Saturday, July 21, 2012

જિંદગી કે સફર મેં...


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૨૨ જુલાઈ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનું લગ્નજીવન એક્શન-પેક્ડ હિન્દી ફિલ્મ જેવું રહ્યું  -ઘટનાપ્રચુર, વિસ્ફોટક. એમના સંબંધે આ ૩૯ વર્ષોમાં કેવાં કેવાં સ્વરૂપો બદલ્યાં?  
દશ્ય એક

ઓગસ્ટ ૧૯૭૩. સુપર સ્ટાર રાજેશ ખન્ના અને બોબીગર્લ ડિમ્પલ કાપડિયાનાં લગ્નને માંડ પાંચ મહિના થયા છે. રાજેશ ખણાને પૂછવામાં આવે છેઃ તો કેવી જઈ રહી છે તમારી મેરિડ લાઈફ, મિસ્ટર  ખન્ના ?

‘ફેન્ટેસ્ટિક!’ રાજેશ ખન્ના ખુશખુશાલ થઈને જવાબ આપે છે.

 અને કેવું રહ્યંુ હનીમૂન?

‘ઓહ, ફેબ્યુલસ!’ એમનો ચહેરો ઓર ખીલે છે, ‘મે હની-ફની-સની-મૂનની એકેએક પળને ખૂબ એન્જોય કરી. ઈટ વોઝ એબ્સોલ્યુટલી ફેબ્યુલસ!’

થોડા મહિનાઓ પછી એમને પૂછાય છેઃ રાજેશજી, તમે બાપ બનવાના છો. કેવું લાગે છે?

‘અદભુત! મારા ખ્યાલ મુજબ ડોક્ટરે જાન્યુઆરીની તારીખ આપી છે.’

જાન્યુઆરી નહીં, પણ ડિસેમ્બર ૧૯૭૪માં દીકરી ટિ્વંકલનો જન્મ થાય છે. આનંદનો મહાસાગર ઉછળે છે. દેખીતી રીતે જ ડિમ્પલ કાકાના જીવનમાં ખૂબ બધી ખુશીઓ લાવી છે.

દશ્ય બીજું

કશું જ અચળ રહેતું નથી. એમાંય રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારના જીવનમાં તો કશું જ સ્થિર રહી શકે તેમ નથી.  ૧૧ વર્ષનાં લગ્નજીવન પછી ૧૯૮૪માં પતિપત્ની નોખાં થઈ ગયાં છે.  તેમણે ડિવોર્સ લીધા નથી, પણ બન્ને પોતપોતાના રસ્તે આગળ વધી ગયાં છે. એમના સંબંધ હાંફી ગયો હતો, પણ ધીમે ધીમે શ્વાસોચ્છવાસ નોર્મલ થઈ ગયા છે. અલબત્ત, કેટલાય અનુત્તર પ્રશ્નો હવામાં હજુય એમ જ તોળાયેલા છે. હા, હવે આ સવાલો પહેલાંની માફક જીવલેણ પીડા પેદા કરતા, નથી એટલું જ. મે ૧૯૯૦માં ‘સ્ટારડસ્ટ’ મેગેઝિન એક ફીચર સ્ટોરી કરે છે. મેગેઝિનની એડિટોરિયલ ટીમ વિખૂટા પડી ગયેલાં રાજેશ ખન્ના- ડિમ્પલને એકઠાં કરે છે. એકમેકને કદીય પૂછી ન શકાયેલા સવાલો બન્નેએ જીભ પર લાવવાના છે અને બને એટલા પ્રામાણિક રહીને એના ઉત્તર આપવાના છે. આ રહ્યા કાકાડિમ્પલ વચ્ચે થયેલી એ પ્રશ્નોત્તરીના કેટલાક અંશઃ

ડિમ્પલઃ       ‘હું તો લગ્ન ઝંખતી હતી. એક પતિ, એક કંપેનિયન ઝંખતી હતી...’

રાજેશ ખન્નાઃ ‘તો તારે મને આખેઆખો, મારી નબળાઈઓ સહિત સ્વીકારી લેવો જોઈતો હતો. તારે સમજવું    જોઈતું હતું કે મારી જગ્યાએ જો તું હોત તો તેં પણ મારા જેવું જ વર્તન કર્યુ હોત...’

ડિમ્પલઃ         ‘હું પહેલી વાર ‘આશીર્વાદ’ છોડીને જતી રહી હતી ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું?’

રાજેશ ખન્નાઃ  ‘નિરાંત! રિલીફ!’

ડિમ્પલઃ          ‘તમે સ્ત્રીપુરુષ સમાનતામાં માનો છો?’રાજેશ ખન્નાઃ     ‘સ્ત્રી પુરુષને સમોવડી હોઈ શકે જ નહીં. એ તો પુરુષ કરતાં ચડિયાતી છે. સ્ત્રી મા બની શકે છે, જન્મ આપી શકે છે, પુરુષ નહીં. માતૃત્વની ગરિમા જળવાવી બહુ મહત્ત્વની છે. પોતાની મા પરપુરુષ સાથે સંબંધ ધરાવતી હોય એ ક્યા સંતાનને ગમે?’

ડિમ્પલઃ         ‘એક્સક્યુઝ મી. પોતાનો પિતા પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય તો એ પણ કોઈ સંતાનને ન જ ગમે. સંતાન પર મા અને બાપ બન્નેનો પ્રભાવ પડતો હોય છે, રાઈટ?’

રાજેશ ખન્નાઃ  ‘હા, પણ પુરુષથી ગરિમા ઝંખવાશે નહીં, કારણ કે એણે સંતાનને જન્મ આપ્યો નથી. ઓકે, ધારો કે કાલે તું મારી પાસે પાછી ફરે તો તને લાગે છે કે હું તને ફરીથી સ્વીકારી લઈશ?’

ડિમ્પલઃ     ‘શા માટે તમે મને સ્વીકારશો કે કેમ એ જ સવાલ હોવો જોઈએ? એવું કેમ પૂછતા નથી કે તમે મારી પાસે પાછા ફરો તો હું તમને સ્વીકારીશ કે નહીં? આપણા રસ્તા બહુ અલગ પડી ગયા છે. મને લાગે છે કે આપણે એકબીજાથી અલગ જ ખુશ રહી શકીએ છીએ...’

દશ્ય ત્રણ

૧૯ જુલાઈ, ૨૦૧૨. સ્થળઃ મુંબઈમાં વિલેપાર્લેનું સ્મશાન. ચિતા પર રાજેશ ખન્નાનો નિષ્ચેષ્ટ દેહ પડ્યો છે. કાકાના અંતિમ દિવસોમાં સતત સાથે રહેલી ડિમ્પલ હવે રડી રડીને નિચોવાઈ ચૂકી છે. જેણે આખી જિંદગી ચિક્કાર સુખ અને પુષ્કળ પીડા આપી છે એ પતિનો નિર્જીવ હાથ એણે સજ્જડ પકડી રાખ્યો છે. પતિએ પ્રાણ છોડ્યા ત્યારે પણ ડિમ્પલનો હાથ આ જ રીતે એમના હાથમાં હતો. ડિમ્પલનો બીજો હાથ પતિના ઠંડા પડી ગયેલા કપાળ પર ફરી રહ્યો છે. જાણે કે કશુંક કમ્યુનિકેશન થઈ  રહ્યું છે બન્ને વચ્ચે. અગ્નિદાહ આપવાની ઘડી નજીક આવે છે. ડિમ્પલ પતિના શરીર પર અને ચહેરા પર ઘી રેડે છે. અગ્નિદાહ અપાય છે.  ડિમ્પલ ભાંગી પડે છે. ન ઉકેલાયેલા કોયડા જેવો એમનો ૩૯ વર્ષનો સંબંધ જાણે આંખ સામે ભડભડ કરતો સળગી રહ્યો છે. ના, આ સંબંધ પર હજુય પૂર્ણવિરામ મૂકાયું નથી. માત્ર સંબંધનું સ્વરૂપ બદલાયું છે. ફરી એક વાર.

શો-સ્ટોપર


જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે.... 


- રાજેશ ખન્નાની ફિલ્મ ‘આપ કી કસમ’નું એક ગીત 

No comments:

Post a Comment