દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 23 ડિસેમ્બર 2012
કોલમ: મલ્ટિપ્લેક્સ
આ વર્ષે બોલીવૂડમાં એવાં ક્યાં તેજસ્વી અને નવાનક્કોર હીરો, હિરોઈન તેમજ ડિરેક્ટર્સ આવ્યાં જેની આગલી ફિલ્મોની રાહ જોવાનું આપણને મન થાય?
આ વર્ષે સિલ્વર સ્ક્રીન પર પહેલી વાર ચમકેલા સૌથી ‘તેજસ્વી તારલા’ ક્યા? ઘણા બધા. સિનેમામાં ડિરેક્ટરને કેપ્ટન-ઓફ-ધ-શિપ કહેવામાં આવે છે. તેથી લાંબી પ્રસ્તાવના બાંધ્યા વિના વાતની શ‚આત તાજા તરવરિયા ડિરેક્ટર્સ કરીએ.
કરણ મલ્હોત્રા: પહેલી જ ફિલ્મમાં કરણ જોહર જેવો પ્રોડ્યુસર, હૃતિક રોશન-પ્રિયંકા ચોપડા-સંજય દત્ત જેવાં ટોપ સ્ટાર્સ અને ‘અગ્નિપથ’ જેવી યાદગાર ફિલ્મની રિમેક બનાવવાની જવાબદારી મળે ત્યારે કાં તો માણસની શ્રેષ્ઠ શક્તિઓ કામે લાગી જાય અથવા તો દિશાહીન થઈને એ તૂટી જાય. કરણ મલ્હોત્રાના કેસમાં પહેલો વિકલ્પ સાચો ઠર્યો. ઓરિજિનલ ‘અગ્નિપથ’ બોક્સઓફિસ પર નહોતી ચાલી પણ એની રિમેક સુપરહિટ પૂરવાર થઈ. રિશી કપૂરને કદી કલ્પના કરી ન હોય એવી કુત્સિત ભુમિકામાં આપણે જોયા. ડિરેક્ટરોના આ નવાનક્કોર ફાલમાં કરણ મલ્હોત્રા સંભવત: સૌથી સફળ મેઈનસ્ટ્રીમ બોલીવૂડ ડિરેક્ટર પૂરવાર થવાનો.
શકુન બત્રા: શકુને કરીના-ઈમરાન ખાનને લઈને ‘એક મૈ ઔર એ તૂ’ નામની એક મજાની હલકી-ફૂલકી રોમેન્ટિક કોમેડી બનાવી, જે ઓડિયન્સ, બોક્સઓફિસ તેમજ સમીક્ષકો ત્રણેયની પરીક્ષામાંથી પાસ થઈ ગઈ. જોઈએ, શકુન એની બીજી ફિલ્મમાં કેવોક મીર મારે છે.
આ ઉપરાંત અનુ મેનન (‘લંડન, પેરિસ, ન્યુયોર્ક’) અને બેલા સહગલ (‘શિરીન ફરહાદ કી તો નિકલ પડી’)ને પણ યાદ કરી લેવા જોઈએ, એમની ફિલ્મોએ ખાસ તરંગો પેદાં કયાર્ર્ં ન હોવા છતાં.
ઓકે, હવે 2012માં પહેલી વાર બિગ સ્ક્રીન પર દેખાયેલા બ્રાન્ડ-ન્યુ હીરોલોગનો વારો.
આયુષ્યમાન ખુરાના: એણે શ‚આત એમટીવીના રોડીઝ બનવાથી કરી હતી. પછી એમટીવીનો વીજે બન્યો, પછી બીજા કેટલાય ટીવી શોઝનો એન્કર બન્યો, પણ એણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું ‘વિકી ડોનર’માં દિલ્હીના વીર્યવાન મસ્તમૌલા બનીને. દેખાવે સાધારણ હોવાને કારણે એ ટિપિકલ હિન્દી ફિલ્મ હીરો ભલે ન બની શકે, પણ આ મલ્ટિપ્લેક્સ યુગમાં એનું ભવિષ્ય ઊજળું છે. એની હવે પછીની ફિલ્મ રોહન સિપ્પી બનાવી રહ્યા છે જેનું ટાઈટલ છે, ‘નૌટંકી સાલા’.
અર્જુન કપૂર: ફિલ્મી ફેમિલીના આ ફરજંદને યશરાજ બેનર વાજતેગાજતે ‘ઈશકઝાદે’માં લોન્ચ કર્યો. નોર્થ ઈન્ડિયન મજનુના રોલમાં એણે સરસ કામ કર્યું (જોકે ફિલ્મમાં સૌથી વધારે વાહવાહી તો એની જાડુડીપાડુડી હિરોઈન પરિણીતી ચોપડા તાણી ગઈ). અર્જુન સજ્જ અને મહેનતુ છોકરો છે. એની આગામી હાઈ-પ્રોફાઈલ ફિલ્મોનાં નામ પર નજર ફેરવો: યશરાજ બેનરની ‘ઔરંગઝેબ’ અને ‘ગુંડે’, ડેડી બોની કપૂરના પ્રોડક્શન હેઠળ બનનારી ‘વાઈરસ દીવાન’ અને ‘મિસ્ટર ઈન્ડિયા પાર્ટ ટુ’ તેમજ ચેતન ભગતની નોવેલ પર આધારિત ‘ટુ સ્ટેટસ’. આ પાંચમાંથી બે ફિલ્મો પણ સરસ ચાલી ગઈ તો અર્જુન કપૂરની ગાડી દોડતી રહેવાની.
વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા: આ બન્ને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એકસાથે ચમક્યા એટલે એમની વાત એકસાથે કરી લઈએ. બન્ને ટિપિકલ ચોકલેટી હીરો છે, શાહરુખ ખાન વત્તા જોન અબ્રાહમના કોમ્બિનેશન જેવા. પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરે કાનફાડ ઢોલનગારાં વચ્ચે બેયને લોન્ચ કર્યા. ધારો કે આવું જોરદાર લોન્ચિંગ પેડ ન મળ્યું હોત તો આ છોકરાઓ લોકોનું ધ્યાન ખેંચી શક્યા હોત કે કેમ એ સવાલ છે. જોઈએ, આગળ જતાં બન્ને કેવુંક ઉકાળે છે.
પુલકિત સમ્રાટ: ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’માં તુલસીનો દીકરો બનીને ટીવી પર પહેલી વાર આવ્યો ત્યારે જ લાગતું હતું કે યે હેન્ડસમ મુંડે કો તો ફિલ્મો મેં હોના ચાહિએ. પુલકિત બડા પડદા પર આવ્યો પણ ખરો, ‘બિટ્ટુ બોસ’ બનીને. ફિલ્મ ખાસ ન ચાલી, પણ છોકરો દમદાર છે એ પરખાઈ ગયું. ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપનીએ એને સાઈન કર્યો છે. આ છોકરામાં સૌને સરપ્રાઈઝ કરી શકવાનું કૌવત છે.
હવે 2012નાં કન્યારત્નો પર આવીએ. શ‚આત, અફકોર્સ, ‘વિકી’ગર્લથી કરીએ.
યામી ગૌતમ: ‘વિકી ડોનર’થી કોન્ફિડન્ટ શરુઆત કરી એની પહેલાં જ સફળ મોડલને કારણે એનો ચહેરો જાણીતો બની ચુક્યો હતો. અગાઉ એ ટીવી સિરિયલો ઉપરાંત સાઉથ ઈન્ડિયન તેમજ પંજાબી ફિલ્મો પણ કરી ચૂકી છે. યામીએ ખૂબ આશા જગાવી છે એ તો નક્કી.
ઈલેના ડી’ક્રુઝ: ‘બરફી’માં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડા જેવા તગડાં કો-સ્ટાર્સ હોવા છતાં આ નાજુક-નમણી રણણી સૌનું ધ્યાન ખેંચી શકી. એનું કારણ એ છે કે દક્ષિણની ફિલ્મોમાં એ ઓલરેડી ઘણું કામ કરી ચૂકી છે. ઈલેનાએ હવે બેગબિસ્તરાં લઈને કાયમી ધોરણે બોલીવૂડમાં ધામા નાખવા જેવાં છે, કારણ કે અહીં એનું ભવિષ્ય ખરેખર ઊજળું છે.
આલિયા ભટ્ટ: ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ રિલીઝ થતાં પહેલાં જ એને ‘નેક્સ્ટ બિગ થિંગ’નું બિરુદ મળી ગયું. ભઈ વાહ. મહેશ ભટ્ટસાહેબની આ ડેલિકેટ દીકરી પર સૌૈની નજર છે. ‘ટુ સ્ટેટ્સ’માં એ અર્જુન કપૂરની હિરોઈન બનવાની છે.
હુમા કુરેશી: ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ના બન્ને ભાગમાં મજબૂત અદાકારોની જમઘટ હતી, છતાંય એ બધા વચ્ચે હુમા કુરેશી સૌનું ધ્યાન ખેંચી શકી. આ દિલ્હી-ગર્લ પછી તો ‘લવ શવ તે ચિકન ખુરાના’ પણ દેખાઈ. હવે વિશાલ ભારદ્વાજની ‘એક થી ડાયન’ ઉપરાંત નિખિલ અડવાણીની ‘ડી-ડે’માં એ ચમકશે.
ડાયેના પેન્ટી: અટક ભલે વિચિત્ર રહી, પણ ‘કોકટેલ’માં એણે કામ સરસ કયુર્ર્ં હતું. મોડલિંગનાં ક્ષેત્રમાંથી ફિલ્મોમાંથી આવેલી ડાયેનાદેવી સિનેમા પ્રત્યે કેટલી સિરિયસ છે એ તો સમય જ બતાવશે. ઓલ ધ બેસ્ટ ટુ યંગ બ્રિગેડ!
શો-સ્ટોપર
આ વર્ષે એમ તો સની લિઓનીએ પણ ‘જિસ્મ-ટુ’થી બોલીવૂડમાં મદમતાં પગલાં માંડ્યાં છે. માનો ન માનો, પણ પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી વાયા ‘બિગ બોસ’ થઈને બોલીવૂડમાં ઈમ્પોર્ટ થયેલી આ કન્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ્સ ખેલવાની છે!
‘’
No comments:
Post a Comment