Saturday, July 23, 2011

ફરહાન - ઝોયા : તગડાં ટિ્વન્સ

દિવ્ય  ભાસ્કર -  રવિવાર પૂર્તિ -  ૨૪ જુલાઈ ૨૦૧૧ 

મલ્ટિપ્લેક્સ

ફરહાન અખ્તર જાદુગર માણસ છે. એ ફિલ્મો લખે, ડિરેક્ટ કરે, પ્રોડ્યુસ કરે, એક્ટિંગ કરે, ગીતો રચે, ગીતો ગાય અને ટીવી શોનું અફલાતૂન એન્કરિંગ પણ કરી બતાવે. એની ટિ્વન સિસ્ટર ઝોયા સ્ક્રિપ્ટ રાઈટિંગ અને ફિલ્મ ડિરેકશનમાં ભાઈ જેવી જ ટેલેન્ટેડ પૂરવાર થઈ છે.તો, બોલીવૂડની હાલની સૌથી ટેલેન્ટેડ ભાઈબહેનની જોડી કઈ? ઓડિયન્સને પ્રફુલ્લિત કરી દે તવી ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ પછી આ સવાલનો જવાબ સાવ આસાન થઈ ગયો છેઃ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર. એમ તો આ બન્નેનાં માસિયાઈ ભાઈબહેન ફરાહ ખાન સાજિદ ખાન પણ સફળ છે અને સિનિયર પણ છે, પણ ફરહાનઝોયાની ફિલ્મોમાં જે તાજગી અને  સિનેમેટિક ક્વોલિટી હોય છે તે ફરાહસાજિદની કમર્શિયલ મરીમસાલાથી ખદબદતી ફિલ્મોમાં (અનુક્રમે ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘તીસ માર ખાં’ અને ‘હે બેબી’, ‘હાઉસફુલ’) લગભગ ગાયબ હોય છે. 

૩૭ વર્ષનાં ફરહાન અને ઝોયા જોડકાં ભાઈબહેન છે. ‘ઝિંદગી ના..’ એ ઝોયાનાં ડિરેકશનમાં બનેલી ‘લક બાય ચાન્સ’ પછીની બીજી ફિલ્મ. ફરહાન રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર-એક્ટર-સિંગર-ગીતકાર-ટીવી શો એન્કર બધું જ છે. બોલીવૂડમાં આવું ડેડલી કોમ્બિનેશન બીજા કોઈમાં થયું નથી. ફિલ્મોમાં આવતા પહેલાં ફરહાને સ્ક્રિપ્ટશોપ નામની એડ એજન્સીમાં ત્રણ વર્ષ સુધી કોપીરાઈટર તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અદી પોચા નામના તેનો બોસે કહેલુંઃ ‘ફરહાન, જો તારે ભવિષ્યમાં ફિલ્મમેકર બનવું હોય તો સૌથી પહેલાં તો રાઈટર તરીકે ફોકસ્ડ થા. ફિલ્મમેકિંગમાં ક્રિયેટિવિટીની ઝરણાં રાઈટિંગમાંથી જ ફૂટે છે.’Farhan Akhtar with Zoya : Rehearsing for ZindagiNa Milegi Dobara's sky-diving scene


‘મેં અદી પોચાની આ વાત ગાંઠે બાંધી લીધી,’ ફરહાન એક મુલાકાતમાં કહે છે, ‘મેં લખવા પર સંપૂર્ણ ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું. આ કન્વિકશનમાંથી જ ‘દિલ ચાહતા હૈ’ લખાઈ. શરૂઆતમાં વાર્તાના કેન્દ્રમાં આમિર ખાન  પ્રીતિ - ઝિન્ટાની લવસ્ટોરી હતી. આમિરનાં દોસ્તોનાં પાત્રો, સામાન્યપણે ફિલ્મોમાં હીરોના ફ્રેન્ડ્ઝનાં રોલ હોય છે એમ, ઉભડક અને છીછરાં હતાં. આ ડ્રાફ્ટ જામતો નહોતો અને બહુ જ બીબાંઢાળ લાગતો હતો. તેથી મેં આમિરના બે દોસ્તોની ભુમિકામાં લોહીમાંસ ભરવાનું શરૂ કર્યું. આખરે જે ડ્રાફ્ટ બન્યો તેમાં ત્રણ મિત્રો કેન્દ્રમાં આવી ગયા અને આમિર-પ્રીતિવાળો ટ્રેક સબ-પ્લોટ બની ગયો.’

‘દિલ ચાહતા હૈ’ની વાર્તામાં ફરહાનના પોતાના એટલા બધા અંગત રંગો ઉમેરાયા કે સ્ક્રિપ્ટ બીજા કોઈને આપતાં તેનો જીવ ન ચાલ્યો. તેથી ફરહાન પોતે જ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું. ‘દિલ ચાહતા હૈ’ માત્ર હિટ જ ન થઈ, તે એક ટ્રેન્ડસેટર ફિલ્મ સાબિત થઈ. ફરહાન કહે છે, ‘મેં અગાઉ ‘હિમાલયપુત્ર’ ફિલ્મ માટે પંકજ પરાશરને આસિસ્ટ કર્યા હતા. ફિલ્મ ડિરેકશનનો મારો અગાઉનો અનુભવ એટલો જ. ફિલ્મ ડિરેકશન ખાસ તો હું ફિલ્મો જોઈજોઈને શીખ્યો છું. હું અને મારી બહેન ઝોયાએ દુનિયાભરની તમામ પ્રકારની ફિલ્મો જોઈ છે  ચાઈનીઝ, જપાનીઝ, ઈટાલિયન વગેરે. ફિલ્મો જોવી, જોતા રહેવી તે એક પ્રકારનું સેલ્ફ-એજ્યુકેશન છે.’


                                 Farhan and Zoya with father Javed Akhtar


Mother Honey Irani

ફરહાન અને ઝોયાનાં (ડિવોર્સ્ડ) માતાપિતા જાવેદ અખ્તર - હની ઈરાની બન્ને  નીવડેલાં ફિલ્મલેખકો છે. તેમણે ફિલ્મી પરિવારમાં જન્મ લીધો છે તે હકીકતથી ફર્ક પડવાનો જ. ‘દિલ ચાહતા હૈ’ પછી ફરહાને ‘લક્ષ્ય’ તેમજ ‘ડોન-ટુ’ ડિરેક્ટ કરી અને  તે પછી એણે પહેલી વાર કેમેરા સામે અભિનય કર્યો, ‘રોક ઓન’માં. એ કહે છે, ‘મારે ફિલ્મલાઈનમાં કશુંક કરવું છે એ તો શરૂઆતથી જ જાણતો હતો. પણ એક્ટિંગમાં મને કોન્ફિડન્સ નહોતો. હું રાઈટિંગ તરફ વધારે ખેંચાતો હતો. ડિરેકશનમાં પણ કમ્ફર્ટેબલ હતો.  ‘રોક ઓન’ ફિલ્મ પ્રોડ્યુસ કરી ત્યારે એમાં અભિનય કરવાની મને ઈચ્છા થઈ. મેં મારી અંતઃ સ્ફૂરણા પર ભરોસો મૂક્યો. એક્ટિંગ કરવાનું જરાય સહેલું નહોતું, પણ મને સતત લાગી રહ્યું હતું કે મેં સાચો નિર્ણય લીધો છે.’‘રોક ઓન’ ફિલ્મ વખણાઈ. ફરહાનના સંયત અને અસરકારક અભિનય જોઈને સૌને સાનંદાશ્ચર્ય થયું. તે પછી ઝોયાની ડિરેક્ટર તરીકેની સૌથી પહેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં તેણે અભિનય કર્યો (ઝોયા અગાઉ ફરહાનની ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકી હતી)ે. તે પછી આવી ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ અને ત્યારે બાદ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’. ‘ઝિંદગી...’માં ઋતિક રોશન જેવા સુપરસ્ટાર સામે ટકી શકવું અને પોતાની હાજરી વર્તાવી શકવી તે જેવીતેવી વાત નથી. ઝોયા કહે છે, ‘જુઓ, ફરહાનને એવું નથી હોતું કે મારે ઈન્ડસ્ટ્રીનો નંબર વન હીરો બની જવું છે. એની એવી માનસિકતા જ નથી. તેનામાં કેરેક્ટરાઈઝેશનની બહુ જ ઊંડી સૂઝ છે. વળી, એક એક્ટર તરીકે એનામાં કોઈ જાતનો ક્ષોભ નથી. લોકો પ્રત્યે, જીવન પ્રત્યે તે સંવેદનશીલ છે. આ બધાને કારણે ફરહાન એક સારો ડ્રામેટિક એક્ટર બની શક્યો છે.’


Director Zoya Akhtar with her ZNMD team. Co-producer Ritesh Sidhwani at extreme left


 
સવાલ એ છે કે ફિલ્મમેકિંગના તમામ મહત્ત્વનાં ડિપાર્ટમેન્ટ્સમાં સરસ સ્કોર કરી શકનાર ફરહાન હવે નવું શું કરશે? ડાન્સ કોરિયોગ્રાફી? યુ નેવર નો!

શો સ્ટોપર

પ્રીતમ ક્યારેય નંબર વન મ્યુઝિક ડિરેક્ટર નહીં બની શકે. વો કિતના ભી અચ્છા કામ કર લે, લોગોં કો યહી લગેગા કિ કહીં સે ચુરાયા હુઆ હૈ.

 - સાજિદ-વાજિદ, સંગીતકાર બેલડી 

2 comments:

  1. Farhaan akhtar is very talented person.I saw his film-DIL CHAHTA HAI.its a great film at every angle.his another loving film,I like most is-LAXY.thanx for written on farhaan akhtar

    ReplyDelete
  2. I find Farhan as one of the most exciting talents of Bollywood today. Can expect a lot from him.

    ReplyDelete