Saturday, October 6, 2012

હવાહવાઈ રિટર્ન્સ!


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 7 ઓક્ટોબર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

 શ્રીદેવી જેવી ઉત્તમ એક્ટ્રેસ દોઢ દાયકાના વિરામ પછી પુન:  પ્રવૃત્ત થાય એ ખૂબ મજાની અને ઈચ્છનીય વાત છે. નવી પેઢીના સ્માર્ટ ડિરેક્ટર્સ એની કાબેલિયતનો હવે કેવોક ઉપયોગ કરે છે એ જોવાની મજા આવશે.


તો? શ્રીદેવીનું પછી શું થયું, સાહેબ? પંદર વર્ષનો જમ્બો બ્રેક લીધા પછી મોટે ઉપાડે એણે જે ફિલ્મ સ્વીકારી હતી એ ‘ઈંગ્લિશ વિંગ્લિશે’ સિક્સર ફટકારી, માંડ માંડ સિંગલીયું લીધું કે સાવ ક્લીન બોલ્ડ થઈ ગઈ? આ બધા સવાલોના જવાબ તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં અડધો-પડધો મળી ગયો હશે. બોક્સ ઓફિસ પર રિઝલ્ટ જે આવ્યું હોય એ, પણ એક વાત નિશ્ચિત છે: શ્રીદેવી જેવી કાબેલ એક્ટ્રેસ સિનેમાના પડદે પુન:  પ્રવૃત્ત થાય એ ખૂબ મજાની અને ઈચ્છનીય વાત છે.

‘ઈગ્લિશ વિંગ્લિશ’ની ફર્સ્ટ-ટાઈમ ડિરેક્ટર ગૌરી શિંદના હસબન્ડ આર. બાલ્કી અને શ્રીદેવીના પ્રોડ્યુસર પતિ બોની કપૂર દોસ્તારો  છે. બાલ્કી ખુદ કાબેલ ફિલ્મમેકર છે. એની ‘ચીન કમ’ અને ‘પા’ જેવી ફિલ્મો આપણે ખૂબ એન્જોય કરી છે. બાલ્કીએ બોનીને બે સ્ક્રિપ્ટ્સ આપી હતી. બોનીએ તે શ્રીદેવીને પાસ-ઑન કરીને કહ્યું હતું: શ્રી, જરા નજર ફેરવી લેને આ બન્ને પર. શ્રીદેવીને બન્ને પટકથા પસંદ પડી, પણ એક જરાક વધારે ગમી ગઈ. આયોજન એવું હતું કે આ વધારે ગમી ગયેલી સ્ક્રિપ્ટ પરથી બે ભાષામાં એકસાથે ફિલ્મ બને. હિન્દીમાં અમિતાભ બચ્ચન હીરો હોય અને તમિલમાં રજનીકાંત. બન્નેની હિરોઈન, અફકોર્સ, શ્રીદેવી જ હોય. કમભાગ્યે રજનીસર માંદા પડી ગયા. (હા, હા, રજનીકાંત બીમાર પણ થઈ શકે છે!) તેથી એ આઈડિયાને અભેરાઈ પર ચડાવી દેવો પડ્યો. પરિણામે સ્ક્રિપ્ટ નંબર ટુ એટલે કે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’નો નંબર લાગી ગયો. એક સીધી સાદી ગૃહિણીને અમેરિકામાં ઈંગ્લિશ ભાષાના અજ્ઞાનને કારણે કેવી તકલીફ પડે છે અને એ કેવી રીતે એમાંથી બહાર આવે છે એવી હલકીફૂલકી કહાણી એમાં છે.

‘આ ફિલ્મની વાર્તા મને એટલી સ્પર્શી ગઈ કે એના માટે મેં ગમે ત્યારે હા પાડી દીધી હોત!’ શ્રીદેવી એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘આ પંદર વર્ષમાં મેં ફેમિલી લાઈફની એકેએક પળ એન્જોય કરી છે, બન્ને દીકરીઓને સારામાં સારી રીતે ઉછેરવામાં મારો જીવ રેડી દીધો છે. મારા હસબન્ડે આ ગાળામાં ‘પુકાર’, ‘ખુશી’, ‘નો એન્ટ્રી’, ‘વોન્ટેડ’ જેવી કેટલીય ફિલ્મો બનાવી. તમે માનશો? આવી કોઈ ફિલ્મનાં ગીતનાં રેકોડિર્ંગ પર ગઈ હોઉં કે ફિલ્મનું કાચું ફૂટેજ જોતી હોઉં ત્યારે કેટલીય વાર મારી અંદરની એક્ટ્રેસ જાગી ઉઠતી! હું રીતસર બેચેન બની જતી. હું બોનીજીને કહું પણ ખરી કે મને એકાદું ગીત તો કરવા દો, પણ એ મને સિરિયસલી લે તોને!’



‘હવાહવાઈ’ અને ‘કાંટે નહીં કટતે’ જેવાં કેટલાંય ગીતોમાં શ્રીદેવીએ આપેલાં પર્ફોર્મન્સીસ યાદગાર બની ગયાં છે. એ કહે છે, ‘હા, ‘કાંટે નહીં કટતે’ ગીત સરસ બન્યું હતું, પણ જો આજની તારીખે હું આવું ગીત કરવાની ગુસ્તાખી કરું તો મારી દીકરીઓ મને ઘરની બહાર તગેડી મૂકે! આ ઉંમરે આવાં લટકા-ઝટકા મારી પર્સનાલિટીને સુટ પણ ન થાય.’

શ્રીદેવીએ ગયા રવિવારે ‘ઝલક દિખલા જા’ના ગ્ર્ાન્ડ ફિનાલેમાં ગ્ર્ાન્ડ એન્ટ્રી કરી હતી અને માધુરી દીક્ષિતની સાથે બે-ચાર ઠુમકા પણ માયાર્ર્ં હતાં. એક વાત પ્રતીતિ સૌને થઈ હતી કે શ્રીદેવીની ઉંમર ભલે દેખાય, પણ એ દેખાય છે આજે પણ એટલી જ શાનદાર. શરીર પર ચરબીના થથેડા ચડવાનું તો બાજુએ રહ્યું, એ ઊલટાની વધારે સ્લિમ-એન્ડ-ટ્રિમ થઈ ગઈ છે. શ્રીદેવી રાઝ ખોલે છે, ‘એનું સિક્રેટ એક જ છે: બી પોઝિટિવ. જો તમે ભીતરથી સંતુષ્ટ અને શાંત હશો તો એ તમારા ચહેરા પર ઝળક્યા વગર રહેશે નહીં. ખાણીપીણીની સારી-માઠી આદતોથી ખૂબ ફરક પડે છે. ઘી-તેલમાં લથબથતા ખોરાકને હું મારી લાઈફથી અને મારા ઘરથી જોજનો દૂર રાખું છું. પુષ્કળ પાણી પીવું. નિયમિત એક્સરસાઈઝ કરવી. પછી એ ગમે તે હોય- યોગા, જિમિંગ, જોગિંગ, કંઈ પણ. હેલ્થ કોન્શિયસ તો બનવું જ પડે.’
જો ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને ધાર્યો  પ્રતિસાદ મળશે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ મહિલા ડિરેક્ટરોની સૂચિમાં ગૌરી શિંદેનું નામ હકથી ઉમેરાઈ જશે. પોતાની પહેલી જ ફિલ્મમાં શ્રીદેવી જેવી સુપરસ્ટારનું પુનરાગમન થવાનું હોય માથાં પર જબરદસ્ત પ્રેશર  હોય એ સમજી શકાય એવું છે. ‘પણ શ્રીદેવીએ એ વાતની ખાસ તકેદારી રાખી કે હું પ્રેશરમાં આવી ન જાઉં!’ ગૌરી શિંદે કહે છે, ‘હું સાવ નવીસવી છું છતાંય એણે મારા પર પૂરેપૂરો ભરોસો મૂક્યો, મારી એકેએક સૂચનાનું પાલન કર્યું. એક પણ વાર પોતાના વિચાર કે મંતવ્ય મારા પર થોપવાની કોશિશ સુધ્ધાં ન કરી. એક આજ્ઞાંકિત સ્ટુડન્ટ જેવું વર્તન હતું એનું.’

Sridevi with her daughters at English Vinglish premier 


શ્રીદેવી હંમેશા ખુદને ‘ડિરેક્ટર્સ એક્ટ્રેસ’ કહે છે. મતલબ કે એ પોતાનાં પર્ફોર્મન્સની પૂરેપૂરી લગામ ડિરેક્ટરના હાથમાં સોંપી દે છે. ગૌરી ઉમેરે છે, ‘શ્રીદેવી તો ટેલેન્ટના અખૂટ ખજાના જેવી છે. તમે ખજાનો લૂંટ્યા જ કરો તો પણ ખલાસ થવાનું નામ જ લે. શ્રીદેવી મેથડ એક્ટર નથી. એ ક્યારેય મોટી મોટી વાતો નહીં કરે કે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ના રોલ માટે એણે ખૂબ બધું ‘રિસર્ચ’ કર્યું  કે કેટલીય મિડલ ક્લાસ ગૃહિણીઓના ઘરે જઈને એમનાં વર્તન-વ્યવહારનું નિરીક્ષણ કયુ વગેરે. શ્રીદેવીની એક્ટિંગ જોઈને મને પોતાને નવાઈ લાગતી છે કે એનામાં આ બધું કેવી રીતે આવતું હશે. પહેલાં જ દિવસથી શ્રીદેવીએ પોતાના રોલમાં કમાલનો પાત્રપ્રવેશ કરી લીધો હતો.’

શ્રીદેવીએ રિઅલ લાઈફમાં અંગ્ર્ોજી અને હિન્દી શીખવા માટે સારો એવો સંઘર્ષ કરવો પડ્યો હતો. કદાચ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ની  ભુમિકા ભજવતી વખતે તે અનુભવ કામ આવ્યો હશે. પોતાના સુવર્ણકાળમાં શ્રીદેવી હંમેશા ખૂબ અંતર્મુખી રહી છે. મિડીયા સાથે પણ અત્યંત ઓછી વાત કરે. એટલી હદે કે એની છાપ ‘ડમ્બ વુમન’ તરીકે પડી ગઈ હતી. જોકે ડિમ્પલે એક વખત શ્રીદેવીનો સરસ બચાવ કરેલો. એણે કહેલું: ‘અરે ભાઈ, એક એક્ટરે પોતાની કરીઅરમાં અલગ અલગ કેટલીય જાતનાં કિરદાર ભજવવા પડે છે. આ પાત્રોને સમજવા માટે અને આત્મસાત કરવા માટે અદાકારે ઈન્ટેલિજન્ટ હોવું જ પડે. શ્રીદેવી તો નંબર વન એક્ટ્રેસ છે. એ કેવી રીતે ડમ્બ (એટલે કે બાઘ્ઘી) હોઈ શકે?’



‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં અમિતાભ બચ્ચનનો પણ નાનકડો રોલ છે. બિગ બી આ ફિલ્મ જોઈને અત્યંત ભાવુક બની ગયા હતા. પોતાના બ્લોગમાં એમણે લખ્યું છે: ‘આ ફિલ્મ જોઈને મારું દિલ ભરાઈ આવ્યું હતું, આંખોમાં આંસુ આવું-આવું થઈ ગયાં હતાં. અમુક ચોક્કસ સીન જોઈને હું ઈમોશનલ થઈ ગયો હતો એવું નહોતું, પણ આ આખી ફિલ્મ જોઈને થયેલા આનંદમાંથી,  અપ્રિશિયેશનની લાગણીમાંથી આ પ્રતિક્રિયા જન્મી હતી. આપણા જીવનની કહાણી ખરેખર તો નાની નાની ક્ષણોની સાદગીમાં સમાઈ જતી હોય છે. ઊછળતી કારો અને કડાકા-ભડાકા જોઈને બે ઘડી ઉત્તેજના જ‚ર થાય, પણ જીવનનું સાધારણપણું જો પડદા પર અસરકારક રીતે પેશ થાય તો આપણા દિલને તે સ્પર્શ્યા વગર રહેતું નથી. ગૌરી શિંદેએ આ ફિલ્મમાં બહુ થોડામાં ખૂબ બધું કહી દીધું છે.’

વેલ, બિગ બીનું આ સર્ટિફિકેટ ગૌરી શિંદે માટે તો ફિલ્મફેર અવોર્ડ કરતાંય વધારે મોટું ગણાય. શ્રીદેવી ચોખ્ખું કહે છે કે મારી હવે પછીની કરીઅરનો સઘળો આધાર ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને મળેલા રિસ્પોન્સ પર છે. આ રિસ્પોન્સ જે હોય તે, એ ‘મિસ્ટર ઈન્ડિયા પાર્ટ ટુ’માં દેખાશે એ તો નિશ્ચિત છે.

શો-સ્ટોપર

રણબીર ઘરમાં હંમેશા સહમેલો સહમેલો રહેતો હોય છે. નાનપણથી જ એ આવો છે. એ ના બહુ ખુશ દેખાય, ના બહુ ઉદાસ. મને કાયમ થાય કે કેમ મારો દીકરો એક જ સૂરમાં રહે છે? 

- નીતૂ કપૂર   

                                                             00000000000

Click here for theatrical trailer of English Vinglish:

http://www.youtube.com/watch?v=8dWir9Q_Vek

                                                                0000000000

Brief review of English Vinglish 

ને કહેવાય ગ્રાન્ડ કમબેક! આજે મિડીયા માટે યોજાયેલા પ્રેસ-શોમાં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ જોતી વખતે સતત એક ફીલિંગ થયા કરતી હતી કે શ્રીદેવી જેવી ઉત્તમ કલાકારે પંદર વર્ષનો તોતિંગ બ્રેક લીધો ન હોત અને ફિલ્મોમાં કામ કરવાનું અટકાવ્યું ન હોત તો હિન્દી સિનેમા વધારે સમૃદ્ધ બન્યું હોત! શ્રીદેવીએ દોઢ દાયકાના અંતરાલ બાદ પોતાના સ્ટેટસ, અનુભવ અને ઉંમરને છાજે એવું શાનદાર પુનરાગમન કર્યું છે. વોટ અ પર્ફ
ોર્મન્સ! ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ નિશ્ચિતપણે શ્રીદેવીની કરીઅરની વન-ઓફ-ધ-બેસ્ટ ફિલ્મ્સ બની રહેવાની.

એકાદ વર્ષ પહેલાં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ વિશે વાંચ્યું હતું ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા એ સવાલના રૂપમાં આવી હતી કે એક મધ્યમવર્ગીય ગૃહિણી અંગ્રેજી શીખતી હોય એવડીક અમથી વાત પર આખેઆખી ફિલ્મ કેવી રીતે બને? વેલ, આવા સીધા-સાદા પણ અનોખા વિષય પર શ્રીદેવી જેવી ભૂતપૂર્વ સુપરસ્ટારને લઈને મહત્ત્વાકાંક્ષી છતાંય ખૂબસૂરત ફિલ્મ બની શકે છે એ આનંદની વાત છે. આ ઉત્તમ સંકેત છે. ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં ક્યાંય કશુંય નાટકીય નથી, બિનજરૂરી કહેવાય એવાં એલીમેન્ટ્સ નથી. 
તમે ફિલ્મ જોતી વખતે હસતા રહો છો, મલકાતા રહો છો અને વચ્ચે વચ્ચે આવી જતી ભીની ભીની લાગણીશીલ ક્ષણોમાંથી પસાર થતા રહો છો. શ્રીદેવીનું કિરદાર એવું છે જેની સાથે આપણે સૌ આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. આપણા સૌનાં પરિવાર-સગાંવહાલામાં આવું કોઈ સ્ત્રીપાત્ર જરુર હોવાનું. શ્રીદેવી સિવાયના કલાકારોની પસંદગી પણ પરફેક્ટ છે. ફર્સ્ટ-ટાઈમ-ડિરેક્ટર ગૌરી શિંદેએ જબરા કોન્ફિડન્સથી આખી ફિલ્મ હેન્ડલ કરી છે. 


ટૂંકમાં, હિન્દી સિનેમાના ચાહકોને આજકાલ જલસા જ જલસા છે. પહેલાં ‘બરફી!’, 
પછી ‘ઓહ માય ગોડ’ અને હવે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’! વાહ!     (3-10-12)              0 0 0




                                       

3 comments:

  1. Yes Sir , જલસા જ જલસા with 3 Cheers rather 3 worth to watch movies after a long time in a bollywood .

    ReplyDelete
  2. good blog . i am also enjoy movie . it's fantastic sir ...

    ReplyDelete