Sunday, January 22, 2012

ખ્વોબોં કા પરિંદા


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ - 
૧૫ જાન્યુઆરી ૨૦૧૨


સ્લગઃ મલ્ટિપ્લેક્સ


ટેલેન્ટેડ સિંગર મોહિત ચૌહાણ પહાડો વચ્ચે એક પ્રકારના અવસાદનો અનુભવ કેમ કરે છે? ઝંખનામાં પેદા થતો વિષાદ, કશુંક અગોચર તત્ત્વ જેને તમે જીવનમાં ક્યારેય હાંસલ કરી શકવાના નથી એનો વિષાદ...



સૌથી પહેલાં આ ગીતો મનોમન ગણગણી લો.  વિરહ અનુભવી રહેલા નાયકની લાગણીઓ વ્યક્ત કરતું ‘યે દૂરીયાં...’(લવ આજકલ), પ્રેમિકાને ભૂલવા મથતા પણ ન ભૂલી શકતા નાયકની વેદનાને વાચા આપતુંં ‘તૂઝે ભૂલા દિયા...’ (અંજાના અંજાની), નવા નવા પ્રેમમાં પડેલા હીરોની મીઠી મુંઝવણની વાત કરતું ‘અભી કુછ દિનોં સે’ (દિલ તો બચ્ચા હૈ જી), ભ્રષ્ટ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતું ‘ખૂન ચલા’ (રંગ દે બસંતી), મુક્ત પંખી જેવા મસ્તીભર્યા મિજાજને ઝીલતું ‘મસકલી’ (દિલ્હી સિક્સ) અને વર્ષો પહેલાં ખૂબ લોકપ્રિય બનેલંું પેલું ઈન્ડિપોપ સોંગ ‘ડૂબા ડૂબા’....

આ તમામ ગીતોમાં એક વાત, રાધર, સૂર કોમન છે. આ બધાં ગીતો મોહિત ચૌહાણે ગાયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોહિત હિન્દી ફિલ્મસંગીતમાં એક મહત્ત્વના પ્લેબેક સિંગર તરીકે ઊભર્યા છે. એમાંય એ. આર. રહેમાને કંપોઝ કરેલા ‘રોકસ્ટાર’નાં જબરદસ્ત ગીતો પછી એ એક નવી જ ઊંચાઈ પર પહોંચી ગયા છે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને રહેમાને નક્કી કર્યુ હતું કે ફિલ્મમાં રણબીર કપૂરનો અવાજ એકધારો રહેવો જોઈએ. તેથી ફિલ્મનાં બધાં જ ગીતો એક જ ગાયક પાસે ગવડાવવાં, અલગ અલગ સિંગર પાસે નહીં. તેમણે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મોહિત ચૌહાણ પર પસંદગી ઉતારી. બહુ મોટી જવાબદારી હતી આ, પણ મોહિતે તે બરાબર નિભાવી. ફિલ્મમાં રણબીરનું પાત્ર સંગીતની જન્મજાત પ્રતિભા ધરાવે છે. એ દિલથી ગાય છે, એણે સંગીતની કોઈ પદ્ધતિસર તાલીમ લીધી નથી. મોહિતનું પણ એવું જ છે. રોક્સ્ટરા જોર્ડન સાથે ખુદને એ આઈડેન્ટિફાય કરી શકતા હતા.

૩૮ વર્ષના મોહિતનું ખુદનું મ્યઝિક બેન્ડ હતું, સિલ્ક રુટ, જેનું ૧૯૯૮માં ‘બુંદેં’ નામનું પહેલું  પ્રાઈવેટ આલબમ બહાર પડ્યું હતું. એનું ‘ડૂબા ડૂબા’ ગીત ખાસ્સું ચગ્યું હતું. ૨૦૦૦માં ‘પેહચાન’ આલબમ આવ્યું. તેનાં પાંચ વર્ષ પછી ‘મૈં, મેરી પત્ની અૌર વો’ નામની ફિલ્મનું એક ગીત મોહિત કંપોઝ કર્યુ હતું અને ગાયું હતું. એના અવાજથી પ્રભાવિત થઈને એ. આર. રહેમાને એમને ‘રંગ દે બસંતી’ (૨૦૦૬)માં ચાન્સ આપ્યો અને  ‘ખૂન ચલા’ ગીત ઘણું વખણાયું. ત્યાર બાદ પ્રીતમે  એમની પાસે ‘જબ વી મેટ’ (૨૦૦૭) માટે એક ગીત ગવડાવ્યું જેના શબ્દો હતા ‘તુમ સે હી’. આ ગીત અને ફિલ્મ બન્ને હિટ થયાં અને મોહિતને બોલીવૂડના મેઈનસ્ટ્રીમ  પ્લેબેક સિંગર તરીકે વિધિવત સ્વીકૃતી મળી. તાજેતરમાં ‘પ્લેયર્સ’માં મોહિતે ‘દિલ યે બેકરાર ક્યૂં હૈ’ ગીત ગાયું છે.



‘પ્રીતમનું એવું એ છે કે ઘણી વાર એ ગીતના રેકોર્ડિંગ વખતે ગેરહાજર રહે અને એનો આસિસ્ટન્ટ કામ સંભાળી લે. ગીત રેકોર્ડ થઈ જાય પણી આસિસ્ટન્ટ પ્રીતમને ફોન પર ગીત સંભળાવે. ગીત ધ્યાનપૂર્વક સાંભળી લીધા પછી પ્રીતમ મને ફોન પર જ કહેશેઃ મોહિત, જો, તેં સરસ ગાયું છે, ફક્ત એન્ડમાં જરાક આ રીતે ફેરફાર કરવા જેવો લાગે છે, બાકી સબ સહી હૈ...’ પ્રીતમ સાથેના અનુભવની વાત કર્યા પછી મોહિત એક મુલાકાતમાં રહેમાન વિશે કહે છે, ‘રહેમાનની સેન્સ-ઓફ-હ્યુમર કમાલની છે. જોકે એ છે બહુ ઓછાબોલા. એ તમને ખૂબ મોકળાશ આપશે. ગીતમાં અણધાર્યા આરોહ-અવરોહ લાવશે. મ્યુઝિકના જુદા જુદા ટુકડાઓને એકમેેકમાં ભેળવતા રહેમાનને બહુ સરસ આવડે છે.’

મોહિતે જિંગલ્સ પણ ઘણાં ગાયાં છે.  પેરાશૂટ, વ્હીલ, મારુતિ ઓલ્ટો, નેસ્કેફે, વિક્સ વેપોરબ વગેરેની ટીવી એડ્સમાં હજુય મોહિતનો અવાજ સાંભળવા મળે છે. પાપી પેટ ખાતર ખાતર મોહિતે જિંગલ્સ ગાયાં હોય તે બરાબર છે, બાકી સંગીત પ્રત્યેના એમના અપ્રોચમાં પૂરી ગંભીરતા છે. એ કહે છે, ‘મારા માટે સંગીત સ્વયં એક પ્રકારનું સૂફીઝમ છે. હું બે કલાક સુધી એકધારો જેમિંગ કરતો હોઉં ત્યારે મારા દિમાગમાં સંગીત સિવાય બીજું કશું હોતું નથી (જેમિંગ અથવા તો જેમ સેશન એટલે સંગીતની એવી બેઠક જેમાં એક કરતાં વધારે ગાયકોસાજિંદાઓ વિશેષ પૂર્વતૈયારી વગર, સ્પોન્ટેનીયસલી સંગીત સર્જતા જાય અને ઈમ્પ્રોવાઈઝ કરતા જાય). મારા માટે આવી બેઠકો મેડિટેશનનો જ એક પ્રકાર છે.’

મોહિત હિમાચલ પ્રદેશના વતની છે. એ પહાડી માણસ છે. એ કહે છે, ‘હું પહાડો વચ્ચે હોઉં ત્યારે એક પ્રકારના અવસાદનો અનુભવ કરતો હોઉં છું. પહાડો મારામાં ઝીણો વિષાદભાવ પેદા કરે છે. ઝંખનામાંથી પેદા થતો વિષાદ, કશુંક અગોચર તત્ત્વ જેને તમે જીવનમાં ક્યારેય હાંસલ કરી શકવાના નથી એનો વિષાદ. એવું નથી કે પહાડો વચ્ચે હોઉં ત્યારે સતત મારા મનમાં આ લાગણી ઘૂમરાતી રહે છે, પણ સબ-કોન્શિયસ લેવલ પર ક્યાંક આ સૂક્ષ્મ પીડાનો અહેસાસ થતો હોય છે...’

ગાયકસંગીતકાર માણસને, નેચરલી, સંગીત રચવામાં જ સૌથી વધારે ખુશી મળે. મોહિત ચૌહાણ કહે છે, ‘હું ગાતો હોઉં છું ત્યારે સૌથી સુખી હોઉં છું. તે વખતે હું, હું હોઉં છું. હું કોઈ વાતથી અતિ આનંદિત પણ થતો નથી કે અતિ દુખી પણ થતો નથી. હું પહેલેથી જ આવો છું. ક્યારેક કોઈ વાતનું દુખ થાય પણ પાંચ-દસ મિનિટમાં પાછો નોર્મલ થઈ જાઉં અને કામે ચડી જાઉં.’

‘કમીને’ના ‘પહેલી બાર મહોબ્બત કી હૈ’ ગીત પછી વિશાલ ભારદ્વાજે પોતાની આગામી ફિલ્મ ‘માતૃ કી બીજલી કા મંડોલા’ માટે પણ મોહિત પાસે ગીતો ગવડાવ્યાં છે. આ ગીતો સાંભળવાની પ્રતીક્ષા રહેશે.

શો સ્ટોપર

મારું પેશન સંગીત નહીં, પણ કૂકિંગ છે. સંગીતથી તો હું ઓલરેડી પરિચિત છું. નવી વસ્તુ, અજાણ્યાં ક્ષેત્રો હંમેશાં સહેજ વધારે ઈન્ટરેસ્ટિંગ લાગતાં હોય છે.

- શંકર મહાદેવન (ગાયક - સંગીતકાર) 

No comments:

Post a Comment