Thursday, February 7, 2013

હ્યુમર એક્સપ્રેસ


 ચિત્રલેખા - અંક તા.11 ફેબ્રુઆરી 2013

કોલમ: વાંચવા જેવું




કાઈ અજાણ્યા લેખકનું અને અજાણી પ્રકાશન સંસ્થા દ્વારા છપાયેલું પુસ્તક કશી જ અપેક્ષા વગર હાથમાં લઈએ અને એ એકદમ મસ્તમજાનું નીકળે ત્યારે જલસો પડી જાય. આજના પુસ્તકના કેસમાં બિલકુલ એમ જ બન્યું. આ નાનકડું પુસ્તક એટલું જીવંત, આહલાદક અને રમતિયાળ છે કે વાંચતા જ જાણે કાનની સાવ બાજુમાં બોમ્બ ફાટ્યો હોય એવી લાગણી થઈ. નામ જ કેવું નિરાળું છે - પંચાત! પુસ્તકની ટેગલાઈન પણ મજેદાર છે- મારી ફેસબુકથી પબ્લિશ્ડ બુક સીધીની યાત્રા.

લેખિકા એનઆરઆઈ છે, વર્ષોથી ન્યુજર્સીમા રહે છે. એમનું આ પહેલું જ પુસ્તક છે. જીવાતાં જીવનના વિશેનાં એમનાં ધારદાર નિરીક્ષણો હાસ્યરસમાં લથપથમાં થઈને અહીં નાના નાના નિબંધ સ્વરુપે સંગ્રહાયા છે. આ લેખો કંઈ માત્ર અમેરિકામાં વસતા ગુજરાતીઓને જ કેન્દ્રમાં લખાયા નથી. જેમકે, અટકળબાજ લેખમાં પરિવારમાં નવું પારણું બંધાય ત્યારે શું શું થાય એનું જે મજેદાર વર્ણન છે એ બધે જ લાગુ પડે છે. સસુર પક્ષ અને પિયર પક્ષ બન્નેનાં સગાવહાલાં હોસ્પિટલ પર બાબા કે બેબીને જોવા ઉમટી પડે. અવસર હોય હરખ કરવાનો પણ શરુ થઈ જાય હુંસાતુંસી

હેં ને! શું કો છ? છે ને અદ્દલ અમારા લાલ્યા જેવો જ? હાચું કેજો! 

તરત સામેનો પક્ષ લહેકો કરશે, ના હોં, જરાય નૈ! રંગે તો અમારી ચકી જ જોઈલો. નાક પણ એમ ચકલીનું જ. 

પછી રાશિ અને નામ માટેની કુસ્તી શરુ થાય. પંડિત કયા ખાનદાનના ચડિયાતા એમાં ચડસાચડસી થાય. કોણ જન્માક્ષર બનાવશે એમાં પણ એક દ્વંદ્વયુદ્ધ છેડાઈ જાય. જે નવી મા બની છે એનાં માટે કયો ખોરાક સારે એની ચર્ચામાં નવેસરથી બાંયો ચડે. એમાંય માથાંના વાળનો મુદ્દો છેડાય એટલે માર્યા ઠાર

અમારા ચકલીન તો જન્મી તારે મોથામ બહુ જ વાર હતા. એટલે એ રીતે આ ટીકલુ તમારા ઘર પર ગયો કેવાય. 

ખલ્લાસ! આવું તીર તો સહન જ ન થાય, એટલે સામે સણસણતો જવાબ આવે, ના હોં!! અમાર લાલ્યાન તો જથ્થો વાર હતા, પૂછ જોવો કોઈને ય તમ.

લેખિકાના કાન જબરા શાર્પ છે. ભાષાકીય લાક્ષાણિકતાઓને, એમાંય ખાસ કરીને ચરોતરી બોલીને એ સરસ પકડી શકે છે. એક વાર તેઓ અનએમ્પલોયમેન્ટ ઓફિસે ગયાં હતાં. વેઈટિંગ એરિયામાં એક માજી ઊનની ટોપી અને જેકેટ પહેરીને ખુરશી ઉપર પલાંઠી વાળીને બેઠાં હતાં. એમની બાજુમાં બેસતાંની સાથે જ માજીએ માથામાં નાખેલું હેરઓઈલ, શરીરના કોઈક સાંધા પર લગાડેલું મલમ અને ઘરેથી દાળ વઘારીને આવ્યા હશે એ બધી જ વાસે એકસાથે લેખિકાની ઘ્રાણેન્દ્રિય પર હુમલો કર્યો. પછી શરુ થયો સવાલોનો મારોે

કઈ નાં? 
બરોડા. 
પટેલ? 
હા. 
કઈ નાં? 
પપ્પા ધર્મજના... 
સાસરી? 
વસો. 
નડિયાદ ગોમ હોમ્ભર્યું છે? એની બાજુમ ચકલાસી છ, તે ઉં તંઈની. 

લેખિકા કામ પતાવીને ઓફિસની બહાર નીકળ્યા ત્યાં સુધીમાં માજીએ (તદ્દન નિર્દોષભાવે જ!) એમને એવાં તો હેરાનપરેશાન કરી મૂક્યાં કે વાત ન પૂછો!




જાતજાતની ધાર્મિક વિધિ કરાવતા ગોર મહારાજની પર્સનાલિટીમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત કઈ? એમની બોલવાની સ્પીડ! લેખિકા લખે છે: એમના શબ્દ અને સૂચનાની ઝડપ જોઈને ક્યારેક તો ભગવાન અને યજમાન બન્ને confused થઈ જાય, સ્પેશીયલી જ્યારે પણ એ બોલે કે, હવે ત્રણ વાર જળ ચડાવીને ભગવાન પર અબીલ, ગુલાલ ચાખા અને ફૂલ ચડાવો. આટલું બોલતાં ગોરજીને તો એક જ સેક્ધડ થાય અને સામેવાળા આ સાત સૂચનાને ભગવાનની આજ્ઞા સમજીને એકદમ ધાર્મિકતાથી અનુસરવા જતા હોય અને હજી અડધે જ પહોંચ્યા હોય ત્યાં જ ફરીથી ગોરજીનો આદેશ આવે કે, હવે ડાબો હાથ મોઢા આગળ મૂકીને જમણા હાથે મૂકીને ભગવાનને પાંચ વાર જમાડો!

સ્પીડની બાબતમાં ગોરબાપા પછી બીજા નંબરે ડોક્ટરો આવે. એ લોકો બે જ મિનિટમાં આખા ખાનદાનની હિસ્ટ્રી પૂછી લે. પછી જ્યારે એ દર્દીને જ્યારે કહે કે, ઊંડા શ્વાસ લો... ત્યારે પેલો બીમાર એ સાંભળીને હજુ તો શ્વાસ લેવા જાય ત્યાં પાછા કહે કે, હવે છોડો! આ શ્વાસ લો અને છોડો એ લાઈન રેકોર્ડની પીન ચોંટી ગઈ હોય એમ વાગ્યે જ જાય. જ્યારે છેલ્લી વાર ડોક્ટર શ્વાસ છોડવાનું કહે ત્યારે પેલો બીમાર બિચારો છેલ્લેથી ચોથી વાર જ્યારે શ્વાસ લેવાનું કહ્યું હોય એ શ્વાસ લેતો હોય. ડોક્ટરનો આદેશનો સિલસિલો તોય હજુ ચાલુ જ રહે, મોઢું ખોલો, જીભ કાઢો, આઆઆ.... બોલો.     


લાંબી ફ્લાઈટ દરમિયાન ક્યારેક કોઈના મગજ પર આલ્કોહોલ સવાર થઈ જાય, ત્યારે એ એવો ઉપાડો લે કે એને શાંત રાખતાં એરહોસ્ટેસનાં નાકે દમ આવી જાય. લેખિકા નોંધે છે કે એક તો મોઢું હસતું રાખવાનુંં અને સામેવાળાની લવારી સાંભળવાની. આ નોકરીમાં રાખવા પડતાં હસતાં મોઢાનાં લીધે આ બધી એરહોસ્ટેસ રીયલ લાઈફમાં હાસ્ય કવિ-સંમેલનમાં પણ હસી શકતી નથી!




આપણો સૌનો અનુભવ છે કે આંખો બંધ કરીને, પદ્માસન વાળીને મેડિટેશન કરવા બેસીએ ત્યારે મનમાં જાતજાતના વિચારો કૂદાકૂદ કરવા માંડે. લેખિકા જેવાં ધ્યાન ધરવા બેસે કે એમને ભૂતકાળની વાતો યાદ આવવા લાગે. કહે છે કે, ત્રીજા દિવસથી હિંમત હારી ગઈ મેડિટેશન કરવાની, કેમ કે ડર લાગ્યો કે બે દિવસમાં ૨૭ વર્ષ પાછળ પહોંચી ગઈ. હવે જો મેડિટેશન કરું તો પાછલા જનમ સુધી પહોંચી જઈશ. મારા બધા ફ્રેન્ડ્સ પાછલા ભવમાં કોણ હતા એ દેખાઈ ગયું તો? ભૂલથી મારા જ મોઢામાંથી બતક જેવો અવાજ નીકળે તો શું હું બતક હતી, એમ સમજવાનું?


લેખિકાના ગદ્યમાં સાદગી છે, આકર્ષક પ્રવાહિતા છે. એમની કલમમાંથી રમૂજ સહજપણે ફૂટતું રહે છે, જે એમની સૌથી મોટી તાકાત છે. કુલ ૧૭ લેખોમાં વચ્ચે વચ્ચે લેખિકા ક્યારેક ગંભીર છટા પણ ધારણ કરી લે છે. એમ તો પુસ્તકમાં સ્વરચિત કવિતાઓ પણ ટાંકી છે. એ જોકે ખાસ કશો પ્રભાવ પેદા કરી શકતી નથી એ અલગ વાત થઈ. આપણી ભાષામાં હાસ્યલેખિકાઓનો હંમેશા દુકાળ રહ્યો છે ત્યારે ધૃતિબહેને સતત અને ઘણું વધારે ગદ્યલેખન કરવું જોઈએ એવી અપેક્ષા જરુર રહે.

એક જ બેઠકે પૂરું કરી શકાય એવું મજાનું પુસ્તક. વાંચતી વખતે તમે મોટે મોટેથી હસતા રહેશો એ વાતની ગેરંટી!                                                  0 0 0

 પંચાત                                                                                                           
લેખિકાધૃતિ
        
પ્રકાશકઆર્ટ બુક હબઅમદાવાદ-૧૪
ફોન૦૯૮૨૫૦ ૩૫૯૧૨યુએસએ૭૩૨-૪૩૮-૩૯૪૬
કિંમતઅનુક્રમે Rs. ૧૫૦ અને પાંચ ડોલર (વત્તા  શિપિંગ ચાર્જ)
પૃષ્ઠ૧૧૦











3 comments:

  1. વાંચવું પડશે, હવે તો.

    ReplyDelete
  2. સરસ અવલોકન ..પુસ્તક વાચવા પ્રેરે તેવું ...

    ReplyDelete
  3. I and my relatives have read it and everybody liked it.

    ReplyDelete