Tuesday, August 11, 2015

ટેક ઓફ : હોટશોટ એડગુરુ કેવી રીતે બનાય?

Sandesh - Ardh Saptahik Purti - 12 Aug 2015

ટેક ઓફ 

ક્રિએટિવ ભેજુ ધરાવતા જુવાનિયાઓને એડવર્ટાઇઝિંગના ક્ષેત્રનું આકર્ષણ હોય છેપણ આ ફિલ્ડમાં એક્ઝેક્ટલી કેવી રીતે કરિયર બનાવાયતેમાં સફળ થવા માટે તમારી પાસે શું શું હોવું જોઈએ?આ સવાલના જવાબ એડગુરુ મનીષ ભટ્ટ પાસેથી સાંભળવા જેવા છે.

લે ગમે તેટલું પાક્કું સરનામું અપાયું હોય, પણ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી ફ્લોરા ફાઉન્ટન તરફ જતાં એક મ્યુઝિક સ્ટોરને સાવ અડીને આવેલી પાતળી ઇયળ જેવી નાની અમથી અળવીતરી ગલી તમારાથી મિસ થવાની, થવાની ને થવાની જ. વાસ્તવમાં આ ગલી પણ નથી, સાંકડો અંધારિયો પેસેજ છે, જે છુપાઈને ગુપચુપ ઊભેલા બિલ્કિસ મેન્શન નામના બહુમાળી મકાનની લિફ્ટ પાસે ખૂલે છે. ગલી ભલે અંધારી અને અનાકર્ષક રહી, પણ આ ઇમારતમાં ક્રિએટિવિટીથી ફાટફાટ થતા માણસોનો અડ્ડો ધમધમે છે. આ અડ્ડો એટલે એક તેજસ્વી એડ એજન્સીની સ્ટાઇલિશ ઓફિસ. એજન્સીનું નામ ભારે અળવીતરું છે - સ્કેરક્રો! સ્કેરક્રો એટલે કે ખેતરમાં હાથ ફેલાવીને ઊભેલો કદરૂપો ચાડિયો! એજન્સીને હજુ માંડ છએક વર્ષ થયાં છે, પણ ભારતની સૌથી યંગ અને સૌથી ઝપાટાભેર વિકસી રહેલી ઇન્ડિપેન્ડન્ટ ક્રિએટિવ એજન્સી તરીકે એણે ખુદને પ્રસ્થાપિત કરી દીધી છે. કેવળ ભારતની નહીં, પણ સમગ્ર વિશ્વની ટોચની ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઝની સૂચિમાં સ્કેરક્રો આ વર્ષે સોળમા ક્રમે મુકાઈ છે.
સ્કેરક્રોના કોન્ફરન્સ રૂમની એકાધિક શેલ્ફમાં એટલા બધા એવોર્ડ્ઝ કતારબદ્ધ ગોઠવાયેલા છે કે ગણવા બેસો તો થાકી જવાય. એક આખી દીવાલ ક્લાયન્ટ્સના લોગોથી ખીચોખીચ છલકાય છે: રિલાયન્સ ડિજિટલ, એન્કર, નેસલે, ઓન્લી વિમલ, રેડિયો સીટી, રેલિગેર હેલ્થ ઈન્શ્યોરન્સ, રુપા, વાયકોમ એઈટીન, ઝી નેટવર્ક, એન્ડ પિક્ચર્સ, ડીએલએફ, સ્પાયકર, ક્વીકર, માહિન્દ્રા લાઈફસ્પેસીસ, ઝંડુ, કલર્સ ઈન્ફિનિટી વગેરે. દેશ-દુનિયામાં જાણીતી કેટલીય બ્રાન્ડ્સની વિજ્ઞાાપનોના પાયામાં એક ગુજરાતી બંદો છે - મનીષ ભટ્ટ. સ્કેરક્રો કમ્યુનિકેશન્સ લિમિટેડના ફાઉન્ડર ડિરેક્ટર.    
સામાન્ય છાપ તો એવી છે કે એડવર્ટાઇઝિંગની દુનિયાના ક્રિએટિવ માણસો અંતરંગી હોય, ચિત્રવિચિત્ર વેશભૂષા ધારણ કરતા હોય, બગાસાં અને છીંક પણ અંગ્રેજીમાં ખાતા હોય તેમજ શો-બાજી કરવાની એક તક ન છોડતા હોય. આવી લાઉડ છાપ કેવી રીતે ઊભી થઈ એ તો રામ જાણે. મનીષ ભટ્ટને મળો એની થોડી મિનિટોમાં જ તમે સમજી લો છો કે તેઓ પેલી સ્ટિરિયોટાઇપ ઇમેજથી જોજનો દૂર છે. તેઓ સૌમ્ય છે, એમનાં વર્તન-વ્યવહારમાં સરળતા અને સહજતા છે. તેમના પગ ધરતી સાથે સજ્જડ રીતે શા માટે જોડાયેલા છે અને તેમની કેટલીય વિજ્ઞાાપનોમાં અર્થહીન ઝાકઝમાળને બદલે મિટ્ટી કી ખુશબૂ શા માટે મહેકે છે તેનાં કારણ તમને ક્રમશઃ સમજાતાં જાય છે.
મનીષ ભટ્ટ ગુજરાતના એવા ગામડામાં જન્મ્યા હતા જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી. આજે લોકોને આઇફોનના લેટેસ્ટ મોડલ માટે જેવું કુતૂહલ હોય છે એવું કૌતુક મનીષ ભટ્ટને લાઇટના બલ્બને જોઈને થતું. આવા માહોલમાં ઉછરેલો અને ગુજરાતી માધ્યમની દેશી નિશાળમાં ભણેલો છોકરો દેશની હોટ-એન્ડ-હેપનિંગ એડ એજન્સીનો જનક કેવી રીતે બન્યોે? યાત્રા ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. ક્રિએટિવ ભેજુ ધરાવતા જુવાનિયાઓને એડવર્ટાઇઝિંગના ક્ષેત્રનું આકર્ષણ હોય છે, પણ આ ફિલ્ડમાં એક્ઝેક્ટલી કેવી રીતે કરિયર બનાવાય, તેમાં સફળ થવા માટે તમારી પાસે શું શું હોવું જોઈએ તે વિશે ગૂંચવાયા કરતા હોય છે. મનીષ ભટ્ટની યાત્રામાંથી આ સવાલોના જવાબ સહજપણે મળતા જાય છે, લેસન્સ-ઓફ-લાઇફના સ્વરૂપમાં. જેમ કે, જીવનનો પહેલો પાઠ એટલે આઃ
(૧) પોતાનાં મૂળિયાંનું સન્માન કરવાનું હોય, અવગણના નહીં

"ડાકોરથી તેર-ચૌદ કિલોમીટરના અંતરે આવેલું મારું વરસડા ગામ એટલે વડોદરા જિલ્લાની ભાગોળ," પિસ્તાલીસ વર્ષીય મનીષ ભટ્ટ શરૂઆત કરે છે, "પછી તરત ખેડા જિલ્લો શરૂ થઈ જાય. મારાં શરૂઆતનાં બારેક વર્ષ સુધીનું જીવન વરસડામાં પસાર થયું છે. ત્રણ ભાઈઓમાં હું સૌથી નાનો. મમ્મી-પપ્પા બન્ને પ્રાઇમરી સ્કૂલનાં ટીચર એટલે ગામમાં ખૂબ માન. અમે પ્રણામિ ધર્મને અનુસરનારા એટલે રણછોડરાયના મંદિરે જવાનું પ્રમાણમાં ઓછું બનતું, પણ શ્રીમુખવાણી ધર્મગ્રંથની પારાયણ, કંઠી બાંધવી,બળેવની પૂનમે થતો ઉત્સવ - આ બધું બાળપણમાં ખૂબ જોયું છે. સ્કૂલની લાઇબ્રેરીમાંથી કનૈયાલાલ મુનશીથી લઈને પ્રિયકાંત પરીખ સુધીના લેખકોની ચોપડીઓ વાંચી નાખી હતી. હું ખુશમિજાજ અને વાંચતો-વિચારતો છોકરો હતો. બીજા છોકરાઓ કરતાં જરા અલગ પડતો.'
ગામમાં વીજળી આવી તેની પહેલાં રેડિયો આવી ગયો હતો. પિતાજી લંડનનું બીબીસી સ્ટેશન સાંભળતા. મનીષ ભટ્ટને ત્યારે ક્યાં ખબર હતી કે આ રેડિયોે અજાગ્રતપણે એમનું માનસ ઘડવામાં ભવિષ્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો છે. આઠમા ધોરણ પછી ડાકોરની શાળામાં એડમિશન લીધું. અહીં નાનીમાનું ઘર હતું. ડાકોરના જે ડેલામાં નાનીમા રહેતાં હતાં ત્યાં ત્રીસ પરિવારો વચ્ચે ફક્ત બે જ ટોઇલેટ હતા. જાતજાતના ને ભાતભાતના લોકોનો શંભુમેળો અહીં એકઠો થયો હતો. ડાકોરમાં એકાંકીઓ થતી, ઓફબીટ નાટકો થતાં. મનીષે 'પપ્પા ખોવાઈ ગયા' નામના વિજય તેંડુલકર લિખિત નાટકમાં ભાગ લઈને ઇનામ જીતેલું. સ્પોર્ટ્સ ઓછું ગમે, પણ બૌદ્ધિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધારે. કોણ જાણે કઈ રીતે પણ ખરાબ સોબતને લીધે એક મોટો ભાઈ અઠંગ વ્યસની બની ગયો હતો. એની પોઝિટિવ પ્રતિક્રિયા મનીષમાં આ રીતે આવીઃ ભાઈ કરે છે એવું તો નહીં જ કરવાનું!

સડસડાટ વહી જતી જિંદગીમાં અપ્રિય લાગે એવો પહેલો વળાંક બારમા ધોરણમાં આવ્યો. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ભણવામાં અત્યાર સુધી ઉત્તમ માર્ક્સ લાવનારા મનીષે બારમા ધોરણમાં ડ્રોપ લેવો પડયો. આત્મવિશ્વાસને ઝટકો લાગ્યો. ચિત્રકામની એલિમેન્ટરી અને ઇન્ટરમિડિએટ પરીક્ષાઓ ઓલરેેડી આપી દીધી હતી એટલે ખાલી સમય ભરવા ડ્રોઇંગ કરવા લાગ્યા, 'કાગઝ કી કશ્તી સે કોલંબો તક' પ્રકારની કવિતાઓ લખવા લાગ્યા. તેઓ કહે છે, "મને શબ્દો અને દૃશ્યો બન્ને ગમતાં હતાં, પણ હું નહોતો પૂરો પેઇન્ટર કે નહોતો પૂરો રાઇટર. હું આ બન્નેની વચ્ચે કશેક હતો. હું પેન્સિલ ડ્રોઇંગ કરતો અને પછી નીચે કેપ્શન જેવું લખતો. તે વખતે સ્પષ્ટતા નહોતી, બટ ઇટ વોઝ એક્ચ્યુઅલી અન એડ! જાહેરાતોમાં આ જ હોય છેને - વિઝ્યુઅલ અને સ્લોગન! એડવર્ટાઇઝિંગની દુનિયા તરફ અભાનપણે માંડેલું એ મારું પહેલું પગલું હતું."
બાળપણ અને તરુણાવસ્થા જેટલાં વધારે ભાતીગળ એટલું વધારે સારંુંં. જો જીવનનું સુકાન પોતાના હાથમાં મજબૂતીથી પકડી રાખેલું હશે તો બાળપણમાં થયેલી અનુભૂતિઓના સઘળા રંગો ભવિષ્યમાં કોઈક ને કોઈક રીતે ક્રિએટિવ અભિવ્યક્તિ પામ્યા વગર રહેતા નથી.    
(૨) અંદરનો અવાજ સાંભળીને લાઇફમાં શું નથી જ કરવું તે વિશે સ્પષ્ટ થઈ જાઓ

બારમા ધોરણમાં બહુ ઓછા ટકા આવ્યા એટલે એસએસસીની ટકાવારીના આધારે વડોદરાની પોલિટેક્નિક કોલેજમાં એડમિશન લઈ સિવિલ એન્જિનિયરિંગ કરવા લાગ્યા. થિયરી જરાય ન ગમે, પણ ડ્રોઇંગ શીટ્સ અફલાતૂન બનાવે. ટેક્સ્ટબુક્સને બદલે ભગવદ્ગીતા વાંચવામાં વધારે રસ પડે. ધીમે ધીમે સત્ય ઊપસતું ગયું: આ લાઇન મારા માટે છે જ નહીં. ડિપ્લોમા મેળવ્યા પછી એક-બે કંપનીઓમાં એન્જિનિયર તરીકે કામ કરવાનો અનુભવ લઈ જોયો અને પેલું સત્ય સજ્જડ બનતું ગયું: ધિસ ઇઝ નોટ મી. મારી લાઇફ આ રીતે તો પસાર નહીં જ થાય!
"મારા મોટા ભાઈ પણ સિવિલ એન્જિનિયર હતા," મનીષ ભટ્ટ કહે છે, "મારા પપ્પાના મનમાં એમ કે બન્ને દીકરાઓ ભેગા થઈને કન્સ્ટ્રક્શન કંપની જેવું કશુંક ખોલે એટલે બેયની લાઇફ સેટ થઈ જાય, પણ મને મારા કામમાંથી સંતોષ મળતો નહોતો. મને થતું કે હું તો કેવળ બીજાઓની ફોર્મ્યુલા અને આઇડિયાને એક્ઝિક્યૂટ કરું છું, આમાં મારું શું? પણ જો આ નહીં તો આના બદલે બીજું શું કરું? શું ભણું? કશું સમજાતું નહોતું."
એક દિવસ વડોદરાના કમાટી બાગ સામે ફેલાયેલી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ પાસેથી મનીષ પસાર થઈ રહ્યા હતા. ફાઇન આર્ટ્સ કઈ ચીડિયાનું નામ છે એની કશી જ ખબર નહીં. કદાચ આ ડ્રોઇંગ ટીચર બનવાનો કોર્સ હશે એવું થોડું ઘણું સમજાય. મનીષ એમ જ ફેકલ્ટીની અંદર ગયા. એન્જિનિયરિંગ કોલેજ કરતાં સાવ જુદા જ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી હતી. બગલથેલા લટકાવીને આમતેમ ફરતા સ્ટુડન્ટ્સ પોતાનામાં મસ્ત દેખાતા હતા. અહીંની હવામાં કશુંક વિશિષ્ટ હતું. અહીંનો માહોલ જોઈને મનીષને મજા પડી. ઓફિસમાં જઈને પૂછપરછ કરીઃ અહીં એડમિશન લેવું હોય તો શું કરવાનું? સામો પ્રશ્ન પુછાયોઃ શામાં એડમિશન જોઈએ છે - પેઇન્ટિંગમાં, શિલ્પમાં, અપ્લાઇડ આર્ટ્સમાં? જવાબ આપી દીધોઃ અપ્લાઇડ આર્ટ્સમાં! મનીષે તૈયારી કરી, એન્ટ્રન્સ ટેસ્ટ આપી. એડમિશન મળી ગયું. યાદ રહે, એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં દેશવિદેશથી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે અને અહીં એડમિશન મેળવવું ખૂબ અઘરું ગણાય છે.
મનીષ ભટ્ટ કહે છે, "ફાઇન આર્ટ્સમાં ભણવાનું ખૂબ મોંઘું હતું. મમ્મી-પપ્પા અને ભાઈ ત્રણેયના અડધા પગાર મારા ભણવા પાછળ ખર્ચાઈ જતા, પણ પપ્પાને મારામાં અજબ કોન્ફિડન્સ હતો. મારા દરેક પગલાને એ હંમેશાં કોઈક રીતે જસ્ટિફાય કરી લેતા. ફાઇન આર્ટ્સમમાં એડમિશન લેવું મારા માટે પુનર્જન્મ થવા બરાબર હતું."
(૩) પ્રો-એક્ટિવ બનો અને તકો જાતે ઊભી કરો

કોલેજમાં મનીષ ખૂબ લો-પ્રોફાઇલ રહેતા. તેમનું સંપૂણપણે ધ્યાન ભણવામાં રહેતું. થિયરીના સબજેક્ટ્સ જોકે હજુય નહોતા ગમતા. મેથોડોલોજીને ન અનુસરતા, પણ કામમાં એટલું બધું ઝીણું કાંતે કે શિક્ષકો એને પૂછતાં કે ભાઈ, તું સોનીનો દીકરો છે?પહેલાં જ વર્ષથી વિઝિટિંગ કાર્ડ્સ વગેરે ડિઝાઇન કરવા માંડયા હતા. ચાની એક બ્રાન્ડ માટે જે કેલિગ્રાફી કરી હતી તે આજેય એના પેકિંગ પર વપરાય છે. આ હતું એમનું સૌથી પહેલું પ્રોફેશનલ અસાઇનમેન્ટ. સેકન્ડ યરમાં દોસ્તારની સાથે મળીને નાનકડી એજન્સી જેવું ઊભું કર્યું. કોલેજમાં પહેલી વાર પગ મૂકનારા ક્લાસના બીજા છોકરાઓ કોલેજલાઇફ એન્જોય કરવામાં પડયા હતા, પણ મનીષે અસલી કામ શરૂ કરી દીધું હતું. તેઓ બીજાઓ કરતાં વધારે જાણતા, પ્રો-એક્ટિવ રહેતા. એમનો અપ્રોચ બીજાઓથી અલગ રહેતો. થર્ડ યરના વેકેશનમાં કોઈ પ્રોફેશનલ એડ એજન્સીમાં ઇન્ટર્નશિપ કરવાનું આવ્યું ત્યારે મનીષે ટોચની વીસ એજન્સીઓમાં અપ્લાય કર્યું.
"મને મુંબઈની 'એડ એવન્યૂઝ' નામની એડ એજન્સીમાં ઇન્ટર્નશિપ કરવાનો મોકો મળ્યો," મનીષ કહે છે, "આ એ જ એજન્સી છે જેણે ઓનિડા ટીવીની ડેવિલવાળી સુપરહિટ કેમ્પેઇન તૈયાર કરેલી. 'એડ એવન્યૂઝ'માં મને એડવર્ટાઇઝિંગની અસલી દુનિયાનું જબરદસ્ત એક્સપોઝર મળ્યું. પાંચ ફિલ્મશૂટ, ચાર પ્રિન્ટશૂટ અને એક રેડિયો સ્પોટનો ફર્સ્ટહેન્ડ અનુભવ મળ્યો. આ ઇન્ટર્નશિપ મારા માટે એક ઔર ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો."
ફાઇન. પછી? મનીષ ભટ્ટ એડગુરુ કેવી રીતે બન્યા? બાકીની વાત આવતા બુધવારે.
0 0 0 

2 comments:

  1. "સામાન્ય છાપ તો એવી છે કે એડવર્ટાઇઝિંગની દુનિયાના ક્રિએટિવ માણસો અંતરંગી હોય, ચિત્રવિચિત્ર વેશભૂષા ધારણ કરતા હોય, બગાસાં અને છીંક પણ અંગ્રેજીમાં ખાતા હોય તેમજ શો-બાજી કરવાની એક તક ન છોડતા હોય. આવી લાઉડ છાપ કેવી રીતે ઊભી થઈ એ તો રામ જાણે. મનીષ ભટ્ટને મળો એની થોડી મિનિટોમાં જ તમે સમજી લો છો કે તેઓ પેલી સ્ટિરિયોટાઇપ ઇમેજથી જોજનો દૂર છે. તેઓ સૌમ્ય છે, એમનાં વર્તન-વ્યવહારમાં સરળતા અને સહજતા છે. તેમના પગ ધરતી સાથે સજ્જડ રીતે શા માટે જોડાયેલા છે અને તેમની કેટલીય વિજ્ઞાાપનોમાં અર્થહીન ઝાકઝમાળને બદલે મિટ્ટી કી ખુશબૂ શા માટે મહેકે છે તેનાં કારણ તમને ક્રમશઃ સમજાતાં જાય છે."

    We have had a privilege to have him as chief jury member of 82 hours ad campaign making competition. Whoever has met Manish Bhatt sir will 100% agree with this description abt him.

    Gamta lekhak, Gamta sarjak vishe lakhe e vanchvani maja j alag chhe

    ReplyDelete