Wednesday, June 17, 2015

મલ્ટિપ્લેક્સ : શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ?

Sandesh - Sanskar purti - 14 June 2015 

મલ્ટિપ્લેક્સ 

સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?વીસ વર્ષ પહેલાં 'રંગીલા' નામની મસ્તમજાની ફિલ્મ આવી હતી. એમાં નવી નવાઈનો ફિલ્મ ડિરેક્ટર બનેલો ગુલશન ગ્રોવર છાતી ફુલાવીને કહે છેઃ "મારી કોમ્પિટિશન અહીંના ડિરેક્ટરો સાથે થોડી છે? મારી કોમ્પિટિશન તો હોલિવૂડના ડિરેક્ટરો સાથે છે." ગુલશન ગ્રોવરના કિરદારનું નામ પાડવામાં આવ્યું હતું, સ્ટીવન કપૂર. એટલે કે શેખર કપૂર વત્તા સ્ટીવન સ્પીલબર્ગનાં નામોની ભેળપૂરી. વીસ વર્ષ પહેલાં સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ ગણાતા હતા. આજની તારીખે પણ સ્ટીવન સ્પીલબર્ગ હોલિવૂડમાં બાપ માણસ છે. દાયકાઓ સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?
શું કરે છે સ્ટીવન સ્પીલબર્ગ આજકાલ? ઘણું બધું. સૌથી પહેલાં તો એમણે પ્રોડયુસ કરેલી બ્રાન્ડ-ન્યૂ બ્લોકબસ્ટર 'જુરાસિક વર્લ્ડ' ભારત સહિત દુનિયાભરના દેશોમાં આ શુક્રવારે જ રિલીઝ થઈ. બાવીસ વર્ષ પહેલાં, ૧૯૯૩માં આપણે 'જુરાસિક પાર્ક'માં જીવતાજાગતા, ઉધામા મચાવતા રાક્ષસી ડાયનોસોરને જોઈને ચકિત થઈ ગયા હતા. આ ફિલ્મ સ્પીલબર્ગે ડિરેક્ટ કરી હતી. માઇકલ ક્રિચટન નામના જાણીતા સાયન્સ ફિક્શન રાઇટરે ૧૯૯૦માં 'જુરાસિક પાર્ક' નામની નવલકથા લખેલી. ધરતીના પટ પરથી જેનો હજારો વર્ષ પહેલાં સફાયો થઈ ચૂક્યો છે એવા ડાયનોસોર ધારો કે પાછા જીવિત થાય તો? 'જુરાસિક પાર્ક'નો આ કેન્દ્રીય વિચાર હતો. માઇકલ ક્રિચટનની નવલકથા છપાય તે પહેલાં જ એના પરથી ફિલ્મ બનાવવા માટે દોઢ મિલિયન ડોલરમાં રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા. પછી એમને ઔર પાંચ લાખ ડોલર આપીને કહેવામાં આવ્યું: ભાઈ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ તમે જ લખી આપો.
સ્ટીવન સ્પીલબર્ગે આ સ્ક્રીનપ્લેના આધારે એવી કમાલની ફિલ્મ બનાવી કે તરખાટ મચી ગયો. ૬૩ મિલિયનના ખર્ચે બનેલી'જુરાસિક પાર્કે' અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે? ૧૦૨૯ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૬૫,૯૮૦ અબજ રૂપિયા, ફક્ત! આ એક જ ફિલ્મના જોરે સ્પીલબર્ગે પોતે ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧૬ અબજ રૂપિયા) ઘરભેગા કર્યા છે. સિનેમાના ઇતિહાસની તે સૌથી સફળતમ ફિલ્મ ગણાઈ. 'જુરાસિક પાર્ક'નો બોક્સઓફિસ રેકોર્ડ ચાર વર્ષ પછી 'ટાઇટેનિકે' તોડયો.

'જુરાસિક પાર્ક'ના પ્રતાપે ડાયનોસોર નામનું આ મહાકદરૂપું અને કઢંગું પ્રાણી આબાલવૃદ્ધ સૌમાં એટલું બધું પોપ્યુલર બની ગયું કે વાત ન પૂછો. કહે છે કે ડાયનોસોર પર બીજી નવલકથા લખવાનો માઇકલ ક્રિચટનનો કોઈ ઇરાદો નહોતો, પણ સ્પીલબર્ગ સહિત સૌએ એવી જોરદાર ડિમાન્ડ કરી કે માઇકલભાઈની કલમ સટ-સટ-સટ કરતી ચાલવા લાગી. પુસ્તક બહાર પડયું એના પછીના વર્ષે ૧૯૯૬માં, આ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ બની. ૨૦૦૧માં ઔર એક સિક્વલ આવી- 'જુરાસિક પાર્ક-થ્રી'. થર્ડ પાર્ટ સાથે જોકે સ્પીલબર્ગ કે ક્રિચટન બન્નેમાંથી કોઈ સંકળાયા નહોતા. આ ફિલ્મને ખાસ હરખાવા જેવા રિવ્યૂઝ નહોતા મળ્યા, પણ આગલા બેય ભાગની માફક તે બોક્સઓફિસ પર હિટ તો થઈ જ.
આ શુક્રવારે રિલીઝ થયેલી 'જુરાસિક વર્લ્ડ'ને આ જ શૃંખલાની કડી સમજો. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક'માં ડાયનોસોરની દુનિયા જાહેર જનતા માટે ખુલ્લી મુકાય તે પહેલાં જ તેનો કચ્ચરઘાણ વળી જાય છે. 'જુરાસિક વર્લ્ડ'માં તે અધૂરું સપનું સાકાર થયું છે. ટૂરિસ્ટો ગીરના જંગલમાં સિંહ જોવા આંટા મારતા હોય તેમ અહીં ડાયનોસોરના ખેલ જોવા લોકો રીતસર લાઇનો લગાવે છે. મુખ્ય ડાયનોસોર અહીં લેબોરેટરીમાં પેદા કરવામાં આવ્યું છે! ફિલ્મમાં, ઓફકોર્સ, પરંપરા મુજબ શ્વાસ અધ્ધર થઈ જાય એવી ક્ટોકટીભરી સિચ્યુએશન્સ તો ઊભી થાય જ છે.
 'જુરાસિક પાર્ક' રિલીઝ થઈ તે પછીનાં બાવીસ વર્ષમાં આખી પેઢી બદલાઈ ગઈ છે. ઓરિજિનલ 'જુરાસિક પાર્ક' જોનારો આઠ વર્ષનો ટેણિયો આજે ત્રીસ વર્ષનો પુખ્ત માણસ બની ગયો છે. થિયેટરમાં જઈને ફિલ્મો જોનારાઓમાં ૧૮થી ૩૨ વર્ષના એજગ્રૂપવાળા લોકો બહુમતીમાં હોય છે. 'જુરાસિક વર્લ્ડ' બનાવતી વખતે પ્રોડયુસર તરીકે સ્ટીવન સ્પીલબર્ગનો આઇડિયા એ જ હતો કે ૧૮-૩૨ વર્ષવાળા ક્રાઉડને ફરી વાર શા માટે થિયેટર તરફ ન ખેંચવા. ખાટલે મોટી ખોડ એ છે કે ડાયનોસોર હવે પોતાનું નાવીન્ય સાવ ગુમાવી ચૂક્યું છે. વચ્ચેના બે દાયકામાં કેટલીય ફીચર ફિલ્મો અને એનિમેશન ફિલ્મોમાં ડાયનોસોર દેખાઈ ચૂક્યું છે. એનાં રમકડાં અને જાતજાતની પ્રોડક્ટ્સ વેચાઈ ચૂકી છે. તેથી જ ગયા વર્ષે 'જુરાસિક વર્લ્ડ'નું પહેલું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઓડિયન્સનો પ્રતિસાદ ઠંડો હતો. લોકોને 'જુરાસિક વર્લ્ડ' જોવા કરતાં 'મેડ મેક્સઃ ફ્યુરી રોડ' અને 'સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ'જેવી સિક્વલો જોવામાં વધારે રસ હતો. સ્પીલબર્ગના સદ્ભાગ્યે 'જુરાસિક વર્લ્ડ'ની રિલીઝ ડેટ નજીક આવતી ગઈ તેમ તેમ ફિલ્મ હોટ-એન્ડ-હેપનિંગ બનતી ગઈ, ઓડિયન્સમાં ફિલ્મ પ્રત્યેનું કુતૂહલ વધતું ગયું. આજની 'મલ્ટિપ્લેક્સ' કોલમ તમારે ત્યાં આવશે ત્યાં સુધીમાં 'જુરાસિક વર્લ્ડ'નાં પર્ફોર્મન્સના પ્રારંભિક રિપોર્ટ જાહેર થઈ ચૂક્યા હશે.
૧૫૦ મિલિયન ડોલર કરતાંય વધારે ખર્ચે બનેલી 'જુરાસિક વર્લ્ડ'ના ડિરેક્ટર છે કોલિન ટ્રેવોરો, જેમણે અગાઉ 'સેફ્ટી નોટ ગેરેંટેડ'નામની ઓછી જાણીતી ફિલ્મ બનાવી છે. આપણને રસ પડે એવી વાત એ છે કે 'જુરાસિક વર્લ્ડ'માં આપણા ઇરફાન ખાને એક્ટિંગ કરી છે. ડાયનોસોરવાળો જે એન્ટરટેઇનમેન્ટ પાર્ક બન્યો છે એના શ્રીમંત માલિકનો રોલ ઇરફાને કર્યો છે. એક કથા એવી છે કે બાવીસ વર્ષ પહેલાં 'જુરાસિક પાર્ક' ફિલ્મ આવી હતી ત્યારે ઇરફાન પાસે થિયેટરમાં જઈને ટિકિટ ખરીદવાના પૈસા નહોતા. નસીબની બલિહારી જુઓ કે ફિલ્મના ચોથા ભાગમાં ઇરફાન સ્વયં એમાં અભિનય કરે છે!
(Update: As on 18 June 2015, Jurassic World now holds the record for the biggest opening in movie history with roughly $209 million.)

Steven Spielberg while shooting Jaws

આ જ મહિને સ્ટીવન સ્પીલબર્ગની બીજી એક મહત્ત્વની ઇવેન્ટ પણ છે. ૨૧ જૂને સ્પીલબર્ગે ડિરેક્ટ કરેલી'જોઝ' ફિલ્મના ચાલીસ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે યુનિવર્સલ સ્ટુડિયો આખા અમેરિકાના પાંચસો થિયેટરમાં 'જોઝ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું છે. 'જોઝ'સ્પીલબર્ગે બનાવેલી કેટલીય યાદગાર ક્લાસિક ફિલ્મોમાંની એક છે. ખૂંખાર શાર્ક સામે બાથ ભીડતા ત્રણ આદમીની સાહસકથા ટીવી પર જોવાની આપણને આજેય મજા પડે છે. 'જોઝ' સ્પીલબર્ગની ભવ્યાતિભવ્ય કરિયરની બીજી જ ફિલ્મ. તે વખતે એમની ઉંમર હતી માંડ ૨૯ વર્ષ. આજે સ્પીલબર્ગ ૬૮ વર્ષના સિનિયર સિટીઝન છે. માત્ર નવ મિલિયન ડોલરના ખર્ચે બનાવેલી 'જોઝે'કેટલી કમાણી કરી હતી? ૪૭૦ કરોડ મિલિયન! સ્પીલબર્ગ પહેલેથી જ હોલિવૂડના સ્ટુડિયોના કમાઉ દીકરા રહ્યા છે.
બીજાઓને ચિક્કાર કમાવી આપતા માણસે ખુદ ચિક્કાર કમાવું જ જોઈએ. આ ન્યાયે સ્પીલબર્ગ પ્રોડયુસર ભલે બની ગયા, પણ કમાવાના ચક્કરમાં તેમણે પોતાની ભીતર રહેલા ડિરેક્ટરને ક્યારેય નિષ્ક્રિય થવા દીધો નથી. હાલ તેઓ 'બ્રિજ ઓફ સ્પાઈઝ'નામની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં બિઝી બિઝી છે. આ ફિલ્મનો હીરો છે, સ્પીલબર્ગનો ફેવરિટ ટોમ હેન્કસ. આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે - 'સેવિંગ પ્રાઇવેટ રાયન', 'કેચ મી ઇફ યુ કેન', 'ધ ટર્મિનલ' અને હવે 'બ્રિજ ઓફ સ્પાઇઝ'. સ્પીલબર્ગને યુદ્ધના વિષયો ખૂબ આકર્ષે છે. અમેરિકા-સોવિયેત રશિયા વચ્ચે ૧૯૫૭થી ૧૯૬૦ના દાયકાના પ્રારંભિક વર્ષો દરમિયાન કોલ્ડ વોર ચાલતું હતું. 'બ્રિજ ઓફ સ્પાઇઝ' આ શીત યુદ્ધના બેકગ્રાઉન્ડમાં આકાર લે છે. ફિલ્મમાં જેમ્સ ડોનોવેન નામના એક અમેરિકન લોયર-કમ- નેવી ઓફિસર-કમ-પોલિટિશિયનની વાત છે. એણે પોતાની સમગ્ર કરિયર અને વિશ્વસનીયતાને દાવ પર મૂકીને એક રશિયન જાસૂસનો બચાવ કર્યો હતો. આ ફિલ્મ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
Steven Spielberg with Tom Hanks: On the set of Bridge of Spies

સ્પીલબર્ગને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જીવનગાથા પણ ખૂબ આકર્ષે છે. જો ડેવિડ ઓયેલોવો નામનો અશ્વેત એક્ટર માની જાય તો તેઓ માર્ટિન લ્યુથર કિંગના જીવન પર ફિલ્મ બનાવવા માગે છે. તકલીફ એ છે કે ડેવિડે હજુ હમણાં જ 'સેલ્મા' નામની ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મમાં માર્ટિન લ્યુથર કિંગનો રોલ કર્યો છે. એકનો એક રોલ એક્ટર કેટલી વાર કરે. ખેર, આ ફિલ્મ બને કે ન બને, પણ સ્ટીવન સ્પીલબર્ગના જાદુના પટારામાંથી નવી નવી ફિલ્મો આવતી જ રહેવાની. ટચવૂડ!
શો-સ્ટોપર

ઘણા બધા લોકોને મારા પ્રકારની ફિલ્મો ગમતી નથી. હું એક પ્રોડક્ટ બનાવું તો સોએ સો ટકા લોકોને તે પસંદ પડે જ તે જરૂરી નથી. ઇટ્સ ઓકે. આમાં કંઈ કોઈ સાથે ઝઘડો કરવા ન બેસાય.
- રોહિત શેટ્ટી (ડિરેક્ટર)

1 comment:

  1. જુરાસિક વર્લ્ડ જોઈ થોડી ગમી !
    મેઈન વાર્તા ચાલુ કરવામાં બહુ સમય લીધો છે !
    પાર્કની મેનેજર ફક્ત તેના ભાણીયા જ બચવા ઝઝૂમે અને અન્ય વિઝીટરની દરકાર લે નહિ તે અને પાર્કનો માલિક હેલીકોપ્ટરમાં બેસીને ભાગતો હતો કે શું કરતો હતો તે સમજવાનું ચુકાઈ ગયું !
    પહેલીવાર ડાયનાસોર મુવી જોનારને ગમે,બીજાને સ્ટોરીની ખબર પડી જાય !

    ReplyDelete