Sunday, February 5, 2012

એન્ડ ઘ ઓસ્કર ગોઝ ટુ...


દિવ્ય ભાસ્કરરવિવાર પૂર્તિ  ૫ ફેબ્રુઆરી ૨૦૧૨ 


  સ્લગઃ મલ્ટિપ્લેક્સ

ઓસ્કર અવોડર્ઝની સિઝન પાછી ગાજવા લાગી છે. કઈ છે આ વખતની હોટેસ્ટ ઓસ્કર મુવીઝ? કઈ ફિલ્મો આ વખતે સપાટો બોલાવી દેવાની છે? 





લો, ઓસ્કરની સિઝન પાછી આવી ગઈ. ભલે ઓસ્કર અવોર્ડઝ દૂધે ધોવાયેલા ન ગણાતા હોય, ભલે ભૂતકાળમાં ઓસ્કર વિજેતાઓની પસંદગીમાં કેટલીય વાર છબરડાઓ થઈ ચૂક્યા હોય, પણ ઓસ્કરનું આકર્ષણ અકબંધ છે. ઓસ્કર અવોર્ડઝનો પરિઘ આંતરરાષ્ટ્રીય છે, પણ વિજેતાઓ પસંદ કરતા નિર્ણાયકોની છ હજાર સભ્યોની પેનલના મોટા ભાગના સદસ્યોની જમઘટ એક જ જગ્યાએ થઈ છે હોલીવૂડના પિયર લોસ એન્જલસમાં. બહુમતી સભ્યોનો વર્તમાન કે ભૂતકાળ ફિલ્મી કનેક્શન ધરાવે છે. નિર્ણાયકોમાં ઘણાખરા કાં તો આધેડ વયના છે યા તો સિનિયર સિટીઝન. વળી, તેમની માનસિકતા અને અપ્રોચ પણ ખાસ્સા જુનવાણી હોવાને કારણે તેઓ હંમેશા ‘સેફ’ ફિલ્મો પર પસંદગી ઉતારે એવો આક્ષેપ થતો રહ્યો છે. આ બધીય વાતોમાં તથ્ય હોય તો પણ દર વર્ષે ઓસ્કર નોમિનેશન્સ ઘોષિત થતાંની સાથે જ કઈ ફિલ્મ કઈ કેટેગરીમાં મેદાન મારી જશે એ વિશેની જોરદાર ચર્ચાઓ તો શરૂ થઈ જ જાય છે.  

ઓકે આ વર્ષની હોટેસ્ટ ઓસ્કર મુવીઝ કઈ છે? કઈ ફિલ્મ યા તો ફિલ્મો ૨૬ ફેબ્રુઆરીએ યોજાનારા અવોર્ડ ફંકશનમાં સપાટો બોલાવી દેશે? નિર્ણાયકોની જ નહીં, ઓડિયન્સની પણ મોસ્ટ ફેવરિટ ગણાતી ફિલ્મો વિશે ટૂંકમાં જાણવા જેવું છે. પાંચ કે એના કરતાંય વધારે કેટેગરીમાં નોમિનેટેશન મેળવી ચૂકેલી ફિલ્મો આ રહી...






હ્યુગોઃ  આ થ્રીડી એડવન્ચર ફિલ્મ છે. સિનેમાની દુનિયામાં મોટું માથું ગણાતા ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીએ તે ડિરેક્ટ કરી છે. બાર વર્ષનો હ્યુગો નામનો એક ટાબરિયો છે. એનો બાપ ઘડિયાળ રિપેર કરવામાં માસ્ટર હતો, પણ કમનસીબે એક મ્યુઝિયમમાં લાગેલી આગમાં એ ભડથું થઈ અને છોકરો આવડા મોટા પેરિસ શહેરમાં બિચારો એકલો પડી ગયો. રેલવે સ્ટેશનમાં એ બિચારો એકલો પડ્યો રહે છે અને જેમ તેમ પેટીયું ભરે છે. એનું એક જ સપનું છે. પિતાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂરો કરવાનું. આ પ્રોજેક્ટ એટલે તૂટેલા ઓટોમેનને રિપેર કરવું. ઓટોમેન એક મિકેનિકલ મૅન છે, જે પેનથી લખી શકે છે. હ્યુગોનું આ મિશન આખરે પૂરું થાય છે?

 આ ફિલ્મને સૌથી વધારે ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે  અગિયાર!



ધ આર્ટિસ્ટઃ આ એક અફલાતૂન રોમેન્ટિક કોમેડી છે. એ બ્લેકએન્ડવ્હાઈટ છે ને પાછી જૂના જમાનાની ફિલ્મોની જેમ મૂંગી છે. એનું કારણ છે. ફિલ્મનો વિષય જ એવો છે. તેમાં ૧૯૨૭થી ૧૯૩૨ના સમયગાળાના હોલીવૂડની વાત છે કે જ્યારે મૂંગી ફિલ્મો ધીમે ધીમે બોલતી થઈ રહી હતી. ફિલ્મનો નાયક હોલીવૂડનો એ જમાનાનો સુપરસ્ટાર છે, જે સમય સાથે કદમ મિલાવી શકતો નથી અને ફેંકાઈ જાય છે. ચતુર નાયિકા ફિલ્મોમાં એકસ્ટ્રા તરીકે કામ કરતી હતી, જે પછી મોટી હિરોઈન બની જાય છે. ‘ધ આર્ટિસ્ટ’માં નાયકનાયિકાની લવસ્ટોરી હલકીફૂલકી શૈલીમાં આગળ વધતી રહે છે. આ ફિલ્મ આમદર્શક અને વિવેચક સૌ કોઈને ખુશખુશાલ કરી દે એવી આહલાદક છે.

 આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટર સહિતના દસ નોમિનેશન્સ મળ્યાં છે.


મનીબૉલઃ આ એક સત્યકથનાત્મક સ્પોટર્સ ડ્રામા છે. ઓકલેન્ડ એથ્લેટિક્સ બેઝબોલ ટીમનો મેનેજર ફિલ્મનો મુખ્ય નાયક છે. આ રોલ બ્રેડ પિટે ભજવ્યો છે.  ન્યુયોર્કની ટીમ સામે હારી જવાથી આખી ટીમનો જુસ્સો તૂટી ગયો છે. વળી, એક સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં રિટાયર થઈ જવાનો છે. આ પરિસ્થિતિમાં બ્રેડ પિટે ‘ચક દે...’ સ્ટાઈલથી ટીમની જુની આભા પાછી મેળવવાની છે.

 આ ફિલ્મનું બેસ્ટ પિક્ચર અને બેસ્ટ એક્ટર સહિતની છ કેટેગરીમાં નામાંકન થયું છે.


વોર Horse:  આ સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ છે. ઇંગ્લેન્ડનો એક છોકરો એક જાતવાન ઘોડો જન્મ્યો ત્યારથી એને વહાલ કરે છે. ઘોડાને એણે પોતાની આંખ સામે ઉછરતો જોયો છે. ગજબની માયા બંધાઈ ગઈ છે છોકરાને આ ઘોડા સાથે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘોડો એક અશ્વદળને વેચાઈ જાય છે. યુવાન બની ગયેલો આ છોકરો પણ લશ્કરનો ભાગ બને છે અને ઘોડાની સાથે સાથે આખા યુરોપમાં ભ્રમણ કરે છે.

 આ ફિલ્મને પણ છ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.



 ડિસેન્ડન્ટ્સઃ આ એક હળવી સોશ્યલ ફિલ્મ છે. ‘ધ સેક્સીએસ્ટ મેન ઓન અર્થ’ની સૂચિમાં સ્થાન પામતો જ્યોર્જ ક્લૂની આ ફિલ્મમાં એની ઈમેજથી હટકે બે દીકરીઓનો નોનગ્લેમરસ બાપ બન્યો છે. એક દીકરી દસ વર્ષની છે, બીજી સત્તરની. પત્ની વર્ષો પહેલાં વિખૂટી પડી ગયેલી અને દીકરીઓ પણ એની સાથે જ રહેતી હતી, પણ પત્નીનો એક્સિડન્ટ થાય છે એટલે દીકરીઓ બાપ પાસે આવી ગઈ છે. જ્યોર્જ એમની સાથે જાણે કે નવેસરથી સંબંધાય છે. આ એક વાત થઈ. ફિલ્મમાં બીજી વાત છે ૨૫,૦૦૦ એકર એરિયા ધરાવતા ખૂબસૂરત ટાપુની, જેના પર જ્યોર્જના ટ્રસ્ટનો અંકુશ છે. એક તરફ સંબંધોની વાત આગળ છે, જ્યારે બીજી તરફ આ પ્રોપર્ટી વેચવાની ભાંગજડ ચાલી રહી છે....

 આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટર સહિતના પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.



ધ ગર્લ વિથ અ ડ્રેગન ટેટૂઃ આ એક થ્રિલર છે. લેટેસ્ટ જેમ્સ બોન્ડ બનેલો ડેનિયલ ક્રેગ આ ફિલ્મનો હીરો છે. ૪૦ વર્ષ પહેલાં એક છોકરી ખોવાઈ ગઈ હતી. કદાચ તેનું ખૂન થઈ ગયું હતું. ડેનિયલ ચારચાર દાયકા પછી આ ઘટનાક્રમનો તાગ મેળવવા માગે છે.

 આ ફિલ્મને બેસ્ટ એક્ટ્રેસ સહિતના પાંચ નોમિનેશન્સ મળ્યાં છે.

મજા જુઓ. ‘ધ આર્ટિસ્ટ’ સિવાયની બાકીની પાંચેય ફિલ્મો  પુસ્તકઆધારિત છે. ચાર ફિલ્મો નવલકથા પરથી બની છે અને એક આત્મકથનાત્મક પુસ્તક પરથી!

શો-સ્ટોપર

દરેક એક્ટર એક હકીકત અવશ્ય જાણતો હોય છે... અને તે એ કે બેસ્ટ એક્ટિંગ જેવું કશું હોતું જ નથી.

 - શૉન પેન  (બે વખત બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર જીતી ચૂકેલો અભિનેતા) 


2 comments:

  1. બધા જ જોવા છે પણ ઓસ્કર કલેક્શન હાથમાં આવે એટલી વાર છે...

    ReplyDelete
  2. જામી છે ખરી જંગ... અને મહત્વની વાત એ છે કે બધી ફિલ્મનાં પ્લોટ કેટલા ભિન્ન છે.... લલિતભાઇ.... આ કલેક્શન મારી પાસે આવશે તો તમને ચોક્કસ જાણ કરીશ.. પ્રયત્નો શરૂ થઇ ગયા છે.

    સરસ પોસ્ટ શિશિરભાઇ.

    ReplyDelete