Monday, July 11, 2011

વાછૂટ, ગંધ, ચીતરી, દિલ્હી બેલી ને એવું બધું..

                                                                   દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૧૦ જુલાઈ

કોલમઃ મલ્ટિપ્લેક્સ
.
આમિર ખાને આટલાં વર્ષોમાં જે ઉત્તમ કામગીરી બજાવી છે તેનો સંપૂર્ણ સ્વીકાર જ નહીં,  તેનું ગૌરવ પણ છે, પણ જો એની ‘દિલ્હી બેલી’ને  મહાન ફિલ્મ તરીકે પ્રસ્થાપિત કરવાની ચેષ્ટા થઈ રહી હોય તો બિપ્  બિપ્ અને એક ઓર વાર બિપ્.

-----------------------------------------


ડિકશનરીમાં જે અર્થ હોય તે, પણ સિનેમાની ભાષામાં કલ્ટ ફિલ્મ એટલે સીમાચિહ્નરૂપ ફિલ્મ, એક જોરદાર પ્રવાહ પેદા કરી નાખે એવી પ્રભાવશાળી, જેતે પેઢીને જ નહીં બલકે આવનારી પેઢીઓને પણ આકર્ષતી રહે તેવી ફિલ્મ. ‘મોગલ-એ-આઝમ’ કલ્ટ ફિલ્મો છે. ‘શોલે’ અને ‘બોબી’ કલ્ટ ફિલ્મો છે. નજીકના ભૂતકાળની વાત કરીએ તો ઈવન ‘દિલ ચાહતા હૈ’ને પણ કલ્ટ ફિલ્મ કહી શકો. કલ્ટ ફિલ્મનું સ્ટેટસ મેળવતા પહેલાં ફિલ્મે સમયની કસોટી પર પાર ઉતરવું પડે, વીતતાં જતાં વર્ષો વચ્ચે ફિલ્મ કેટલી રેલેવન્ટ રહી શકે છે તે ચકાસવું પડે...

...પણ અંગ્રેજી છાપાંની રંગીન પૂરવણીઓમાં લખાપટ્ટી કરતા અને ટીવી ચેનલો માટે હાથમાં માઈક લઈને દોડાદોડ કરી મૂકતા કરતા મનોરંજનિયા પત્રકારો પાસે ધીરજ ક્યાંથી હોવાની. તેઓ અંગ્રેજીમાં લખે-બોલે-વિચારે છે, અંગ્રેજીમાં દાંત કાઢે કરે છે અને વાછૂટ પણ અંગ્રેજીમાં કરે છે. એન્ડ વ્હેન શિટ હેપન્સ... મિડીયાનાં આ મુગ્ધ મનુષ્યપ્રાણીઓ રાજી રાજી થઈને, ઠેકડા મારતાં મારતાં, માત્ર ત્રણ જ દિવસમાં ‘દિલ્હી બેલી’ને ‘કલ્ટ ફિલ્મ’નો દરજ્જો આપી દે છે. શાબાશ. ફિલ્મ રિલીઝ થઈ એનું અઠવાડિયું પણ પૂરું થતું નથી અને આમિર ખાનસાહેબ  મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં ફિલ્મની સક્સેસ પાર્ટી ‘થ્રો’ કરે છે, જેમાં ફલતુ ટોઈલેટ હ્યુમરથી પુલકિત થઈ ગયેલાં આ મિડીયાબાજો હાથમાં દારૂનો ગ્લાસ લઈને સામસામા ટકરાવતા રહે છે.



મિયાં આમિર માર્કેટિંગનો માસ્ટર માણસ છે અને તેનું તગડું પ્રચારતંત્ર છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ઓવરટાઈમ કરી રહ્યું છે. ફિલ્મમાં ડી.કે. બોઝ નામનું કોઈ પાત્ર જ નથી, છતાં લોજિકની ઐસીતૈસી કરીને, કન્ટ્રોવર્સી પેદા કરવાના પાક્કા ઈરાદા સાથે આ ગાલીગલોચવાળું ગીત ધરાર ઘુસાડવામાં આવે છે અને ફિલ્મ રિલીઝ થાય એના અઠવાડિયાઓ પહેલાં તેને જોરદાર ચગાવવાનું શરૂ કરી દેવામાં માં આવે છે. મિસ્ટર આમિર એક પાર્ટી રાખે છે અને તેમાં ડી.કે. બોઝના માસિયાઈ ભાઈ જેવું ‘પેન્ચોર.. પેન્ચોર..’ ગીત લોન્ચ કરે છે. ઔર એક પ્રેસ કોન્ફરન્સ અને તેમાં આમિરે પોતે જેમાં શરીરના મધ્યભાગને ઝાટકા મારી મારીને ચક્રમ જેવો ડાન્સ કર્યો છે તે આઈટમ સોંગ ‘અનાવૃત’ કરવામાં આવે છે. સંગીત અને વિઝયુઅલ્સ બન્ને સ્તરે આ ગીત અત્યંત મામૂલી છે, પણ તોય મિડીયાની પેલી પ્રફુલ્લિત થઈ ગયેલી અંગ્રેજી જમાતને આ ગીત જોઈને સામૂહિક ઓર્ગેઝમ આવી જાય છે.

આમિર સાવ ક્ષુલ્લક કારણ આગળ ધરીને પ્રેસ કોન્ફરન્સ યોજે કે પાર્ટી ગોઠવે એટલે આ જમાત બધાય કામ પડતાં મૂકીને હુડુડુડુ કરતી હડી કાઢે છે.  આમિરની ઈવેન્ટ હોય તો જવું જ પડે, યુ નો. પછી આમિરે જે કંઈ સ્ક્રીન પર દેખાડ્યું હોય કે સ્ટેજ પરથી એ જે કંઈ ચરક્યો હોય તેની યોગ્યતા ચકાસવાની લપમાં પડ્યા વિના તેને વધુમાં વધુ ફ્રી પબ્લિસિટી આપવા માટે મિડીયામન્કીઓ વચ્ચે ભયાનક હરીફાઈ ફાટી નીકળે છે. આમિર પોતાની નવી ઉગાડેલી મૂછમાં મરકતો મરકતો ખેલ જોયા કરે છે. (બિપ્  બિપ્) મિડીયા મેનિપ્યુલેટ થવા માટે સામેથી હવાતિયાં મારતું હોય તો (બિપ્) કરો ને મોજથી મેનિપ્યુલેટ. અપુન કો તો યહી ચ મંગતા હૈ.     



અંગ્રેજી ફિલ્મ રિવ્યુઅરોએ ‘દિલ્હી બેલી’ પર ઓળઘોળ થઈને, નેચરલી, વખાણનો વરસાદ વરસાવી દીધો છે. ‘દિલ્હી બેલી’ સ્માર્ટ ફિલ્મ છે, બોલીવૂડમાં કોમેડીના નામે સામાન્યપણે ઓડિયન્સ પર જે સિતમ ગુજારવામાં આવે છે (ઉદાહરણ તરીકે, ‘નો પ્રોબ્લેમ’ અને એના જેવી કૂડીબંધ ફિલ્મો)  એની તુલનામાં ‘દિલ્હી બેલી’ ફ્રેશ છે, ગતિશીલ છે અને તેનાં અમુક દશ્યો ખરેખર ખૂબ હસાવે છે તે કબૂલ. પણ આ કંઈ ‘જાને ભી દો યારોં’ નથી, પ્લીઝ. ‘દિલ્હી બેલી’ કરતાં ‘તેરે બિન લાદેન’ અને ‘ફસ ગયા રે ઓબામા’ ઘણી બેહતર ફિલ્મો હતી. ‘દિલ્હી બેલી’એ નથી એણે કોઈ ઊંચા નિશાન તાક્યાં કે નથી ઓહોહોહો કરવાનું મન થાય એવી કોઈ કમાલ કરી. ફિલ્મની હિન્દી આવૃત્તિ કરતાં હિંગ્લિશ વર્ઝન વધારે સારું છે. મહાનગરોમાં વસતા પોતાનાં ટાર્ગેટ ઓડિયન્સને રિઝવવામાં ફિલ્મ સફળ થઈ છે.  ગયાં અઠવાડિયાના શુક્રશનિરવિ દરમિયાન દેશભરની ૧૨૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘દિલ્હી બેલી’એ બોક્સઓફિસ પર ૨૧.૨૨ કરોડ રૂપિયાનો વકરો કર્યો. સોમવારે પણ ફિલ્મ ઢીલી ન પડી. તેની સામે ૧૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘બુઢા હોગા તેરા બાપ’એ પહેલા ત્રણ દિવસમાં ૬.૨૭ કરોડનું કલેક્શન કર્યું. અભિષેકના બુઢા બાપને ઈમરાન ખાનનો આધેડ આમિરમામો ભારે પડ્યો. આ બન્ને ફિલ્મોની સિક્વલની વાતો અત્યારથી સંભળાવા લાગી છે. 

આમિર ખાન એક અફલાતૂન એક્ટર, કાબેલ ડિરેક્ટર અને એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોડ્યુસર છે તેની ના નહીં. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય પોઝિટિવ ચેન્જીસ લાવવામાં આમિરનો સિંહફાળો છે તે વાત સાથેય કોઈ અસહમતી ન હોઈ શકે. આમિરે આટલાં વર્ષોમાં જે ઉત્તમ કામગીરી બજાવી છે તેનો સંપૂર્ણ સ્વીકાર જ નહીં,  તેનું ગૌરવ પણ છે. તેની ‘લગાન’ને પાક્કા મેરિટ પર કલ્ટ ફિલ્મનો દરજ્જો મળ્યો છે... પણ આ બધાનો અર્થ એવો બિલકુલ નહીં કે આમિરને સતત ગુલાબી ચશ્મા પહેરીને જોયા કરવાનો. એના સારાં પાસાંનો પૂરેપૂરો આદર હંમેશાં રહેવાનો, પણ એ જો મિડીયાના એક ચોક્કસ વર્ગ થકી ‘દિલ્હી બેલી’ને  મહાન ફિલ્મ તરીકે પ્રસ્થાપિત કરવાની ચેષ્ટા કરતો હોય તો બિપ્  બિપ્ અને એક ઓર વાર બિપ્.

શો સ્ટોપર

‘મર્ડર’ પાર્ટ-વનમાં મલ્લિકા શેરાવત મારી હિરોઈન હતી તે સાચું પણ,પણ પછી એણે હોલીવૂડ જઈને શું શું કર્યું તે તે જાણવામાં મને રસ પણ નથી અને સમય પણ નથી.   

-  ઈમરાન હાશ્મિ

4 comments:

  1. Shishirbhai.best article.Aamir khan&compny deserve this type of language.U have done very good work.

    ReplyDelete
  2. Well said, I was waiting to see who can hit Amir Khan with the truth. This is the true journalism ! I am really proud of you. Amir has bought media it seems otherwise this film is not even acceptable how can it be a cult film, no ways.Amir spoilt his image , may be he got money through this film but he had enough money why should he make such a cheap film and wash his fame for money ...?

    ReplyDelete
  3. The first and really"Sheet criticism" for DB..Shishirbhai wah!!..Aamir is not the best, He is not at all supposed to make such sheet film"v.big type 'BEEP'". My first reaction after watching film could only come from 'pichhuwada' You just gave it very appropriate reaction by Pen, Sir... Bravo....

    ReplyDelete