Thursday, May 12, 2016

'મુક્તિ-વૃતાંત': એક વિદૂષીની નિસર્ગ-કથા


 ચિત્રલેખા - 16 મે 2016
 કોલમ: વાંચવા જેવું


 ક સર્જક પોતાની આત્મકથા લખે ને એમાં ખુદનાં સર્જનો તેમજ સિદ્ધિઓનો ઉલ્લેખ કરવાની પરવા સુદ્ધાં ન કરે, એવું બને?

જીવનમાં એવા કોઈ પ્રચંડ નાટ્યાત્મક આરોહ-અવરોહ આવ્યા ન હોય, જેનુંનેમ-ડ્રોપિંગકરી શકાય એવાં ગ્લેમરસ નામો સાથે ઉઠકબેઠક ન હોય, મલાવી મલાવીને કહેવાના જલસા પડે એવી રસપ્રસૂચર ઘટનાઓ લગભગ ગાયબ હોય એમ છતાંય આવી વ્યક્તિની આત્મકથા દિલ-દિમાગમાં કાયમ માટે ઘર કરી જાય એવી જબરદસ્ત હોય, એવું બને?

હા. જો એ સર્જક હિમાંશી શેલત હોય તો જરુર બને. તેઓ જીવનને બને એટલું સહજ રાખીને જીવતી વિદૂષી સ્ત્રી છે. લખે છે:

આમ તો હું પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓથી દોરાતી સ્ત્રીની તરફેણમાં. જો  મારી પસંદગી પેલી નિસર્ગ-કન્યા હોય તો એની એવી જ કુદરતી, અકુંશવિહોણી અને આદિમ જાતીયવૃત્તિઓની તરફેણમાં મારું હોવું સહજ ગણાય. પરંતુ એમ નથી થયું. એક બાજુ હૃદયની દોરવણીથી જીવવાનું, તો બીજી બાજું શુદ્ધ બૌદ્ધિક, તર્કશુદ્ધ વિચારો અને બારીક નિરીક્ષણ સાથે નક્કર અનુભવોનો પ્રભાવ. આવા પ્રબળ પ્રભાવ હેઠળ જીવતી સ્ત્રીની સતત નિગરાની અને ધારદાર ટિપ્પણીને કારણે પેલી પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓ ધરાવતી માદા ભૂગર્ભમાં પેસી ગઈ હશે. એ કારણે જ સ્ત્રીઓ માટે જે રસક્ષેત્રોમાં પ્રવેશ સહજ ગણાય એમાં મારો પ્રવેશ થયો જ નહીં.... ગૃહસામાજ્ઞી બની મંગલ માતૃત્વના ગાણાંની ઈચ્છા એનો સમય આવે એ પહેલાં મરી પરવારી અને એની અંત્યેષ્ટિ પણ થઈ ગઈ. આ કારણે, અથવા તો પછી અન્ય કોઈ કારણે, સામાન્ય અને સ્વીકૃત અર્થમાં જેને પ્રેમસંબંધ કહેવાય એવા સંબંધો બંધાયા નહીં.’

 અલબત્ત, જાત સાથે એવું જરુર નક્કી કર્યું હતું કે મૈત્રી અને પ્રેમવશ કોઈ પુરુષ સાથે રહેવાનું પસંદ પડે, અને માત્ર એ કારણે લગ્ન થાય, તોયે બાળક તો નહીં જ કરવાનું

Himanshi Shelat

 એવું જ બન્યું. છેક સુડતાલીસમા વર્ષે કે જ્યારે એકલાં રહેવાનું અનુકૂળ આવી ગયું હોય, અંગત આદતો બદલી ન શકાય એ હદે સુદઢ બની ચુકી હોય ત્યારે લગભગ અજાણી પણ ઉત્તમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. એનું નામ નીલમણિ અથવા વિનોદ ઝવેરચંદ મેઘાણી. પહેલાં રહસ્યમય રીતે નિકટતા જાગી અને પછી એટલી જ રહસ્યમય રીતે બન્ને વચ્ચે અંતર ફેલાતું ગયુંં. નીલમણિ સાથેના સંબંધમાં આવેલા ચડાવઉતાર અને એમાંથી પ્રગટેલાં સત્યો વિશે લેખિકાએ બહુ જ સંવેદનશીલ રીતે લખ્યું છે.
  
પરંગપરાગત રીતે જોઈએ તો, પિતા અને પતિ સ્ત્રીનાં જીવનના સૌથી મહત્ત્વનાં પુરુષપાત્રો ગણાયપરંપરાગત જીવન ન જીવેલાં હિમાંશી શેલતે જોકે પિતા વિશે પણ પારદર્શકતાપૂર્વક લખ્યું છે. એમના પિતાજી સ્વભાવે અત્યંત ઋજુ, પણ વ્યવહારજગતમાં શૂન્ય. ઘર-પરિવારની આર્થિક જવાબદારી ઉપાડી શકવા માટે અશક્ત. પિતાનાં વ્યક્તિત્ત્વની આ નબળાઈ લેખિકાને ત્રાસજનક લાગતી. એમને લાગતું કે પિતાજીનું સાધુપણું ખરેખર તો એમની અક્ષમતાનું જ બીજું નામ છે. લેખિકા અંદરથી ચચર્યા કરે, પણ આ ચચરાટ કોઈની સાથે વહેંચી ન શકાય એટલે ઊંડી પીડા રુપે જમા થતી જાય. આખરે એક એવી ઘટના બની, અથવા કહો કે, એવી ક્ષણ આવી જ્યારે વર્ષોેથી ધરબાયેલો ધૂંધવાટ, અજંપો, અસંતોષ, ફરિયાદ અને અશાંતિ વિસ્ફોટ સાથે ઊછળીને બહાર ધસી આવ્યા. લખે છે:

 ‘આ ઘટનાએ મને અત્યંત ક્ષુબ્ઘ બનાવી મૂકી. સંબંધની ગરિમા અને આમન્યા - બન્ને ખરડાયા હતાં. મારા ભવિષ્યની કોઈને પડી નથી એ સભાનતા વેઠવાનું મને ભારે પડ્યું હતું. આમ જુઓ તો આ કોઈ મોટો અન્યાય નહોતો, એમાં મારે મારી ઉપેક્ષા પણ જોવાની નહોતી. એક વાસ્તવિક મર્યાદા હતી, જેને કેવળ હકીકતરુપે જોઈ શકાઈ હોત. છતાં આ બધું ઘટના બાદ સમજાયું. એક અણધાર્યા અને નજીવા બનાવે મારા સ્વભાવની કચાશ, ત્વરિત પ્રતિભાવનું અનિચ્છનીય લક્ષણ, અને નાદાની સાફ દેખાડ્યાં. ધારો કે એક ભલી અને સાલસ વ્યક્તિ કુટુંબની કે સંતાનોની બધી અપેક્ષાઓ ન સંતોષી શકે, અથવા એ પરત્વે પૂરતું ધ્યાન ન આપી શકે, તો શું એ બહુ મોટો અપરાધ કહેવાય?’

 પેલી વિસ્ફોટક પળ આવી એનાં ઘણાં વર્ષો પહેલાં એક નાનકડો કિસ્સો બનેલો. રેલવે સ્ટેશન પર ત્રણ નાના બેઘર છોકરાઓ ઘસઘસાટ સૂતા હતા. પિતાજીએ એમની ખુલ્લી હથેળીઓમાં એક-એક સિક્કો મૂકી દીધેલો. કહે, ‘જાગશે ને જોશે ત્યારે મજા પડશે એમને!’ લેખિકાએ પૂછ્યું કે કોઈ લેશે તો? તો જવાબ મળેલો, ‘કોઈ નહીં લે. એવું કોઈ કરે નહીં.’

 સામેની વ્યક્તિની સારપમાં આવો ભરોસો રાખવાની અને કોઈકના આનંદની કલ્પનાથી રોમાંચ અનુભવવાની પિતાજીની તત્પરતા લેખિકાને કાચી વયે સમજાઈ નહોતી, પણ વર્ષો પછી અહેસાસ થયો કે માણસ પાસે ભલે બીજી કોઈ ક્ષમતા ન હોય, પણ એએક્ટ્સ ઓફ રેન્ડમ કાઈન્ડનેસતો કરી જ શકે છે. એની પાસે અપેક્ષાહીનસાવ સહજભાવે વ્યક્ત થતો સ્નેહ, સદભાવ અને કરુણા - આટલું તો હોઈ જ શકે છે.

 લેખિકા જ્યારે અભાવગ્રસ્ત બાળકો સાથે, પ્રાણીઓ સાથે અને અકથ્ય પીડાથી ઘેરાયેલી સ્ત્રીઓનાં ઉત્થાન માટે સક્રિય બન્યાં ત્યારે તેમની ભીતર પડેલા પિતાજી તરફથી મળેલા આએેક્ટ્સ ઓફ રેન્ડમ કાઈન્ડનેસના સંસ્કાર બળપૂર્વક બહાર આવ્યા. પિતા, પછી એ ભલે ગમે એટલોનિષ્ફળકેમ ન હોય, સંતાનને કશુંક અત્યંત મૂલ્યવાન આપી જ જતો હોય છે

 લેખિકાએ જીવનનાં બીજાં કેટલાંય પાનાં નિર્દંભ રીતે છતાંય ગરિમાપૂર્વક ખોલ્યાં છે. જે લાગણી જેટલી માત્રામાં અને જે શેડમાં દેખાડવી હોય એક્ઝેક્ટલી એ જ રીતે વ્યક્ત કરી શકવાનું એમનું કૌશલ્ય કાબિલે તારીફ છે. ગુજરાતી આત્મકથા સાહિત્યમાંમુક્તિ-વૃતાંતએ સમૃદ્ધ ઉમેરો કર્યો છે. વહેલી તકે આ પુસ્તક વાંચજો. આવું કસદાર સાહિત્ય રોજ-રોજ સર્જાતું નથી!                                      0 0 0 

                                                                       
                                     મુક્તિ-વૃતાંત 
                                                                                    લેખિકાહિમાંશી શેલત                                                                                           પ્રકાશનઅરુણોદય પ્રકાશન
 ગાંધી રોડઅમદાવાદ-
 ફોન: (૦૭૯૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  ૧૮૦ રુપિયા
  પૃષ્ઠ૧૯૨


 ‘’

   ૦ ૦ 

 ૦ ૦ ૦ ‘’, ‘’No comments:

Post a Comment