Tuesday, October 15, 2013

ટેક ઓફ : ખાવું, પીવું, જીવવું, લખવું...

Sandesh - Ardh Saptahik Purti -16 Oct 2013

ટેક ઓફ 

'ઇટપ્રેલવપુસ્તકથી વિશ્વવિખ્યાત બની ગયેલાં લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ એક સમયે બારમાં પુરુષોને દારૂ પીરસવાનું કામ કરતાં ને 'ધ ક્વીન ઓફ ધ ગટર'નું બિરુદ પામીને રાજી થતાં. કલાકાર અનુભવોના દરિયામાં છલાંગ મારતો નથી ત્યાં સુધી એની કલા ખીલતી નથી...

'ઇટ, પ્રે, લવ' પુસ્તક લખીને વિશ્વવિખ્યાત થઈ ચૂકેલાં એલિઝાબેથ ગિલ્બર્ટ નામનાં લેખિકા આજકાલ ફરી ન્યૂઝમાં છે. હમણાં જ એમની'ધ સિગ્નેચર ઓફ ઓલ ધ થિંગ્સ' નામની નવીનક્કોર નવલકથા પ્રગટ થઈ. 'ઇટ, પ્રે, લવ' (૨૦૦૬) નોન-ફિક્શન છે, જેની આજ સુધીમાં એક કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે. તેમાં એલિઝાબેથે પોતાના લગ્નવિચ્છેદ, એની પ્રતિક્રિયા રૂપે જન્મેલો પ્રેમસંબંધ, આ રિલેશનશિપે આપેલી પીડા, સંબંધોની ભાંગતૂટને કારણે સર્જાયેલું તીવ્ર ડિપ્રેશન અને એમાંથી બહાર આવવાની મથામણ અફલાતૂન રીતે વર્ણવી છે.
'ઇટ, પ્રે, લવ' પરથી જુલિયા રોબર્ટ્સના અભિનયવાળી એક નબળી ફિલ્મ બની છે તે જાણીતી વાત છે, પણ એલિઝાબેથ ગિલ્બર્ટની કૃતિ પરથી બીજી એક પણ ફિલ્મ બની ચૂકી છે એ વાત બહુ પ્રકાશમાં આવી નથી. આ ફિલ્મ એટલે 'કોયેટો અગ્લી'એમાં બારના કાઉન્ટર પર કે ટેબલ પર ચડીને નાચતાં નાચતાં પુરુષોને દારૂ પીરસતી યુવતીઓની વાત છે. આ પણ આત્મકથનાત્મક લખાણ છે, જે 'જી ક્યૂં' મેગેઝિનના માર્ચ ૧૯૯૭ના અંકમાં છપાયું હતું. ભૂતકાળમાં એલિઝાબેથે સ્વયં બારટેન્ડર તરીકે એક વર્ષ કામ કરી ચૂક્યાં છે. પોતાના અનુભવના આધારે આ વિસ્તૃત લેખ લખ્યો ત્યારે તેઓ ૨૭ વર્ષનાં હતાં. આ લેખ પછી જ લેખિકા તરીકેની કરિયરનું ખરું ટેક-ઓફ થયું.
બીબાંઢાળ અને અનુભવશૂન્ય જીવન લેખક બનવા માટે ફળદ્રુપ પુરવાર થતું નથી. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે કે, "લેખકના જીવનમાં ઘટનાઓ બનતી રહેવી જોઈએ અને જો જીવન સ્થગિત થવા માંડે તો લેખકે ઘટનાઓ પેદા કરવી જોઈએ." આ કલાકારનો મિજાજ છે. અલબત્ત, જીવનને કૃત્રિમ રીતે ઘટનાપ્રચૂર બનાવી શકાતું નથી. જિંદગી સ્વાભાવિક લયમાં વહેતી રહેવી જોઈએ. કલાકાર જો નસીબદાર હોય તો જિંદગીના પ્રવાહમાં અણધાર્યા વણાંકો અને પડાવો આવતા રહે છે, અકલ્પ્ય આરોહ-અવરોહમાં જીવન ઊંચકાતું-પછડાતું રહે છે, સુખ અને પીડા વરસતી રહે છે. આ બધું એની ક્રિએટિવિટી માટે મહામૂલાં 'ઇનપુટ્સ' છે.
એલિઝાબેથ ગિલ્બર્ટે જીવનને અનુભવોથી સમૃદ્ધ બનાવવા શું કર્યું? કેમિકલ એન્જિનિયર પિતાની અને સારા ઘરની આ દીકરી ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થાય છે, ક્રિએટિવ રાઇટિંગનો કોર્સ કરે છે. સીધીસાદી નોકરી લઈ લેવાને બદલે રેસ્ટોરાંઓમાં વેઇટ્રેસ તરીકે જોબ કરે છે. પશ્ચિમના સમાજની આ મજા છે. અહીં કોઈ કામ નાનું કે ઊતરતું નથી. દુનિયાને જોવા-સમજવા માટે તેમજ લખવાનો મસાલો મળી રહે તે માટે એલિઝાબેથ યુરોપ અને સાઉથ અમેરિકામાં રખડે છે. પાછાં ન્યૂ યોર્ક આવે છે, લખવાનું ચાલુ રાખે છે અને નાની-મોટી નોકરીઓ કરતાં રહે છે. આમાંની એક નોકરી એટલે ન્યૂ યોર્કના 'કોયોટી અગ્લી સલૂન' નામના બારમાં બારટેન્ડરની એટલે કે પુરુષોને દારૂ પીરસવાની જોબ.

એલિઝાબેથ એ વખતે પચીસ વર્ષનાં અને બારટેન્ડર તરીકે કામ કરવાનો કોઈ અનુભવ નહોતો. બારની માલિકણ લિલીએનાનું નિરીક્ષણ કરતાં રહીને ધીમે ધીમે બધું શીખ્યાં. પહેલી શિફ્ટને અંતે લિલીએનાએ બે જ સૂચના આપી, એક, ડ્રિંક્સ ફટાફટ બોટલમાંથી બહાર કાઢવાનાં અને ફટાફટ મિક્સ કરવાનાં. સૂચના નંબર બે, આટલાં બધાં કપડાં પહેરીને નહીં આવવાનું!
લિલીએના બોસ તરીકે ભારે ખડૂસ. કોઈ બારટેન્ડર કન્યા કશીક ભૂલ કરે તો કોઈ પણ જાતના ખુલાસા વગર એને કાઢી મૂકે. કોઈ છોકરી વધુ પડતી નાજુક, શરમાળ કે નમ્ર હોય તો એની નોકરી વધારે ન ચાલે. ક્યારેક તો એક જ રાતમાં છોકરીને દરવાજો દેખાડી દે. એક વાર એલિઝાબેથે ગ્રાહકના હાથમાં મગ થમાવીને કહ્યું, હિઅર્સ યોર બિયર, સર! પત્યું. પાછળથી લિલીએના જોરથી ચિલ્લાઈઃ આ સર-સર શું છે? આવા સભ્ય શબ્દો અહીં નહીં વાપરવાના!
એલિઝાબેથને ખબર નહોતી કે 'કોયેટી અગ્લી સલૂન'માં પોતે કેટલું ટકશે. અહીં નોકરી ટકાવી રાખવાનો સઘળો આધાર એ બાબત પર રહેતો કે બારટેન્ડર ગ્રાહકને કેટલી વધારે વખત બારમાં બેસાડી રાખી શકે છે અને પછી એને બીજા અઠવાડિયે ફરીથી પાછા ખેંચી લાવવામાં કામિયાબ થાય છે કે કેમ! યાદ રહે, આ કંઈ પિકઅપ જોઇન્ટ કે મુંબઈના ડાન્સબાર જેવી જગ્યા નહોતી કે જ્યાં બારગર્લ્સ શરીર ધ્રુજાવતી નાચતી હોય અને શિફ્ટ પૂરી થાય પછી કોલગર્લ તરીકે કામ કરે. અહીં બારટેન્ડર-બાળાઓએ પ્રીફરેબલી નાચતાં નાચતાં દારૂ પીરસવાનો હોય, દુઃખી-ઉદાસ ગ્રાહક પ્રત્યે સહાનુભૂતિ અને દોસ્તી દેખાડવાનાં હોય, જરૂર પડયે એમને કંપની આપવા પોતે પણ થોડો-થોડો દારૂ પીવાનો. જોકે એલિઝાબેથ લખે છે, "અમારે થોડા લાર્જર-ધેન-લાઇફ રહેવું પડતું. અમે ગુડ-ટાઇમ ગર્લ્સ હતી. અમે ડાન્સહોલ હૂકર્સ અને ગેંગસ્ટર ફરતે લટુડાપટુડા કરતી લલનાઓના વર્ણસંકર જેવી પ્રજાતિ હતી. હું બોલવામાં સ્માર્ટ હતી. સામેવાળાને ફટાક કરતો રમૂજી જવાબ આપી શકતી. કેટલાય પુરુષો મારા રેગ્યુલર ગ્રાહકો હતા. એમને અને એમના દોસ્તોને હું જ સર્વ કરું એવો તેમનો આગ્રહ રહેતો."


દારૂ પીધા પછી ઇમોશનલ થઈને લગ્નનો પ્રસ્તાવ મૂકતાં પુરુષોની સંખ્યા પણ ઓછી નહોતી. એક ચોક્કસ ગ્રાહક એવો હતો જેની પાસેથી એલિઝાબેથ જેટલી વાર બાજુમાંથી પસાર થતી ત્યારે દર વખતે આ એકનો એક સંવાદ થતો. ગ્રાહક પૂછે:

"વિલ યુ મેરી મી, લિઝ?"

 "નોપ્!"

"ઓકે!" વાત પૂરી!
એક વાર એલિઝાબેથના બ્રિટિશ દોસ્તે બારમાં એલિઝાબેથને કલાકો સુધી ઊભા ઊભા સૌને દારૂ પીરસતી જોઈ. એણે કહ્યું, "લિઝ, આ બધા તારા ફેન છે ને એ બધા જ દુખિયારા ને બરબાદ માણસો છે. યુ, માય ડિયર, આર ધ ક્વીન ઓફ ધ ગટર!"  
પણ એલિઝાબેથને અહીં કામ કરવાની મજા આવતી હતી. પોતે બારમાં પોપ્યુલર છે, 'ક્વીન ઓફ ધ ગટર' છે એ હકીકત એને ગમતી હતી. એક વાર એક કસ્ટમરે એને પૂછયું, "કોઈ માણસ દારૂના નશામાં તને પ્રપોઝ કરે તો તું એની સાથે લગ્ન કરે ખરી?" એલિઝાબેથે જવાબ આપ્યો, "જો એવું હોત તો મારાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત." પણ આ કિસ્સો જુદો હતો. આ સંવાદ થયો એના અઢી વર્ષ પછી એલિઝાબેથે તેની સાથે લગ્ન કર્યાં. લગ્ન જોકે લાંબાં ન ટક્યાં. ડિવોર્સની પ્રક્રિયાએ એલિઝાબેથને તોડી નાખ્યાં. લગ્નસંબંધમાં જોડાવું ને છૂટવું 'ઇટ, પ્રે, લવ' પુસ્તકનો પાયો બન્યું. એલિઝાબેથ ગિલ્બર્ટના અગાઉ સાહિત્યનો એક પ્રતિષ્ઠિત એવોર્ડ અને એક નોમિનેશન મળી ચૂક્યાં હતાં, પણ આ પુસ્તકે એમને ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બનાવી દીધી. 'ઇટ, પ્રે, લવ' પછી 'કમિટેડ' પુસ્તક આવ્યું ને ત્યાર બાદ લેટેસ્ટ 'ધ સિગ્નેચર ઓફ ઓલ ધ થિંગ્સ'.    

ખાઓ, પીઓ, પીડા ભોગવો, છિન્નભિન્ન થઈ જાઓ, જિંદગીના ટુકડા સમેટીને ફરી બેઠા થાઓ, સિદ્ધિ મેળવો ને ખાવા-પીવા-મજા કરવાનો સિલસિલો આગળ વધારો, નવો સંઘાત ન આવે ત્યાં સુધી! ફક્ત કલાકાર જ શું કામ, કોઈ પણ જીવતા-ધબકતા માણસના જીવનની આ જ કહાણી નથી શું?
                                             0 0 0

1 comment:

  1. Not convincing to me---to my philosophic mind. I am not puritanical..i am erotic, as philosophy erotic...but it ought not to be with real wine.....Once upon a time, before philosophy born---where eroticism had symbolic expression , and wine was symbol....same as snake is symbolic...but now where these ''Christian Writers'' are taking ? in reality of real wine..and drug ? and oh....its painful.....Just now i wrote my status...Philosophy is foolish, depend upon in which hand it go....if rightist hand....then sure foolish...but more foolish when it go to leftist....understand ? leftist means communist...more foolish then rightist.......Leftist did more harm to philosophy, then to rightist......

    ReplyDelete