Friday, August 27, 2010

ફિલ્મ રિવ્યુઃ અંતરદ્વંદ્ર

મિડ-ડે, તા. ૨૯ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિતમાન ન માન, તૂ મેરા દામાદ


વિષય એકદમ નવો, પણ માવજત બીબાઢાળ. ગ્રામ્ય ભારતનો એક ઈન્ટરેસ્ટિંગ ચહેરો રજૂ કરતી આ ફિલ્મ ઘણી વધારે ધારદાર બની શકી હોત


રેટિંગ ઃ બે સ્ટારઆજ ચાય મિલેગા ક્યા....?

પુરુષપાત્રોની આવી ત્રાડો અહીં થોડી થોડી સંભળાતી રહે છે. મહિલાઓ ટ્રેમાં કપરકાબીનાસ્તા ટ્રેમા ં ગોઠવીને, સાડીનો છેડો માથા પર ગોઠવતી ગોઠવતી આમથી તેમ ફરતી રહે છે. સામંતી પુરુષો દારૂની પાર્ટીઓ કરતાં રહે છે અને ઘરની સ્ત્રીઓ મછલી ફ્રાય તળી તળીને એમને પીરસતી રહે છે. અહીં હવેલી જેવાં ઘરોમાં ફાંકડું રાચરચીલું છે ને બહાર મોટર પણ પાર્ક થયેલી છે, પણ વીજળી હજુ સુધી આવી નથી. અહીં સમય લગભગ થીજી ગયો છે. વહુદીકરીઓને ઘરના આદમીલોગ સામે હરફ સુધ્ધાં ઉચ્ચારવાનો હક નથી. અહીં બાપ એવા જડભરત છે કે દીકરીનું ભલું કરી નાખવાની લાહ્યમાં લાયક મુરતિયાને રીતસર કિડનેપ કરાવી લે છે, મારી મારીને એના હાડકાં ખોંખરા કરી નાખે છે અને પછી બેહોશ હાલતમાં એને મંડપમાં ઢસડી જઈ અગ્નિ ફરતે ફેરા ફરાવી દે છે. હા, આવી ઘટનાઓ બિહારના અંતરિયાળ હિસ્સામાં આજે પણ થાય છે. આ એક એવો વિષય છે, જે ‘અંતરદ્વંદ્વ’ પહેલાં ક્યારેય ફિલ્મી પડદા પર નહોતો આવ્યો. સંપૂર્ણપણે નવો સબ્જેક્ટ તે આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.જબરન શાદીદિલ્હીમાં રહીને આઈએએસ એક્ઝામની તૈયારી કરી રહેલો હીરો (રાજસિંહ ચૌધરી) એકાદ દિવસ માટે બિહારમાં પોતાના ગામ આવે છે અને દુર્ભાગ્યે એ જ વખતે બાજુના ગામનો ધનિક આદમી (અખિલેન્દ્ર મિશ્રા) એને ઉઠાવી લે છે. બાપડાને ગંધાતી ગમાણ જેવી જગ્યામાં પૂરી દઈને તેના પર ગુંડા ટાઈપ પહેલવાનો દ્વારા ત્યાં સુધી અત્યાચાર થતો રહે છે, જ્યાં સુધી પેલો પોતાની દીકરીને પરણવા માટે હા ન પાડી દે. માણસોને સૂચના અપાય છેઃ આના મોઢા પર બહુ નહીં મારવાનું, નહીં તો લગ્નનાં ફોટા સારા નહીં આવે! હીરોને દિલ્હીમાં ઓલરેડી એક ગર્લફ્રેન્ડ છે, જ પ્રેગનન્ટ છે. બેહોશ અવસ્થામાં આખરે તેનાં લગ્ન જાનકી (સ્વાતિ સેન) સાથે કરાવી દેવામાં આવે છે. જબરન શાદી પછી ‘મહેમાન’ને બહેતર કમરામાં શિફ્ટ કરવામાં આવે છે, પણ હજુય તે નજરકેદ જ છે. જાનકી નિર્દોષ અને પ્રેમાળ છોકરી છે, પણ હીરો એને સ્પર્શ સુધ્ધાં કરતો નથી. પરિસ્થિતિ ઘુંટાય છે. એક દિવસ હીરો લાગ જોઈને નાસી જાય છે અને....ખરબચડો વિષય, કૂણી ભાષાસૌથી પહેલાં તો, હિન્દી સિનેમામાં વિષયોનો કારમો દુકાળ ચાલતો હોય ત્યારે તદ્દન વણખેડાયેલો વિષય લાવવા બદલ ડિરેક્ટર સુશીલ રાજપાલ અને તેમની ટીમની પીઠ થાબડવી પડે. છોકરાને ઉઠાવી જઈને જબરદસ્તી પરણાવી દેવાની વાત સાંભળાવામાં બહુ રમૂજી લાગે, પણ તે મામલો ગંભીર છે અને ફિલ્મમાં પણ તેને પૂરી ગંભીરતાથી જ ટ્રીટ કરવામાં આવ્યો છે. સત્યઘટનાઓ પર આધારિત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ (સોશ્યલ ઈશ્યુઝ) માટેનો નેશનલ અવોર્ડ મળ્યો છે તે સમજી શકાય તેવું છે. આ એક વાત થઈ. આ ફિલ્મના અન્ય ડિપાર્ટમેન્ટ્સ શાબાશી આપવા પડે તેવા મજબૂત નથી તે બીજી વાત થઈ.બહુ જ ટાંચા સાધનો વડે, યારદોસ્તો પાસેથી પૈસા ઉધાર માગીને, નવોદિત એક્ટરો પાસે ફ્રીમાં કામ કરાવીને આ ફિલ્મ બની છે. આ બધું સ્ક્રીન પર વર્તાય છે. ફિલ્મ એક નિશ્ચિત ગતિથી આગળ વધતી જાય છે. જુદા જુદા પ્રસંગો ક્રમ પ્રમાણે બનતા જાય છે. વિષય નવો હોવા છતાં ડિરેક્ટરે ફિલ્મની માવજત કોણ જાણે કેમ તદ્ન બીબાઢાળ રીતે કરી છે. ટેન્શનનાળો સીન આવે એટલે બેકગ્રાઉન્ડમાં ઘડિયાળનું ‘ટિક ટિક’ શરૂ થઈ જવું, દોરી પર ભીનાં કપડાં સૂકવ્યાં કરતી ભાભી, ચાંપલી બહેનપણીઓ, પીળા દાંતવાળા ગામવાસીઓ... આ ટિપિકલ ઈમેજીસ આપણે અસંખ્ય વખત જોઈ ચૂક્યા છીએ. અહીં તે બધું જેમનું તેમ રજુ કરી દેવામાં આવ્યું છે. સંવાદોમાં મજા નથી. એમાંય હીરો અને એની દિલ્હીવાસી ગર્લફ્રેન્ડનાં દશ્યો તેમજ સંવાદો સૌથી નબળાં છે. નાયકનું આંતરિક દ્વંદ્વ હજુ બહેતર રીતે પેશ થઈ શક્યું હોત. માનો યા ન માનો, પણ ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ છે. ફિલ્મની સિનેમેટિક લેંગ્વેજ ખરેખર તો એના ખરબચડા વષયને અનુરૂપ તીવ્ર અને ધારદાર હોવી જોઈતી હતી.અખિલેન્દ્ર મિશ્રા અને વિનય પાઠક એક્ટરોની બટાલિયનમાં સૌથી આગળ રહે છે. નાયક રાજસિંહ ચૌધરીએ આખી ફિલ્મ એક જ એક્સપ્રેશનમાં ખેંચી કાઢી છે. નાયિકા સ્વાતિ સેન હીરોની તુલનામાં આશાસ્પદ છે.આ ‘ઈન્ડિપેન્ડન્ટ’ ફિલ્મ છે, જેના મેકિંગમાં એેક પ્રકારની નિષ્ઠા વર્તાય છે. ‘આશાયેં’ની જેમ આ ફિલ્મ પણ વર્ષોથી ડબામાં બંધ પડી હતી. ‘અંતરદ્વંદ્ર’ જેવી ફિલ્મો જેટલી વધારે જોવાય તેટલું સુશીલ રાજપાલ જેવા ફિલ્મસાહસિકોને વધારે પ્રોત્સાહન મળે. આ ફિલ્મ ‘પીપલી (લાઈવ)’ જેટલી સ્માર્ટ નથી. ‘પીપલી (લાઈવ)’ તેટલી એન્ટરટેનિંગ વેલ્યુ પણ તેનામાં નથી. જો ગ્રામ્ય ભારતનો એક અજાણ્યો અને ઈન્ટરેસ્ટિંગ ચહેરો જોવામાં રસ હોય તો આ ફિલ્મ જોવી. અન્યથા દૂર રહેવું.૦૦૦૦૦૦૦૦૦

No comments:

Post a Comment