Tuesday, August 18, 2015

ટેક ઓફ : ઉત્તમ જિંદગી એટલે લાર્જર-ધેન-લાઇફ પ્રોજેક્ટ્સનો સરવાળો...

Sandesh - Ardh Saptahik Purti - 19 Aug 2015

ટેક ઓફ
"એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં કરિયર બનાવવી હોય તો સૌથી પહેલાં તો મૂળભૂત પ્રતિભા અને કમ્યુનિકેશનની શિસ્ત હોવાં જોઈએ. નિરીક્ષણશક્તિ સતેજ હોવી જોઈએકેમ કે આઇડિયાઝ આપણી આસપાસ જ હોય છે. અંગ્રેજી પર માસ્ટરી નહીં હોય તો ચાલશેપણ જિંદગીને એના બધા રંગોમાં જીવવી અને સમજવી જરૂરી છે."

તો વાત એડગુરુ મનીષ ભટ્ટની ચાલતી હતી. ગયા બુધવારે આપણે જોયું કે વડોદરા જિલ્લાના ખોબા જેવડા વરસડા ગામમાં જન્મેલા અને ગુજરાતી માધ્યમની દેશી નિશાળમાં ભણેલા મનીષ ભટ્ટ આજે સમગ્ર વિશ્વની ટોચની ઇન્ડિપેન્ડન્ટ એડ એજન્સીઝની સૂચિમાં સોળમું સ્થાન ધરાવતી સ્કેરક્રો કમ્યુનિકેશન્સના ફાઉન્ડર ડિરેક્ટર છે. તેમણે એમ.એસ. યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું, પણ દિલ-દિમાગ સાથે આ ભણતરના સૂર ન મળ્યા. લગભગ આકસ્મિકપણે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન લીધું ને નજર સામે જાણે કે આખી જિંદગીનો નકશો ખૂલી ગયો. અબ આગે...
અપેક્ષા કરતાં વધારે આપો
"મુંબઈની એડ એવન્યુ નામની એજન્સીમાં કરેલી ઇન્ટર્નશિપ દરમિયાન મને જે સોલિડ એક્સપોઝર અને અનુભવ મળ્યા હતા તેના પ્રતાપે મારો ફાઇનલ યરનો પ્રોજેક્ટ બીજાઓ કરતાં એકદમ અલગ તરી આવ્યો," મનીષ ભટ્ટ વાત સાધે છે, "મેં અઢાર હજાર રૂપિયા ખર્ચીને એક ડેનિમ બ્રાન્ડ માટે એડ કેમ્પેન તૈયાર કર્યું હતું. એ જમાનામાં એક સ્ટુડન્ટ માટે આ રકમ બહુ મોટી ગણાય. પ્રિન્ટ એડ ઉપરાંત હોર્ડિંગ પણ તૈયાર કરેલું અને એક એડ ફિલ્મ પણ શૂટ કરી હતી. વ્યક્તિગત રીતે હું ભલે રૂઢિચુસ્ત હોઉં, પણ મારું કામ શરૂઆતથી જ બોલ્ડ અને પોલિશ્ડ રહ્યુંં છે. આ પ્રોજેક્ટના આધારે મને દિલ્હીની કેપિટલ નામની એડ એજન્સી તરફથી મારી કરિયરની પહેલી જોબ ઓફર મળી. એ વર્ષ હતું ૧૯૯૪નું."
ટચૂકડી ટીમ ધરાવતી કેપિટલમાં સાતેક મહિના કામ કર્યા બાદ કોન્ટ્રેક્ટ નામની એડ એજન્સીમાં જોડાયો. કોન્ટ્રેક્ટની દિલ્હી બ્રાન્ચ એ જમાનામાં ભારતના એડવર્લ્ડમાં 'મોસ્ટ હેપનિંગ' ગણાતી હતી. અહીં ત્રણ એવાં ક્રિએટિવ ભેજાં કામ કરતાં હતાં જે ભવિષ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝળકી ઊઠવાનાં હતાં. એક, ક્રિએેટિવ ડિરેક્ટર પ્રદીપ સરકાર ('પરિણીતિ', 'મર્દાની' વગેરેના ડિરેક્ટર), સિનિયર રાઇટર દિવાકર બેનર્જી ('ખોસલા કા ઘોસલા', 'લવ સેક્સ ઔર ધોકા' વગેરેના ડિરેક્ટર) અને બીજા સિનિયર રાઇટર જયદીપ સાહની ('કંપની', 'ચક દે ઇન્ડિયા' વગેરેના લેેેખક)
"મારી પહેલી પ્રિન્ટ એડ આ અરસામાં છપાઈ હતી," મનીષ ભટ્ટ કહે છે, "પ્લેગની સંબંધિત દવાની તે જાહેરાત હતી. બ્રોડશીટનું પા પાનું ભરાઈ જાય એવડી આ એડ દેશભરનાં અખબારોમાં છપાયેલી. એડના કેપ્શનનો આઇડિયા પણ મારો હતો. આઇ વોઝ થ્રિલ્ડ! હું આખો દિવસ કમ્પ્યૂટર પણ કંઈક ને કંઈક એક્સપ્લોર કર્યા કરતો, શીખ્યા કરતો. લોકોએ મારું નામ કોરલ ડ્રો પાડી દીધું હતું! જોકે, હું નવો હતો, જુનિયર હતો એટલે મારી પાસે બહુ કામ આવતું નહીં. બહુ બહુ તો બ્રોશર કે એન્યુઅલ રિપોર્ટ બનાવવાનું કામ સોંપાય, પણ હું ખાસ્સો પ્રો-એક્ટિવ રહેતો. ટચૂકડું સ્ટિકર બનાવવાનું કામ સોંપાયું હોય તોય આખેઆખું એડ કેમ્પેન તૈયાર કરી નાખતો. ત્રણ વર્ષમાં આ રીતે મારી પાસે ૪૫ કેમ્પેન એકઠું થઈ ગયેલું!"
આ જ અરસામાં એક કોમન દોસ્તારે મનીષ ભટ્ટની ઓળખાણ કોન્ટ્રેક્ટમાં જ કામ કરતા એક તેજસ્વી સાઉથ ઇન્ડિયન કોપી રાઇટર સાથે કરાવી. એનું નામ હતું રઘુ ભટ. ભટ્ટ નહીં પણ ભટ. તે વખતે બન્નેમાંથી કોઈએ ક્યાં કલ્પ્યું હતું કે તેમની જોડી સમયની સાથે ગાઢ બનતી જવાની છે અને ભવિષ્યમાં સ્કેરક્રો નામની હોટશોટ એડ એજન્સીને જન્મ આપવાની છે!
The faces of Scarecrow: Manish Bhatt (R) and Raghu Bhat

સ્થગિત ન થાઓ, વહેતા રહો
 "મારે બોમ્બે જવું હતું" મનીષ ભટ્ટ વાત આગળ વધારે છે, "કારણ કે બોમ્બે એટલે ભારતની એડવર્ટાઇઝિંગની દુનિયાનું પાટનગર. મેં મુંબઈની ટોચની એજન્સીઓનો સંપર્ક કર્યો, અહીંનાં મોટાં માથાંને મળ્યો. મને ક્લેરીઅન એજન્સીમાંથી જોબ ઓફર થઈ, પણ દિલ્લી ઓફિસ માટે. ક્રિએટિવ ગ્રૂપ હેડની પોસ્ટ હતી. અહીં કામ કરતાં અમુક લોકો તો પંદર-પંદર વર્ષના અનુભવી હતા. પગાર ૧૧ હજારથી કૂદીને સીધો ૩૦ હજાર પર પહોંચી જવાનો હતો. મેં ઓફર સ્વીકારી લીધી. રઘુ પણ મારી સાથે ક્લેરીઅનમાં જોડાયા."
મનીષ ભટ્ટ આ મોટો જમ્પ લગાવી શક્યા, કેમ કે તેમની પાસે ટેલેન્ટ, પોતાના કામ પ્રત્યેની પેશન અને સમૃદ્ધ પોર્ટફોલિયો ઉપરાંત એક એવી વાત હતી જે એડવર્ટાઇઝિંગ ફિલ્ડના સાહેબ લોકોને ગમી જતી હતી. તે હતી, તેમનું દ્વિભાષીપણું. તેઓ કોન્વેન્ટ સ્કૂલમાંથી આવતા 'અંગ્રેજ' નહોતા, બલ્કે ગામડામાં ઉછરેલા હોવાથી તેઓ ગ્રામ્ય તેમજ નાનાં સેન્ટરોમાં વસતા લોકોની માનસિકતા સમજતા હતા, 'ઇન્ડિયા' અને 'ભારત' બન્ને સાથે સહજપણે રિલેટ કરી શકતા હતા. તેમના વ્યક્તિત્વમાં સાદગી અને સોફિસ્ટિકેશનનું આકર્ષક કોમ્બિનેશન હતું, જે તેમના કામમાં સ્પષ્ટપણે ઝળકતું.
"ક્લેરીઅન-દિલ્હી તે વખતે સ્ટ્રગલ કરી રહ્યું હતું. પહેલા સાત મહિનામાં અમે ૩૦ ક્લાયન્ટ્સને પિચ કર્યા હતા, પણ એક પણ કામ નહોતું મળ્યું. કદાચ અમે વધારે પડતા આદર્શવાદી હતા, બિઝનેસ ટ્રિક્સ જાણતા નહોતા. ક્લાયન્ટ્સ તમારી પાસેથી ક્રિએેટિવિટી ઉપરાંત માર્કેટિંગ સ્ટ્રેટેજીની અપેક્ષા પણ રાખતા હોય છે. ક્લેરીઅનનાં અઢી-ત્રણ વર્ષ દરમિયાન અમે ખૂબ શીખ્યા, ઘડાયા, નવા અખતરા કર્યા. દરમિયાન પ્રસૂન જોશી દ્વારા ઓગિલ્વી એન્ડ મેથર (ઓ-એન્ડ-એમ) એજન્સીમાં જોડાવા માટે ઓફર આવી. મેં અને રઘુએ ક્રિએટિવ ગ્રૂપ હેડ્સ તરીકે ઓ-એન્ડ-એમની દિલ્હી ઓફિસ જોઇન કરી."
તે વખતે જુહી ચતુર્વેદી એમની જુનિયર હતી. જુહી એટલે 'વિકી ડોનર' અને 'પિકૂ'ની રાઇટર. ઓગિલ્વીમાં લોટસ આઇબીએમ,સત્યમ સિનેપ્લેક્સ વગેરે જેવી કેટલીય એવોર્ડવિનિંગ એડ્સ બનાવી. બે વર્ષમાં ભારતભરમાં ફેલાયેલી ઓ-એન્ડ-એમની પાંચ ઓફિસોમાં દિલ્હીની શાખા મોસ્ટ એવોર્ડવિનિંગ ઓફિસ તરીકે ઊભરી આવી. ૨૦૦૦ની સાલમાં મનીષને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા. થોડા સમય માટે મલેશિયા મોકલવામાં આવ્યા. ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટનું આકર્ષણ જરૂર હતું, પણ અનુભવે સમજાયું કે જે તે પ્રદેશના કલ્ચરનો ફર્સ્ટ-હેન્ડ અનુભવ ન હોય તો કામ કરવામાં મજા આવતી નથી. તે સમય ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓના ઉદયનો હતો. ત્રિકાયા, એન્ટરપ્રાઇઝ, રિડિફ્યુઝન, એમ્બિયન્સ જેવી સ્વતંત્ર એજન્સીઓ સરસ કામ કરી રહી હતી. મનીષ ભટ્ટ એમ્બિયન્સ પબ્લિસીમાં જોડાયા. ઇલેક્ટ્રોનિક મીડિયાથી પરિચિત થયા. પેરાશૂટ, નેરોલેક, ટાટા પ્રેસ યલો પેજીસ જેવી નેશનલ બ્રાન્ડ્સ માટે કામ કર્યું. એવોર્ડ્ઝનો સિલસિલો ચાલતો રહ્યો. એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં મનીષ-રઘુની કોપી-આર્ટ જોડી મશહૂર થઈ ચૂકી હતી. મનીષ કહે છે, "રઘુની પ્રકૃતિ અંતર્મુખી છે. એ વધારે અભ્યાસુ અને તાર્કિક છે, જ્યારે હું વધારે બહિર્મુખ છું, અપ્રોચમાં આક્રમક અને ઇન્સન્ટિક્ટિવ છું. અંતઃસ્ફુરણાને હું વધારે માન આપું છું."
એમ્બિયન્સ બાદ મેક્કેન એરિક્સન નામની ઔર એક એજન્સીના હિસ્સા બન્યા. આ વખતે મુંબઈ બ્રાન્ચના સિનિયર ક્રિએટિવ ડિરેક્ટર તરીકે. નેત્રદાન વિશેની 'હોલી - લેટ્સ હેલ્પ અધર્સ સી કલર્સ' નામની એક અત્યંત હૃદયસ્પર્શી, આંખો ભીની કરી દે તેવી પબ્લિક ઇન્ટરેસ્ટ એડ મેક્કેનના કાર્યકાળ દરમિયાન બની. અપંગ વૃદ્ધવાળી 'રિસ્પેક્ટ ધ નેશનલ એન્થમપણ એટલી જ અદ્ભુત છે. ઇન્ટરનેટ પર સૌથી વધારે જોવાયેલી આ ક્લાસિક એડ્સ તમે હજુ સુધી ન જોઈ હોય તો બધાં કામ પડતાં મૂકીને અબ્બી હાલ યુ ટયૂબ પર જોઈ લેવા જેવી છે.  


કન્વિક્શન અને સ્વતંત્રતા હશે તો જીવનની ગુણવત્તા વધવાની


"અમે હવે અનુભવ અને ક્રેડિબિલિટીના એવા સ્ટેજે પહોંચી ગયા હતા કે મોટી બ્રાન્ડ્સ સામેથી અમારો અપ્રોચ કરવા લાગી હતી." મનીષ ભટ્ટ કહે છે, "અત્યાર સુધીમાં અમને ગ્રૂપને હેન્ડલ કરવાનો સારો અનુભવ મળી ગયો હતો. અમારી કામ કરવાની શૈલી એવી હતી કે જાણે કે એજન્સીની અંદર મિનિ એજન્સી ચલાવતા હોઈએ. બિઝનેસ કેવી રીતે થવો જોઈએ તે વિશે અમારો નક્કર અભિપ્રાય રહેતો. અત્યાર સુધી અમે જે એજન્સીમાં કામ કરતા હોઈએ તેની ફિલોસોફી અપનાવતા હતા, પણ હવે સમય આવી ગયો હતો કે અમે અમારા કન્વિક્શન પ્રમાણે કામ કરીએ. મેં અને રઘુએ ખુદની એડવર્ટાઇઝિંગ એજન્સી ખોલવાનો નિર્ણય લીધો. અમે ક્રિએટિવિટી, સ્ટ્રેટેજી અને ડિઝાઇન આ ત્રણેય પાસાંને આવરી લેતી સંપૂર્ણ સર્વિસ એજન્સી ઊભી કરવા માગતા હતા. આ રીતે ૨૦૦૯માં સ્કેરક્રો કમ્યુનિકેશન્સ લિમિટેડનો જન્મ થયો."
મજાની વાત એ હતી કે એજન્સી કાયદેસર જન્મે તે પહેલાં જ રેલીગેર મેકવેરી નામની વેલ્થ મેનેજમેન્ટ બ્રાન્ડ તેમના પોર્ટફોલિયોમાં બોલતી હતી. કામમાં સરળતા માટે બીજા બે સાથીઓ જોડાયા - જોય સેનગુુપ્તા અને વિવેક સુચાન્તી. આ જ અરસામાં સરસ કામ કરતી ત્રણ ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓ એક-એક વર્ષના ગાળામાં શરૂ થઈ હતી - ટેપરુટ, ક્રિએટિવ લેન્ડ એશિયા અને સ્કેરક્રો. જોકે, આમાંથી ટેપરુટ હવે એક જાપાની એજન્સીમાં ભળી ગઈ છે.

આંગળીને વેઢે ગણી શકાય એટલા માણસોથી શરૂ થયેલી સ્કેરક્રોમાં હાલ ૭૫ માણસોનો સ્ટાફ છે. મુંબઈ ઉપરાંત દિલ્હીમાં પણ એની ઓફિસ ધમધમે છે. એજન્સીના પોર્ટફોલિયોમાં ૪૫ કરતાં વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ બોેલે છે. વિશ્વની ટોચની ઇન્ડિપેન્ડન્ટ એડ એજન્સીઓમાં સ્થાન પામી ચૂકેલી સ્કેરક્રો હવે મનીષ-રઘુના નામથી નહીં, પણ મનીષ-રઘુ હવે સ્કેરક્રોના નામથી ઓળખાય છે. મનીષ ભટ્ટ માટે આ મોટા સંતોષની વાત છે. ફ્રાન્સમાં યોજાતા કાન લાયન્સ, એબી સહિત કેટલાય નેશનલ અને ઇન્ટરનેશનલ એડ ફેસ્ટિવલ્સમાં જ્યુરી યા તો જ્યુરી ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા મનીષ ભટ્ટનું લેટેસ્ટ પેશન રેડિયો છે. વર્ચ્યુઅલ એડ મ્યુઝિયમ ઊભું કરવાનું સપનું હજુ તેમની આંખોમાં સળવળે છે.
એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં કરિયર બનાવવી હોય તો...
"એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં કરિયર બનાવવી હોય તો સૌથી પહેલાં તો તમારામાં મૂળભૂત ટેલેન્ટ અને કમ્યુનિકેશનની શિસ્ત હોવાં જોઈએ," મનીષ ભટ્ટ ટિપ્સ આપતાં કહે છે, "તમારી નિરીક્ષણશક્તિ સતેજ હોવી જોઈએ, કેમ કે આઇડિયાઝ આપણી આસપાસ જ હોય છે. અંગ્રેજી પર માસ્ટરી હોવી જરૂરી નથી, પણ જિંદગીને બધા રંગોમાં જીવવી જરૂરી છે. બને તેટલા વધારે લોકોને મળોે. સારા-ખરાબનો અભિપ્રાય બાંધ્યા વગર તેમને સમજવાની કોશિશ કરો. યુ નીડ ટુ કનેક્ટ વિથ પીપલ. દરેક ફિલ્મ, નાટક, વાર્તામાં એક મોમેન્ટ-ઓફ-ટ્રુથ હોય છે. તે સમજો. પ્લોટમાં જે ટ્વિસ્ટ્સ છે તેને સમજો. તમારે નવેનવ રસનો ઉપયોગ કરીને એવી એડ બનાવવાની છે જે લોકોને યાદ રહી જાય. ઇન્ટરનેટ પર adsoftheworld.com જેવી વેબસાઇટ્સનો અભ્યાસ કરો. જાતે એડ્સ બનાવવાની એક્સરસાઇઝ કરો. એડ એજન્સીઓની મુલાકાત લો, પૈસાની ચિંતા કર્યા વગર ઇન્ટર્નશિપ કરો. વિઝ્યુઅલ સ્કિલ અને વર્બલ સ્કિલ એટલે કે તમને દૃશ્યો અને શબ્દો આ બેમાંથી શામાં વધારે ફાવટ છે તે વિશે સ્પષ્ટ થાઓ. તમે સીધા ટીવી એડ્સથી શરૂઆત નહીં કરી શકો, તે માટે પ્રિન્ટનો થોડાં વર્ષનો અનુભવ જોઈએ."
આમ કહીને મનીષ ભટ્ટ એક સરસ વાત સાથે સમાપન કરે છે, "લાઇફને અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં વહેંચી દો. દરેક પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે એમાં આખી જિંદગી નીકળી જાય. જો આ રીતે જીવીશું તો જીવનની ગુણવત્તા બેસ્ટ જ હોવાની."
0 0 0 

1 comment: