Tuesday, May 24, 2016

ટેક ઓફ: જિંદગી...મારી વહાલુડી!

Sandesh - Ardh Saptahik purti - 25 May 2016
ટેક ઓફ
તું, જિંદગી, બેઝિકલી આળસુની પીર છે. એક નંબરની પ્રમાદી છે. તને કાલ્પનિક વિષાદમાં સબડયા કરવાનો શોખ છે. તને બોચીએથી પકડીને, હચમચાવીને, બે લાફા મારીને સીધીદોર કરવાનો, તારી અસલિયત યાદ કરાવવાનો અને પછી ચાબુક ફ્ટકારીને ઘોડાની જેમ દોડતી કરવાનો સમય આવી ગયો છે.

જિંદગી... મારી વહાલુડી!
કેમ છે તું, દોસ્ત? મજામાં? મસ્ત? શ્યોર?
તને મારી ચિંતા થાય કે ન થાય પણ મને તારી ખૂબ ફ્કિર રહે છે. તું ખૂબ સારી રીતે જાણે છે મારી આ કમજોરી. અને એટલે જ તું મોઢે ચડાવેલાં એકના એક ચાગલા સંતાનની જેમ મન ફાવે તેમ વર્તવા લાગે છે. મને ક્ંઈ કહેવાનું નહીં, રોકવાનું નહીં, ટોકવાનું નહીં એવો તારો એટિટયુડ થઈ જાય છે. હું તારો આ એટિટયુડ ચલાવી પણ લઉં છું, રાધર, ચલાવી લેવો પડે છે. શું થાય! તને લાડ નહીં લડાવું તો કોને લડાવીશ? ખૂબ બદમાશ થઈ ગઈ છે તું, જિંદગી!
પણ કયારેક તું ઉદાસ બની જાય છે. ગુમસુમ થઈ જાય છે. જાણે તારી ઊર્જા શોષી લેવામાં આવી હોય તેમ તું તારું જીવંતપણું ગુમાવી બેસે છે. આવી સ્થિતિમાંય તું બહારથી હસતી-મુસ્કુરાતી રહે એટલે બીજાઓને ભલે ખબર ન પડે, પણ હું તો તારી રગ-રગથી વાકેફ્ છુંને! તું મારી સામે સબ સલામત હોવાનો દેખાવ ન કરી શકે. તને મૂરઝાયેલી જોઈને હું કારણ પૂછું એટલે તું ચિડાઈ જાય. 'જસ્ટ લીવ મી અલોન' એમ કહીને બધાં બારી-બારણાં બંધ કરીને બેસી જાય. તું અવસાદ અનુભવતી હો ત્યારે જ નહીં, પણ મદમસ્ત થઈને તોફાને ચડી હો ત્યારે પણ ઘણી વાર ક્મ્યુનિકેશન સાવ બંધ કરી નાખે છે. આવા સંજોગોમાં ન છૂટકે તને એકલી છોડી દેવી પડે છે.  
...પણ એક્ વાત યાદ રાખજે. મેં તને તોફાન કરવા છુટ્ટી મૂકી દીધી હોય કે પછી ઉદાસીમાં એક્લી છોડી દીધી હોય, પણ મારી નજર તારા પર હોય જ છે. ખાધાપીધા વગર ખુલ્લા પગે બહાર રમવા નાસી ગયેલાં ચંચળ ટાબરિયાની મા કે બાપ જેમ વચ્ચે વચ્ચે ચેક કરતાં રહેે કે મારું બચ્ચું હેમખેમ તો છેને, બસ એ જ રીતે મારું ધ્યાન તારા પર રહેતું જ હોય છે. તું નિરંકુશ બની ગઈ હો તે  હજુય કદાચ ચાલે, પણ તું હેમખેમ ન હો તે મને બિલકુલ નહીં ચાલે.
એક મિનિટ. હું કેમ તને સંતાનની જેમ ટ્રીટ કરું છું, જિંદગી? તારો જન્મ પણ એ જ ક્ષણે નહોતો થયો જે ક્ષણે મારો જન્મ થયો હતો? તો પછી? આ ન્યાયે તો આપણે બન્ને ટ્વિન્સ કહેવાઈએ. આનો સાદો અર્થ એ થયો કે જેમ હું તને લાડ લડાવું છું તેમ તું પણ મને લાડ લડાવે, તું પણ મારી સંભાળ રાખે અને તું પણ મારી ફિકર કરે એવી અપેક્ષા હું રાખું તો ટેકિનક્લી તેમાં ક્શું ખોટું નથી. વન-સાઈડેડ સંબંધોમાં ખૂબ પ્રોબ્લેમ ઊભા થાય છે તે તું કયાં નથી જાણતી. શું એવું બને કે તું પણ મને એટલો જ પ્રેમ કરતી હો, પણ તારી વહાલ કરવાની રીત સાવ નિરાળી  હોય ને મને સમજાતી ન હોય? 
સાચું ક્હું જિંદગી, તારી-મારી વચ્ચે ટ્વિન્સવાળાં સમીકરણ કરતાં વાલી-સંતાનવાળું સમીકરણ જળવાઈ રહે તે મને વધારે પસંદ છે. આ રીતે હું તારાથી સુપિરિયર છું, તને અંકુશમાં રાખી શકવા ક્વોલિફઈડ છું એવી જે સાચી-ખોટી ફીલિંગ આવ્યા કરે છે તે મને બહુ ગમે છે!
કયારેક મને સવાલ થાય છે જિંદગી, કે તારા વિશે હું જે વિચારો કરતો હોઉં છું એમાં ક્યો ભાવ અથવા તો કઈ અનુભૂતિ સૌથી વધારે જગ્યા રોકે છે? વિસ્મય, ગર્વ, આનંદનો ભાવ? નિશ્ચિંતતા, નિરાંત, વિશ્વાસનો ભાવ? ક્રોધ, ચિંતા, ડર, ત્રાસનો ભાવ? કે પછી મોહ, માયા, દયા, કરુણાનો ભાવ? સાવ સાચો જવાબ એ છે કે આ તમામ લાગણીઓ, અને આ સિવાયની અન્ય લાગણીઓના પણ બીજા કેટલાય શેડ્ઝ, વત્તી-ઓછી માત્રામાં અનુભવાતાં રહે છે. પેલી લબૂક્ઝબૂક્ કરતી ડિસ્કો લાઈટ ઘડીકમાં લાલ થાય, ઘડીકમાં લીલી થાય ને ઘડીકમાં બ્લુ થાય, તેમ હું તને જે રીતે સંવેદું છું, પર્સીવ કરું છું, તારી અનુભૂતિ કરું છું તેનો રંગ બદલાતો રહે છે. આની જ તો મજા છે, હેંને જિંદગી? તું એક જ રંગ ધારણ કરીને સ્થિર ઊભી રહી જાય તો કેટલી બોરિંગ બની જાય!

તું, જિંદગી, હવે એક જુદા જ ધરાતલ પર મુકાઈ ગઈ છે. સમયની સાથે તારી અનુભૂતિઓ, લાગણીઓ, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓની ભ્રમણકક્ષા બદલાયાં છે. તારી નવી કક્ષા અગાઉની ક્ક્ષા કરતાં વધારે ઊંચાઈ પર છે કે નીચાણમાં છે તે શી રીતે નક્કી થાય? કયારેક લાગે છે, જિંદગી, કે તારુેં કામકાજ અવકાશ જેવું છે. અવકાશમાં ક્શુંય ઉપર-નીચે-ડાબે-જમણે જેવું હોતું નથી, દિશાના સંદર્ભો હોતા નથી એ વાત તને પણ એપ્લાય થાય છે. જોકે દિશાહીનતાની લક્ઝરી તને કયારેય માફ્ક આવી નથી તે વાત યાદ રાખવાની. 
તું, જિંદગી, આજકાલ શું વિચારે છે, માય સ્વીટહાર્ટ? મને તે જાણવામાં રસ છે. શું છે તારી લેટેસ્ટ ડિસ્ક્વરી? કયાં છે તારાં લેટેસ્ટ સત્યો? સત્યનો પોતાનો પ્રકાશ હોય છે. ગટ ઇન્સ્ટિંક્ટ કે અંતઃસ્ફૂરણા ખોટાં પડી શકે છે, પણ માંહૃાલો જુદી વસ્તુ છે. તું હવે કમસે કમ એટલી મેચ્યોર તો થઈ ગઈ છે કે ગટ ઈન્સ્ટિંક્ટ અને માંહૃાલા વચ્ચેનો ફર્ક સમજી શકે. આપણો માંહૃાલો સહેજ પણ શબ્દ ચોર્યા વગર આપણાં સત્યોને આપણી આંખ સામે મૂકી દે છે, પણ ઘણી વાર આપણામાં તે સત્યો તરફ્ જોવાની હિંમત હોતી નથી. કયારેક્ તે સત્યો તરફ્ નજર કરી લઈએ તોય એના પર વિશ્વાસ કરતા નથી. સ્વીકારવાની તો વાત જ દૂર રહી...પણ દોસ્ત, સત્ય સાથે દોસ્તી કરવી પડે છે. ભલે સમય લાગે, પણ વહેલા-મોડાં તેને સ્વીકારવાં પડે છે. મને ડર છે કે ન સ્વીકારાયેલાં સત્યો તને કયાંક તોડી ન નાખે. મારી એક વાત માનીશ? માંહૃાલાનાં સત્યોનો કમસે કમ વિરોધ કરવાનું બંધ કરીશ? દલીલ કર્યા વગર માંહૃાલો જે ક્ંઈ કહેતો હોય તે સાંભળતા શીખીશ, પ્લીઝ? બિલકુલ સ્વસ્થ રહીને તેનાં સત્યોનું નિરીક્ષણ કર. પછી ધીમે ધીમે એનો સ્વીકાર કરવાની હિંમત કેળવ.
તું સ્વીકારી લે, જિંદગી, કે જેમ પ્રેમની તીવ્રતા વધતી હોય છે તેમ પ્રેમના અભાવની તીવ્રતા પણ વઘતી હોય છે. હા, પ્રેમનો અભાવ તીવ્ર બનતો બનતો આખરે શૂન્યતામાં પરિણમે છે, ધિક્કારમાં નહીં. ધિક્કાર જરા જુદી વસ્તુ છે.
સાથે સાથે બીજું એક સત્ય પણ સમજી લે, જિંદગી. કે તું જેને પ્રેમ કરતી હોય તેના પ્રત્યે જજમેન્ટલ બને તો એ ક્ંઈ ભયંકર અપરાધ નથી. પ્રેમ કરવાનો અર્થ એવો નથી કે પ્રિયજનને સતત એક જ રંગના મુગ્ધ ચશ્માંથી જોતાં રહેવું. તે શકય પણ નથી. પ્રિયજનમાં શું સારું છે ને શું ખરાબ છે, એણે શું સાચું ર્ક્યું ને કયાં ભૂલો કરી તે આપણે સ્પષ્ટપણે વિચારી શકતા જ હોઈએ છીએ, મૂલ્યાંક્ન કરી શકતા હોઈએ છીએ. તટસ્થ બનીને ટીકા પણ કરી શકતા હોઈએ છીએ. એમાં ક્શુંય ખોટું નથી, બલ્કે, આ તો ઈચ્છનીય બાબત છે. આપણે બધું સમજતા હોઈએ ને છતાંય પ્રિયજનને પ્રેમ કરવાનું બંધ ન કરીએ એ કેટલી મજાની વાત છે. 
હજુ ઓર એક સત્ય સ્વીકારી લે. ખુદવફાઈનું સત્ય. ખુદવફઈ જેવી ખૂબસૂરત બીજી કોઈ ચીજ નથી. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું અને માણસ તરીકેની ગરિમાની અૈસીતૈસી કરીને ક્રૂરતાપૂર્વક, અણધડ રીતે સ્વકેન્દ્રી બનવું આ બે વચ્ચે શું ભેદ છે તે તું બરાબર સમજે છે. બીજાઓની ચિંતા કરવાને બદલે સૌથી પહેલાં તું ખુદ ખુશ રહે. ખુદના સુખ પ્રત્યે વફાદાર રહે. ગિલ્ટનો ભાર ઊંચકીને ર્ફ્યા કરવાનો કોઈ મતલબ હોતો નથી. એ જ પ્રમાણે, પ્રેમની કે પ્રેમના અભાવની સો-કોલ્ડ સમસ્યાઓને વધુ પડતું મહત્ત્વ આપવાનો પણ કોઈ અર્થ નથી. શું કામ ગ્લેમરાઈઝ કરે છે આવી વસ્તુઓને? ચિલ માર, યાર. ઝમાને મેં ઔર ભી ગમ હૈ મહોબ્બત કે સિવા, ભૂલી ગઈ? કન્સિસ્ટન્સી, ફોર એક્ઝામ્પલ. સાતત્યનો અભાવ તારી એક મોટી સમસ્યા છે, જિંદગી. તું તારા સૌથી પ્રિય કામોમાં, તારા પેશનવાળાં ક્ષેત્રોમાં પણ સાતત્ય જાળવી ન શકે તે કેમ ચાલે? ફ્કિસ ઈટ ર્ફ્સ્ટ! જો તું ખુદવફાઈ અને સાતત્ય આ બે ગુણને આત્મસાત કરી લઈશ તો જંગ જીતી જઈશ!

તું, જિંદગી, બેઝિકલી આળસુની પીર છે. એક નંબરની પ્રમાદી છે. તને કાલ્પનિક વિષાદમાં સબડયા કરવાનો શોખ છે. તને બોચીએથી પકડીને, હચમચાવીને, બે લાફા મારીને સીધીદોર કરવાનો, તારી અસલિયત યાદ કરાવવાનો અને પછી ચાબુક ફ્ટકરીને ઘોડાની જેમ દોડતી કરવાનો સમય આવી ગયો છે.
જો ચાંપતી નજર ન રાખવામાં આવે ને લાંબા સમય સુધી રિમાઈન્ડ કરાવવામાં ન આવે તો તું ભૂલી જાય છે, જિંદગી, કે તું એક જાતવાન અશ્વ છે, આળસુ ઊંટ કે બેવકૂફ બકરી કે લુચ્ચુ શિયાળ નહીં. જો તને દોડાવવામાં ન આવે તો તને ફાવતું જડી જાય છે. તું આળસુ ઊંટની જેમ રણમાં ઊભી રહી જાય છે ને પછી ટેસથી રેતીમાં આળોટતાં આળોટતાં ઊંઘી જાય છે. સોરી ટુ યુઝ ધિઝ વર્ડ, પણ સાલી તારી જાત જ એવી છે - કમીની. નથી શું? ઓકે, કમીની શબ્દ વધુ પડતો લાગતો હોય તો જરા હળવો શબ્દ વાપરું - વાયડી. તું એક નંબરની વાયડી છે એટલું તો તું સ્વીકારે છેને,  જિંદગી?
બસ, તો હવે મચી પડ, આળસુડી જિંદગી. તારા ર્ક્મ્ફ્ટ ઝોનમાંથી બહાર આવીને દોટ મૂક્. તારી જાતને ટોપમોસ્ટ પ્રાયોરિટી આપ. ક્દાચ અમુક નૌટંકી જોવાની ને ભજવવાની બાકી રહી ગઈ હતી એટલે તારો છુટકારો થતો નહોતો, પણ હવે તો તેં બધા ડ્રામા જોઈ લીધા છે, જીવી લીધા છે, ઘણી બધી આંતરિક સ્પષ્ટતાઓ થઈ ગઈ છે. હવે તું તમામ પ્રકારના આંતર-બાહૃા અંતરાયોને અતિક્રમી જા. લક્ષ્ય તારી સામે છે, રસ્તો તું જાણે છે. નાઉ જસ્ટ ગો એન્ડ ગેટ ઈટ! 
તીવ્રતા, તીવ્રતા, તીવ્રતા. આ જ તો તારી ઓરિજિનાલિટી છે, મારી માવડી. ખુદની ઓરિજિનાલિટી સાથે, ખુદની માટી સાથે ટયુનિંગ રાખીને જીવ. સુખી થઈ જઈશ!
0 0 0 

4 comments:

 1. Awesome One!!! ������
  Just Loved It!!! ������

  ReplyDelete
 2. તીવ્ર લખાણ...અધકચરી ઉંઘમાં હોઈએ, ઉઠવાનું મન ન થતું હોય, માથેથી ઓઢીને પથારીમાં પડયા હોઈએ અને કોઈ અચાનક જ ચાદર ખેંચી લે ને જે સભાનતા આવી જાય એવી જ સભાનતા તમારો આ આટિઁકલ વાંચતા આવી ગઢઈ...

  ReplyDelete
 3. તીવ્ર લખાણ...અધકચરી ઉંઘમાં હોઈએ, ઉઠવાનું મન ન થતું હોય, માથેથી ઓઢીને પથારીમાં પડયા હોઈએ અને કોઈ અચાનક જ ચાદર ખેંચી લે ને જે સભાનતા આવી જાય એવી જ સભાનતા તમારો આ આટિઁકલ વાંચતા આવી ગઢઈ...

  ReplyDelete
 4. very nice article.one day you become celebrety writer.

  ReplyDelete