Friday, February 6, 2015

ટેક ઓફ : ઉમાશંકર જોશીએ જ્યારે પન્નાલાલ પટેલને લેખનની દીક્ષા આપી...

Sandesh - Ardh Saptahik purti - 4 Feb 2015
ટેક ઓફ 
"... જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો."
Pannalal Patel

ન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી. બન્ને ગુજરાતી સાહિત્યજગતનાં અમર નામ. બન્ને સમવયસ્ક અને સમકાલીન. પન્નાલાલનો જન્મ ૧૯૧૨માં. ઉમાશંકર તેમના કરતાં એક વર્ષ મોટા. બન્ને ભર્યાભાદર્યા પરિવારના ફરજંદ. પન્નાલાલના કુટુંબમાં માતા-પિતા, બે મોટા ભાઈ, ત્રણ મોટી બહેનો, ઓરમાન મા અને તેમનાં દીકરા-દીકરી. ઉમાશંકરને છ સગાં ભાઈઓ ને બે બહેનો. કિશોરવયમાં બન્ને ઈડરની એક જ ર્બોિંડગમાં રહીને ભણ્યા. આમ તો ર્બોિંડંગ હાઉસ અંગ્રેજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ હતી, પણ આ બન્નેને સ્પેશિયલ કેસ તરીકે તેમાં એડમિશન મળ્યું હતું. પન્નાલાલ તીવ્ર આર્થિક ભીંસ વચ્ચે માંડમાંડ ભણતરનું ગાડું ચલાવવા મથતા હતા. ઉમાશંકરે એડમિશન લીધું ત્યારે પન્નાલાલ ચોથા ધોરણમાં ભણતા હતા. અભ્યાસમાં પન્નાલાલ એટલા બધા તેજસ્વી નહીં, પણ સ્વાવલંબી પૂરેપૂરા. આત્મવિશ્વાસ પણ ભરપૂર. ઉમાશંકરે કિશાર વયના પન્નાલાલનું સુંદર સ્મૃતિચિત્ર ઉપસાવ્યું છેઃ "પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો - બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો, પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો - કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી "હું સમજું છું બધું" એવી ચમક. મને સૌથી વધારે આકષર્તી વસ્તુ તે એમની મોકળાશભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિઓમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા."
ઉમાશંકરે દસથી સોળ વર્ષની ઉંમર ઈડરના આ છાત્રાલયમાં વિતાવી. અહીં ગામડાના કેટલાક મોટી ઉંમરના કદાવર પટેલ,રાજપૂત અને આદિવાસી છોકરાઓ પણ રહેતા. સૌ માથે સાફો બાંધતા અને પરીક્ષા વખતે પાસેની ધનેશ્વરની ડુંગર પરની દેરીઓમાં અથવા પડખેની સડકો પરના આંબાઓની ડાળો ઉપર બેસીને વાંચતા.
કમનસીબે પન્નાલાલ આઠમા ધોરણના વેકેશનમાં ગયા પછી પાછા આવ્યા જ નહીં. એમના નિશાળના ભણતર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. ર્બોિંડગમાં ડિપોઝિટ રૂપે એક પૂરો રૂપિયો એમણે જમા કરાવ્યો હતો. અભ્યાસ અટકી ગયો એટલે ડિપોઝિટનો રૂપિયો એમને મનીઓર્ડરથી પાછો મોકલવાનું કામ ઉમાશંકરને સોંપવામાં આવ્યંુ હતું. ફોર્મ જોઈને પોસ્ટમાસ્તરે પૂછેલું: "રૂપિયો આખેઆખો મોકલવાનો છે? મનીઓર્ડરનો ખર્ચ કાપ્યા વિના?"
ઉમાશંકર એ વખતે પન્નાલાલથી છૂટા પડેલા તે છેક બાર વર્ષ પછી એમનો ભેટો થયો - અમદાવાદમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં. એ વર્ષ ૧૯૩૬નું. પ્રેમાભાઈ હોલમાં યોજાયેલા આ અધિવેશનના પ્રમુખ કોણ હતા? સ્વયં મહાત્મા ગાંધી! પચીસ વર્ષના ઉમાશંકર જોશી યુવા તેજસ્વી કવિ તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા. એકલા ઉમાશંકર જ નહીં, તેમના હમઉમ્ર કવિમિત્ર સુંદરમ્ની ખ્યાતિ પણ ફેલાઈ ચૂકી હતી. એ પણ સંમેલનમાં આવવાના હતા. ઉમાશંકર તે વખતે મુંબઈ રહેતા. મુંબઈથી અમદાવાદ પહોંચે તે પહેલાં પન્નાલાલે એમને કાગળ લખ્યો હતો. પન્નાલાલને તે વખતે પન્નાલાલ પટેલ બનવાની ઘણી વાર હતી, પણ એમણે લખેલા પત્રની ભાષા એટલી દમદાર હતી કે ઉમાશંકરને તેમની સર્જનશક્તિનો અણસાર તો એ જ વખતે મળી ગયો હતો.
પ્રમોદકુમાર પટેલ લિખિત અને રમણલાલ જોશી સંપાદિત 'પન્નાલાલ પટેલ' નામના પુસ્તકમાં આપેલી વિગતો પ્રમાણે, બાર વર્ષે ઉમાશંકર એમના બાળસખા પન્નાલાલને સંમેલનમાં ઉષ્માપૂર્વક મળે છે, વચ્ચેના સમયમાં શું શું બન્યું તેની વીતકકથા સાંભળે છે.

"... અને લેખક માટે જરૂરી જીવનાનુભવનું ભાથું તૈયાર થયું છે એવી જ કોઈ પ્રતીતિ તેમના (એટલે કે ઉમાશંકરના) અંતરમાં જન્મી હશે. એટલે પન્નાલાલને તેઓ લેખનની દીક્ષા આપે છે અને પન્નાલાલે કલમ પકડી."
સ્થૂળ રીતે કહી શકાય કે, પન્નાલાલ પટેલે લેખક તરીકે જન્મ લીધો તે આ ક્ષણ હતી. ઉમાશંકર તે દિવસોમાં મુંબઈ રહેતા હતા એટલે એમણે પન્નાલાલનો હવાલો સુંદરમ્ને સોંપ્યો. આ રીતે પન્નાલાલ તે સમયના બન્ને ઉચ્ચ કોટિના યુવાન સર્જકોના સીધા સંપર્કમાં આવ્યા. મીટર રીડિંગનું કામ કરતાં કરતાં પન્નાલાલે શરૂઆતમાં તો કવિતાઓ રચી. સુંદરમ્ને તે બતાવી, પણ સુંદરમ્ જેવા સુંદરમ્ નબળી કૃતિ માટે ઠાલેઠાલા વાહ વાહ શાના કરે? શક્ય છે કે સુંદરમે્ કદાચ સ્પષ્ટપણે ટીકા ન પણ કરી હોય, પણ તેમના ચહેરાના હાવભાવ જોઈને પન્નાલાલ સમજી ગયા કે કવિતામાં આપણું કામ નહીં. ગુજરાતી સાહિત્યના એ સદ્ભાગ્ય કે પન્નાલાલ વહેલાસર પદ્ય છોડીને ગદ્ય તરફ વળી ગયા. એમણે ટૂંકી વાર્તાઓ લખવાની કોશિશ કરી જોઈ. એમની વાર્તાઓ વાંચતી વખતે સુંદરમ્ના ચહેરા પણ સ્મિત આવી જતું એટલે અડધી સફળતા તો ત્યાં જ મળી જતી. 'શેઠની શારદા' શીર્ષકધારી વાર્તા 'ફૂલછાબ'માં સ્વીકારાઈ અને છપાઈ એટલે પન્નાલાલને પાનો ચડયો. એ વખતે રામનારાયણ પાઠક 'પ્રસ્થાન' સામયિક સંભાળતા હતા. સંપાદક-વિવેચક તરીકે તેઓ અત્યંત કડક, પણ એમની કસોટીમાંથીય પન્નાલાલ પાસ થઈ ગયા. 'ધણીનું નાક' અને 'સુખદુઃખના સાથી' નામની બબ્બે વાર્તાઓને 'પ્રસ્થાન'માં સ્થાન મળ્યું એટલે સમજોને કે પન્નાલાલ પટેલ પર વાર્તાકારનો આઈએસઆઈ માર્કો લાગી ગયો!


પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યજગતનો એક સર્વસ્વીકૃત ચમત્કાર છે. માંડ આઠ ચોપડી ભણેલા માણસમાં સાહિત્યનો અજાયબ ઝરો કેવી રીતે ફૂટી નીકળ્યો કે ક્યારેય ન ભૂલી શકાય એવી કંઈકેટલીય નવલિકાઓ અને 'માનવીની ભવાઈ' તેમજ 'મળેલા જીવ'કક્ષાની માતબર નવલકથાઓ વગેરે એમની કલમમાંથી ટપકતું રહ્યું? 'મળેલા જીવ' નવલકથા આખેઆખી એમણે ફક્ત બાવીસ-ચોવીસ દિવસમાં લખી નાખી હતી! 'પન્નાલાલ પટેલ' પુસ્તકમાં કહેવાયું છેઃ
"બીજાઓને તો ઠીક, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતનાનું વિસ્મય રહ્યા કર્યું છે. તેમણેે 'મળેલા જીવ'નું લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું, એ ઘટનાને "સર્જન નહીં, અવતરણ કરું" એવું કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખીય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે."
સાહિત્ય પરિષદના એક અધિવેશનમાં પોતાના વક્તવ્યમાં તેમણે કહેલું કે, "બીજા સર્જકોની તો મને ખબર નથી, પણ મારા વિશે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે."
પન્નાલાલ ખરેખર નસીબદાર કે એમના પર મા સરસ્વતીની આવી કૃપા ઊતરી. બાકી અસંખ્ય લેખકો બિચારા મહેનત કરી કરીને આખી જિંદગી ઘસી નાખે તોય ચિરંજીવ તત્ત્વવાળું તો ઠીક, સાધારણ સારું સાહિત્ય પણ સર્જી શકતા નથી. અલબત્ત, પન્નાલાલના સર્જકકર્મનો સઘળો જશ માત્ર એમના સદ્ભાગ્યને આપી દેવાની ભૂલ કરવા જેવી નથી. એમના ખુદના જીવનના અનુભવોએ એમની કલમને નિખારી છે. એક જગ્યાએ પન્નાલાલે કહ્યું છેઃ
"... જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો. હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી, વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે."
નાનપણમાં ઉમાશંકર જોશીની સાથે છાત્રાલયમાં રહેનારા અને જુવાનીમાં એમની પાસેથી લેખનની દીક્ષા લેનારા પન્નાલાલ પટેલ બન્ને જુદી જુદી ભ્રમણકક્ષાઓમાં ખૂબ ઊંચાઈ પર બિરાજ્યા. બન્ને જ્ઞાાનપીઠ પારિતોષિક વિજેતા બન્યા અને માંડ ચારેક મહિનાના અંતરે મૃત્યુ પામ્યા તે પણ કેવો યોગાનુયોગ!

0 0 0 

No comments:

Post a Comment