Saturday, January 19, 2019

મેઘાણી જ્યારે ‘દેવદાસ’ ફિલ્મનો રિવ્યુ કરે છે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 જાન્યુઆરી 2019 
ટેક ઓફ 
હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
Zaverchand Meghani

ક ઉત્તમ સાહિત્યકાર જ્યારે બીજા ઉત્તમ સાહિત્યકાર વિશે લખે ત્યારે આપણને વાંચકોને મસ્તમજાની સામગ્રી સાંપડતી હોય છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષા-સાહિત્યના કોહિનૂર હીરા સમાન છે, તો શરદબાબુ અથવા શરદચંદ્ર અથવા સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળી સાહિત્યજગતનું અમર નામ છે. શરદબાબુ કરતાં મેઘાણી એકવીસ વર્ષ નાના. શરદબાબુને આખું ભારત ખાસ કરીને એમની આ બે નવલકથા માટે જાણે છે - દેવદાસ (કે જેના પરથી જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો સતત બન્યા જ કરે છે) અને શ્રીકાંત (જેના પરથી ઉત્તમ હિંદી ટીવી સિરીયલ બની ચુકી છે). બાય ધ વે, આજે શરદબાબુની પુણ્યતિથિ છે. 16 જાન્યુઆરી 1938ના રોજ 61 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું.
વિષય ભલે ગમે તે હોય, બંગાળી સાહિત્યની વાત રવીન્દ્રનાથ ટાગોર વગર શરૂ કે પૂરી થઈ શકતી નથી. ટાગોર અને શરદબાબુને સાંકળી લેતો એક સુંદર પ્રસંગ મેઘાણીએ એક જગ્યાએ ટાંક્યો છે. 1907માં બનેલો આ કિસ્સો કંઈક એવો છે કે એક દિવસ રવીન્દ્રનાથ પાસે એક વાર બંગ-દર્શન નામના માસિકના તંત્રી આવી ચડ્યા. આવતાંની સાથે રીતસર ધોખો કર્યો.
-     આવું હોય કે?
-     શું થયું, શૈલેશબાબુ?
-     આવી ઉત્તમ વાર્તા તમે મારા માસિકને આપવાને બદલે ભારતી મેગેઝિનમાં છપાવી? મારા પ્રત્યે આવી નારાજગી? મારાથી એવી તે શી ભુલ થઈ ગઈ?
ટાગોરને નવાઈ લાગી. પૂછે છેઃ
-     મારી કઈ વાર્તાની વાત તમે કરો છો? મેં તો ભારતીમાં કોઈ વાર્તા મોકલી નથી. તમારી ભુલ થતી લાગે છે.
તંત્રીસાહેબે પોતાના થેલામાંથી પેલી વાર્તાનું કટિંગ કાઢ્યું. ટાગોરની સામે તે ધરીને કહેઃ
-     હવે મહેરબાની કરીને એમ ન કહેતા કે આ વાર્તા તમે લખી નથી. લેખક તરીકે ભલે તમે બીજું નામ લખ્યું હોય, પણ એનાથી કંઈ તમારી શૈલી થોડી છૂપી રહી શકે?
ટાગોરે લખાણ હાથમાં લીધું. લેખકના નામની જગ્યાએ બડીદીદી (એટલે કે મોટી બહેન) એવું છદ્મનામ લખાયેલું હતું. કુતૂહલવશ એક-બે પાનાં ઊથલાવ્યાં. એમની ઉત્સુકતા વધતી ગઈ. એમણે એ જ વખતે, તંત્રીની હાજરીમાં આખી વાર્તા વાંચી નાખી. પછી કહેઃ
-     અદભુત લખાણ છે, પણ આ મારું નથી.
તંત્રી નવાઈ પામી ગયા. એમને હજુ માન્યામાં આવતું નહોતું કે આવું સુંદર લખાણ ટાગોરનું નથી. તંત્રીથી રહેવાયું નહીં એટલે એમણે ભારતીના સંપાદકનો સંપર્ક કર્યોઃ
-     બડીદીદી કોણ છે? ઉત્તમ વાર્તા લખી છે એણે. મહેરબાની કરીને એની ખરી ઓળખ જાહેર કરો.
ભારતીના પછીના અંકમાં વાચકોએ એક સાવ નવું નામ જોયું. સામાન્ય વાચકથી માંડીને છેક ટાગોર જેવા સાહિત્યસ્વામીને મુગ્ધ કરી દેનાર બડીદીદીનું ખરું નામ હતુઃ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય! બંગાળી સાહિત્યવિશ્વમાં શરદબાબુનુ આ પહેલું પગલું. કહો કે આ એમની મુંહ-દિખાઈ વિધિ હતી.  
શરદબાબુ ક્રમશઃ મશહૂર થતા ગયા. કેટલાંક વર્ષ પછી યમુના નામના સામયિકમાં એમની ચરિત્રહીન નામની ધારાવાહિક નવલકથા શરૂ થઈ. સમાજમાં પ્રચલિત કેટલાક રીતિ-રિવાજો પર એમણે આ નવલકથામાં આકરા પ્રહાર કર્યા. વાર્તા એટલી બધી બોલ્ડ હતી કે વાચકો કાંપી ઉઠ્યા. ચોખલિયાઓ નગ્ન સત્ય પચાવી ન શક્યા. અત્યારે તો કોઈ પુસ્તક પર વિવાદ થાય તો એનું વેચાણ ધડાધડ વધી જાય છે, કોઈ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં કન્ટ્રોવર્સી પેદા થાય તો એના હિટ થવાના ચાન્સ અનેકગણા વધી જાય છે, પણ જૂના જમાનામાં એવું નહોતું. ચરિત્રહીનથી ખળભળી ગયેલા અસંખ્ય વાચકોએ યમુના સામયિક વાંચવાનું જ છોડી દીધું. કેટલાયે લવાજમ પાછાં મગાવી લીધાં. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે યમુના સામયિક બંધ કરવું પડ્યું. અધૂરી રહેલી ગયેલી ચરિત્રહીન નવલકથા પછી ઘણા સમય બાદ પુસ્તક સ્વરૂપે આખેઆખી પ્રગટ થઈ.

Sarat Chandra Chattopadhyay

એક વાર શરદબાબુને કોઈ ફંકશનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવા માટે એક માણસ આવ્યો. એણે શરદબાબુને કહ્યું કે, મારા તમારા જીવનની સફર વિશે જાણવું છે. શરદબાબુ રોષે ભરાઈ ગયા. કહેઃ
મારા જીવનની વાતો સાંભળવાથી તમને શો લાભ છે? હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? માણસના જીવનમાં તો ઘણી વાતો બનતી હોય છે. પણ હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
પેલો નિમંત્રણ આપવા આવેલો ભાઈ ડઘાઈ ગયો. કહેઃ
મને ક્ષમા કરજો, પણ જેની કૃતિઓના તસુએ તસુની અંદરથી મહાન સત્યોનો ગુંજારવ ઊઠે છે, એવા પુરુષના પોતાના જીવનના પડછાયા એમાં પડ્યા વગર કેમ રહી શકે? હું દઢપણે માનું છું કે આવી કૃતિ માત્ર કલ્પનામાંથી નથી સજાવી શકાતી. આપના પ્રત્યેક લખાણમાં માર્દવ ભર્યું છે. આપનું દેવદાસ વાંચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી મને એનો વળગાડ રહ્યો હતો.
ચરિત્રહીન તો ફિક્શન હતું, બાકી શરદબાબુએ સેક્સ પર મોટો ગ્રંથ લખ્યો હતો. કમનસીબે એમના ઘરને આગ લાગતાં ગ્રંથની હસ્તપ્રત બળીને ખાખ થઈ ગઈ. શરદબાબુના મનોવિજ્ઞાની પિતાજીની કેટલીય અધૂરી હસ્તપ્રતો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. જો આ દુર્ધટના ન બની હોત અને શરદબાબુનું સેક્સ વિષયક પુસ્તક બહાર પડ્યું હોત તો કોણ જાણે કેવો હોબાળો મચી ગયો હોત.  
આ બધી વાતો ઝવેરચંદ મેઘાણીએ પોતાના લખાણમાં નોંધી છે. પેલા નિમંત્રકને શરદબાબુની જે નવલકથા વાચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી અસરમુક્ત થઈ શક્યા નહોતા એ દેવદાસનો ગુજરાતી યા હિન્દી અનુવાદ આપણે વાંચ્યો હોય કે ન વાંચ્યો હોય, પણ આ કૃતિ પરથી બનેલી સાયગલવાળી, દિલીપકુમારવાળી અથવા શાહરૂખ ખાનવાળી કે બીજી કોઈ પણ ફિલ્મ આપણે જરૂર જોઈ હશે. દેવદાસનું આવું એકાદ વર્ઝન જોઈને ઝવેરચંદ મેઘાણીએ એનો ફિલ્મ રિવ્યુ લખ્યો હતો. મેઘાણી દેશી-વિદેશી ફિલ્મોના જબરા શોખીન અને જાણકાર હતા એ જાણીતી વાત છે. દેવદાસના કથાવસ્તુએ આખા દેશના ફિલ્મમેકરોની કેટલીય પેઢીઓને સતત આકર્ષ્યા છે, પણ મેઘાણીને દેવદાસનું લૂઝર પાત્ર જરાય નહોતું ગમ્યું. એમનો રિવ્યુ એમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. લેખનું શીર્ષક છે - દેવદાસનું ચિત્રપટઃ ખોટી ભાવના. ઓવર ટુ ઝવેરચંદ મેઘાણીઃ  
આજે સાહિત્યના સહોદર સમા વિષય ચિત્રપટને નીરખીએ. બહોશ ફોટોગ્રાફી, સ્વરવાહન અને મર્મગ્રાહી સંયોજન – એ ચિત્રપટની ખૂબીની વાતો છે. એ વાતો સાહિત્યના ક્ષેત્રની નથી. એની  ઓથે ઊભા રહેતા સાહિત્યભાવોને તપાસી જોઈએ, કેમ કે આપણી જવાબદારીનો પ્રદેશ છે.
ભાવના સાચી કઈ? ખોટી કઈ? દેવદાસ નામના ચોટદાર ચિત્રપટની ભાવના જૂઠીઃ મોડર્ન ટાઇમ્સ નામના ચાર્લી ચેપ્લિનના તમાશાની ભાવના સાચી.
દેવદાસના કારીગરોને તો હું વંદન કરું છું. કાબેલ કારીગરી કરી છે. પણ એ વંદન તેની વાર્તાના સર્જકને નથી આપી શકતો. દેવદાસ નામ એ વાર્તાનું નહોતું હોવું જોઈતું. એ વાર્તાનું વીરપાત્ર તો પેલી કન્યા છે (એટલે કે પારો), અમીરજાદો દેવદાસ નહીં.
દેવદાસ ગીતો ગાય છે. દર્દભર્યા શબ્દો બોલે છે, પ્રેમનું પાગલપણું બતાવે છે, પણ તેથી આ પાત્રની નિર્વિર્યતા ઓછી થતી નથી. એ જમીનદારનો જુવાન પુત્ર છે, ગામની એક અકુલિન કન્યા જોડે પ્રેમમાં પડ્યો છે. અભ્યાસ કરવા કરતાં પોતાની ઇચ્છા વિરુદ્ધ કલકત્તે ધકેલાય છે ને ત્યાં વિરહની વેદનાને ઓલવવા, બસ, ઝપાટાભેર કુમિત્રો, સુરાપાન તથા વેશ્યાગમનનું શરણ લે છે. (બેશક, દુરાચાર નથી સેવતો.)
પેલી કન્યા બહાદૂર છે! ઘોર રાત આવે છેઃ દેવદાસ! કાલે મારો વિવાહ થઈ જવાનો. ચાલ, હું તારી જોડે ભાગી જવા તૈયાર છું. ચાલ, સાચા પ્રેમને ખાતર હું જીવનમાંથી ઊખડી જવા તત્પર છું – ને હવે વાર નથી.
કાયર દેવદાસ એ પ્રેયસીનો બત્રીસો ચડી જવા દે છે. પછી બસ, શરાબીમાં ડૂબે છે. હિંદભરની જાત્રાઓ કરવા રેલગાડીમાં કાળી દોડાદોડ મચાવે છે, તાવમાં સળગે છે, મરે છે, વગરે વગેરે...
કારણ કે દેવદાસની ગાંઠે નિર્વિર્ય પ્રણયવેદનાનો વૈભવ માણવાનાં નાણાં હતાં, ગીતો ગાવાની સગવડ હતી, એનો પંથ લીસો અને લપટ હતો, અને એને જવાબદારીનું ભાન નહોતું.
પાંચ કુંટુંબીઓનાં પેટ ફરવાની ફરજ અદા કરતો છૂપી ઉરવ્યથાઓને પોતાના અંતરને ઊંડાણે સંઘરનાર કોઈ દેવદાસ આપણાં ચિત્રપટો પર જે દિવસે સર્જાશે તે દિવસ દૂર છે. એવું સફળ સર્જન પેલી કન્યાના પાત્રમાં થઈ શક્યું છે. દ્વિધા-જીવન જીવી જાણનારી એ યુવતીનો કરૂણ અંજામ જગતની કૈંક આંખોમાં ચિરગુંજન કરશે.
રિવ્યુ સમાપ્ત. મેઘાણીના આ દષ્ટિકોણ સાથે અસહમત થવાનો પ્રશ્ન જ ઉઠતો નથી, ખરું?
0 0 0 


No comments:

Post a Comment