Friday, June 26, 2015

વાંચવા જેવું: રાજપૂત મારી જાણે, ચારણ મરી જાણે!

ચિત્રલેખા - અંક તા. 22 જૂન ૨૦૧૫ માટે

કોલમ: વાંચવા જેવું

શૂરવીરતાને એક શાપ છે અવિચારીપણાનો. રાજપૂતો એટલે શૂરવીરતાનું પ્રતીક. રાજપૂતોની વીરરસભરી કથાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છેપણ આવા રાજપૂત ભારતને સાચવી ન શક્યા. દેશ તો ઠીકધર્મ અને મંદિરો પણ ન સચવાયાં. અરેરાજપૂતાણીઓને પોતાનું શિયળ બચાવવા જૌહરવ્રતમાં ભસ્મ થઈ જવું પડ્યું. રાજપૂતો સિવાય બીજી કોમમાં જૌહર થયાનું સાંભળ્યું નથી.
    

                                                                                                                

સૌરાષ્ટ્ર અને શૂરાતન - આ બે શબ્દ સાથે સાંભળીએ કે તરત આપણને ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારની અદભુત કથાઓ યાદ આવે. મૂળ કથામાં જ્યારે નવું અને તાજગીભર્યું અર્થઘટન ઉમેરાય ત્યારે એની સોડમ કેટલી આહલાદક રીતે બદલી જાય છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે આજનું પુસ્તક. સ્વામી સચ્ચિદાનંદે સૌરાષ્ટ્રનું શૂરાતનમાં મેઘાણી તેમજ અન્ય લેખકોએ લખેલી વાર્તાઓમાં પોતાની દષ્ટિ તેમજ વિચારોના રંગ ઉમેરીને સરસ ટ્વિસ્ટ આપ્યો છે. 

સૌરાષ્ટ્રમાં ઋષિઓથી માંડીને મહાત્મા ગાંધી સુધીના કેટલાય મહાન માનવરત્નો પેદા થયા જ છે. મજાની વાત એ છે કે અહીં મહાન બહારવટિયા પણ પેદા થયા છે! સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જેટલા બહારવટિયા સૌરાષ્ટ્રમાં પેદા થયા છે તેટલા કદાચ આખા દેશમાં પેદા થયા નહીં હોય. ચંબલના ડાકુની તુલના સૌરાષ્ટ્રના બહારવટિયા સાથે ન કરી શકાય, કેમ કે બન્નેના ચારિત્ર્યમાં આકાશપાતાળનું અંતર છે.

આજનાં પુસ્તકનો હેતુ પ્રજાને સાચી દિશામાં શૂરવીર થવાની પ્રેરણા આપવાનો છે. કેટકેટલી કથાઓ. એમાંની એકની જ ટૂંકમાં વાત કરીએ. જામનગરના તાબાનું લોંઠિયા ગામના પાદરે વહેતી સસોઈ નદીના સામે કાંઠે ચારણોનો નેસડો વસેલો. એક વાર એક વૃદ્ધ ચારણ ડોશીમા બેઠાંબેઠાં માળા ફેરવતાં હતાં. ઓચિંતું એક લોહીલુહાણ સસલું એમના ખોળામાં આવી પડ્યું. કશેક જાનમાં જઈ રહેલા રાજપૂત જાનૈયાથી  જીવ બચાવીને સસલું ભાગેલું. જુવાન જાનૈયા દેકારો કરતાં પાછળ પાછળ આવી પહોંચ્યા. ડોશીમાને કહે, ‘આઈ, અમારો શિકાર અમને આપી દો.આઈએ મક્કમતાથી કહ્યું, ‘ના! શિકાર તમારો હશે, પણ શરણાગત મારો છે. પ્રાણના ભોગે શરણાગતનું રક્ષણ કરવું એ અમારો અને તમારો પણ ધર્મ છે.

દારુના નશામાં છાકટા થયેલા જાનૈયાઓમાંથી એક ઝપટ મારીને ડોશીમાના હાથમાં સસલો પડાવી લીધો અને એની ડોક મરડીને મારી નાખી. આઈથી આઘાત જીરવાયો નહીં. એમણે ચિતા ખડકીને એના પર ચડી બેઠાં. આઈનું બલિદાન જોઈને નેસડાની બધી ચારણ બાઈઓને ચાનક ચડ્યું. જોતજોતામાં બાવીસ ચારણ બાઈઓએ અગ્નિમાં ઝંપલાવી દીધું. રાજપૂત મારી જાણે ને ચારણ મરી જાણે! આ બાજુ પેલા જુવાન જાનૈયા શેકાયેલા સસલાને ખાવા અંદરોઅંદર લડી પડ્યા. જોતજોતામાં બધા તલવારોના ઝટકે વેતરાઈ ગયા. આજે પણ સસોઈ નદીના એક કિનારે રાજપૂતોના પાળિયા છે, તો સામે કાંઠે નેહડામાં બાવીસ બાઈઓના પાળિયા છે.



સહેજે સવાલ થાય કે ક્ષુલ્લક કારણસર આટલી ભયાનક ખાનાખરાબી? સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે શૂરવીરતા સૌથી મોટો ગુણ મનાય છે, પણ શૂરવીરતાને એક શાપ છે અવિચારીપણાનો. રાજપૂતો એટલે શૂરવીરતાનું પ્રતીક. રાજપૂતોની વીરરસભરી કથાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છે, પણ આવા રાજપૂત ભારતને સાચવી ન શક્યા. દેશ તો ઠીક, ધર્મ અને મંદિરો પણ ન સચવાયાં. અરે, રાજપૂતાણીઓને પોતાનું શિયળ બચાવવા જૌહરવ્રતમાં ભસ્મ થઈ જવું પડ્યું. રાજપૂતો સિવાય બીજી કોમમાં જૌહર થયાનું સાંભળ્યું નથી. આવી મહાન કોમના માથે ત્રણ દોષ લાગેલા છે: એક, પરસ્પરની પ્રબળ ઈર્ષ્યા. બે, નાની-નાની તુચ્છ બાબતોને મોટું રુપ આપી લડી મરવું અને ત્રણ, એકતાનો અભાવ. સૌરાષ્ટ્રના શૂરવીરો ઉપર વારી જાવાનું મન થાય, પણ શૂરવીરતા બતાવવાના કારણ તરફ નજર કરીએ તો હસવું આવે, કરુણા છૂટે. નાની અને તુચ્છ વાતો ઉપર મોટાં ધીંગાણાં રચાયાં! ભારતનું શૂરાતન એળે ખર્ચાયું તેની ચિંતા થાય. સૌરાષ્ટ્રની શૂરવીરતા જેટલી પરસ્પર અથડાઈ છે તેટલી સીમાડા ઉપર નથી અથડાઈ. લશ્કરમાં કાઠી દરબારોની કોઈ રેજીમેન્ટ નથી.  

પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદના ક્વોટેબલ ક્વોટ્સની રેલમછેલ છે. સ્વામીજી પાસે તટસ્થ અવલોકનશક્તિ અને આગવો દષ્ટિકોણ છે. પ્રકરણે-પ્રકરણે વેરાયેલાં એમનાં મૌલિક અવતરણો પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણ:

- પરમપદથી ભાગી છૂટનારા ભગતડાં તો થાય, પણ પરમપદના અધિકારી ન થાય. ભારતમાં મોટા ભાગના પડકારોથી ભાગી છૂટનારા પરમપદના દાવેદાર થતા રહ્યા છે, જેમણે ભગતડાંની બહુ મોટી ફોજ તો ઊભી કરી છે, પણ આ ફોજે કોઈ ધીંગાણું જીત્યું દેખાતું નથી.

- માણસ તો ઘણા મળે પણ મર્દો ઓછા મળે. તલવારની મર્દાનગી કરતાં સંબંધની મર્દાનગી ઘણી મોટી હોય કહેવાય. વિપતકાળમાં પણ જે સંબંધમાં અડીખમ રહે અને નિભાવે તે અસલી મર્દ. એને વારેવારે વંદન કરીએ. દેવદર્શન કરતાં પણ મર્દદર્શન વધુ દુર્લભ કહેવાય.

- બાપમુખી પતિ નમાલો હોય. મામુખો પતિ માવડિયો હોય અને પત્નીમુખો પતિ ઘેલો હોય. આવા પતિ સાથે જેનું પનારું પડ્યું હોય તે તેજસ્વી પત્ની કદી સુખી ન થાય. સ્વમુખી પતિ જ પતિ કહેવાય.

- જે બધા પર તરત વિશ્ર્વાસ મૂકી દે, બધાને સજ્જન સમજે ને પછી છેતરાય એને ભોળો માણસ કહેવાય.  જે વારંવાર છેતરાયા કરે, અનુભવ પરથી કોઈ બોધપાઠ ન શીખે એને ભોટ કહેવાય. સામેના માણસની દાનત સમજીને તે  પ્રમાણે સંબંધ બાંધી વ્યવહાર કરે એ ચતુર. એ કોઈને છેતરે પણ નહીં અને ખુદ ક્યારેય છેતરાય પણ નહીં. લુચ્ચો એને કહેવાય, જે હંમેશા બીજાને છેતરતો રહે. એનામાં નર્યો સ્વાર્થ હોય અને એ જીંદગીભર દુર્જન તેમજ અવિશ્ર્વાસુ થઈને રહે. 

- વફાદારી જીવનનું ફિલામેન્ટ છે. ફિલામેન્ટ ઉડી જાય તો બલ્બ ટકાનો થઈ જાય. આ રીતે સંબંધોમાં પણ વફાદારીનું ફિલામેન્ટ હોય ત્યાં સુધી જ તેની કિંમત હોય છે. માણસની વફાદારીનું ફિલામેન્ટ ઊડી જાય તો તે માત્ર નકામો જ નથી થઈ જતો, તે વિશ્ર્વાસઘાતી થઈને દુશ્મન થઈ જતો હોય છે. જેમ વફાદારી વિપત્તિમાં પરખાય છે, તેમ વિશ્ર્વાસઘાત પણ વિપત્તિમાં જ પ્રગટે છે.

સ્વામી સચ્ચિદાનંદના ચાહકોને જ નહીં, બલ્કે સૌ કોઈને જલસો પડી જાય એવું સુંદર પુસ્તક!

0 0 0 

સૌરાષ્ટ્રનું શૂરાતન       
લેખક: સ્વામી સચ્ચિદાનંદ

 પ્રકાશક: ગૂર્જર સાહિત્ય પ્રકાશન,  અમદાવાદ-૬
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમત:   ‚. ૧૫૦ /
પૃષ્ઠ: ૨૫૬


 0 0 0 

No comments:

Post a Comment