Tuesday, April 21, 2015

ટેક ઓફ: ખુશ રહેવાની જીદ

Sandesh - Ardh-saptahik purti - 22 April 2015
ટેક ઓફ 
માંહ્યલો પીંખી નાખે, આખું અસ્તિત્વ કુંઠિત કરી નાખવાની ધાર સુધી ધકેલી દે તેવા અનુભવ પછી જીવનભર શરમ કે ગિલ્ટથી રિબાયા કરવાની જરૂર નથી. તે ઘટના વિશે લોકો સાથે આત્મવિશ્વાસપૂર્વક વાત કરી શકાય છે, ખૂલીને મુકાબલો કરી શકાય છે. હા, તે માટે જબરદસ્ત આંતરિક તાકાત જોઈએ. સુઝેટ જોર્ડન જેવી!


"હું મુંબઈના રેડલાઇટ એરિયામાં રહું છું..."
આટલું કહીને સોળેક વર્ષની એક તરુણી અટકી જાય છે. સામે ખુરશી પર ગોઠવાયેલા સાઠથી સિત્તેર લોકોની નજર એના ઘાટીલા ચહેરા પર તકાયેલી છે. ઊંચું કદ, શામળો વર્ણ, સુઘડ-શાલીન વસ્ત્રોમાં એ સ્કૂલ-કોલેજમાં જતી બીજી કોઈ પણ નોર્મલ તરુણી જેવી જ દેખાય છે. ફક્ત એની કહાણી બીજી છોકરીઓ કરતાં ઘણી જુદી અને ભયાવહ છે. હાથમાં પકડી રાખેલા માઇક ફરતે એની મુઠ્ઠી ઔર સજ્જડ બને છે. કદાચ એ મનોમન શબ્દો ગોઠવી રહી છે, કેમ કે હવે પછી એ જે કહેવાની છે તે ખૂબ સ્ફોટક છે. ઊંડો શ્વાસ લઈને, હિંમત કરીને એ બોલી નાખે છેઃ
"હું બાર વર્ષની હતી ત્યારે મારા પર મારા સરે બળાત્કાર કર્યો હતો."
એ પાછી અટકે છે, પણ ત્યાં સુધીમાં એને સાંભળી રહેલા લોકોના ચહેરા પર સ્તબ્ધતા લીંપાઈ ચૂકી છે.
"પછી તો આવું વારે વારે બનવા લાગ્યું. મારા સરે કેટલીય વાર મારા પર બળાત્કાર કર્યો. મને સમજાતું નહોતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું મૂંઝાયેલી-મૂંઝાયેલી રહેતી. હું શું કામ અત્યાચારનો ભોગ બની? હું મુંબઈના, કદાચ દેશના સૌથી મોટા રેડલાઇટ એરિયામાં રહેતી હતી એટલે. આ શબ્દ વાપરવા માટે માફ કરજો, પણ મારે એ વાપરવો પડશે, કેમ કે કમાઠીપુરાની છોકરી રંડીની ઓલાદ જ હોય એવું પેલા નરાધમે માની લીધેલંુ અને રંડીની ઓલાદ સાથે તો કંઈ પણ થઈ શકે! પણ મારી મા રંડી નથી. મારાં ગરીબ મા-બાપની ત્રેવડ નહોતી છતાંય ગમે તેમ કરીને મને ભણવા મોકલતાં અને આ મારો સર..."
તરુણીના અવાજમાં વેદના અને આક્રોશનું વજન ઊતરી આવે છે. લોકો સ્થિર થઈને એને સાંભળી રહ્યા છે.
"સમજણી થઈ પછી કેટલોય સમય હું શરમ અને ગિલ્ટ અનુભવતી રહી. મેં ઘરમાં કોઈને વાત ન કરી, કેમ કે મારા પિતાજી પથારીવશ છે અને માની તબિયત નરમગરમ રહ્યા કરે છે. હું અંદર ને અંદર શોષવાતી રહી, પણ પેલો મારો સર આજેય નફ્ફટ થઈને ફરે છે. આખરે એક દિવસ મેં નક્કી કર્યું કે બસ, હવે વધારે નહીં. આખરે મારો વાંક શો હતો? મેં શું ગુનો કર્યો હતો? શરમાવાનું મારા સરે હોય, મારે નહીં. આજે મેં પહેલી વાર આટલા બધા લોકો સામે જાહેરમાં મારી વાત રજૂ કરી છે. મારે રિબાઈ રિબાઈને નથી જીવવું. મારું જીવન, મારું શરીર, મારું મન મારાં પોતાનાં છે અને મને એના પર ગર્વ છે."
આટલું કહીને તરુણી બેસી જાય છે. બીજી એક છોકરી આગળ આવે છે. એની ઉંમર પહેલી છોકરી કરતાંય નાની છે. એના ચહેરા પર ગભરાટ છે, પણ ધીમે ધીમે ટૂંકમાં એ પોતાની વાત રજૂ કરે છેઃ
"હું એક સેક્સવર્કરની દીકરી છું. નાની હતી ત્યારે મને સેક્સ્યુઅલી એબ્યુઝ કરવામાં આવી હતી, પણ મેં એના આઘાતમાંથી બહાર આવી જવાનું નક્કી કર્યું છે."
જેના લીધે માંહ્યલો પીંખાઈ ગયો હોય અને આખુંય અસ્તિત્વ કુંઠિત થઈ જવાની ધારે પહોંચી ગયું હોય તેવા આ પ્રકારના અનુભવોને બીજાની સાથે ખાનગીમાં શેર કરવા માટે પણ તાકાત લગાડવી પડતી હોય છે, જ્યારે અહીં તો જાહેરમાં ખૂલીને તેના વિશે વાત થઈ રહી હતી. કેટલી બધી આંતરિક હિંમત જોઈએ તેના માટે! પણ આ એક ક્ષણ આત્માને કચડી નાખતા બોજને દૂર ફગાવી દેવાની ક્ષણ છે. આવી નિર્ણાયક પળો જીવનને મહત્ત્વનો વણાંક આપી દેતી હોય છે. મુંબઈના ખાર વિસ્તારમાં ગયા અઠવાડિયે 'ધ હાઈવ' નામના એક્ટિવિટી સેન્ટરમાં એક નાનકડી પણ નક્કર બેઠક યોજાઈ હતી. કલકત્તાની પાર્ક સ્ટ્રીટ રેપ સર્વાઇવર તરીકે જાણીતી બનેલી અને એકાદ મહિના પહેલાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત્યુ પામેલી ખુદ્દાર મહિલા સુઝેટ જોર્ડનની સ્મૃતિમાં આ મિટિંગ ગોઠવાઈ હતી. સુઝેટના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા અથવા તેની હિંમતથી પ્રેરાયેલા કેટલાક લોકો એકઠા થયા હતા. લેખની શરૂઆતમાં જેની વાત કરી તે બન્ને તરુણીઓએ અહીં જ પોતાની વાત શેર કરી હતી. આજે એ બન્ને એક સંસ્થાના સહયોગથી સુરક્ષિત માહોલમાં ભણી રહી છે, જીવનમાં આગળ વધી રહી છે.

કલકત્તામાં બે દીકરીઓ સાથે રહેતી એંગ્લો-ઇન્ડિયન સુઝેટ સિંગલ મધર હતી. ૨૦૧૨ની એક રાતે ક્લબમાંથી પાછા ફરતી વખતે થોડી વાર પહેલાં જ જેની સાથે પરિચય થયો હતો એવા એક પુરુષે એને કારમાં લિફ્ટ આપવાની ઓફર કરી. સુઝેટ કશું સમજે તે પહેલાં કારમાં પુરુષના ત્રણ દોસ્તારો પણ ઘૂસી ગયા અને પછી ચાલતી ગાડીએ એના પર ગેંગરેપ કરવામાં આવ્યો. સુઝેટને પીંખાયેલી હાલતમાં રસ્તા પર ફેંકી દઈને તેઓ નાસી ગયા. એ પોલીસ પાસે ફરિયાદ નોંધાવા ગઈ. આ પ્રકારના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ને પછી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન જે થતું હોય છે તે બધું જ સુઝેટ સાથે પણ થયું. ગંદી કમેન્ટ્સની વચ્ચે સવાલોની ઝડી વરસી. રાત્રે એકલી ક્લબ શું કામ ગઈ હતી? અજાણ્યા માણસ પાસે લિફ્ટ લેવાની શી જરૂર હતી? એ લોકોએ કઈ પોઝિશનમાં તારા પર રેપ કર્યો?
સુઝેટનો પાર્ક સ્ટ્રીટ રેપકેસ મીડિયામાં ઉછળ્યો. મીડિયાના રિપોર્ટ્સમાં બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરી શકાતી નથી એટલે ટીવી સ્ક્રીન પર સુઝેટનો ચહેરો બ્લર કરી નાખવામાં આવતો અથવા તેની પીઠ તરફ કેમેરા તાકીને ઇન્ટરવ્યૂ લેવાતો. પશ્ચિમ બંગાળનાં મહિલા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બફાટ કર્યો કે સુઝેટ જૂઠાબોલી છે, કલકત્તાનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બદનામ કરવા માટે એણે ખોટેખોટી વાર્તા ઉપજાવી કાઢી છે! આ સાંભળીને મીડિયા અને જનતાએ તોફાન મચાવી દીધું. બળાત્કાર જાણે ઓછો હોય તેમ એકલી પડી ગયેલી સુઝેટ પર પ્રકાર પ્રકારના સામાજિક-આર્થિક અત્યાચાર થતા રહ્યા.
"હું 'પાર્ક સ્ટ્રીટ રેપ વિક્ટિમ'ના લેબલથી ત્રાસી ગઈ હતી." સુઝેટે કહેલું, "મને સમજાયું કે જો મારે અન્યાય સામે લડવું હશે તો ચહેરો બેનકાબ કરવો પડશે. મારે શા માટે શરમાવું જોઈએ? મારે નહીં, પણ પેલા હેવાનોએ શરમાવાનું છે. મારું સતત અપમાન કરી રહેલા, મને કલંકિત કરવાની કોશિશ કરતા સમાજે શરમાવાનું છે."
અને સુઝેટે હિંમતભેર લોકો સામે આવવાનું શરૂ કર્યું. એનો ઇન્ટરવ્યૂ લેવા આવતા મીડિયાકર્મીઓને એ કહેતી કે પ્લીઝ મને પાર્ક સ્ટ્રીટ રેપ વિક્ટિમ કહેવાનું બંધ કરો. હું વિક્ટિમ નથી, હું સુઝેટ જોર્ડન છંું, એક મા છું, કોઈની દીકરી અને બહેન છું. મને મારા નામથી જ બોલાવો. ટીવી સ્ક્રીન પર મારો ચહેરો ઢાંકવાનું બંધ કરો.


સુઝેટે બળાત્કારનો ભોગ બનેલી અન્ય મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. એના દંભ વગરના જીવંત વ્યક્તિત્વથી કેટલાયને હિંમત મળી, પ્રેરણા મળી. માત્ર બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને જ નહીં, પણ જાતજાતની માનસિક ગ્રંથિઓથી પીડાતા લોકોને અને સામાન્ય લોકોને પણ. સુઝેટ શબ્દોમાં મૂક્યા વગર, કેવળ પોતાના જીવંતપણાથી લોકો સુધી એ વાત પહોંચાડી શકતી કે પ્રહાર ગમે તેટલા આકરા કે ઊંડા કેમ ન હોય, ઘાને પંપાળ્યા કરવાનો કોઈ મતલબ હોતો નથી. જિંદગી કોઈ બિંદુ પર અટકી પડવી ન જોઈએ. જીવી શકાય છે, ભરપૂરપણે જીવી શકાય છે. બસ, હિંમત જોઈએ અને ખુશ રહેવાની જીદ જોઈએ. 
હરીશ અય્યર નામનો યુવાન એક્ટિવિસ્ટ બાળપણમાં વર્ષો સુધી જાતીય શોષણનો ભોગ બન્યો હતો. એ કહે છે, "હું અને સુઝેટ હમદર્દ હતાં, એકમેકની પીડા સમજી શકતાં હતાં, કારણ કે અમે બેય તે વેદનામાંથી પસાર થયાં હતાં. આ પીડા જ અમારી દોસ્તીનો આધાર હતી. દુઃખને તાબે ન થવાની અમારી જીદ એટલી તીવ્ર હતી કે અમે અમારા અત્યાચારને યાદ કરીને મજાક સુધ્ધાં કરી લેતાં."
મજાક તો સુઝેટ પર બળાત્કાર કરવાના આરોપ હેઠળ બે વર્ષથી જેલમાં પુરાયેલા ત્રણ યુવાનો પણ ક્યાં નહોતા કરતા. જેલમાં મોબાઇલ રાખી શકાતા નથી, પણ કોઈક રીતે આ લોકોએ મોબાઇલ સ્મગલ કરેલા. હજુ હમણાં સુધી તેઓ ફેસબુક પર પોતાનાં પ્રોફાઇલ પિક્ચર્સ બદલ્યા કરતા હતા અને 'લાઇક્સ' મેળવતા હતા. ચાલીસ વર્ષની સુઝેટ જોર્ડનના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે આ નફ્ફટ જુવાનોએ જેલમાં મીઠાઈ વહેંચી હતી.
ખેર, સુઝેટના જુસ્સા સામે આ બધું ક્ષુલ્લક છે. સુઝેટના મિજાજના સ્પર્શથી ઘણા લોકોને હિંમત મળતી રહેવાની. કમાઠીપુરાની પેલી તરુણીઓની જેમ.
0 0 0 

1 comment:

  1. Excellent Piece Shishirbhai... Thx for sharing...

    ReplyDelete