરખશોક નથી. શા માટે હોય. ૯૩ વર્ષીય પ્રાણસાહેબને ઓડિયન્સની એકાધિક પેઢીઓનો પુષ્કળ પ્રેમ મળ્યો છે. હિન્દી સિનેમાના ઇતિહાસના તેઓ શ્રેષ્ઠતમ ખલનાયક ગણાય છે. ખૂંખાર દરિંદા તરીકે તેમની છાપ એટલી સજ્જડ પડી ગઈ હતી કે રીઅલ લાઇફમાં પણ લોકો તેમનાથી ડરતા. તેઓ કોઈના ઘરે જતા તો ઘરની સ્ત્રીઓ તેમને જોઈને ફફડી ઊઠતી, આઘીપાછી થઈ જતી. વચ્ચે મુંબઈ, દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશની સ્કૂલ-કોલેજોમાં એક સર્વે થયો હતો. તેના પરથી જાણવા મળ્યું કે પચાસના દાયકા પછી વાલીઓએ પોતાના દીકરાનું નામ પ્રાણ રાખવાનું બંધ કરી દીધું હતું! કોઈ પોતાના સંતાનનું નામ રાવણ કે દુર્યોધન ન રાખે તેમ. એક અદાકાર તરીકે આનાથી વધારે મોટી સફળતા બીજી કઈ હોવાની.
પ્રાણસાહેબની કરિયરની શરૂઆત શી રીતે થઈ? એક વાર લાહોરમાં રાતે પેટપૂજા કર્યા પછી તેઓ દોસ્તો સાથે પાનના ગલ્લે ઊભા હતા. તે વખતે એમની ઉંમર હશે માંડ ઓગણીસેક વર્ષ. એક માણસ આવ્યો. પ્રાણસાહેબને પગથી માથા સુધી ધારી ધારીને જોવા લાગ્યો. પછી કહેઃ મારું નામ વલી મોહમ્મદ વલી છે. 'યમલા જાટ' નામની પંજાબી ફિલ્મ લખી રહ્યો છું. મારા મનમાં એક મહત્ત્વનું પાત્ર છે તેમાં તું એકદમ ફિટ બેસે છે. બોલ, તું કરીશ એ રોલ? પ્રાણસાહેબ ખુશ ખુશ થઈને બોલ્યાઃ હા હા, કેમ નહીં? અને બસ, ગલ્લા પર મસ્સાલેદાર પાન ખાતાં ખાતાં તેમની કારકિર્દીનો પ્રારંભ થઈ ગયો. 'યમલા જાટ'નું કેરેક્ટર ખલનાયકનું હતું. ફિલ્મ હિટ થઈ. ત્રીજી ફિલ્મ 'ખાનદાન'માં પ્રાણસાહેબ હીરો બન્યા. નૂરજહાં તેમની હિરોઈન હતી. હીરો બન્યા હોઈએ એટલે ગીતડાં ગાવાં પડે, હિરોઈન સાથે રોમાન્સના ટાયલાં કરવા પડે. પ્રાણસાહેબને આ બધું જરાય ફાવતું નહીં. દેશના ભાગલા પછી તેઓ લાહોરથી મુંબઈ આવી ગયા અને હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે કામ કરવા માંડયા. 
૬૩ વર્ષની કારકિર્દીમાં પ્રાણસાહેબે સેંકડો ફિલ્મો ક્રી. કરડા ચહેરાવાળા વિલન બનીને કંટાળ્યા એટલે 'કશ્મીર કી કલી'માં તેમણે ખલનાયકીમાં કોમેડીમાં ઉમેરી. એ જમાનાના વિલનો માટે આ નવું હતું. એક તબક્કે કોમિક વિલન બનવાનો પણ કંટાળો આવવા માંડયો એટલે તેઓ કેરેક્ટર રોલ્સ તરફ વળ્યા. કેરેક્ટર રોલ્સ એટલે એવાં પાત્રો જે નાયક પણ નથી અને ખલનાયક પણ નથી,છતાંય ફિલ્મના કથાપ્રવાહમાં ખૂબ મહત્ત્વનાં હોય. શરૂઆત થઈ મનોજકુમારની 'શહીદ' ફિલ્મથી. તેમાં પ્રાણસાહેબ એક ખરાબ આદમી બન્યા, જે છેલ્લે સુધરી જાય છે. તે પછી આવી 'ઉપકાર'. તેમાં પ્રાણસાહેબનું મલંગચાચાનું કિરદાર ખૂબ વખણાયું.

'ઉપકાર'માં કલ્યાણજી-આણંદજીએ કંપોઝ કરેલું એક અદ્ભુત ગીત છે-કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા.' આ ગીત પ્રાણસાહેબ પર ફિલ્માવવાનું હતું. તેમની ગીતો પ્રત્યેની એલર્જી જાણીતી હતી એટલે કલ્યાણજીભાઈએ મનોજકુમારને ચેતવ્યાઃ મહેરબાની કરીને આવું સરસ ગીત પ્રાણને ન આપતા. એ ગીતની વાટ લગાડી નાખશે! બન્યું એનાથી ઊલટું. પ્રાણસાહેબે આ ગીતને ચેલેન્જ તરીકે લીધું અને એટલું સરસ પર્ફોર્મન્સ આપ્યું કે તેમના પર સૌથી પહેલો ફોન કલ્યાણજીભાઈનો આવ્યોઃ "પ્રાણસાહેબ, આપ પહલે આર્ટિસ્ટ હૈં જિન્હોંને મુંહ સે નહીં, ગલે સે હમારા ગાના ગાયા હૈ!"
પ્રાણસાહેબ વર્સેટાઈલ અને ઈન્ટેલિજન્ટ અભિનેતા છે. છાપાં-મેગેઝિનોમાં છપાતી તસવીરોમાં કોઈ ઈન્ટરેસ્ટિંગ હેરસ્ટાઇલ કે મૂછ કે ચહેરાના હાવભાવ દેખાઈ જાય તો તેઓ એ ફોટોગ્રાફ કાપીને સાચવી રાખતા. ભવિષ્યમાં જરૂર પડયે તેનો રેફરન્સ તરીકે ઉપયોગ થઈ શકે, માટે. 'જિસ દેશમેં ગંગા બહતી હૈ'માં તેઓ ડાકુ બન્યા હતા, જે ગળા પર સતત આંગળી ઘુમાવતો રહે છે. આ ચેષ્ટા કરવા પાછળ પ્રાણસાહેબનો તર્ક એવો હતો કે ડાકુને સૌથી મોટો ડર ફાંસીના માંચડે ચડવાનો હોવાનો. ગળા પર આંગળી ફેરવતા રહેવાથી આ ભય અભાનપણે તેમની વર્તણૂકમાં ઝળકતો રહે છે. પ્રાણસાહેબની આ વાતથી 'જિસ દેશ મેં...' ના ડિરેક્ટર રાજ કપૂર ખુશ થઈ ગયેલા.
'જીસ દેશમેં...' અને 'ઉપકાર' ઉપરાંત 'દિલ દિયા દર્દ લિયા', 'મધુમતી', 'વિક્ટોરિયા નંબર ૨૦૩' અને 'જંજિર' પ્રાણસાહેબની ફેવરિટ ફિલ્મો છે. 'ઝંજીર'ના શૂટિંગ દરમિયાન અમિતાભ અને પ્રાણસાહેબનો પહેલી વાર સાચા અર્થમાં આમનોસામનો થયેલો. અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજને ઘૂંટવામાં પ્રાણસાહેબનો બહુ મોટો ફાળો છે. જો વિલન તગડો હોય તો જ હીરો સશક્ત બનીને ઉભરે. બન્નેએ ૧૪ ફિલ્મોમાં સાથે કામ કર્યું. કહે છે કે આમાંની પહેલી છ ફિલ્મો (ઝંજીર, કસૌટી, મજબૂર, અમર અકબર એન્થની, ગંગા કી સૌગંધ અને ડોન) માટે પ્રોડયુસરોએ બિગ બી કરતાં પ્રાણસાહેબને વધારે ફી ચૂકવી હતી!   અમિતાભ કહે છે, "પ્રાણસાહેબ પોતાની ફિલ્મો કદી ન જોતા. 'ઝંજીર' તેમણે રિલીઝ થઈ તેનાં વીસ વર્ષ પછી જોઈ અને તે પણ આકસ્મિક્ રીતે. પછી તેમણે મને ફોન કરીને કહેલું કે અમિત, મને .'ઝંજીર'માં તારું પર્ફોર્મન્સ ગમ્યું. પ્રાણસાહેબે બબ્બે દાયકા પછી કોમ્પ્લિમેન્ટ્સ આપી તો પણ હું રાજીનો રેડ થઈ ગયો હતો!"
શો-સ્ટોપર

વિલન હંમેશાં ગજબનાક આકર્ષણ ઊભું કરે છે. તેમની પાસે સ્પષ્ટ વિચારધારા હોય છે, પ્લાન હોય છે પછી ભલેને તે ગમે તેટલા વિકૃત કે ખોટા કેમ ન હોય.
-  રસલ ક્રો (ઓસ્કર વિનર અભિનેતા)

No comments:

Post a Comment