Thursday, February 9, 2012

ધરતીનો છેડો નહીં, મસ્તીનો આરંભ...


                                                                         ચિત્રલેખા - અંક તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું


                                                                                                   
ચાર દીવાલથી એમ ઘર થાતું નથી,
એમને એ કેમ સમજાતું નથી?
રાતના પાછ  ફરે નહીં એક જણ.
ત્યાં સુધી એ કોળિયા ખાતું નથી.
કામ પર નીકળું તો પાછળ જોઈ લઉં
એકલું તો ક્યાંક મૂંઝાતું નથી?

હિતેન આનંદપરાની ઈમોશનલ બનાવી મૂકે એવી કવિતાની આ કેટલીક પંક્તિઓ છે. ઘર વિષય જે એવો છે, મા જેવો, જેના પરિઘમાંથી માણસ આજન્મ બહાર નીકળી શકતો નથી. નિત્ય પ્રવાસીઓની કે અલગારી આત્માઓની વાત અલગ છે. ઘર સાથે સંકળાયેલી કંઈકેટલીય ભાવસ્થિતિઓ આજના ‘ઘર એટલે...’ નામના રૂપકડાં પુસ્તકમાં ઝીલાઈ છે. આપણી ભાષામાં કોફીટેબલ બુકનો પ્રકાર ખાસ ખેડાયો નથી ત્યારે આ પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે. ગદ્ય, પદ્ય અને એને ચિત્ર આ ત્રણેયનું છટાદાર કોમ્બિનેશન થયું છે અહીં. ચાણક્ય-કાલિદાસ-ટાગોરથી માંડીને રમેશ પારેખ-સિતાંશુ યશશ્ચંદ્ર-ગુણવંત શાહથી લઈને  પન્ના નાયક-વિપીન પરીખ સુધીનાં બાવન જેટલાં લેખકો-કવિઓએ ઘર વિશે વ્યક્ત કરેલી લાગણીઓનો અહીં સંગ્રહ થયો છે.

ઘર એટલે?

જય વસાવડાનો મસ્તીભર્યો જવાબ સાંભળોઃ ‘ઘર એટલે દાઢી કર્યા વિના, વાળ ઓળ્યા વિના, કરચલીવાળાં કપડાંમાં ફરી શકવાની નિરાંત. ઘર એટલે મધવારે ફ્રિજ ફંફોસીને મીઠાઈ ઝાપટવાની મોકળાશ. ઘર એટલે વેરવિખેર પુસ્તકો અને થપ્પીબંધ સીડીઝનો ઢગલો. ઘર એટલે ટીવી જોતાજોતા લાંબા થયેલા પગ. ઘર એટલે ભાંડરડાંઓ વચ્ચે રોજ છેડાતો જંગ... ઘર ધરતીનો છેડો નથી, મસ્તીનો આરંભ છે.’


Pictures courtesy : www.squidoo.com

મસ્તી છે કારણ કે માલિકીભાવ છે અને જ્યાં માલિકી હોય ત્યાં આપણું રાજ હોવાનું જ! ગદ્યસ્વામી સુરેશ જોષીએ એટલે જ અક્કડ થઈને અનોખા અંદાજમાં લખ્યું છેઃ ‘સાંજે સાડા સાત પછી સૂર્યનો એમના ઘરનો પ્રવેશાધિકાર રદ કરીને હું પ્રવેશબંદી ફરમાવી દઉં છ . રાત વેળાએ ગમે ત્યારે ગમે તે બારીમાંથી ડોકિયાં કરવાની ચંદ્રની અશિષ્ટતાને હું હરગિજ ચલાવી લેવા તૈયાર નથી. પવનનું ઉડાઉપણું મને પસંદ નથી. મધરાતે ટહુકો કરતા નરકોકિલનું મવાલીપણું મારા ઘરની શિષ્ટતાનો ભંગ કરે છે. ઘરમાંનાં ચકલાચકલીને કુટુંબનિયોજનનો કાર્યક્રમ સમજાવવાનો સમય પાકી ગયો છે...’

સુરેશ દલાલને પોતાનાં ઘરનાં પડદા જોઈને એવું લાગે છે કે બારીએ જાણે બુરખો પહેર્યો હોય. શિયાળામાં ઘરનું એરકન્ડિશનર એમને પસ્તી જેવું લાગે છે!

ગીતાના બારમા અધ્યાયમાં એક શબ્દ છે, ‘અનિકેત’. એનો અર્થ છે, નિશ્ચિત સ્થાન વિનાનો કે નિવાસસ્થાનમાં મમતા રાખતો નથી તે. આટલું નોંધીને સંજય છેલ ઉમેરે છેઃ ‘ઈશ્વરને તે ભક્ત પ્રિય છે,  જેને  ઘર પર માયા નથી, પણ માણસને તો ઘર માટે ઈશ્વરથીય વધુ મમતા હોય છે. ચાર દીવાલો, બે બારી, એક બારણું અને છત. આ છે માણસની દિશાઓનો સરવાળો. તમે એને ઘર કહો છો.’એક બાજુ ભગવતીકુમાર શર્મા પોતાના સુરતના ઘરના સંદર્ભમાં લખે છે કે, ‘અહીં જ મેં કોડિયે, ખડિયે, ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘર મને એકસાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાના પુંજ જેવું અનુભવાય છે!’ તો બીજી બાજ, આદિલ મન્સૂરીને તો પોતાની કવિતા પણ ઘર જેવી લાગે છે.

નિરાંત એવી અનુભવું  છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિના લઈ શકું  છું  ગઝલના ઘરમાં.

ભગવતીકુમાર શર્માએ સિત્તેર વર્ષમાં એક જ વખત ઘર બદલાવ્યું, પણ રતિલાલ ‘અનિલે’ ઘણાં ઘર ફેરવ્યાં. એ લખે છેઃ ‘આપણે ઘર બદલીએ છીએ કે આપણું ઘર ફરે છે... ખરેખર ઘર જ ફરે છે. ઘરને અનુકૂળ થવાની વાત પર વિશ્વાસ બેસતો નથી. ઘર જ અનુકૂળ થઈ જતું લાગે છે.’


પણ અનુકૂળતાને અલવિદા કરવી પડે છે, ઘર ત્યજવું પડે છે. ચંદ્રકાંત બક્ષીએ ‘બક્ષીનામા’માં લખ્યું છેઃ ‘...અને એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવું પડે છે.એક દિવસ ગુમાન શબ્દનો અર્થ સમજવો પડે છે. દરેક છોકરીએ બીજા ઘરમાં જવાનું છે, દરેક છોકરાએ પહેલું ઘર છોડવાનું છે. ઘર છોડવાનું છે એટલે ઘર બહાર નીકળવાનું છે, નવી હવા, નવા સંજોગો, નવા સંબંધો, નવો પરિવેશ.’

ઘરથી દૂર હોવાની સ્થિતિ ઘરઝુરાપો પેદા કરે છે. વિનોદ ભટ્ટને હૃદયના શૂળ અને ઘરઝુરાપો બન્નેનો અનુભવ છે. એ કહે છેઃ ‘સોર્બિટ્રેટ લેવાથી થોડીક જ મિનિટમાં એન્જાઈના પેઈનમાં રાહત થઈ જાય છે, પણ ઘરઝુરાપા માટે એવી કોઈ પેઈનકિલર હજ સુધી તો શોધાઈ નથી.’

 કેટલા બધા રંગો, કેટલી બધી વાતો. કાન્તિ પટેલે આ સઘળું  સૂઝપૂર્વક આ પુસ્તકમાં સમાવી લીધું છે. મોટી કમાલ તો ચિત્રકારોએ કરી છે. એસ. એમ. ફરીદ, મૌનિષ શાહ, Sanoli મહેતા સહિત કુલ નવ આર્ટિસ્ટોએ પ્રત્યેક લખાણ માટે અલાયદા અને  ખૂબસૂરત ચિત્રો તૈયાર કર્યાં છે. આ પુસ્તક તૈયાર કરવા પાછળ પ્રકાશકે લીધેલી મહેનત અને ચીવટ સ્પષ્ટ વર્તાય છે.

વાંચવું, વંચાવવું અને વસાવવું ગમે તેવું પુસ્તક.                                                                     000


ઘર એટલે...   


સંપાદનઃ કાન્તિ પટેલ

 પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, અમદાવાદ

ફોનઃ (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮, ૬૫૨૩ ૦૧૩૫

કિંમતઃ  રૂ. ૨૦૦ /-

પૃષ્ઠઃ ૮૦


3 comments:

  1. ખાલી થોડા કોટેશન જ અમારે તો સોના જેવા છે... અમે જયારે નવા મકાન / બંગલાના વાસ્તુ-કાર્ડ કે નિમંત્રણ-કાર્ડ છાપીએ ત્યારે દર વખતે મેટર/ લખાણ માટે ઘાણી (માથાકૂટ ) થતી તે સાવ સરળ કરી આપ્યું તમે.. આ બૂક વિષે.. આજે જ ખરીદવી રહી.. આભાર શિશિરભાઈ..

    ReplyDelete
  2. Yes Dineshbhai. The book is certainly worth buying.

    ReplyDelete
  3. thanks Shishirbhai...

    ReplyDelete