Sunday, October 21, 2012

12 સ્ક્રીન્સ, 416 શોઝ, 205 ફિલ્મો!



દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 ઓક્ટોબર 2012 
 
  સ્લગ: મલ્ટિપ્લેક્સ

 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. દુનિયાભરની સેંકડો ફિલ્મો વચ્ચે અમિતાભ બચ્ચને પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’નું સ્ક્રીનિંગ થવાનું છે. આ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ જગતમાં ‘કેવી રીતે જઈશ’ પછીની નેકસ્ટ-બિગ-થિંગ બની રહે એવી પૂરી શક્યતા છે. 

'Like Someone in Love'
 
  યોર અટેન્શન પ્લીઝ... 14મો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ધૂમધડાકા સાથે શ‚ થઈ ચૂક્યો છે! 18 ઓક્ટોબરે શ‚ થયેલો ફેસ્ટિવલ પચ્ચીસમી ઓક્ટોબર એટલે કે આગામી ગુરુવાર સુધી ચાલવાનો છે. સાઉથ મુંબઈમાં નરીમાન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પર્ફોમિ આર્ટ્સ (એનસીપીએ), આઈનોક્સ અને લિબર્ટી ઉપરાંત સબર્બમાં સિનેમેક્સ-સાયન અને સિનેમેક્સ-અંધેરી - આ પાંચ સ્થળની કુલ 12 સ્ક્રીન, 416 જેટલા શોઝ અને દુનિયાભરના દેશોની અધધધ 205 જેટલી ફિલ્મો!  જોઈ લો તમારામાં તાકાત હોય એટલી ફિલ્મો!
 
  ભારે અફસોસની વાત એ છે કે રજિસ્ટ્રેશનમાં અને આઈ-કાર્ડ તેમજ ઈન્ફર્મેશન કિટની વહેંચણીમાં જે ધાંધિયા દર વર્ષે જોવા મળે છે એ  આ વર્ષે પણ એમના એમ રહ્યા. કશો જ સુધારો નહીં, કોઈ ફેરફાર નહીં. મુંબઈ એકેડેમી ઓફ મુંબઈ ઈમેજિસ (મામી) પાસે ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો ઓલરેડી તેર-તેર વર્ષનો અનુભવ છે, રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ જેવી સધ્ધર કોર્પોરેટનું પીઠબળ છે, પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાંય આયોજનનું સ્તર શા માટે એની નિમ્ન સપાટીથી ઉપર ઉઠવાનું નામ નહીં લેતી હોય? ખેર, આ બધા બખાળા કાઢવામાં ટાઈમ વેડફવાને બદલે સિનેમાની વાત કરીએ. આ વખતના ફેસ્ટિવલમાં કઈ કઈ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે?
 
  ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ હતી, ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’. કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું ખાસ્સું  મહત્ત્વ હોય છે. ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’ના હીરોની જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. લગ્નજીવન તૂટી ચૂક્યું છે, જોબ જતી રહી છે, ઘર પર પણ હવે માલિકી રહી નથી. એ પોતાનાં માતાપિતા સાથે રહે છે. (પિતાનો રોલ ખુદ અમિતાભ બચ્ચન જેને પોતાના ફેવરિટ એક્ટર ગણાવે છે એ રોબર્ટ દ નીરોએ ભજવ્યો છે.) હીરોનો ભેટો એક રહસ્યમય યુવતી સાથે થાય છે. એ કહે છે: હું તારું લગ્નજીવન પાછું સાંધી આપીશ, તારી લાઈફની ગાડી પાછી પાટે ચડાવી દઈશ, પણ બદલામાં તારે મારું એક કામ કરવું પડશે! એક પછી એક ઘટના બનતી જાય છે અને આ બે પાત્રોનાં જીવનમાં ધીમે ધીમે ઉજાસ પથરાતો જાય છે. ઓસ્કર-વિનર ડેવિડ રસલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મે આ વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પીપલ્સ ચોઈસ અવોર્ડ જીતી લીધો હતો. એક મજાની વાત: આ ફિલ્મમાં અનુપમ ખેર પણ છે, જેણે ડો. પટેલનું કિરદાર નિભાવ્યું છે!

'Silver Lining Playbook'

 
  વાચકોને યાદ હશે કે મે મહિનામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો એ દરમિયાન ‘આમોર’ (લવ) નામની એક ફ્રેન્ચ ફિલ્મ વિશે વાત કરી હતી. આ ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ થઈ રહ્યું છે. એંસી વર્ષ વટાવી ચૂકેલું એક વૃદ્ધ કપલ છે. બન્ને મ્યુઝિક ટીચર છે. એમની દીકરી વિદેશમાં સેટલ થઈ છે. એક દિવસ અચાનક વૃદ્ધાને પેરેલિસિસનો એટેક આવે છે. ધીમે ધીમે એ મૃત્યુ તરફ આગળ વધી રહી છે. પતિ-પત્નીના પ્રેમની આ સૌથી મોટી કસોટી છે. આ હૃદયદ્રાવક અવોર્ડવિનર ફિલ્મ આગામી ઓસ્કર સમારોહમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે હોટ ફેવરિટ ગણાય છે. કલ્પના કરો, આપણી ‘બરફી!’ પણ આ જ કેટેગરી માટે મોકલવામાં આવી છે, જેને  નોમિનેશન મળવાના ચાન્સ પણ નહીવત છે. એક મજાની આડવાત. ‘આમોર’ની નાયિકા સિનિયર એક્ટ્રેસનું નામ ઈમેન્યુએલ રિવા છે, જેના પરથી આપણા પ્રિય લેખક સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષીએ પોતાની પુત્રીનું નામ રિવા રાખ્યું હતું!

French actress Emmaunuelle Riva in 'Amour' 

 
  ‘લાઈક સમવન ઈન લવ’ નામની એક જપાની ફિલ્મ પણ ખાસ્સી ચર્ચામાં છે. એક કોલેજિયન યુવતી છે. ભણવાનો ખર્ચ ઉપાડવા એ રાતે કોલગર્લ તરીકે કામ કરે છે. એક રાતે એક વૃદ્ધ પુરુષ એની પાસે ગ્ર્ાાહક બનીને આવે છે. બીજે દિવસે સવારે પુરુષ એને કોલેજ ડ્રોપ કરે છે ત્યારે યુવતીનો પ્રેમીનો ભેટો થઈ જાય છે. પ્રેમી સમજે છે કે આ માણસ છોકરીના દાદાજી છે! આખરે પ્રેમીને યુવતીનું સિક્રેટ ખબર પડી જાય છે, પણ ત્યાં સુધીમાં યુવતી અને પેલા વૃદ્ધ વચ્ચે અજબ સંબંધ વિકસી ચૂક્યો છે.
 
  સારાહ પોલી નામની કેનેડિયન ફિલ્મમેકરે બનાવેલી ‘સ્ટોરીઝ વી ટેલ’ ફિલ્મનો વિષય ભારે ઈન્ટરેસ્ટિંગ છે. આ એક આત્મકથનાત્મક ડોક્યુમેન્ટરી છે. સારાહને ખબર પડે છે કે એ જેને પોતાના પપ્પા ગણે છે એ માણસ વાસ્તવમાં એના પિતા છે જ નહીં. એના બાયોલોજિકલ ફાધર તો કોઈ બીજું જ છે. પોતે ખરેખર તો માના લગ્નેતર સંબંધનું પરિણામ છે! સારાહ આ ફેમિલી સિક્રેટનો ભેદ ઉકેલવા કમર કસે છે. એ પરિવારના તમામ સભ્યોનું ઈન્ટરોગેશન કરે છે, જેમાંથી નવી નવી વાતો બહાર આવતી જાય છે. સારાહને સમજાય છે કે પરમ સત્ય જેવું કશું હોતું જ નથી. સૌનું પોતપોતાનું આગવું સત્ય હોય છે!

'Liv and Ingmar' 

 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ હોય અને ભારતીય ફિલ્મમેકર્સ રમઝટ ન બોલાવે એવું કેમ બને? આર્કિટેક્ટમાંથી ફિલ્મમેકર બનેલા ધીરજ આકોલકરે ‘લિવ એન્ડ ઈન્ગમેર’ નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. ઈન્ગમેર બર્ગમેન મહાન ફિલ્મમેકર અને લિવ ઉલમેન એક્ટ્રેસ. બન્ને સ્વિડીશ. ધીરજ આકોલકરે લિવ ઉલમેનનો પ્રલંબ ઈન્ટરવ્યુ લીધો છે અને વચ્ચે વચ્ચે બર્ગમેનની ફિલ્મોના ટુકડા મુક્યા છે. રિઝલ્ટ અફલાતૂન આવ્યું છે.

  વિશ્વભરના મહાન અદાકારો વચ્ચે ગુજરાતી રંગભૂમિની સમ્રાજ્ઞી સરિતા જોશીના અભિનયવાળી ફિલ્મ ‘ગંગુબાઈ’નું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. પ્રિયા કૃષ્ણસ્વામીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં એક સંતાનહીન, પતિહીન વયસ્ક સ્ત્રીની વાત છે, જે માથેરાનમાં એક પારસી પરિવારમાં નોકરાણી તરીકે કામ કરે છે. અદભુત ડિઝાઈનવાળી મોંઘીદાટ પારસી સાડી પહેરવાનું ગંગુબાઈની ફેન્ટસી છે. એ પોતાનાં ચાર વર્ષની કમાણી આ સાડી તૈયાર કરાવવામાં નાખી દે છે, પણ....

Swaroop Sampat in 'Saptpadi'

 
 સુપર ટેલેન્ટેડ ગુજરાતી અદાકાર દર્શન ઝરીવાલાની ફિલ્મ ‘સેવ યોર લેગ્ઝ!’નું પ્રીમિયર આજે સાંજે થવાનું છે. ક્રિકેટના બેકગ્ર્ાઉન્ડવાળી આ ઓસ્ટ્રેલિયન ફિલ્મ એક કોમેડી છે. અમિતાભ બચ્ચન કોર્પ લિમિટેડ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ લાંબા સમયથી બની રહી હતી, પણ પછી કોણ જાણે ક્યાં અટવાઈ ગયેલી. ચાલો, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આખરે એના દર્શન થવાના ખરા. આમાં એક મોડર્ન ગુજરાતી પરિવારની વાત છે. મની-માઈન્ડેડ પતિ, પરોપકારી પત્ની અને તેમની વચ્ચે ઊભો થતો તનાવ... નિરંજન થાડે નામના મરાઠી ડિરેક્ટરે બનાવેલી ‘સપ્તપદી’ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ જગતમાં ‘કેવી રીતે જઈશ’ પછીની નેકસ્ટ-બિગ-થિંગ બની રહે એવી પૂરી શક્યતા છે.
 
  છેલ્લે ફેસ્ટિવલની ક્લોઝિંગ ફિલ્મની વાત કરીએ. એનું ટાઈટલ છે, ‘બ્લેન્કેનીવ્ઝ’. આ સ્ેપનિશ ફિલ્મમાં એક બુલફાઈટર આખલા સાથે લડતા લડતા રિંગમાં ભયાનક રીતે ઘાયલ થઈ જાય છે. આ જોઈને એની પ્રેગનન્ટ પત્નીને અધૂરા મહીને વેણ ઉપડે છે. એ દીકરીને જન્મ તો આપે છે, પણ પોતે જીવ છોડી દે છે. અપાહિજ થઈ ગયેલા પુરુષને નવજાત બાળકી દીઠી ગમતી નથી.  એ પોતાની ચાકરી કરનાર નર્સ સાથે લગ્ન કરી લે છે. છોકરી જાણે ઘરનોકર હોય એવો એની સાથે વર્તાવ થાય છે. એક દિવસ છોકરી પિતાની બુલફાઈટિંગ કેપ લઈને નાસી જાય છે. મોરના ઈંડાં જેમ ચીતરવા ન પડે તે ન્યાયે આ છોકરી ખુદ જુનિયર બુલફાઈટર બને છે.
 
 ટૂંકમાં, કલ્પના કરી ન હોય એવા વિષયો, મહાવિચિત્રથી અદભુત કહી શકાય એવી અપરંપાર ફિલ્મો... આયોજનની અંધાધૂંધીને અવગણના કરીએ તો સિનેમા-લવર્સ માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જલસા જ જલસા છે!
 
  શો-સ્ટોપર

 
ફિલ્મમાં એક જ સુપરહિટ ગીત ગાવા મળે તો ય તમારી લાઈફ  બની જાય, પણ મ્યુઝિક કમ્પોઝરો બોલાવે તોને? કામ સામેથી  થોડું ચાલતું ચાલતું ઘરે આવવાનું છે? એ માટે સ્ટુડિયોના ચક્કર લગાવવા પડે, હાથ-પગ હલાવવા પડે... અને હું એક નંબરની આળસુડી છું! 


- ફાલ્ગુની પાઠક 
(ડાંડિયા-ક્વીન)                                                                  
 
 
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment