Friday, November 26, 2010

મિડ-ડે રિવ્યુઃ બ્રેક કે બાદ

મિડ-ડે ૨૭ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત





બ્રેક આજકલ



આ રોમેન્ટિક કોમેડીમાં ડિરેક્ટરે એ જ જુનોપુરાણો માલ રિસાઈકલ કર્યો છે. જોકે દીપિકા-ઈમરાનની જોડી સારી લાગે છે




રેટિંગ ઃ બે સ્ટાર



આમ તો એ ટોમબોય છે, પણ પોતાના લાં...બા સેક્સી પગ દેખાય તે માટે લગભગ અડધોઅડધા પિક્ચરમાં ધરાર ચડ્ડી કે ભયંકર ટૂંકા સ્કર્ટ પહેરે છે. એ પોતાનું ધાર્યું કરે છે અને ગમે તે ઘડીએ કંઈ પણ કરી નાખે છે. નાની હતી ત્યારથી જ એણે નક્કી કરી નાખ્યું હતું કે વીસ વર્ષની થઈશ એટલે પહેલું કામ પોતાની વર્જિનીટી ગુમાવવાનું કરશે. કોઈના મેરેજ-રિસેપ્શનમાં આવી હોય ત્યારે બિન્દાસ બહાર પાનબીડીની દુકાને જઈને સિગારેટ માગે છે. અધૂરામાં પૂરું, એ બેવડી છે. દારૂ પીને જોકે ડાયલોગ સારા બોલે છે. ટેન્શનમાં આવી જાય ત્યારે ટેબલની નીચે ઘૂસી જવાની તેને નાનપણથી આદત છે. ટૂંકમાં, છોકરી તોબા પોકારાવી દે તેવી છે.



સામે પક્ષે છોકરો બિચારો ડાહ્યોડમરો અને ગભરુ જુવાન છે. બાપાએ કહ્યંુ એટલે હા-ના કર્યા વગર ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયો. ભારે સેન્સિટીવ, સમજદાર અને સહનશીલ છે. એના સારાપણાનો પેલી છોકરી બરાબરનો ગેરફાયદો ઉઠાવે છે. એક વાર શરાબ ઢીંચીને કન્યા એને કહે છેઃ જો, હું તો પતંગ જેવી છું, હું ગમે તેમ ઉડું, પણ તું મારો મજબૂત દોર છે, તારે મને બાંધી રાખવાની. તું પ્લીઝ કપાઈ નહીં જતો,નહીં તો હું ક્યાંય ખોવાઈ જઈશ. છોકરો ગીતા પર હાથ મૂક્યા વગર પ્રતિજ્ઞા લે છેઃ નહીં કપાઉં, બસ? પ્રોમીસ. અગાસીની પાળી પર થતા આ સંવાદમાં આખી ફિલ્મનો નિચોડ છે.



‘બ્રેક કે બાદ’માં એવી એક પણ વસ્તુ નથી, જે તમે અગાઉ જોઈ ન હોય. ફિલ્મમાં ઢગલાબંધ ગરબડ છે, છતાં એની યુથફુલ એનર્જી તમને ગમે છે.



બેડ ગર્લ



આલિયા (દીપિકા પદુકોણ) કૂલ બેબ છે, જ્યારે અભય (ઈમરાન ખાન) મિસ્ટર ગુડી-ગુડી છે. એક્ટ્રેસ બનવા માગતી આલિયા ભેદી કારણોસર ‘મારે સ્પેસ જોઈએ છે... મારે સ્પેસ જોઈએ છે’ કરતી અભય સાથે બ્રેકઅપ કરીને ઓસ્ટ્રેલિયા આવી જાય છે. ઈમરાનની ત્રણ વાર ડિવોર્સ લઈ ચૂકેલી ફોઈ લિલેટના શબ્દોમાં કહીએ તો, ચુડેલ હૈ લેકિન અપને પૈરો પર ખડા હોના ચાહતી હૈ. અભય નામનો ગાંજો એટલે કે દોર એટલી આસાનીથી કપાઈ એવો નથી એટલે એ પણ એની પાછળ પાછળ ઓસ્ટ્રેલિયા આવી જાય છે. પછી બણે વચ્ચે જોડ-તોડ-જોડ-તોડ ચાલ્યા કરે છે અને આખરે જૂની, જર્જરિત થઈ ગયેલી ક્લાઈમેક્સમાં ભૂતડી આખરે પીપળા પર સેટલ થાય છે.



કુછ તો નયા લાઓ

ફર્સ્ટટાઈમ ડિરેક્ટર ડેનિશ અસલમ હિન્દી ફિલ્મોના ભયાનક શોખીન જીવ લાગે છે એ તો આ ફિલ્મમાં તેમણે ‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘કુછ કુછ હોતા હૈ’ના કેટલાય ટુકડાનો જે રીતે ઉપયોગ કર્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે. તેમના પર ‘દિલ ચાહતા હૈ’, ‘જાને તૂ યા જાને ના’, ‘વેક અપ સિડ’ અને ‘લવ આજકલ’ જેવી ફિલ્મોની પણ તીવ્ર અસર છે. આ અસરમાં ને અસરમાં તેમણે એક પણ નવું એલીમેન્ટ ઉમેરવાની તસ્દી લીધા વિના આ બધાની ભેળપુરી જેવી ‘બ્રેક કે બાદ’ બનાવી નાખી છે. ફિલ્મ સતત ‘ઓહો, આ તો બધું જોયેલું છે’ એવી ફીલિંગ પેદા કરતી રહે છે. ‘આઈ હેટ લવસ્ટોરીઝ’માં સોનમ કપૂર યલો કલરની વણાંકદાર ફૉક્સવેગન બીટલ ચલાવે છે. અહીં દીપિકા-ઈમરાન એ જ શેડની એ જ કાર ચલાવે છે. ડેનિશભાઈએ કારનું મોડલ પણ જો જુદું સિલેક્ટ કરી શકતા ન હોય તો વિચારો કે બીજા ડિપાર્ટમેન્ટ્સમાં એ શું નવું કરવાના. આ ફિલ્મ સ્વીકારતી વખતે દીપિકા પદુકોણને ખુદને એવો વિચાર નહીં આવ્યો હોય કે આ તો ‘લવ આજકલ’ની જ રિવર્સ આવૃત્તિ છે? એની વે.



ફિલ્મની શરૂઆત બે રીતે અકળાવે છે. એક તો, ટિપિકલ દિલ્હીબ્રૅન્ડ પંજાબી લગ્નનો ચવાઈને ચુથ્થો થઈ ગયેલો માહોલ. બીજું, દીપિકા-ઈમરાનનું પફોર્મન્સ, જે ચીસો પાડી પાડીને બરાડા પાડે છે કે ‘જુઓ જુઓ, અમે કેટલાં કૂલ છીએ’. સદભાગ્યે આ બન્ને સાથે સેટ થતાં તમને ઝાઝી વાર લાગતી નથી. એથી ય વધારે સારી વાત એ બને છે કે ધીમે ધીમે તમને આ બેય ગમવા માંડે છે. આ નવી જનરેશનના ડિરેક્ટરો એમ જ માને છે કે ફિલ્મો માત્ર મહાનગરોમાં જ જોવાય છે. આ ફૅિલ્મમાં પણ અંગ્રેજી સંવાદોની ભરમાર છે. લિલેટ દૂબેને બુટિક ચલાવતી દેખાડી છે. એક સીનમાં કોઈ છોકરી એને કહે છેઃ આ ટૉપ બહુ ઢીલું છે. લિલેટ ફોન પર વાર કરતી કરતી પાસે ઉભેલી સેલ્સગર્લને કહે છેઃ ગેટ હર સમ બૂબ્સ, પ્લીઝ. હવે આ હ્યુમરનું તમે હિન્દીકરણ કેવી રીતે કરો? આવી લાઈન અંગ્રેજીમાં જ શોભે. આ નવા નિશાળિયા ફિલ્મમેકરો શ્વાસમાં ઓક્સિજનને બદલે હોલીવૂડની ફિલ્મો લે છે એનું આ પરિણામ છે.



દીપિકા પદુકોણ આવા શહેરી, સોફિસ્ટીકેટેડ, ચુલબુલા પાત્રોમાં હંમેશાં સારી લાગે છે. આ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સમાં એક પ્રકારની જમાવટ દેખાય છે. ઈમરાને પણ સરસ પફોર્મન્સ આપ્યું છે. બન્નેની જોડી સરસ છે. દીપિકાની એક્ટ્રેસ મમ્મી તરીકે શર્મિલા ટાગોર અને તેની ફ્લેટમેટ તરીકે શહાના ગોસ્વામી બન્ને વેડફાઈ છે. એક નાના પણ મજાના રોલમાં ગુજરાતી રંગભૂમિના કલાકાર કમલેશ ઓઝાએ સરસ હાજરી પૂરાવી છે. મુંહફટ, બિન્દાસ ફોઈ તરીકે લિલેટ દૂબે અસરકારક છે. એક જગ્યાએ તે સરસ સંવાદ બોલે છેઃ ‘તુમ લોગ સબ ચાહતે હો ઔર યે ભી ચાહતે હો કે દર્દ ભી ન હો.’ ફિલ્મની કેટલીક મોમેન્ટ્સ ગમી જાય તેવી છે.



Kamlesh Oza
ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ તેના કથાપ્રવાહની ગતિ છે. ફર્સ્ટ હાફ સડસડાટ નીકળી જાય છે, પણ ઈન્ટરરવલ પછી ફિલ્મ લથડવા લાગે છે. રાઈટર-ડિરેક્ટરે વાર્તાને પોતાની સગવડ પ્રમાણે ટેસથી તોડેમરોડે છે. દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જઈને બબ્બે રેસ્ટોરાંના માલિક બની જવું તે વિરારથી ચર્ચગેટ જઈ બહાર ગંજીજાંગિયાનો ઢગલો કરીને વહેંચવા કરતાંય વધારે સહેલું છે. ઈન્ટરનેશનલ ફિલ્મમાં હિરોઈન બની જવુ તો વળી એના કરતાંય આસાન છે. (બાય ધ વે, ‘બ્રેક કે બાદ’નું પશ્ચાદભુ ઓસ્ટ્રેલિયાનું છે તો પછી મોરેશિયસમાં શૂટિંગ શા માટે કરવામાં આવ્યું હતું?) દીપિકા એક્ઝેક્ટલી શું કામ સંબંધમાંથી બ્રેક લેવા માગે છે, ખુદ એક્ટ્રેસ રહી ચુકેલી શર્મિલા ટાગોરને દીકરી હિરોઈન બને તેની સામે આટલો બધો વિરોધ શું કામ છે અને એવી નાનીમોટા કેટલાય સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મમાં વિશાલ-શેખરે એકપણ ધમાકેદાર ગીત આપ્યું નથી. જોકે વચ્ચે વચ્ચે દીપિકા-ઈમરાન ગીતડાં ગાઈને આપણને બોર કરતાં નથી એ સારૂ છે.



સો વાતની એક વાત. જો તમને રૉમ-કૉમ એટલે કે રોમેન્ટિક કોમેડીમાં જોરદાર મજા પડતી હોય અને જુના દારૂને નવા ગ્લાસમાં પીવામાં વાંધો ન હોય તો આ ફિલ્મ જોઈ શકાય. નહીં તો પછી ટીવી પર ‘વર્લ્ડ પ્રિમીયર’ યોજાય ત્યાં સુધી રાહ જુઓ.

૦૦૦

1 comment:

  1. Mast review shishir bhai...specially langugage and punches... :) I am avoiding 'Break ke Baad'...will wait for Narnia-3 and Rakht Charitra-2.... :)

    ReplyDelete