Monday, January 7, 2019

2019 આવ્યું, શું શું લાવ્યું?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 6 જાન્યુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
ઘણું બધું. આ ફિલ્મી વર્ષ પણ 2018ની માફક મસ્તમજાનું જશે એવા પૂરેપૂરા આસાર છે. બે તેજસ્વી ગુજરાતી ફિલ્મમેકર્સ - અભિષેક જૈન અને મિખિલ મુસળે - આ વર્ષે બોલિવૂડમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવાના છે.


જુઓને, આપણે ઊઘડતા વર્ષના પહેલાં જ મહિનાથી ફિલ્મો જોવામાં બિઝી થઈ જવાના છીએ. જાન્યુઆરીમાં ચાર-ચાર ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો ત્રાટકવાની છે. આવતા શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને 2016માં થયેલા સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ઉરી. ત્યાર બાદ મહિનાના છેલ્લે શુક્રવારે, પચ્ચીસમીએ, અતિ લોકપ્રિય મહારાષ્ટ્રિયન નેતા બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ઠાકરેતેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પરાક્રમગાથા વર્ણવતી મણિકર્ણિકા. આ ચારમાંથી એકેયને મિસ કરવાનું મન થતું નથી!  અનુપમ ખેર અને નવાઝુદ્દીન સિદ્દીકીને ટાઇટલ રોલમાં ચમકાવતી અનુક્રમે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને ઠાકરેનાં ટ્રેલર રિલીઝ થતાંની જ વિવાદ ફાટી નીકળ્યો છે. ડો. મનમોહનસિંહ આજની તારીખે કડેધડે છે અને બાળાસાહેબ હજુ હમણાં સુધી આપણી વચ્ચે હતા. સમકાલીન પાત્રોને કેન્દ્ર બનાવીને ફિલ્મ, નાટક કે ટીવી સિરીઝ બનાવવાં સહેલાં નથી. વિકી કૌશલની કરીઅર એટલી ઇન્ટરેસ્ટિંગ રીતે આગળ વધી રહી છે કે ઉરીના સોલો હીરો તરીકે એ કેવીક કમાલ કરી શકે છે તે જોવાની મજા આવશે.

ફેબ્રુઆરીમાં – આહા! – આપણી સુપર ફેવરિટ ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોય આવશે. ટાઇટલ રોલમાં કોણ છે? રણવીર સિંહ. તમે જરા આ જુવાનિયાનો ઝગમગતો બાયોડેટા જુઓ. સંજય ભણસાલીથી લઈને રોહિત શેટ્ટી સુધી અને આદિત્ય ચોપડાથી લઈને કરણ જોહર સુધીના બોલિવૂડના તમામ ટોપ ફિલ્મમેકર્સની પહેલી પસંદ જાણે આ એક જ છે - રણવીર સિંહ! ‘સિમ્બા જેવી સોલિડ મસાલા ફિલ્મ કરતાં તદ્દન જુદો મિજાજ ધરાવતી ગલી બોય મુંબઇના અસલી રેપર (એટલે કે આર-એ-પી રેપ સોંગ્સ બનાવનારા) અન્ડરડોગની અસલી કહાણી પર આધારિત છે. આ ફિલ્મમાં આપણને પહેલી વાર આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી જોવા મળશે. આ જ વર્ષે રણવીરની બીજી બે અતિ મહત્ત્તવાકાંક્ષી ફિલ્મો પણ આવશે. એક છે, કરણ જોહરના ડિરેક્શનમાં (અને બાહુબલિના પ્રભાવમાં) બની રહેલી ઐતિહાસિક ફિલ્મ તખ્ત અને બીજી છે, કપિલ દેવની બાયોપિક એઇટી-થ્રી. કરણ જોહરે પોતાની ટિપિકલ સ્ટાઇલમાં કહ્યું છે કે તખ્ત એટલે સમજોને કે એ મોગલ કાળની કભી ખુશી કભી ગમ’! ‘તખ્તમાં વિકી કૌશલ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને જ્હાન્વી કપૂર પણ છે. ઇન્ટરેસ્ટિંગ!



કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી બીજી સુપર-એમ્બિશિયસ ફિલ્મ એટલે બ્રહ્માસ્ત્ર. સુપર એમ્બિશિયસ એટલા માટે કે એક સુપરહીરો ફિલ્મ છે અને એને ટ્રિલોજીની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. મીન્સ કે ફિલ્મની કથા પાર્ટ-ટુ અને પાર્ટ-થ્રી સુધી લંબાશે. સંજુ પછી રણવીર કપૂર હવે બ્રહ્માસ્ત્રમાં દેખાશે. હિરોઈન છે એના અસલી જીવનની ગર્લફ્રેન્ડ, આલિયા ભટ્ટ. ધર્મા પ્રોડક્શન આ વર્ષે ખૂબ બધી ફિલ્મો રિલીઝ કરવાનું છે. સ્ટુડન્ટ ઓફ ધ યર પાર્ટ ટુ (ટાઇગર શ્રોફ, નવોદિત તારા સુતરિયા અને અનન્યા ચંકી પાંડે) ઉપરાંત કલંક પણ આ જ વર્ષે આવશે. કલંકની સ્ટારકાસ્ટ ધ્યાનાકર્ષક છે – સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર. ડિરેક્ટર? અભિષેક વર્મન.

રણવીરનાં શ્રીમતીજી દીપિકા પદુકોણના શું પ્લાન છે આ વર્ષે? આઇ મીન, રિસેપ્શનો અને હનીમૂનોમાંથી નવરાં પડ્યાં બાદ? દીપિકાની એક હટ કે ફિલ્મ આ વર્ષે આવશે. એનું ટાઇટલ છે, છપાક. ડિરેક્ટર, મેઘના ગુલઝાર. લક્ષ્મી અગરવાલ નામની યુવતી પર એના ઘવાયેલા પ્રેમીએ કેવી રીતે એસિડથી અટેક કર્યો હતો અને કુરૂપ થઈ ગયા પછી પણ લક્ષ્મી કેવી રીતે હિંમતભેર જીવનમાં આગળ વધી એની આ અસલી પ્રેરણાદાયી કહાની આ ફિલ્મમાં જોવા મળશે. બ્રિલિયન્ટ સબજેક્ટ. વંડરફુલ ચોઈસ. વિક્રાંત મેસી ઘવાયેલા પ્રેમીના રોલમાં દેખાશે.  

દીપિકાની કટ્ટર હરીફ કંગના આ વર્ષે  મણિકર્ણિકાઉપરાંત રાજકુમાર રાવ સાથે પણ ચમકશે. ફિલ્મનું ટાઇટલ જેટલું ઈન્ટરેસ્ટિંગ છે એટલું જોખમી પણ છે - મેન્ટલ હૈ ક્યા’! ન કરે નારાયણ પણ ફિલ્મ ધારો કે ન ચાલી તો ટ્રોલીયાઓને (એટલે કે સોશિયલ મિડીયા પર ટ્રોલ કરનારાઓને) જલસો પડી જશે અને કંગનાનું આવી બનશે.  

સલમાન ખાન આ વર્ષે એક કોરીઅન ફિલ્મ આધારિત એવી ભારત લઈને આવશે. પહેલાં આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા હિરોઈન બનવાની હતી. લગ્નનું ખરું કારણ હોય કે રામ જાણે, પણ એની જગ્યાએ પછી કેટરીના કૈફી ગોઠવાઈ ગઈ. ભારતમાં સલ્લુભાઈના ફેનલોકોને જલસો પડશે એવું અત્યારે તો લાગે છે. કેટરીના એબીસીડી-થ્રીમાં પણ દેખાશે, વરૂણ ધવન સાથે. કેટરીનાનું ઉંમર થઈ, પણ એ હજુય ઝનૂનથી બોલિવૂડની રેસમાં દોડી રહી છે. 2018માં બે સુપરસ્ટાર ખાનની એ હિરોઈન બની. બોલિવૂડની કોઈ પણ હિરોઈન માટે આ બહુ મોટી વાત ગણાય, પણ બુંદિયાળ કેટરીના બદનસીબ જુઓ. ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ અને ‘ઝીરો’ બન્ને પીટાઈ ગઈ. જોઈએ, કેટરીનાનું આ વર્ષ કેવુંક જાય છે.
     
ઝીરોના બોક્સઓફિસ પર્ફોર્મન્સથી ડઘાઈ ગયેલા શાહરૂખ ખાન આ વર્ષે પોતાના બેનર હેઠળ બની રહેલી બદલામાં કદાચ ટચૂકડો રોલમાં દેખાશે. સુજોય ઘોષના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય ભુમિકામાં છે. શું ખાન નંબર થ્રી આમિરનું આ વર્ષ સાવ ખાલી જવાનું છે? હોય કંઈ. આ જ મહિને, છવ્વીસમી જાન્યુઆરીએ, એમની રૂબરૂ રોશની નામની ફિલ્મનું ટીવી પર પ્રિમીયર થવાનું છે. આ એક સરપ્રાઇઝ ગિફ્ટ છે આમિરના ચાહકો માટે. સત્યમેવ જયતેટીવી શોનાં સુપર ટેલેન્ટેડ કો-ડિરેક્ટર અને રિસર્ચર સ્વાતિ ચક્રવર્તીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.

આમિરને દંગલમાં ડિરેક્ટ કરનાર નિતેશ તિવારી આ વર્ષે છિછોરે નામની કોમેડી ફિલ્મ લઈને આવશે. હીરો છે, સુશાંત રાજપૂત અને હિરોઈન, શ્રદ્ધા કપૂર. આમિરની વાત કરીએ એટલે લગાનના ડિરેક્ટર આશુતોષ ગાવારીકર યાદ આવે, આવે ને આવે જ. આશુતોષ ગોવારીકરને કશુંય નાનું કે સાદું બનાવવામાં રસ જ નથી. આશુતોષની એક પિરીયડ ડ્રામા પણ સંભવતઃ આ જ વર્ષે રિલીઝ થશે - પાણીપત. પાણીપતના યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સંજય દત્ત અને અર્જુન કપૂર દેખાશે. આશુતોષની છેલ્લી ફિલ્મો ધડાધડ ફ્લોપ થઈ છે એટલે એમને એક હિટની સખત જરૂર છે. પાણીપતઆશુતોષની કમબેક ફિલ્મ બની શકે એમ છે. ટચવૂડ!

આશુતોષની છેલ્લી ફિલ્મ મોંહે-જો-ડેરોના હીરો હૃતિક રોશનને એના ચાહકો સોલિડ મિસ કરી રહ્યા છે. એની સુપર થર્ટી નામની ફિલ્મ આ વર્ષે આવશે. તેજસ્વી પણ ગરીબ વિદ્યાર્થીઓનું આઇઆઇટીનું સપનું પૂરું કરવા માટે પોતાની જિંદગી લખી આપનાર બિહારીબાબુ આનંદકુમારના અસલી જીવન પર આ ફિલ્મ આધારિત છે. કમબખ્તી એ થઈ ગઈ છે કે ડિરેક્ટર વિકાસ બહલ મી ટુ મૂવમેન્ટમાં બદનામ થઈ ગયા હોવાથી ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાતી જાય છે. વિકાસ બહલના અંગત જીવનનું નૈતિક સ્તર જેવું હોય એવું, પણ આ ફિલ્મ ખૂબ પ્રોમિસિંગ છે એ તો નક્કી.   

બોલિવૂડના બીજા બંગાળી ડિરેક્ટરબાબુની વાત કરીએ તો દિબાકર બેનર્જી સંદીપ ઔર પિંકી ફરાર લઈને આવશે.. યશરાજની આ કોમડી ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા લીડ રોલમાં છે. આ બન્નેને પણ હિટની તાતી જરૂર છે.  અનુરાગ સિંહ ડિરેક્ટેડ કેસરી’માં અક્ષય કુમાર અને પરિણીતી ચોપડાને ચમકાવતી કેસરીમાં અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામનું ઓર એક પાનું ખૂલશે. 

લિસ્ટ ખૂબ લાંબું છે અને અફ કોર્સ ઘણા બધા સ્ટાર્સની આ વર્ષે આવનારી ફિલ્મો વિશે વાત થઈ નથી,  પણ આપણે છેલ્લે બે તેજસ્વી ગુજરાતી ડિરેક્ટરોની વાત કરીને ચર્ચાને વિરામ આપીએ. આ વર્ષે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે યુવા ફિલ્મમેકરો બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે – અભિષેક જૈન (કેવી રીતે જઈશ?’, બે યાર) અને મિખિલ મુસળે (રોંગસાઇડ રાજુ). અભિષેકની ફિલ્મમાં કાર્તિક આર્યન અને જેકલીન ડિસોઝા મુખ્ય રોલમાં છે, જ્યારે મિખિલની મેઇડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવ અને મૌની રોય લીડ કરે છે. ઓલ ધ બેસ્ટ, બોય્ઝ!      

0 0 0 



No comments:

Post a Comment