Saturday, July 7, 2012

‘સદમા’: સુરમઈ અખિયોં મેં...


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૮ જુલાઈ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આપણી સૌથી પ્રિય હિન્દી ફિલ્મોની સૂચિમાં ‘સદમા’નું નામ જરુર હોવાનું. આ ક્લાસિક ફિલ્મ રિલીઝ થઈ એ ઘટનાને આજે ૨૯ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે એની નિર્માણ-પ્રક્રિયાની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
 ‘’


માની શકાતું નથી! કમલ હસનશ્રીદેવીના અભિનયવાળી ‘સદમા’ ફિલ્મ રિલીઝ થઈ એ વાતને આજે એકઝેટ ૨૯ વર્ષ પૂરાં થયાં! આટલો પ્રલંબ સમયગાળો વીત્યા પછી પણ આપણા ચિત્તમાં આ ફિલ્મ આજે ભીનાશ પેદા કરી શકે છે. આ ફિલ્મની શ્રેષ્ઠતાની  નિશાની છે. ચાલો, ‘સદમા’ના ઓગણત્રીસમા બર્થડે પર એની નિર્માણકથાની થોડી વાતો માણીએ.

૧૯૮૩ની ૮ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કમલ હસનની ઉંમર હતી ૨૮ વર્ષ અને શ્રીદેવી હતી ૨૦ વર્ષની. હિન્દી સિનેમાનું ઓડિયન્સ કમલ હસનને ‘એક દૂજે કે લિયે’ અને ‘સનમ તેરી કસમ’માં તેમજ શ્રીદેવીને ‘હિંમતવાલા’માં ઓલરેડી જોઈ ચૂક્યું હતું. ‘સદમા’ તમિલ ફિલ્મ ‘મુંદ્રમ પિરાઈ’ની રિમેક છે. બન્નેના ડિરેક્ટર એક જ છે બાલુ મહેન્દ્ર.

કમાલની લવસ્ટોરી છે. શ્રીદેવી એક મોડર્ન યુવતી છે. એક્સિડન્ટને કારણે એના દિમાગ પર ચોટ પહોંચે છે અને એનાં બુદ્ધિવર્તણૂક સાત વર્ષની બાળકી જેવાં થઈ જાય છે. સંયોગવશાત એ વેશ્યાવાડામાં પહોંચી જાય છે જ્યાં એની મુલાકાત કમલ હસન સાથે થાય છે. કમલ હસન એને ગંદવાડામાંથી બહાર કાઢીને પોતાની સાથે ઉટી લાવે છે. બન્ને વચ્ચે એક બહુ જ નિર્દોષ અને મીઠો સંંબંધ વિકસે છે. કમલ હસન એની કમાલની સારસંભાળ લે છે અને ઈલાજ પણ કરાવે છે. મહિનાઓને અંતે શ્રીદેવીની યાદદાશ્ત પાછી આવે છે. હવે આવે છે ફિલ્મનો હૃદય વલોવી નાખે એવો ક્લાઈમેક્સ. ટ્રેનમાં બેસીને પોતાનાં માબાપ સાથે ઘરે પાછી જઈ રહેલી શ્રીદેવી કમલ હસનને બિલકુલ ઓળખી શકતી નથી! કમલ એને યાદ અપાવવા ખૂબ હવાતિયાં મારે છે, ગુંલાટ મારે છે, બંદરની જેમ કૂદકા મારે છે... અને શ્રીદેવીને લાગે છે કે આ કોઈ પાગલ માણસ છે! જીંદગીભર રુઝાઈ ન શકે એવો જબરદસ્ત સદમો આપીને શ્રીદેવી જતી રહે છે...



‘ફિલ્મના છેલ્લા સીનમાં મારાં પાત્રએ ખૂબ ઉધામા મચાવવા જોઈએ આઈડિયા મારો હતો,’ કમલ હસન એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘મારા ડિરેક્ટર બાલુ ફિલ્મનો અંત શાંત અને સંયમિત રાખવા માગતા હતા, પણ મને લાગતું હતું કે કશુંક મિસિંગ છે. એક માણસ પોતાના પ્રેમને ફરીથી પામવા જીવ પર આવીને શું શું કરી શકે? એને સમજાઈ ગયું હોય કે હવે આખી જિંદગી મારે મારા પ્રેમના અભાવ વચ્ચે જીવવાનું છે ત્યારે એની માનસિક હાલત કેવી હોય? બસ, આ બધું મેં બાલુને સમજાવ્યું. સામાન્યપણે એક્ટર સૂચન કરે ત્યારે ડિરેક્ટર સતર્ક બની જતો હોય છે. એમાંય બાલુ તો પાછા પોતાના વિચાર પ્રમાણે જ ચાલનારો માણસ. પણ એમને મારી વાતમાં દમ લાગ્યો. મારે અધીરાઈ અને ઘાંઘાપણું અભિનયમાં ઉતારવા માટે પાગલ માણસની જેમ વર્તવાનું હતું. એ સીનમાં  ટ્રેનની સાથે સાથે દોડતી વખતે હું એક થાંભલા સાથે અથડાઉં છું, મારો પગ તૂટી જાય છે.  લોકોને લાગતું હતું કે શૂટિંગ દરમિયાન ખરેખર મારો પગ ભાંગી ગયો હતો, પણ સચ્ચાઈ એ છે કે આ એકેએક મુવમેન્ટ અગાઉથી પ્લાન થયેલી હતી. એ સીનમાં મેં કશું જ ઈમ્પ્રોવાઈઝ કર્યુ નથી.’

ફિલ્મનું શૂટિંગ ઊટીમાં થયું છે. ફિલ્મમાં શ્રીદેવીએ સહેજ પણ ગ્લેમર દેખાડવાનું નહોતું. એ લોકેશન પર આવતી ત્યારે ડિરેક્ટર એને નાળિયેરપાણી આપીને કહેતાઃ લે, આનાથી ચહેરો ઘસી ઘસીને ધોઈ નાખ. બસ, આ શ્રીદેવીનો મેકઅપ. ચહેરા પર સાદું ફાઉન્ડેશન લગાડવાની પણ એને પરવાનગી નહોતી. ફિલ્મના યુનિટમાં કુલ કેટલા માણસો હતા, જાણો છો? ફક્ત બાર! કમલ હસન અને શ્રીદેવીએ જિંદગીમાં આજ સુધી આટલા નાના યુનિટ સાથે કામ કર્યુ નથી! ડિરેક્ટર બાલુ મહેન્દ્ર ફિલ્મના સિનેમેટોગ્રાફર પણ હતા.

શ્રીદેવી એક વાત હંમેશાં કહે છે કે ‘સદમા’ના શૂટિંગ દરમિયાન એ સતત કમલ હસનનું નિરીક્ષણ કરતી અને ખૂબ શીખતી. શ્રીદેવીએ સાત વર્ષની છોકરી જેવો અભિનય એવી રીતે કરવાનો હતો કે એનું પાત્ર કન્વિન્સિંગ લાગે, એની માસૂમિયત તેમજ કારુણ્ય સાચુકલાં લાગે. જો અભિનય સહેજ લાઉડ બને તો પાત્રને કેરિકેચર બનતાં વાર ન લાગે. શ્રીદેવીએ આત્મસૂઝથી આ પાત્રને યાદગાર બનાવી દીધું છે. એણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે, પણ ‘સદમા’ની ઊંચાઈ સુધી એનું બીજું કોઈ પર્ફોર્મન્સ પહોંચી શક્યું નથી. જોકે કમલ હસનું માનવું છે કે શ્રીદેવીએ હિન્દી કરતાં તમિલ આવૃત્તિમાં વધારે સારો અભિનય કર્યો છે.



ગુલઝારનાં ગીતો અને ઈલિયા રાજાનું સંગીત ફિલ્મને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દે છે. યસુદાસે ગાયેલું અદભુત હાલરડું ‘સુરમઈ અખિયોં મેં નન્હામુન્હા એક સપના દે જા રે’ આપણા ચિત્તમાં જડાઈ ગયું છે. આ ગીતમાં કમલ હસન શ્રીદેવીનો પ્રેમી નથી, પણ પિતાની કક્ષા પર આવી ગયેલી સંવેદનશીલ વ્યક્તિ છે. નાયકનાયિકાના સંબંધનો આ એક બનમૂન રંગ છે. ફિલ્મમાં એક ઑર સ્ત્રીપાત્ર પણ છે સિલ્ક સ્મિતા (જેના જીવન પરથી વિદ્યા બાલનની સુપરહિટ ‘ધ ડર્ટી પિક્ચર’ બની છે). કમાલનો કોન્ટ્રાસ્ટ છે. એક તરફ જુવાનજોધ શ્રીદેવી છે, જે પોતાની સેક્સ્યુઆલિટીથી બિલકુલ અજાણ છે. સામેના છેડે સિલ્ક સ્મિતા છે, જેનું મન સતત કામવાસનાથી ખદબદતું રહે છે. ફિલ્મમાં કમર્શિયલ વેલ્યુ ઉમેરવા માટે સિલ્ક સ્મિતા અને કમલ હસનનું એક સેક્સી નૃત્ય ઉમેરવામાં આવ્યું હતું (‘ઓ બબુઆ યે મહુઆ’). બજેટ ટાંચું હતું એટલે બેકગ્રાઉન્ડમાં પચાસસો ડાન્સરોને નચાવવાનું પોસાય એમ નહોતું. જે કંઈ કરવાનું હતું એ કમલ અને સિલ્કે જ કરવાનું હતું. તકલીફ એ હતી કે સિલ્કને ડાન્સ કરતાં આવડે નહીં! ઉપરવાળો એનામાં બીટસેન્સ નાખવાનું જ ભુલી ગયેલો. કોરિયોગ્રાાફર સુંદરમ માસ્ટરે જેમતેમ કરીને કોરિયોગ્રાફી બેસાડી. સુંદરમ માસ્ટર એટલે પ્રભુ દેવાના પિતાજી. સિલ્ક મિમિક્રી સારી કરી જાણતી. આથી એ જાણે કોરિયોગ્રાાફરની મિમિક્રી કરતી હોય એ રીતે મ્યુઝિક પર પર્ફોર્મ કરતી!  

‘સદમા’ એક ટાઈમલેસ ક્લાસિક છે. આપણી મોસ્ટ ફેવરિટ હિન્દી ફિલ્મોની સૂચિમાં ‘સદમા’નું સ્થાન હંમેશા રહેવાનું.

શો- સ્ટોપર

અમારા સૌમાં વિદ્યા બાલન સૌથી સફળ હિરોઈન છે. એની ફિલ્મોમાં ગુણવત્તા ય જબરદસ્ત હોય છે અને એ બિઝનેસ પણ સારો કરે છે. હું વિદ્યાની બહુ મોટી ફેન છું.

 - પ્રિયંકા ચોપડા

5 comments:

  1. ભરતકુમાર ઝાલાJuly 7, 2012 at 11:06 PM

    પ્રિય શિશિરભાઈ, ' સદમા ' જેવી ફિલ્મો કાળના બંધનોથી પર હોય છે. શ્રીદેવી અને કમલ હસનનો સાહજિક અભિનય આ ફિલ્મનો પ્રાણ છે. આપણામાં અંદર જે ધબકે છે, તે ખરેખર હ્યદય જ છે કે ખાલી ધબકારા જ.. એ ચકાસવા ય આ ફિલ્મ જોઈ લેવી જોઈએ. સુરમઈ અંખિયો સે..ના સુંદર શબ્દોને વખાણવા કે ઈલિયારાજાની સ્પર્શી જતી ધૂન માટે સલામ કરવી કે પછી યેશુદાસના મીઠડા અવાજમાં ખોવાઈ જવું- કેટલીક મૂંઝવણો ય કેટલી મીઠી હોય છે, નહીં? તમે આ અગાઉ પણ એકવાર ડર્ટિ પિક્ચર ના રિલીઝ ટાણે આ ફિલ્મને યાદ કરીને સિલ્ક સ્મિતાની કામપ્રચુર અદાઓ ને શ્રીદેવીની માસુમિયત- વચ્ચેના કોન્ટ્રાસ્ટ વિશે વાત કરેલી, ને એ પછી મેં એ ફિલ્મ ફરી જોયેલી. અત્યારે એ બધી યાદો ફરીવાર ઉમટી આવી. આ લેખ માટે અભિનંદન, દોસ્ત.

    ReplyDelete
  2. શિશીર.ખૂબ સરસ.

    ReplyDelete
  3. " સદમા " નાં માત્ર બે ગીતો જ હીટ હતા " સૂરમઇ અંખીયોં મે " અને " એ ઝીન્દગી ગલે લગાલે " અનુક્રમે યેસુદાસ અને વાડેકરે કમાલ કરી છે

    છતાં આશા ભોંસલેએ ગાયેલ " ઓ બબૂઆ ઓ મહુવા..... " ખૂબ જ સરસ છે અને આ જ ગીત પરથી પ્રેરણા લઇ ( ચોરી કરી એવું ના બોલાય ) આનંદ-મીલીંદ ભાઇઓ એ ફિલ્મ " વંશ " માં લતાજી પાસે ગવરાવ્યું " યે બિંદિયા યે કંગના કરે ક્યા ઇશારે "....

    સાંભળો આ બન્ને ગીતો.........

    http://www.youtube.com/watch?v=CAAtcLyv1zw


    http://www.youtube.com/watch?v=TC6vesYXSLU

    ReplyDelete