Saturday, October 12, 2013

મલ્ટિપ્લેક્સ : ખેલ ખરાખરીનો

Sandesh - Sanskar Purti - 13 October 2013

મલ્ટિપ્લેક્સ

  • ભારતીય ટેલિવિઝન પર 'ટ્વેન્ટી ફોરજેવો સ્લીકસ્ટાઇલિશ,અફલાતૂન કલાકારો તેમજ સુપર્બ પ્રોડક્શન વેલ્યૂ ધરાવતો શો અગાઉ આપણે ક્યારેય જોયો નથી. થેન્ક ગોડ... હિન્દી સિરિયલોએ સાસ-બહૂના વર્તુળની બહાર પગ મૂક્યો ખરો!જેવું ધાર્યું હતું એવું જ પામીએ ત્યારે દિલને ટાઢક થઈ જતી હોય છે. એક ટીવી ચેનલ પર અનિલ કપૂરની બ્રાન્ડ-ન્યૂ ટીવી સિરીઝ '૨૪'ના પહેલા બે એપિસોડ્સ જોઈને એક્ઝેક્ટલી આ જ લાગણી થઈ. આ લેખ છપાશે ત્યાં સુધીમાં તમે ત્રીજો અને ચોથો એપિસોડ પણ જોઈ ચૂક્યા હશો. જબરદસ્ત હાઇપ થયેલા કેટલાય કોથળામાંથી આપણે બિલાડાને મ્યાંઉં મ્યાંઉં કરીને બહાર આવતા જોયા છે. તેથી પ્રમોટ થઈ રહેલી કોઈ પણ વસ્તુને આપણે શંકાની નજરે જોતા થઈ ગયા હોઈએ તો એમાં આપણો બહુ વાંક નથી. જોકે, 'ટ્વેન્ટી ફોર'ના કેસમાં (આ સિરીઝને આપણે '૨૪' -ચોવીસ કહેવાને બદલે 'ટ્વેન્ટી ફોર' જ કહીશું, કારણ કે આ આંકડો અંગ્રેજીમાં છપાયો હોય તોપણ આપણે ઘણી વાર એનું મનોમન ગુજરાતીકરણ કરી નાખતા હોઈએ છીએ.) પૂર્વગ્રહો બાંધવાની જરૃર એટલા માટે નહોતી કે 'ટ્વેન્ટી ફોર' મૂળભૂત રીતે એક ખૂબ વખાણાયેલો સુપરહિટ અમેરિકન શો છે, જેની અત્યાર સુધીમાં આઠ સીઝન થઈ ચૂકી છે અને જેને ઢગલાબંધ એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે 'ટ્વેન્ટી ફોર'ની ઓફિશિયલ ભારતીય આવૃત્તિ છે. અનિલ કપૂરે રીતસર ચિક્કાર ડોલર્સ ચૂકવીને એના અધિકારો ખરીદ્યા છે.
'ટ્વેન્ટી-ફોર'નો કેન્દ્રીય વિચાર ખૂબ રોમાંચક છે. દેશના કાઉન્ટર-ટેરરિસ્ટ અથવા તો એન્ટિ-ટેરરિસ્ટ યુનિટ સામે અત્યંત ગંભીર પડકાર ઊભો થયો છે. જેમ કે આપણે હાલ જોઈ રહ્યા છીએ તેમ રાહુલ ગાંધી ટાઇપના યુવાન રાજકારણી કે જેની ચોવીસ કલાક પછી દેશના વડાપ્રધાન તરીકે તાજપોશી થવાની છે, એની હત્યાનું ષડયંત્ર રચાયું છે એવી પાક્કી બાતમી યુનિટને મળી છે. યુનિટના જાંબાઝ ઓફિસરોએ આતંકવાદીઓને કોઈ પણ ભોગે જબ્બે કરીને આ ખતરનાક કટોકટી ટાળવાની છે. ચોવીસ કલાક છે અને ચોવીસ એપિસોડ્સ છે. એક કલાકનો એક એપિસોડ. તમામ દિલધડક ગતિવિધિઓ રીઅલ ટાઇમમાં કેપ્ચર થાય. સિરીઝની સ્પષ્ટ શરૃઆત અને એટલો જ નિશ્ચિત અંત. વાત કટ-ટુ-કટ આગળ વધે. ક્યાંય કોઈ વસ્તુ ચ્યુઇંગમની જેમ ખેંચાય નહીં. ચોવીસમા એપિસોડમાં ક્લાઇમેક્સની સાથે સિરિયલનો પણ અંત આવે.
Anil Kapoor and his American counterpart, Kiefer Sutherland

આ પ્રકારની સિરીઝ બનાવવાનો આઇડિયા વર્ષો પહેલાં જોએલ સનરોને આવેલો (જે પછી અમેરિકન 'ટ્વેન્ટી ફોર'ના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર બન્યા). એમણે ફોન કરીને પ્રોડયુસર રોબર્ટ કોચરેનને કહી સંભળાવ્યો. પછી અપેક્ષાથી પૂછયું, "કેવું લાગ્યું?" રોબર્ટે ફટાક કરતો જવાબ આપ્યો, "આટલો વાહિયાત આઇડિયા મેં જિંદગીમાં ક્યારેય સાંભળ્યો નથી. આના પરથી સિરીઝ-બિરીઝ ન બનાવાય, ભાઈ! વળી, આ કોન્સેપ્ટ છે પણ અઘરો. ફર્ગેટ ઇટ!" પણ જોએલે તંત ન છોડયો. બીજે દિવસે બન્ને રૃબરૃ મળ્યા. વિગતે ચર્ચા કરી. આ વખતે પ્રોડયુસરસાહેબના ગળે વાત ઊતરી ગઈ. ફોકસ નેટવર્કનો સંપર્ક કરવામાં આવ્યો. ફોકસના અધિકારીઓ તો ઓળઘોળ થઈ ગયા. એમને લાગ્યું કે આ નવું છે, અમેરિકન ટીવી પર ક્યારેય જોવા મળ્યું ન હોય એવું છે. પાઇલટ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો અને ૨૦૦૧માં નાઇન-ઈલેવનનો આતંકવાદી હુમલો થયો તેના બે મહિના પછી સિરિયલ ટેલિકાસ્ટ થવા માંડી. ઓડિયન્સનો પ્રતિસાદ જબરદસ્ત હતો. વિવેચકો પણ ઓવારી ગયા. જોતજોતામાં 'ટ્વેન્ટી ફોર'ની આઠ સીઝન થઈ ગઈ. કોઈ સીઝનમાં પ્રેસિડન્ટને ઉડાવી દેવાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો હોય તો કોઈમાં ન્યુક્લિઅર, કેમિકલ કે બાયોલોજિક હથિયારોથી ઊભા થયેલા જોખમની વાત હોય. ક્યારેક સાયબર અટેકનો મુદ્દો હોય તો ક્યારેક સરકારી અને કોર્પોરેટ્સના ભ્રષ્ટાચારની થીમ હોય.
અમેરિકન 'ટ્વેન્ટી ફોર'ની એકાદ સીઝનમાં અનિલ કપૂરને એક્ટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો. તેમણે પ્રેસિડન્ટ ઓમાર હસન નામનું કિરદાર ભજવેલું. આ સિરીઝ કેવી રીતે બને છે તે એમણે જાતઅનુભવે જોયું. શોનું ભારતીયકરણ કરવાનો નિર્ણય લઈને રાઇટ્સ ખરીદ્યા. ટીમ તૈયાર કરી. ચેનલ નક્કી કરી. આ બધામાં ત્રણ વર્ષ વીતી ગયાં. આખરે ગયા અઠવાડિયાથી આ શો ટેલિકાસ્ટ થવો શરૃ થયો.
On the set: Director Abhinay Deo (right) with his team

અમેરિકામાં બાર વર્ષ પહેલાં જે વાત કહેવાતી હતી એ જ વાત આપણે આજે કહી શકીએ તેમ છીએ. ભારતીય ટેલિવિઝન પર 'ટ્વેન્ટી ફોર' જેવો સ્લીક, સ્ટાઇલિશ, અફલાતૂન કલાકારો તેમજ સુપર્બ પ્રોડક્શન વેલ્યૂ ધરાવતો શો અગાઉ આપણે ક્યારેય જોયો નથી. થેન્ક ગોડ... હિન્દી સિરિયલોએ પરિપક્વ થવાની દિશામાં નક્કર પગલાં ભર્યાં ખરાં! આ સિરીઝ આપણને ફિલ્મ જોતાં હોઈએ એવો અનુભવ કરાવે છે. હિન્દી 'ટ્વેન્ટી ફોર'નું સ્વરૃપ એના અમેરિકન મૂળિયાંને પૂરેપૂરું વફાદાર છે. એકસાથે સમાંતરે બનતી ઘટનાઓ દર્શાવવા માટે સ્પ્લિટ સ્ક્રીનનો ઉપયોગ, ડિજિટલ ક્લોકના શોટ્સ, મલ્ટિપલ કેમેરાથી ઝિલાયેલા ધ્રૂજતા શોટ્સ આ બધું જ અનિલ કપૂરના વર્ઝનમાં છે. આમ છતાંય શો પોતીકો લાગે છે એ તેનો પ્લસ પોઇન્ટ છે. પહેલી વાર કોઈ સિરિયલમાં બોલિવૂડના આટલા બધા કલાકારો એન્કર, જજ કે સેલિબ્રિટી સ્ટાર તરીકે નહીં, પણ એક્ટર તરીકે રજૂ થયા છે. અલબત્ત, સ્ટોરીમાં ક્લિશે (બીબાંઢાળ તત્ત્વો) પણ ભરપૂર છે. જેમ કે, પતિ-પત્ની વચ્ચેના તંગ સંબંધો, પુરાના પ્યાર, રાજકારણી પરિવારની અતિ મહત્ત્વાકાંક્ષી મા, વગેરે. આ સહિત પણ શો જકડી રાખે છે.
'દિલ્હી બેલી' (હિટ) અને 'ગેઇમ' (ફ્લોપ) જેવી ફિલ્મો બનાવનાર અભિનય દેવે 'ટ્વેન્ટી ફોર'ના બારેક એપિસોડ ઓલરેડી શૂટ કરી નાખ્યા છે. વધારાના ચાર એપિસોડ નિત્ય મહેરા નામની તેજસ્વી નવોદિત કન્યાએ ડિરેક્ટ કર્યા છે. શો ભલે સોનાનો હોય ને એના પર સાચા હીરા-મોતીનું ભરતકામ થયું હોય, વાત આખરે તો આર્થિક ગણતરીઓ પર અટકે છે. શો ચાલશે, હિટ થશે, એને સારો ટીઆરપી મળશે તો જ એનું ભવિષ્ય સલામત છે, તો જ બીજા પ્રોડયુસરો આગળ આવીને અલગ ફોર્મેટ તેમજ સેન્સિબિલિટિવાળી સિરિયલો બનાવવાની હિંમત કરશે. જો 'ટ્વેન્ટી ફોર'ને ધાર્યો રિસ્પોન્સ નહીં મળે તો એક જ સીઝનમાં શોનું ફીંડલું વળી જશે. સરવાળે હિન્દી સિરિયલો સાસ-બહૂના સેફ ઝોનમાંથી બહાર આવવાનું નામ નહીં લે. આવું ન થવું જોઈએ, લેટ્સ સી.
શો-સ્ટોપર

સામાન્યપણે માણસની ઉંમર જેમ વધતી જાય તેમ તેમ એના માટે રિસ્ક લેવાનું વધારે અઘરું બનતું જાય છે. મારા કેસમાં એનાથી ઊલટું છે. ઉંમરની સાથે મારી જોખમ ઊઠાવવાની વૃત્તિ પણ મજબૂત બનતી જાય છે.
- અનિલ કપૂર

No comments:

Post a Comment