Monday, February 23, 2015

મલ્ટિપ્લેક્સ : મેક્સિકન માસ્ટર

Sandesh - Sanskaar purti - 22 Feb 2015
મલ્ટિપ્લેક્સ 
"આપણે બધાએ આપણી ખુદની મીડિયોક્રિટી સામે, આપણા મામૂલીપણા સામે સતત યુદ્ધ કરતા રહેવું પડે છે." મલ્ટિપલ ઓસ્કરવિનર 'બર્ડમેન' ફિલ્મના સુપર ડિરેક્ટર અલજેન્દ્રો ઇનારીટુ કહે છે, "આપણને સૌને મીડિયોકર બની જવાનો ભયંકર ડર હોય છે. સૌને સ્પેશિયલ બનવું છે. વાલીઓ પોતાનાં સંતાનોને કહેતાં હોય છે કે બેટા, યુ આર સ્પેશિયલ... પણ વાસ્તવમાં આપણામાંથી કેટલા ખરેખર સ્પેશિયલ હોય છે? બહુ જ ઓછા. આપણને સૌને સ્વીકૃતિ જોઈએ છે, અટેન્શન જોઈએ છે, કોઈ આપણને ચાહે છે, આપણને પસંદ કરે છે તેવી ખાતરી જોઈએ છે. 'બર્ડમેન'માં આ લાગણીને એક્સપ્લોર કરવાની મેં કોશિશ કરી છે."


જે એક અદભુત સાઉથ અમેરિકન ફિલ્મમેકરની વાત કરવી છે. અલજેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીટુ એમનું નામ. આ માણસ એવી ફિલ્મો બનાવી જાણે છે, જેનો નશો દિવસો, અઠવાડિયાં, મહિનાઓ સુધી ઊતરતો નથી. આ વખતે ઓસ્કરમાં  'ધ ગ્રેટ બુડાપેસ્ટ હોટલ' અને અલજેન્દ્રોએ બનાવેલી 'બર્ડમેન'ને સૌથી વધારે નોમિનેશન્સ મળ્યાં છે. બન્નેને નવ-નવ. તેમાંથી કેટલાં નોમિનેશન્સ એવોર્ડ્ઝમાં પરિવર્તિત થાય છે તે આપણને આવતી કાલે વહેલી સવારે શરૂ થઈ જનારા ઓસ્કર સેરિમનીના લાઇવ કવરેજ જોતાં જોતાં ખબર પડી જવાની. ખેર, 'બર્ડમેન' કેટલા ઓસ્કર તાણી જાય છે તે વાત અત્યારે ગૌણ છે. મુખ્ય વાત છે, હાલ વિશ્વના સૌથી તેજસ્વી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફિલ્મમેકરોમાં સ્થાન પામનારા અલજેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીટુ છે કોણ? 
(તા.ક. 'બર્ડમેને' ચાર ઓસ્કર જીત્યાં- બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર, સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્ક્રીનપ્લે. 'ઘ ગ્રેટ બુડાપેસ્ટ હોટલ'ને પણ ચાર ઓસ્કર મળ્યાં - બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, કોસ્ચ્યુમ ડિઝાઈન, ઓરિજિનલ સ્કોર અને મેકઅપ-હેરસ્ટાઈલ.)
એમણે અત્યાર સુધીમાં એક સે બઢકર એક પાંચ ફિલ્મો બનાવી - 'અમરોસ પેરોસ' (૨૦૦૦), 'ટ્વેન્ટી વન ગ્રામ્સ' (૨૦૦૩), 'બેબલ' (૨૦૦૬), 'બ્યુટીફૂલ' (૨૦૧૦) અને 'બર્ડમેન' (૨૦૧૪). આ પાંચેપાંચ ફિલ્મો ઓસ્કરની વિવિધ કેટેગરીમાં નોમિનેટ થઈ ચૂકી છે. જાતજાતના એવોર્ડ્ઝનો આ ફિલ્મો પર વરસાદ વરસી ચૂક્યો છે. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીતી જનારા એ મેક્સિકોના પહેલા ફિલ્મમેકર બન્યા. એમની ફિલ્મોમાં કામ કરનારા એક્ટરોને પણ નોમિનેશન્સ મળ્યાં જ સમજો.
૫૧ વર્ષના અલજેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીટુની ફિલ્મોનું સ્ટ્રક્ચર પણ એના નામ જેવું જ આડુંટેઢું હોય છે. અભિષેક બચ્ચન-વિવેક ઓબેરોય-અજય દેવગણવાળી પેલી મસ્તમજાની 'યુવા' ફિલ્મ યાદ છે? બસ, ભારતીય ફિલ્મજગત જેને મસ્તક પર બેસાડે છે એવા મોંઘેરા મણિરત્નમને 'યુવા' બનાવવાની સોલિડ પ્રેરણા ઇનારીટુની સૌથી પહેલી સ્પેનિશ ફિલ્મ 'એમરોસ પેરોસ' પરથી મળી હતી. ઇનારીટુની ફિલ્મોમાં સામાન્યપણે એકસાથે અનેક વાર્તાઓ પોતપોતાની રીતે એકસાથે આકાર લેતી હોય. કોઈક બિંદુ પર આ બધી કથા એકમેક સાથે ઇન્ટરકનેક્ટ થતી હોય. જેમ કે, 'બેબલ'માં ચાર વાર્તાઓ છે, જે મોરોક્કો, મેક્સિકો, અમેરિકા અને જાપાનમાં લગભગ સમાંતરે આગળ વધે છે. ક્યાંક બની જતી ઘટનાના તરંગો દુનિયાના દૂર દૂરના છેડે કલ્પના પણ ન થઈ શકે તે રીતે પહોંચી જતા હોય તેવી વાત 'બેબલ'માં થઈ છે. 'બર્ડમેન' પોતાને ક્રિએટિવ સમજતી કોઈ પણ વ્યક્તિને ઝંકૃત કરી મૂકે તેવી ફિલ્મ છે. વર્ષો પહેલાં પક્ષીમાનવ ટાઇપના સુપરહીરો તરીકે હિટ ફિલ્મો આપી ચૂકેલો ને પછી હાંસિયામાં ધકેલાઈને અપ્રસ્તુત થઈ ચૂકેલો એક આધેડ એક્ટર ભયંકર ક્રિએટિવ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. બાપડાની કરિયર ખતમ થઈ ચૂકી છે, પણ હવે એને રંગભૂમિ પર એક્ટર-ડિરેક્ટર તરીકે ત્રાટકીને નવેસરથી તહેલકો મચાવી દેવાના ધખારા છે.
"આપણે બધાએ આપણી ખુદની મીડિયોક્રિટી સામે, આપણા મામૂલીપણા સામે સતત યુદ્ધ કરતા રહેવું પડે છે." ઇનારીટુ કહે છે, "આપણને સૌને મીડિયોકર બની જવાનો ભયંકર ડર હોય છે. સૌને સ્પેશિયલ બનવું છે. વાલીઓ પોતાનાં સંતાનોને કહેતાં હોય છે કે બેટા, યુ આર સ્પેશિયલ... પણ વાસ્તવમાં આપણામાંથી કેટલા ખરેખર સ્પેશિયલ હોય છે? બહુ જ ઓછા. આપણને સૌને સ્વીકૃતિ જોઈએ છે, અટેન્શન જોઈએ છે, કોઈ આપણને ચાહે છે, આપણને પસંદ કરે છે તેવી ખાતરી જોઈએ છે. 'બર્ડમેન'માં આ લાગણીને એક્સપ્લોર કરવાની મેં કોશિશ કરી છે."


'બર્ડમેન' ફિલ્મનું ચકિત કરી નાખે એવું પાસું એ છે, એનું સ્વરૂપ. આ આખી ફિલ્મ એક પણ કટ વગરના સળંગ શોટની જેમ આગળ વધે છે. જાણે રંગભૂમિ પર બે-અઢી કલાકનું નાટક ન જોતા હોઈએ! યાદ કરો, ૨૦૧૩માં આવલી 'ગ્રેવિટી' નામની જબરદસ્ત ફિલ્મ જેમાં લાંબા લાંબા શોટ્સ હતા. 'ગ્રેવિટી'ના ઓસ્કર વિનર સિનેમેટોગ્રાફર ઇમેન્યુએલ લુબેઝ્કીએ જ 'બર્ડમેન' શૂટ કરી છે. સહેજે સવાલ થાય કે ઇનારીટુએ આ ફિલ્મનું અશક્ય લાગતું શૂટિંગ એક્ઝેક્ટલી કેવી રીતે કર્યું હશે?
"આ ફિલ્મ વિચારી તે જ વખતે તેનું ફોર્મ પણ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું." તેઓ કહે છે, "મેં લાઇફમાં ક્યારેય નાટકો કર્યાં નથી એટલે ત્રણ વર્ષ તો મેં થિયેટરને સમજવામાં ગાળ્યાં હતાં. ફિલ્મની આખેઆખી સ્ક્રિપ્ટ આગોતરી તૈયાર હતી એટલે એક્ટરો ડાયલોગ્ઝ ગોખીને જ સેટ પર આવતા. તે લોકો આવે તે પહેલાં હું મારા આસિસ્ટન્ટ્સ વગેરેનો ડમી તરીકે ઉપયોગ કરીને કલાકારોની મૂવમેન્ટ્સ નક્કી કરી નાખતો. એક વાર સીન આ રીતે બ્લોક થઈ જાય પછી એક્ટરો સાથે ઇમોશન્સ અને ઝીણી ઝીણી સૂક્ષ્મતાઓ પર કામ કરવાનું બાકી રહે. સ્ક્રીન પર તમે જે જુઓ છો તે બધું જ પાક્કા રિહર્સલનું પરિણામ છે. આ ફિલ્મ એવી છે કે એમાં ઇમ્પ્રોવાઇઝેશનને સ્થાન જ નહોતું. કઈ લાઇન વખતે એક્ટરે કઈ તરફ વળવાનું, કેટલાં ડગલાં ભરવાનાં, કઈ ક્ષણે કયો દરવાજો ખૂલશે, એમાંથી કોણ કેવી રીતે બહાર નીકળશે એ બધ્ધેબધ્ધું પહેલેથી નક્કી હતું. સદ્ભાગ્યે મારા એક્ટરો એટલા મજબૂત હતા કે હું જે અચીવ કરવા ધારતો હતો તે કરી શક્યો." 
ટાઇટલ રોલમાં અસરકારક પર્ફોર્મન્સ આપનાર માઇકલ કિટન ખુદ અસલી જીવનમાં બેટમેનનો હિટ કિરદાર નિભાવી ચૂક્યા છે. ઇનારીટુએ જ્યારે માઇકલ કિટનને ફિલ્મની વાર્તા સંભળાવ્યા બાદ મેઇન રોલ ઓફર કર્યો ત્યારે સૌથી પહેલાં તો કિટને એમની સામે તાકીને પૂછી લીધું હતું: મારી મજાક કરો છો? ઇનારીટુએ એમને સમજાવવા પડયા કે, ના સર, તમને રોલ ઓફર કરવાનાં મારી પાસે નક્કર કારણો છે. વિચાર કરો, તમારા જેવો એક્ટર કે જે સ્વયં સુપરહીરો રહી ચૂક્યો હોય, તે બર્ડમેનની ભૂમિકામાં કેટલો બધો ઓથેન્ટિક લાગે! વળી, તમે ઇમોશનલ સીન્સ અને કોેમેડી બન્નેમાં એકસરખા કમ્ફર્ટેબલ છો. પછી એક્ટર-ડિરેક્ટર બન્ને ડિનર પર ગયા, વાઇનની આખી બોટલ ઢીંચી ગયા. વળતી વખતે માઇકલ કિટન મને ઘર સુધી મૂકી ગયા અને ગૂડબાય કહેતા પહેલાં કહી દીધું: આઈ એમ ઇન. હું કરીશ તારી ફિલ્મ!
આ ફિલ્મ ખરેખર જોખમી છે. તે ઊંધા મોંએ પછડાઈ શકી હોત. ઇનારીટુ આ શક્યતાથી સભાન હતા? હા, સારી રીતે. અગાઉ ચાર-ચાર અદ્ભુત ફિલ્મો બનાવી ચૂકેલા ઇનારીટુનો જવાબ સાંભળવા જેવો છે, "મને લાગતું હતું કે આળસુનો પીર થઈ ગયો છું ને મને કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આદત પડી ગઈ છે. તમે ટિપિકલ સ્ટાઇલથી ફિલ્મ બનાવો ત્યારે તમારી નીચે સેફ્ટી નેટ તૈયાર જ હોય છે, એટલે પડો તોય હાડકાં ભાંગવાનો સવાલ જ ઊભો થતો નથી. તમે શૂટિંગમાં ગોટાળા કર્યા હોય તોય એડિટિંગ દરમિયાન તમારી ભૂલો આરામથી છુપાવી શકો છો. મને થવા માંડયું હતું કે હું એડિટિંગ પર વધારે પડતો આધાર રાખવા માંડયો છું કે શું? આથી મારે 'બર્ડમેન'માં જાણીજોઈને એવું રિસ્ક ઉઠાવવું હતું જેમાં ભૂલો કરવાની લક્ઝરી જ ન મળે."

અલજેન્દ્રો ઇનારીટુએ અંગત જીવનમાં ઘણી ભૂલો કરી છે. અલબત્ત, એ ભૂલો પરિપકવ બનવાની પ્રક્રિયાનો જ એક હિસ્સો હતી. સાત ભાઈ-બહેનોમાં એ સૌથી નાના. ટીનેજર અવસ્થામાં એટલા વંઠી ગયા હતા કે એમની મા ત્રાસી જતી. સોળ વર્ષની ઉંમરે એમને હિપ્પી બનવું હતું. અનલિમિટેડ સેક્સ અને ડ્રગ્ઝ મળતાં રહે તે માટે નહીં, પણ સતત એક સ્વપ્નિલ અવસ્થામાં જીવતા હોવાનો ભાસ થતો રહે તે માટે. હિપ્પીઓની જિંદગી એમને અતિ શુદ્ધ અને કવિતા જેવી લાગતી!
"મારા પપ્પા જેવા મસ્ત માણસ મેં ક્યાંય જોયા નથી." તેઓ કહે છે, "એ કંઈ બહુ પૈસાદાર નહોતા, પણ તોય એ જમાનામાં એમણે મને એક હજાર ડોલર રોકડા ગણી આપ્યા કે જેથી હું યુરોપ અને આફ્રિકામાં એક આખું વર્ષ મારી રીતે એકલો રખડપટ્ટી કરી શકું. આ એક હજાર ડોલર અને એક વર્ષે મને એટલા અદ્ભુત અનુભવો આપ્યા કે એનું ભાથું આખી જિંદગી સુધી ચાલશે. મને સમજાયું કે જે ક્ષણે તમે આઝાદ થાઓ છે તે જ ક્ષણથી તમારે જવાબદાર પણ બની જવું પડે છે. માણસ સાવ એકલો હોય અને આસપાસ કોઈ સપોર્ટ સિસ્ટમ ન હોય ત્યારે એણે પોતાની રીતે ત્રીજું નેત્ર વિકસાવવું જ પડે છે."
અલજેન્દ્રો ઇનારીટુ કરિયરની શરૂઆતમાં એક રેડિયો સ્ટેશન પર હોસ્ટ બન્યા. એમને ફિલ્મમેકર બનવું હતું એટલે શૂટિંગનો અનુભવ લેવા માટે એડવર્ટાઇઝિંગના ક્ષેત્રમાં ગયા. ચિક્કાર એડ્સ બનાવી, જાતે એડિટ કરી, બહુ બધા અખતરા કર્યા. એમણે જ્યારે પહેલી ફિલ્મ બનાવવાની શરૂ કરી ત્યારે મેક્સિકોના કોઈ ફિલ્મમેકર પાસે ન હોય એટલો બધો શૂટિંગનો અનુભવ મેળવી ચૂક્યા હતા. અલબત્ત, એડ બનાવવી અને ફિલ્મ બનાવવી બન્ને અલગ બાબતો છે, પણ એડ્સનો રિયાઝ એમને ફિલ્મમેકિંગમાં ખૂબ ઉપયોગી નીવડયો. આજે તેઓ એવા મુકામ પર પહોંચી ગયા છે કે દુનિયાભરના ફિલ્મમેકરોને તેમનું કામ જોઈને પ્રેરણા મળે છે. હાલ તેઓ ઔર એક ફિલ્મ બનાવવામાં બિઝી થઈ ગયા છે, જેનું ટાઇટલ છે, 'ધ રેવેનન્ટ'. ઐતિહાસિક બેકગ્રાઉન્ડ ધરાવતી આ થ્રિલરમાં 'ટાઇટેનિક'વાળો લિઓનાર્ડો દ કેપ્રિયો મેઇન હીરો છે.
લાખ લાખ અભિનંદન, સર! 

No comments:

Post a Comment