Friday, August 27, 2010

ફિલ્મ રિવ્યુઃ આશાયેં

મિડ-ડે, તા. ૨૮ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત


નિરાશાજનક

નબળી પટકથાના પ્રતાપે હ્યદયસ્પર્શી પ્રિમાઈસિસ અને પ્રમાણમાં સારાં પર્ફોર્મન્સીસ ધરાવતી આ ફિલ્મ  નિરાશ કરે છે

રેટિંગ ઃ દોઢ સ્ટાર





એક સત્તર વર્ષની કેન્સર પેશન્ટ તેના કરતાં બમણી ઉંમરના બીજા કેન્સર પેશન્ટ પ્રત્યે આકર્ષાયેલી છે. છોકરીની એક જ અંતિમ ઈચ્છા છેઃ મરતા પહેલાં પેલા પુરુષ સાથે સહશયન કરવાનું. પુરુષ એની ઈચ્છા પૂરી કરે તે પહેલાં જ છોકરી જીવ છોડી દે છે. પુરુષ એને વળગીને વિલાપ કરે છેઃ મુઝે એક મૌકા ઔર દે દો....



ઓનપેપર આ દશ્ય આંખોમાંથી આંસુ ખેંચી લાવે તેવું, હ્યદય વીંધી નાખે એવું લાગતું હશે, પણ સ્ક્રીન પર તેને જોતી વખતે કારુણ્યનો અનુભવ કરવાને બદલે દર્શકને ખીજ ચડે છે. કોઈ ચાવીરૂપ સિકવન્સ પ્રેક્ષકમાં એકને બદલે ભળતી જ, લગભગ વિરુદ્ધ પ્રતિક્રિયા પેદા કરે ત્યારે માત્ર તે દશ્ય જ નહીં, બલકે આખી ફિલ્મનો મૃત્યુઘંટ વાગી જતો હોય છે. નાગેશ કુકુનૂરની ‘આશાયેં’માં આવાં એક નહીં, અનેક દશ્યો છે.



‘આશાયેં’ રેડી થઈને લાંબા સમયથી ડબામાં પડી હતી અને રિલીઝ થવાનું નામ નહોતી લેતી. આ ખરાબ સંકેત છે, છતાંય મનમાં આશા જરૂર હતી કે ફિલ્મ એટલી બધી ઢીલી તો નહીં જ હોય. ફિલ્મ જોયા પછી, રાઘર, જોતી વખતે જ સમજાય છે કે ફિલ્મે ડબામાંથી બહાર આવીને ખાસ કોઈ કાંદા કાઢી લીધા નથી.



મૃત્યુ મરી ગયું



એકચ્યુઅલી, ‘આશાયેં’ ટુકડાઓમાં સરસ છે. આખો દિવસ સિગાારેટ ફૂંકયા કરતા જોન અબ્રાહમને લંગ કેન્સર છે. એની પાસે હવે ત્રણ જ મહિના જેટલંુ જીવન બાકી છે. ગર્લફ્રેન્ડ સોનલ સેહગલને છોડીને તે સાવ મરણોન્મુખ હોય તેવા દર્દીઓ માટેની નામની સંસ્થામાં તે દાખલ થઈ જાય છે. અહીં એક વૃદ્ધ (ગિરીશ કર્નાર્ડ) છે, જેને ગળાનું કેન્સર છે. એક બુઢી વેશ્યા (ફરીદા જલાલ, બહુ જ ખરાબ) જેને એઈડ્સ થયો છે. સત્તર વર્ષની પદ્મા (અનાહિતા નૈયર, બ્રિલિયન્ટ) છે, જે તેનાં માતાપિતા સામે સતત વિદ્ગોહ કરતી રહે છે. એક કિશોર છે, જે સુપરનેચરલ પાવર ધરાવે છે. જોન અબ્રાહમના આ બધા સાથેના સંબંધો ફિલ્મનો મુખ્ય હિસ્સો રોકે છે.



અળવીતરી એબ્સર્ડ ટ્રીટમેન્ટ



નાગેશ કુકુનૂરની આ ફિલ્મનો રેફરન્સ પોઈન્ટ હ્યષિકેશ મુખર્જીની ‘આનંદ’ છે. ફિલ્મમાં વાસ્તવમાં એક સીન છે, જેમાં જોન અબ્રાહમ, અનાહિતા ઐયર અને ફરીદા જલાલ બેઠા બેઠા ‘આનંદ’ની ડીવીડી પૉઝ કરતાં કરતાં, હસતાં હસતાં ફિલ્મ અને પોતપોતાની જીવલેણ બિમારીઓ ડિસ્કસ કરી રહ્યાં છે. ફિલ્મનો વિષય, નેચરલી, વિષાદભર્યો છે. ‘આનંદ’ની જેમ અહીં પણ જીવનને છેલ્લી ક્ષણ સુધી હસતા હસતા માણી લેવાની વાત છે. ‘આશાયેં’નો આશય ઉત્તમ છે, પણ એટલું પૂરતું નથી. ફિલ્મી નૈયા નદી હેમખેમ પાર કરી શકે તે માટે તેનું સ્ક્રીપ્ટ નામનું લાકડું અને ડિરેકશન નામનો શઢ પણ મજબૂત હોવા જોઈએ. અહીં નાગેશભાઈ અડધે રસ્તે પહોંચ્ચ્યા પછી એટલા ગૂંચવાયા છે કે ન પૂછો વાત. જોન અબ્રાહમ અને અનાહિતા અન્ય દર્દીઓની આખરી ફેન્ટસી પૂરી કરવા માગે છે. બસ, અહીંથી જ લોચા પડવાનું શરૂ થાય છે. જોન પોતે મોટી હેટ અને કાઉબોય જેવા કપડાં પહેરી, ઈન્ડિયાના જોન્સ બની ખજાનો શોધવા માગે છે. તે પછી ઓચિતાં ઈન્ડિયાના જોન્સની ભયંકર લાંબી ડ્રીમ સિકવન્સ શરૂ થાય છે, જેમાં મોઢે સફેદ રંગના લપેડા લગાડેલા ગાંડા જેવા ભૂતડા ને કોણ જાણે શું શું આવે છે. ઈન્ડિયાના જોન્સ કઈ ચિડિયાનું નામ છે તે હિન્દી ફિલ્મો જોતા સરેરાશ ઓડિયન્સમાંથી કેટલા જાણતા હશે? અહીંથી ફિલ્મ રિઅલિસ્ટીક ટેક્સચર બદલાઈને એકદમ એબ્સર્ડ થઈ જાય છે. આખી વાત એટલી જુદી દિશામાં ફંટાઈ જાય છે અને આપણને થાય કે હવે ફિલ્મ પણ પેલા દર્દીઓની જેમ હવે મરવાની થઈ છે.



નાગેશ કુકુનૂરને એકસાથે ઘણું બધું કહી દેવું છે. ખાટલે મોટી ખોડ એ છે કે તેઓ કશું જ સંપૂર્ણપણે કહી શકતા નથી. ફિલ્મને ક્યાં પૂરી કરવી તે મુદ્દે પણ તેઓ કનફ્યુઝડ લાગે છે. ફિલ્મ અંત તરફ એટલી બધી લંબાયા કરે છે કે દર્શકના દિલમાં પાત્રો પ્રત્યે જાગેલી સહાનુકંપા ધોવાઈ જાય છે તેનું સ્થાન કંટાળો અને બગાસાં લઈ લે છે.



નાયકનું પાત્ર કોઈ પણ અદાકારને આકર્ષે, તેની અંદર બેઠેલા કલાકારને પોષણ આપે તેવું છે. ફિલ્મના મોટા ભાગના હિસ્સામાં જોન અબ્રાહમનો અભિનય મજાનો છે. જોકે ક્લાઈમેક્સ તરફ એની એક્ટિંગની ગુણવત્તાનો ગ્રાફ સહેજ નીચે ઉતરી જાય છે. તેણે એક ઈન્ટરવ્યુમાં દાવો કરેલો કે ‘આશાયેં’ના શૂટિંગ દરમિયાન મારું પાત્ર જેમ જેમ મૃત્યુ તરફ આગળ વધતું જાય તેમ મેં શરીરનું વજન ક્રમશઃ પંદર કિલો જેટલું ઘટાડી નાખેલું. ફિલ્મ જોતી વખતે આવુ વર્તાતું નથી તે અલગ વાત છે. ‘આશાયેં’ ભલે જેવી હોય તેવી, પણ જોનની કરીઅર અને બાયોડેટામાં મહત્ત્વની બની રહેવાની.



‘આશાયેં’નું સૌથી પસંદ પડે તેવું કોઈ પાસું હોય તો તે છે, અનાહિતા ઐયર. તે ફિલ્મની ચેતના છે. કમાલ છે તેનું પર્ફોર્મન્સ. અગાઉ આપણે તેને ‘ચક દે! ઈન્ડિયા’માં જોયેલી. આ અભિનેત્રી ખૂબ આશા જગાવે છે. એક કપલ તરીકે જોન અને અનાહિતા ઓકવર્ડ લાગે તો પણ તેમની કેમેસ્ટ્રી ખૂબ સરસ છે. એકાધિક સંગીતકારોએ પીરસેલું સંગીત કાનને ગમે તેવું છે.



સરસ પ્રિસાઈસિસ અને સારાં પર્ફોર્મન્સીસવાળી ફિલ્મને કેવા કેવા વિચિત્ર રોગ લાગી શકે અને તે શી રીતે દર્શકોની નિરાશ કરી શકે તેની ડોક્ટરી તપાસ કરવી હોય તો જ ‘આશાયેં’ જોવી.


૦૦૦

1 comment:

  1. Well I have seen the film ... and i can not totally agree with the review ... !Camera work , performance , characterization , music just brilliant ..! Lacks of bit of happening ...
    Not a masterpiece but not the worst of nagesh either..! worth watching once..!

    ReplyDelete