Saturday, August 21, 2010

સુરેશ જોશી સાથે એક સંગીતમય સાંજ

‘આ શનિવારે હું રેકોર્ડંિગ કરી રહ્યો છું. આવજો, મજા આવશે...’



ચારેક દિવસ પહેલાં સુરેશ જોશીએ આમ કહ્યું ત્યારે જ મનોમન ‘શનિવાર કી સાંજ સંગીત કે નામ’ કરી નાખી હતી. સુરેશ જોશી ફેવરિટ સંગીતકારગાયક રહ્યા છે. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમનું લેટેસ્ટ આલ્બમ ‘ગીત પંચમી’ (અવિનાશ પારેખનાં કૃષ્ણગીતો) સાંભળો. મણિભાઈ નભુભાઈ દ્વિવેદીની શોકિંગ જીવની પર આધારિત મનોજ શાહના નાટક ‘જલ જલ મરે પતંગ’નું સંગીત સાંભળો. રોમાંચિત થઈ જશો. ઈન ફેક્ટ, સુરેશભાઈને મારી હંમેશા ફરિયાદ રહી છે કે નાટકમાં ભલે આખેઆખાં ગીતોનો ઉપયોગ ન થાય, પણ તમે ગાયકો પાસે ‘જલ જલ...’નાં ગીતોના માત્ર મુખડા જ કેમ ગવડાવ્યાં? આ ગીતોનું કેટલું સુંદર અલાયદુ ઓડિયો આલબમ તૈયાર થઈ શક્યું હોત! સુરેશભાઈ પાસે, અલબત્ત, આ સવાલનો તાર્કિક જવાબ છે જ!



વિલે પાર્લે (ઈસ્ટ)ની એક શાંત બાયલેનમાં ઊભલા શ્રીનિવાસ નામના રેસિડેન્શિયલ બિલ્ડિંગને જુઓ તો અંદાજ ન આવે અહીં એક કરતાં વધારે રેકોર્ડંિગ સ્ટુડિયોઝ ધમધમતા હશે. ગઈ કાલ સુરેશ જોશીએ અહીં જયદેવ રચિત ‘ગીત ગોવિંદ’પર આધારિત તૈયાર થઈ રહેલા એક ડાન્સડ્રામા માટે કેટલીક રચનાઓ કંપોઝ કરી. કવિ જયદેવ તેરમી સદીમાં ઓરિસ્સામાં થઈ ગયા. સંસ્કૃત મહાકાવ્ય ‘ગીત ગોવિંદ’ તેમની પ્રમુખ કૃતિ ગણાય છે. પાર્થિવ ગોહિલનું રેકોર્ડંિગ બપોર સુધીમાં પૂરું થઈ ગયું હતું. મને રેખા ત્રિવેદીની ગાયકી માણવાનો લહાવો મળ્યો. રેખા ત્રિવેદી, અગેન, ગુજરાતી સુગમ સંગીતનું એક ઉત્કૃષ્ટ નામ છે. સુરેશ જોશીએ કંપોઝ કરેલું અને રેખા ત્રિવેદીએ ગાયેલું ‘ગીતપંચમી’નું ગીત ‘સોનારૂપા...’ પ્રિય રચના છે.



કોઈ પણ ક્રિએટીવ પ્રોસેસના તારતાર છુટ્ટા કરીને, એને આંખની સાવ પાસે લઈ જઈને જોવામાં, તેના જુદાજુદા પાસાં સમજવામાં હંમેશા ખૂબ રસ પડ્યો છે. તેમાંય સંગીતનું પ્રત્યક્ષ સર્જન થતું નિહાળવામાં એક અલગ જ મજા છે. ટેકનોલોજીને કારણે સંગીતસર્જનના ડાયનેમિક્સ બદલાઈ ગયા છે. હવે તો ગીતના એકએક શબ્દને, એકએક હરકતને, એકએક લયકારીને છુટ્ટાં પાડી તેના પર નક્સીકામ થઈ શકે છે.



સુરેશ જોશી કહે છે, ‘‘ગીત ગોવિંદ’ની સંસ્કૃત રચનાઓના શબ્દો લોકોને ભલે ન સમજાય, પણ મેં કમ્પોઝિશન્સ એકદમ સરળ રાખ્યાં છે. વળી, ડાન્સડ્રામા લોકભોગ્ય બને તે માટે પૂરક ગુજરાતી લોકગીતો પણ ઉમેર્યાં છે.’ તેમનું નિરીક્ષણ એવું છે કે ‘ગીત ગોવિંદ’ વિશે ગુજરાતી સાહિત્યમાં જે વિવેચનો અને સ્વરૂપાંતરો થયા છે તે એટલાં ક્લિષ્ટ અને દુર્બોધ છે કે ભાવકને મૂળ કૃતિની નિકટ લઈ જવાને બદલે ઊલટાના ડરાવી દે!



સુરેશભાઈ આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીત કંપોઝ કરવા માંડેલાં. અત્યાર સુધીમાં તેમનાં કંપોઝિશન્સનો સ્કોર ૮૦૦ના આંકડાને વટાવી ગયો છે.... અને હા, સુરેશ જોશી સિવિલ એન્જિનીયર છે! તેઓ હસતા હસતા કહે છે, ‘મેં જોયું છે કે આર્ટ્સ કરતાં સાયન્સના સ્ટુડન્ટ્સ વધારે રસિક અને કલાપ્રેમી હોય છે!’ આ તેમનું બીજું નિરીક્ષણ છે!



‘ગીત ગોવિંદ’ ડાન્સડ્રામા તૈયાર કરી રહેલા પ્રોડ્યુસર રાજેશ પટેલ મજાના માણસ છે. અગાઉ તેમણે કલાપી વિશેનું ફુલલેન્થ પ્લે પ્રોડ્યુસ કરેલું. પછી કલાપીની રચનાઓની ચાર ઓડિયો સીડીનો સેટ પણ લોન્ચ કર્યો. સાહિત્યિક ગુણવત્તા ધરાવતા આ પ્રકારના પ્રોજેક્ટ્સ માટે તેમનામાં ગજબનું પેશન અને ધીરજ છે.



‘ગીત ગોવિંદ’ આખરે કેવો આકાર અને રંગરૂપ ધારણ કરે છે તે જોવાની મજા આવશે... 000

No comments:

Post a Comment