Saturday, April 21, 2012

રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ....


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૨૨ એપ્રિલ ૨૦૧૨ માટે 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આમ ઈન્સાન હોય કે બોલીવૂડનો હીરો, પિતૃત્વ કશુંક બદલી નાખે છે પુરુષની ભીતર. પિતૃત્વને કારણે જીવનમાં જે અમુક ચોક્કસ ઉઘાડ થાય છે તે કદાચ અન્ય કોઈ રીતે થઈ શકતો નથી. ‘’

Akshay Kumar displaying tattoo of his son's name, Aarav
તાજા તાજા રિલીઝ થયેલા ‘રાઉડી રાઠોડ’ના ટ્રેલરમાં અક્ષય કુમાર પોતાની તલવાર કટ મૂછોની વળ ચડાવીને એકસ્ટ્રાઓને સારી પેઠે ધીબેડે છે. ‘દબંગ’ની અસર હેઠળ બનેલી દેખાતી આ ફિલ્મમાં ખિલાડીકુમારે લાંબા અરસા પછી સીટી મારવાનું મન થાય એવી એક્શન સિકવન્સીસ કરી છે. અક્ષયને પૂછવામાં આવ્યું કે તમે મૂળ રહ્યા એક્શન હીરો, પણ છેલ્લે કેટલાક વર્ષથી ધબાધબીને સાવ વિસારીને કોમેડીએ કેમ ચડી ગયા હતા? અક્ષયે જવાબ આપ્યોઃ  ‘મારા દીકરા આરવને લીધે. પહેલાં હું ફક્કડ ગિરધારી હતો. આગળપાછળનું વિચાર્યા વિના જાતે જોખમી સ્ટંટ્સ કરતો હતો, પણ આરવ જન્મ્યો એ સાથે મારી માનસિકતામાં નક્કર પરિવર્તન આવ્યું. મને થતું કે કોઈક છે, જેનું આખું જીવન મારાં પર નિર્ભર છે. સ્ટંટ કરતી વખતે તમે ગમે તેટલી સાવચેતી રાખો, પણ રિસ્ક ફેક્ટર હંમેશાં રહેતું જ હોય છે. હીરોગીરી કરવામાં, સ્ંટટ કરતી વખતે જે કમાલની એક્સાઈટમેન્ટ થતી હોય છે તેની લાલચમાં કશુંક ન થવાનું થઈ ગયું તો? આરવ આવ્યો પછી લાઈફમાં પહેલી વાર મેં મારી જાતને સ્ટંટ કરતા રોકી અને હું કોમેડી તરફ વળ્યો. એ હવે દસ વર્ષનો થઈ ગયો છે, સમજણો થઈ ગયો છે એટલે હવે હું ખાસ્સો રિલેક્સ્ડ છું. મેં એક્શન ફિલ્મો તરફ નવેસરથી ધ્યાન આપવાનું શરૂ કર્યુ છે તેનું કારણ આ જ.’આમ ઈન્સાન હોય કે બોલીવૂડનો હીરો, પિતૃત્વ કશુંક બદલી નાખે છે માણસની ભીતર. એ નાનકડા જીવમાં પ્રચંડ તાકાત હોય છે જીવનને એક જુદા જ સ્તર પર મૂકી દેવાની. પુરુષનો દષ્ટિકોણ બદલાય છે, એ વધારે માનવીય, વધારે સંવેદનશીલ બને છે. પિતૃત્વને કારણે જીવનમાં જે અમુક ચોક્કસ ઉઘાડ થાય છે તે કદાચ અન્ય કોઈ રીતે થઈ શકતા નથી. અભિષેક બચ્ચનની બેબલી આરાધ્યા મા પર ગઈ છે (થેન્ક ગોડ!) અને અભિષેક એને રમાડતા રમાડતા થાકતો નથી. એ કહે છે, ‘માનો યા ન માનો, પણ આજે મારાં મમ્મીડેડી સાથે જેટલી નિકટતા અનુભવું છું એટલી મેં અગાઉ ક્યારેય નહોતી અનુભવી. મને લાગે છે દરેક નવા પેરેન્ટને આવું જ ફીલ થતું હશે. મને હવે સમજાય છે કે હું ૩૬ વર્ષનો ઢાંઢો થયો તોય મમ્મીડેડી શું કામ મને હજુ બાળકની જેમ જ ટ્રીટ કરે છે!’

Ranvir Shorey with his son Haroon


અભિષેક-ઐશ્વર્યાની બેબલી પાછળ મિડીયા એવું ગાંડું ગાંડું થઈ ગયું હતું કે લગભગ એ જ અરસામાં કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીને ઘરે પણ ઘોડિયું બંધાયું એ વિશે ખાસ લોકોનું ધ્યાન ન ગયું. રણવીર શૌરી કહે છે, ‘સંતાન હોવા વિશે આપણે ખૂબ બધું સાંભળતા હોઈએ છીએ, વાંચતાજોતા હોઈએ છીએ, પણ ખરેખરો અનુભવ આ બધાથી કંઈક વિશેષ જ છે. અચાનક જ તમે એક જાદુ જુઓ છો, એક ચમત્કાર જુઓ છો કે જેને આપણે મનુષ્યજીવન કહીએ છીએ. લગ્ન કરવાં, ઘર માંડવું એ જરાય સહેલું નથી હોતું. બીજા કોઈ પણ નોર્મલ કપલની જેમ અમારે ય બાખડવાનું થાય, ટેન્શન ઊભું થાય, દિમાગ ખરાબ થઈ જાય... પણ પછી જ્યારે મારા નાનકડા દીકરાને જોઉં છું અને અમે ત્રણેય જે રીતે કિલ્લોલ કરીએ છીએ ત્યારે થાય કે બસ, આવી ક્ષણો મળતી રહે તો લાઈફનાં સઘળાં ટેન્શન વસૂલ છે.’

Shahrukh Khan with Suhana and Aryan


શાહરૂખ ખાન બે બચ્ચાંનો બાપ છે આર્યન અને સુહાના. એ કહે છે, ‘હું જ્યારે મારાં બાળકોને જોઉં છું ત્યારે એમના ચહેરા પર મને પ્યોરિટી અને સ્પોન્ટિનિટી દેખાય છે. ગણતરીબાજ દુનિયાદારીથી અને અમે એક્ટરો જેનાથી સતત પીડાતા હોઈએ છીએ એ ઈર્ષ્યાવૃત્તિથી બન્ને જોજનો દૂર છે. એમનું માત્ર નિરીક્ષણ કરવાથી હું જાણે માણસ તરીકે વિકસી રહ્યો હોઉં એવું મને લાગે. હું  કામમાં એટલો બધો બિઝી ક્યારેય બનવા માગતો નથી કે મારાં બચ્ચાંઓનો ગ્રાોથ મારા ધ્યાન બહાર રહી જાય. એવી સફળતાનો મતલબ પણ શું છે?’

ફરહાન અખ્તર જેવો વર્સેટાઈલ માણસ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીજો એકેય નથી. એ પેરેન્ટિંગ વિશે શું કહે છે?  ‘તમે મા કે બાપ બનો છો એ ક્ષણથી જ તમે જીવનને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દો છો. અત્યાર સુધી તમે પ્રવાહમાં વહ્યા કરતા હતા, પણ હવે તમે અટકો છો, વિચારો છે અને પછી જ આગળ વધો છો. મારી દીકરીઓનો જન્મ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એ જન્મી પછી હું ફક્ત પરિવાર તરફ જ નહીં, બલકે કામ પ્રત્યે પણ વધારે જવાબદાર બન્યો. સંતાન ન હોય ત્યાં સુધી માણસ સ્વકેન્દ્રી હોય છે, પણ સંતાનનો જન્મ થતાં જ એ ‘હું’ના કુંડાળામાંથી બહાર આવી જાય છે અને ‘અમે’ના સંદર્ભમાં જીવવા લાગે છે.’

Farhan Akhtar with his daughter and dad


ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરતી વખતેય દીકરીઓ ફરહાન માટે મહત્ત્વનંુ પરિબળ બની રહે છે. એ કહે છે કે હું એવી ફિલ્મો ક્યારેય નહીં કરું જેને સાથે બેસીને જોતી વખતે મને કે મારી દીકરીઓને ઓકવર્ડ ફીલ થાય. ‘મારી દીકરીઓ મારી ફિલ્મોને બહુ જ સ્ટ્રોન્ગલી રિએક્ટ કરે છે,’ ફરહાન ઉમેરે છે, ‘એટલે જ મારી ફિલ્મોમાં સ્ત્રીપાત્રોનું ચિત્રણ કરતી વખતે હું બહુ સભાન રહું છું. એ આજે બાળકી છે, કાલે સ્ત્રી બનશે. હું પડદા પર સ્ત્રીને હલકી ચિતરું કે હલકી નજરથી જોઉં કે એની સાથે હલકી ભાષામાં બોલું કે એમને ખરાબ રીતે ટ્રીટ કરું... હું નથી ઈચ્છતો કે આ બધું મારી દીકરીઓના મનમાં અભાનપણે નોંધાતું રહે.’

નાનાં બચ્ચાં ભલે ઉધામા મચાવતા હોય, પણ એના જેવું સ્ટ્રેસબસ્ટર બીજું એકેય નથી. આ એક આકર્ષક વિરોધિતા છે. અક્ષય કહે છે, ‘હું ભલેને ગમે એટલો થાક્યોપાક્યો ઘરે આવું, પણ મારો દીકરો મારામાં પાછી એનર્જી ભરી દે છે. મને ખરેખર થાય છે કે બાપ બન્યો ન હોત તો મારું એનર્જી લેવલ આટલું ઊંચું ન હોત. એવી જરૂર જ ન પડત. લોકો કહેતા હોય છે કે સંતાનથી માણસને ઉંમરને અહેસાસ થવા માંડે છે, પણ મારો આરવ તો મને જુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે!’

થ્રી ચિયર્સ ફોર ફિલ્મી ફાધર્સ!

શો-સ્ટોપર

જે પૈસા પેદા કરી શકતી નથી એવી કોઈ પણ ચીજ લાંબો સમય સુધી ક્રિયટિવ રહી શકતી નથી.


- મહેશ ભટ્ટ (ફિલ્મમેકર)

No comments:

Post a Comment