Saturday, February 11, 2012

ડાન્સ ગુજરાત ડાન્સ


                                           દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૧૨ ફ્રેબ્રુઆરી ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’નો આજે બીજો વાઈલ્ડ-કાર્ડ એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે આવો મળીએ આ હાઈપ્રોફાઈલ ટેલેન્ટ શોના અમદાવાદ, વડાદરા અને મુંબઈના ટેલેન્ટેડ સ્પર્ધકોને... 



મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા ફેમસ સ્ટુડિયોના એક હિસ્સામાં ખાસ્સી ચહલપહલ છે. ઝી ટીવીના સુપરહિટ ટેલેન્ટ શો ડી.આઈ.ડી. એટલે કે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સિઝન-થ્રીના સવારથી એકધારા ચાલી રહેલા શૂટિંગમાં મોડી બપોરે લાંબો લંચબ્રેક પડ્યો છે. આજે મંગળવારે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીવાળા બન્ને એપિસોડ્સ બેક-ટુ-બેક શૂટ થઈ રહ્યા છે, જે શનિ-રવિ દરમિયાન ટલિકાસ્ટ થશે. એક બાજુ, જજ ગીતા કપૂર અથવા તો ગીતામા સેટની બહાર રિસેપ્શન એરિયામાં આવીને સિગારેટના કશ પર કશ ખેંચી રહ્યાં છે, તો બીજી બાજુ બાકીના બે નિર્ણાયકો રેમો ડિસૂઝા અને ટેરેન્સ લેવિસ, ગ્રાન્ડ માસ્ટર મિથુનદા, એન્કર જોડી જય-સૌમ્યા પેટપૂજા કરીને પોતપોતાની વેનિટી વેનમાં આરામ ફરમાવી રહ્યાં છે.

Jay Bhanushali, Remo D'Souza, Geeta Kapoor, Saumya Tandon, Terrance Lewis


ફર્સ્ટ ફ્લોર પર કન્ટેસ્ટન્ટ્સ હવે પછીના પર્ફોર્મન્સ માટે કોસ્ચ્યુમ અને મેકઅપ સાથે ઝપાટાબંધ તૈયાર થઈ રહ્યા રહ્યા છે. અમદાવાદનો સ્પર્ધક હાર્દિક રાવલ પોતાના લાંબા લિસ્સા વાળ ઉછાળીને કહે છે, ‘આઈ એમ વેરી હોપફુલ કે વાઈલ્ડ- કાર્ડથી હું પાછો સ્પર્ધામાં સામેલ થઈ જઈશ!’


હાર્દિકે અમદાવાદની જે.જી. કોલેજ ઓફ કોમર્સમાં એમ.કોમ. કર્યુર્ં છે. ડાન્સની ઢગલાબંધ સ્પર્ધાઓ એ જીતી ચૂક્યો છે. ડી.આઈ.ડી.ની પહેલી બન્ને સિઝન માટે એણે ખૂબ મહેનત કરી હતી, પણ બન્ને વખત ટોપ-૧૮માં પહોંચે તે પહેલાં જ, સાવ ધાર પર આવીને, એણે એલિમિનેટ થઈ જવું પડ્યું હતું. પણ એમ આસાનીથી હાર માની લે તે હાર્દિક નહીં. એણે ઓર મહેનત કરી અને સિઝન-થ્રીના ટોપ૧૮માં સ્થાન મેળવીને રહ્યો.

Hardeek Raval
‘ઈન ફેક્ટ, બીજી સિઝનમાં હું આઉટ થઈ ગયો પછી ગીતામાએ મને સામેથી ફેસબુક પર મેસેજ મોકલ્યો હતો,’ હાર્દિક કહે છે, ‘સાવ થોડા પોઈન્ટ્સ માટે હું રહી ગયો હતો તેથી એમને બહુ અફસોસ થયો હતો.’ તેથી જ હાર્દિકને ત્રીજી વખત ઓડિશનમાં જોઈને ગીતામા ખૂબ ઈમોશનલ થઈ ગયાં હતાં. એમણે બાકીના બે નિર્ણાયકોને કહી દીધુંઃ હું હાર્દિકને જજ નહીં કરી શકું, એને આગળ જવા દેવો કે નહીં તેનો નિર્ણય તમે જ લો! હાર્દિકને જ્યારે તકદીર કી ટોપી મળી ત્યારે હાર્દિક કરતાં ગીતામા વધારે રડ્યાં હતાં!

હાર્દિક ચાર્મિંગ માણસ છે. આસપાસના લોકો સાથે તે તરત દિલથી સંધાન કરી લે છે.  જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં તે વર્કશોપ્સ યોજે ત્યારે તેમાં ભાગ લેતા સેંકડો સ્ટુડન્ટ્સ છેલ્લા દિવસે ગીતામાની જેમ જ રીતે ભાવુક બની જતા હોય છે. હાર્દિકના પપ્પા હેડ કોન્સ્ટેબલ છે. દીકરો ડાન્સને કરીઅર બનાવે તેની સામે હવે તેમને જરાય વાંધો નથી. હાર્દિક કહે છે, ‘નવું નવું શીખવા માટે મુંબઈ આવતોજતો રહીશ, પણ હું ગુજરાત ક્યારેય નહીં છોડું. ડી.આઈ.ડી પછી મારી અવયુક્ત ડાન્સ એકેડેમી પૂરજોશમાં સક્રિય થઈ જવાની.’

Nirav Bavelcha
વાઈલ્ડ-કાર્ડ રાઉન્ડમાં અમદાવાદનો એક ઓર યુવાન પણ ઉતર્યો છે - નીરવ. ટેરેન્સ લેવિસનો એ શિષ્ય અને બન્નેનો વર્ષો જૂનો પરિચય, પણ ડી.આઈ.ડી.ના ઓડિશનમાં નીરવ પોતાના ગુરુને જાણ કર્યા વગર પહોંચી ગયો હતો. એને મંચ પર ઊતરેલો જોઈને, નેચરલી, ટેરેન્સને આંચકો લાગ્યો હતો. ખેર, ટેરેન્સની નારાજગી પછી તો ઓગળી ગઈ. ઓલ ઈઝ વેલ નાઉ!

સિઝન-ટુમાં વડોદરાના સુપરસ્પર્ધક ધર્મેશે ખાસ્સી ધમાલ મચાવી હતી. આ વખતે એની સ્ટુડન્ટ લિપ્સા આચાર્ય ઉતરી છે. લિપ્સા ત્વરાથી નવાનવા ડાન્સફોર્મ્સ શીખી રહી છે અને ભારે કુશળતાથી મંચ પર પેશ કરી રહી છે. બહુ જ જોખમી ગણાતું રોપ-મલ્ખમ એણે એટલા પ્રભાવશાળી ઢંગથી પર્ફોર્મ કર્યું હતું કે બધા દંગ થઈ ગયા હતા. અઢાર વર્ષની લિપ્સા પોતાના હાથ પગ પર ચામડી છોલાવાને કારણે પડી ગયેલા મોટા મોટા ચકામા બતાવીને કહે છે, ‘ આ જુઓ! આ બધું રોપ-મલ્ખમને લીધે થયું છે.’

ટોપ-થર્ટીનમાં સ્થાન મેળવવા લિપ્સાએ પોતાના જ શહેર વડોદરાના સુમીત સાથે પણ હરીફાઈ કરવાની છે. સુમીત આજે ગજબનાક રોબો-ડાન્સ પેશ કરવાનો છે. ‘સુમીત ધર્મેશસરનો સ્ટુડન્ટ નથી, પણ હું એને બેત્રણ વર્ષથી ઓળખું છું,’ લિપ્સા કહે છે.

Lipsa Acharya 
Sumit


મુંબઈની ગુજરાતી સ્પર્ધક ઉર્વશી ગાંધીને હવે સૌ ઓળખવા લાગ્યા છે. તે ઓલરેડી ટોપથર્ટીનમાં પહોંચી ગઈ છે એટલે આજે તેણે મંચ પર આરામથી સોફા પર ગોઠવાઈને સ્પર્ધકોને માત્ર ચીઅરઅપ કરવાનાં છે. ડોક્ટરોના પરિવારમાંથી આવતી ઉવર્શી મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં સોશ્યલ સાઈકોલોજિસ્ટ તરીકે કામ કરે છે. અત્યંત કોન્ફિડન્ટ છે રૂપકડી ઉવર્શી. એ કહે છે, ‘ડી.આઈ.ડી. પૂરું થયા પછી હું ડાન્સ અને સાઈકોલોજીના ફ્યુઝન જેવા ડાન્સ થેરાપીના ક્ષેત્રમાં કશુંક કરવા માગું છું. માણસ બહુ આનંદિત હોય કે ડાન્સ માટે પેશનેટ હોય યા તો કટિબદ્ધ હોય ત્યારે નાચે છે, તે  એક વાત થઈ. આનાથી ઊલટું પણ શક્ય છે. નાચવાથી હોર્મોનના સ્તરે ફેરફાર થાય છે, જેનાથી માણસનો મૂડ અને માનસિકતામાં પરિવર્તન આવે છે. ડાન્સ થેરાપીનો કોન્સેપ્ટ આપણે ત્યાં પ્રમાણમાં નવો છે, પણ આ દિશામાં ઘણું થઈ શકે તેમ છે.’

Urvashi Gandhi


બુલાવો આવે છે. ડી.આઈ.ડી.નો સેટ મલ્ટિપલ કેમેરા સેટઅપ, એકસરખા બ્લેક જેકેટમાં સજ્જ આસિસ્ટન્ટ ડિરેકટર્સ, ટીશર્ટ-બમ્યુર્ડા ધારણ કરેલા ટેકનિશીયન્સ અને લાઈવ ઓડિયન્સથી ધમધમવા લાગે છે. ભવ્ય પર્પલ-બ્લ્યુ સ્ટેજ અગણિત લાઈટોથી ઝળહળી ઉઠે છે. ગ્રાન્ડ માસ્ટર મિથુનદા સિગારેટ પીતાપીતા પોતાની સીટ પર બેસે છે. એકમાત્ર મિથુનદાને જ આ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ સેટ પર સિગારેટ પીવાની છૂટ છે. ડિરેક્ટરનો માઈક પર ગૂંજતો અવાજ,  અણધારી ટેકનિક્લ ગરબડને કારણે ખોરંભે ચડી જતું શૂટિંગ, રીટેક્સ, એક પછી એક રજૂ થતા સોલો ડાન્સ પર્ફોમન્સીસ...

આજના રવિવારના એપિસોડથી પોતપોતાના ઘરે ટીવી જોતા ઓડિયન્સે વોટિંગ કરીને આઠમાંથી કોઈપણ બે સ્પર્ધકને ટોપ-થર્ટીનમાં સ્થાન આપવાનું છે. મજાની વાત એ છે કે વોટ કરવા માટે એસએમએસના પૈસા ખર્ચવાની જરૂર નથી, માત્ર મિસ્ડ કોલ આપવાનો છે!

હાર્દિક, નીરવ, સુમીત, લિપ્સા.... આ ચારેય ગુજરાતવાસી સ્પધર્કોનું આજના એપિસોડમાં શું થવાનું છે? જસ્ટ વેઈટ એન્ડ વોચ!

શો-સ્ટોપર

સૈફે મારા નામનું ટેટૂ ભલે મૂકાવ્યું, પણ હું એના નામનું ટેટૂ મૂકાવવાની નથી. સ્ત્રીનું શરીર ભગવાનની સૌથી પરફેક્ટ રચના છે. ટેટૂ ચિતરાવીને તે શા માટે બગાડવાનું? 

 - કરીના કપૂર


------------------------------------------------------------------------------------------


Click on the link for the published article :  
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=57&eddate=2/12/2012&querypage=7




No comments:

Post a Comment