Sunday, November 28, 2010

ઓડિયન્સ કો ક્યા મંગતા?

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - તા. ૨૮ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


મલ્ટિપ્લેક્સ

સંજય ભણસાલીએ આર્ટિસ્ટિક ફિલ્મો બનાવવાનું બંધ કરીને લંગૂર જેવા બે-ત્રણ-ચાર હીરોને લઈને કોમેડીના વલ્ગર ટાયલાં કરાવવા જોઈએ. ‘મુન્ની બદનામ હુઈ’ ટાઈપનાં આઈટમ સોંગ પર હિરોઈન પાસે ઢીંઢા હલાવીને ડાન્સ કરાવવો જોઈએ. લોકોને નોનસેન્સ હાહાહીહી જોઈએ છે તો એ જ આપવું જોઈએ, રાઈટ?૧૧ માથાં.

આ હતી મંગળવારની મોડી સાંજે મુંબઈના એક મલ્ટિપ્લેક્સમાં ‘ગુઝારિશ’ જોવા આવેલા માણસોની સંખ્યા. સંવેદનશીલ વાર્તા, ઉત્તમ ડિરેકશન, મજબૂત અભિનય, અફલાતૂન ટેક્નિકલ પાસાં, વિવેચકોના જોરદાર વખાણ... અને બોક્સ ઓફિસ રિઝલ્ટ? સુપર ફ્લોપ. એક રિપોર્ટ કહે છે કેે નોર્થ ઈન્ડિયાનાં કેટલાય થિયેટરોમાં બે જ દિવસમાં ‘ગુઝારિશ’ ઉતારીને તેની જગ્યાએ ‘ગોલમાલ-થ્રી’ લગાવી દેવામાં આવી. બીજો અહેવાલ કહે છે કે હિન્દી બેલ્ટમાં જ નહીં, અતિ પોશ ગણાતી ઓવરસીઝ ટેરિટરી એટલે કે વિદેશમાં પણ ‘ગુઝારિશ’નો ધબડકો થઈ ગયો. ત્રીજો રિપોર્ટ કહે છે, આ ફિલ્મ તો ‘કાઈટ્સ’ કરતાંય મોટી ફલોપ છે. ચોથો રિપોર્ટ કહે છે, આ ફિલ્મે પચાસ કરોડનું નુક્સાન કરી નાખ્યું છે. આંકડાબાજીમાં ન પડીએ, પણ એક વાત સ્પષ્ટ છેઃ આમજનતાને ‘ગુઝારિશ’ સહેજ પણ ગમી નથી. લોકોએ આ ફિલ્મને બેરહમીથી નકારી કાઢી છે.ક્યાં ગરબડ થઈ ગઈ? ક્યાં કાચું કપાયું? સમજાતું નથી. આ ઘડીએ ‘ગુઝારિશ’ની ટીમ ઓડિયન્સના રિજેકશનથી જેટલી સ્તબ્ધ છે એટલા જ સત્ત્વશીલ હિન્દી સિનેમાના ચાહકો ચકિત છે. ઓડિયન્સને ક્યાં વાંધો પડ્યો? ફિલ્મના અડધોઅડધ ડાયલોગ્ઝ અંગ્રેજીમાં છે, એમાં? ફિલ્મ બહુ ‘સિરિયસ સિરિયસ’ છે અને ફ્રેશ કરવાને બદલે ઊલટાનું મન ભારે કરી નાખે છે, એમાં? હ્યુતિક જેવા હીમેન હીરોને અપંગ બતાવ્યો છે અને આખી ફિલ્મમાં એને પથારી પર સૂવડાવી રાખ્યો છે, એમાં? ફિલ્મમાં હાઈકલાસ આઈટમ સોંગ રાખ્યું નથી અને તેના પર ઐશ્વર્યા પાસે નૃત્ય કરાવ્યું નથી, એમાં?ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીય છાવણીઓ રાજીની રેડ થઈ ગઈ છે અને કેટલાય માથાં સામસામા દારૂના ગ્લાસ અથડાવીને ‘ચિયર્સ’ કરી રહ્યાં છે. સંજય ભણસાલી, હ્યુતિક રોશન અને ઐશ્વર્યા રાય આ ત્રણેય બોલીવૂડનાં બહુ મોટાં નામો છે અને તેથી જ તેમની સફળતાથી જલી ઉઠતા લોકોનો અહીં તોટો નથી. સંજય ભણસાલીની ‘સાંવરિયા’ અને હ્યુતિક રોશનની ‘કાઈટ્સ’ પછીની આ લાગલગાટ બીજી ફ્લોપ ફિલ્મ છે. અંદરથી તોડી નાખે, આત્મવિશ્વાસ હલબલાવી નાખે એવી આ વાત છે. વાંકદેખાઓ કહે છે કે સંજય ભણસાલી એક જ પ્રકારની, અપંગોની લાચારીની વાર્તા કરતી એકસરખી ફિલ્મો (‘ખામોશી’, ‘બ્લેક’, ‘ગુઝારિશ’) બનાવ્યા કરે છે. અરે? રામગોપાલ વર્મા સમાન થીમ, ફીલ અને અપીલવાળી ‘સત્યા’ પછી ‘કંપની’ અને ‘સરકાર’ પછી ‘સરકાર રાજ’ બનાવતા નથી? વિશાલ ભારદ્વાજે શેક્સપિયરની કૃતિઓ પરથી ‘મકબૂલ’ પછી ‘ઓમકારા’ અને ત્યાર બાદ ફરી પાછા યુપી-બિહારના પશ્ચાદભૂવાળી ‘ઈશ્કિયા’ બનાવી નથી? મનમોહન દેસાઈની ફિલ્મો એકસરખી મસાલેદાર લાગતી હોય તો એ તેમનો ટ્રેડમાર્ક ગણાય. એક મુદ્દો વિદેશી ફિલ્મોની ઉઠાંતરીનો પણ છે. તો એટલું ચોક્કસ કહી શકાય કે સંજય ભણસાલી બેવકૂફ નકલખોરી કરતા નથી. દેશીવિદેશી સિનેમાનો પાક્કો રેફરન્સ હોવા છતાં તેમની ફિલ્મોમાં પુષ્કળ સંજયપણું રેડાયેલું હોય છે, જે જેન્યુઈન હોય છે.હ્યુતિકે બાપડાને દૂર દૂરથી પણ સ્પેનિશ-પોર્ટુગીઝ જેવી દેખાતી કંઈ પણ વસ્તુથી દૂર રહેવા જેવંુ છે, કારણ કે તે એના માટે સખ્ખત બુંદિયાળ સાબિત થાય છે. ‘કાઈટ્સ’ની હિરોઈન બાર્બરા મોરી સ્પેનિશભાષી હતી, જ્યારે ‘ગુઝારિશ’નું ગોવા, ક્લબ, તેનું ઘર વગેરે ડાયરેક્ટ પોર્ટુગલથી ઈમ્પોર્ટ કર્યાં હોય તેવાં દેખાય છે. શુકન-અપશુકનમાં શ્રદ્ધા ધરાવતા ચાહકોને ચિંતા થઈ જાય એવી વાત એ છે કે હ્યુતિકની આગામી ફિલ્મે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નું પુષ્કળ શૂટિંગ સ્પેનમાં થયું છે! હ્યુતિક જેવા ડાન્સિંગ-એકશન-રોમેન્ટિક હીરો માટે ‘ગુઝારિશ’ના પેરેલાઈઝડ નાયકનો રોલ સ્વીકારવો એ મોટું જોમખ હતું. છતાંય તેણે રિસ્ક લીધું, એટલું જ નહીં, આ ભુમિકામાં અવોર્ડ્સનો વરસાદ વરસે એવું પર્ફોર્મન્સ આપ્યું. ઓડિયન્સે ‘ગુઝારિશ’ સ્વીકારી હોત તો હ્યુતિકનો પાનો ચડત, એક એક્ટર તરીકે પોતાની સીમાને વિસ્તારવાની તે ફરીથી ઝનૂનપૂર્વક કોશિશ કરત. એવું નથી કે હ્યુતિકે, કે ફોર ધેટ મેટર, સંજય અને અને ઐશ્વર્યાએ ભૂતકાળમાં ફ્લોપ ફિલ્મો આપી નથી. છતાંય ‘ગુઝારિશ’ની નિષ્ફળતાનું એક અપ્રિય પરિણામ એ આવી શકે કે હ્યુતિક પાછો પોતાના ‘સેફ ઝોન’માં લપાઈ જશે અને ‘ક્રિશ’ બનીને સુપરહીરોવેડા કરવા માંડશે.‘બચ્ચન’ બન્યા પછી આ વર્ષે ઐશ્વર્યાની ચારચાર મોટી ફિલ્મો રિલીઝ થઈ. તેમાંથી એકમાત્ર હિટ ‘રોબો’ હતી, પણ તે રજનીકાંતનો વન-મેન-શો હતી એટલે એૈશ્વર્યા પાસેથી ખાસ કશા યોગદાનની અપેક્ષા જ નહોતી. જો ‘ગુઝારિશ’ ચાલી ગઈ હોત તો ‘રાવણ’ અને ‘એકશન રિપ્લે’ની નિષ્ફળતા એક તરફ હડસેલાઈ ગઈ હોત. પરિણીત અભિનેત્રીઓ માટે આપણા પ્રેક્ષકો ખરેખર સાઈકોલોજિકલ બ્લોક અનુભવે છે? ‘ગુઝારિશ’ના ધબડકા પછી નિરાશ થયેલી એૈશ્વર્યા ફેમિલી પ્લાન કરવા માંડે તો નવાઈ નહીં.... અને સંજય ભણસાલી હવે મહેરબાની કરીને આર્ટિસ્ટિક ફિલ્મો બનાવવાની બંધ કરે. એમણે લંગૂર જેવા બે-ત્રણ-ચાર હીરોને લઈને કોમેડીના વલ્ગર ટાયલાં કરાવવા જોઈએ. એ ય જો ઓછા પડતા હોય તો ઉપર જોની લીવર કે રાજુ શ્રીવાસ્તવને ભભરાવવા જોઈએ. અને હા, ‘મુન્ની બદનામ હુઈ’ કે ‘શીલા કી જવાની’ ટાઈપનાં કમસે કમ બે આઈટમ સોંગ તો જરૂર ઘુસાડવા જોઈએ. પછી એના પર હિરોઈન પાસે ઢીંઢા હલાવી હલાવીને સીટીમાર ડાન્સ અવશ્ય કરાવવો જોઈએ. ઓડિયન્સને ‘ગુઝારિશ’ નહીં ‘ગોલમાલ’ ખપે છે. લોકોને નોનસેન્સ હાહાહીહી જોઈતું હોય તો એ જ આપવું જોઈએ, રાઈટ?હંમેશાં ફિલ્મમેકર કે એક્ટર જ નિષ્ફળ જતા નથી, ક્યારેક ઓડિન્સ પણ નિષ્ફળ જતું હોય છે. ‘ગુઝારિશ’ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.


શો-સ્ટોપર

મારી પહેલી જ ફિલ્મ પછી લોકોએ મને ‘મેગાસ્ટાર’નું બિરુદ આપી દીધું હતું. તેના તરત પછી મને ‘ફિનિશ્ડ’ પણ જાહેર કરી દીધો. ડહાપણ એટલે બીજું શુ? ખરાબ સમયમાં શીખેલો બોધપાઠ સારા સમયમાં યાદ રાખવો, એ.- હ્યુતિક રોશન

8 comments:

 1. OMG...

  ugh ugh...

  guzarish i watched 1st day 1st show..

  me job ma raja rakhi ne gyo to a ane HP jova..

  now come to point..

  guzarish na MARA views..

  saru chhe pan parts ma

  ghana sara parts chhe.. last scene was awesome.. hats off..

  now mistakes..

  omar ne tena rival no son na banavyo hot to pan kai farak padet?

  jo ethan techonlogy na use thi wheel chare chalvto hoi to mobile na rakhi sakay motion sensor valo..
  chhat mathi pani padtu hoi to PANI PELA pad pan bandhi sakay..
  teni aasistant nu su kam hatu movie ma.. khali ek git..

  mane aavu lagyu..

  ReplyDelete
 2. શિશિરભાઈ,
  માફ કરશો પણ તમારી સાથે આજે સહમત નથી (અને મોટાભાગના ફિલ્મ રીવ્યુમાં હોવું છું.). અને 'દબંગ' કે 'ગોલમાલ ૩' જેવી ફિલ્મો પર વિશેષ પ્રેમ ન હોવા છતાં આ કહી શકું છું કે ભણશાળીને હું કળાકાર બિલકુલ માનતો નથી અને તેની ફિલ્મમાં 'કળા' જાણે મહેલોમાંથી ઉતારી આવી હોય તેવી હોય છે. કરણ જોહરની જેમ તે સામાન્ય માણસના વિષય વસ્તુ પર તો ફિલ્મ બનાવી શકતા જ નથી. કદાચ એ કેટેગરીમાં 'ખામોશી' તે પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. અને તેના માટે વખાણવા લાયક પણ હતી. વળી, તે જાતે (એક જુના ઇન્ટરવ્યુંમાં) પોતાની સરખામણી મખમલબાફ, રિત્વિક ઘટક અને ગુરુ દત્ત સાથે કરે છે. તેનાથી પણ મહાન ફિલ્મકાર નથી બની શકાતું. તેને 'હટ કે' વિષયો લેતા આવડે છે પણ તેની ટ્રીટમેન્ટ પછી 'મેગાલોમેનીયાક' હોય છે. ભણસાલીને દરેક વસ્તુ મોટી અને વધુ મોટી, ચોખ્ખી અને વધુ ચોખ્ખી બનાવવા જોઈએ છે અને પછી વાસ્તવિકતાનો અને સર્જનાત્મકતા દાવો કરે છે. ભણસાલીના ફિલ્મોના પાત્રો કરતા તો કરણ જોહરના પાત્રો પણ વાસ્તવિક અને આપણી આસ-પાસના લાગે. સામાન્ય રીતે હોંશિયાર દર્શક કે જેને માત્ર સસ્તું મનોરંજન જ નથી જોઈતું કૈંક વધુ પણ જોઈએ છે તે પણ આ ફિલ્મો પચાવી શકતો નથી. ઓડીયન્સ આ વખતે બરાબર ન્યાય કર્યો છે અને ભણસાલીએ પોતાની જાતને શહીદ માન્યા વગર તેમનો આદેશ માથે ચઢાવવો જોઈએ. એકવીસમી સદીના ગુરુ દત્ત બનવા માટે ફિલ્મોનું પીટાઈ જવું જરૂરી નથી પણ સારી ફિલ્મો બનાવવી પણ જરૂરી છે!
  ઋતુલ

  ReplyDelete
 3. @Rutul. Thanks for sharing your thoughts. This is what one calls magic of cinema- it can provoke extreme reactions! There are some movies you would either love or hate, but most definately would not be able to ignore. Guzarish is one such film.

  ReplyDelete
 4. guzarish....as usual giant...big... blue sets....same as "black"..but superb acting by both ritik and aishvrya....if avoided english dialog i think it wd be touched all class & mass both viewers....good story line.....very emotional scenes.....as per my vew **** star :)

  ReplyDelete
 5. i give my *****star to Guzarish and agree with shishibhai.

  ReplyDelete
 6. am agree with Shishirbhai. good movie.. I liked acting of both stars.. and I think now common people are also speaking english in their normal conversation ,it has become very common.. before 3 years in Ahmedabad I asked somebody 1 address near ashram road.. i asked him in gujarati..but he replied in english..I mean just because of few english dialogues we can not give minus points,,5 stars..

  ReplyDelete
 7. @Himmat and Rajesh: Ditto. I gave it 4 stars in my Mid-day review.
  @Dr. Anjuali Virani: That's even more puzzling.Not UP-Bihar like Hindi belt, but audience from big cities like Mumbai and even overseas rejected the film - the just didn't like it!

  ReplyDelete
 8. @Shishirbhai.. ઘણી વાર ફિલ્મ નહી, ઓડિયન્સ નિષ્ફળ જાય છે.. total agree..
  ‌@Rutul: કરણ જોહરે ડિરેક્ટ કરેલી પૈકી કુછ કુછ હોતા હૈ યંગસ્ટર્સ અને લવસ્ટોરી ક્રેઝી ખાસ તો શાહરૂખ-કાજોલના ફેન્સના કારણે ધૂમ ચાલી, કભી ખુશી કભી ગમ એ ફેમિલિ ઈમોશન સાથેની હોઈ વાસ્તવિકતાની નજીક લાગી.. બાકી.. કેજોની જ ડિરેક્ટ કરેલી કભી અલવિદા ના કહેના અને માય નેમ ઈઝ ખાનને અને વાસ્તવિકતાને જોજનો છેટું છે..તેની જ નિર્માતા તરીકેની કલ હો ના હો, દોસ્તાના, વી આર ફેમિલિ, આઈ હેટ લવ સ્ટોરીઝને જે રીતે રજૂ કરાઈ છે તે જોતા તેને વાસ્તવિકતા સાથે ક્યાંય નજીકનો નાતો નથી દેખાતો..

  ReplyDelete